Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક એવો પરિવાર જેની વહુઓ લગ્નનાં વર્ષો પછી પણ ભણી છે

એક એવો પરિવાર જેની વહુઓ લગ્નનાં વર્ષો પછી પણ ભણી છે

24 April, 2024 12:05 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક સમય હતો જ્યારે છોકરીઓને ભણાવવામાં નહોતી આવતી અને આજનો સમય છે જ્યારે છોકરીઓ ખૂબ ભણી રહી છે.

દેઢિયા પરિવાર

યે જો હૈ ઝિંદગી

દેઢિયા પરિવાર


લગ્ન પછી સ્ત્રીનું ભણવાનું કે નોકરી છૂટી જાય કે છોડાવી દેવામાં આવે એવા કિસ્સાઓ સમાજમાં ઘણા જોવા મળે છે, પરંતુ જાણીને ખુશી થાય એવી વાત એ છે કે આપણા જ સમાજમાં એક દેઢિયા પરિવાર પણ છે જેને ત્યાં લગ્ન પછી ભણવાની પરંપરા જોડાયેલી છે. જે સમયે સ્ત્રીઓ ઘૂમટામાં હતી એ સમયે લગ્ન પછી SSC થયેલાં હીરાવંતી દેઢિયાની પુત્રવધૂઓ અને પૌત્રવધૂઓએ પણ તેમનાથી પ્રેરણા લઈને લગ્ન પછી પોતાનું ભણતર પૂરું કર્યું છે

એક સમય હતો જ્યારે છોકરીઓને ભણાવવામાં નહોતી આવતી અને આજનો સમય છે જ્યારે છોકરીઓ ખૂબ ભણી રહી છે. આ બન્ને સમયગાળા વચ્ચે ત્રણ પેઢીઓ પસાર થઈ ચૂકી છે. આ બદલાવ દેખાય છે એટલો સહજ નથી; એની પાછળ ઘણા લોકોના ઉચ્ચ વિચારો, અઢળક સપોર્ટ અને પરિવર્તનની દૃઢ ઇચ્છા સમાયેલી છે. પેઢી-દર પેઢી એક સ્ત્રીએ બીજી સ્ત્રીને આપેલા સાથના વિશ્વાસ અને વારસામાં આપેલી આગળ વધવાની ધગશને કારણે સ્ત્રીઓ આગળ વધી છે અને વધતી રહેશે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મૂળ કચ્છના બિદડા ગામનો અને મુંબઈમાં સ્થાયી થયેલો દેઢિયા પરિવાર, જેમાં પુત્રધૂઓને ભણાવવાની પરંપરા કેળવવામાં આવી છે. તમે એવાં કુટુંબો તો ઘણાં જોયાં હશે જ્યાં છોકરી પરણીને જાય પછી તેનું ભણવાનું કે તેની નોકરી છૂટી જતી હોય કે છોડાવી દેવામાં આવતી હોય છે, પરંતુ દેઢિયા પરિવારે વર્ષોથી પુત્રવધૂઓનાં સપનાંઓને માન આપ્યું છે અને લગ્નનાં ઘણાં વર્ષો પછી પણ તેમની ભણવાની ધગશમાં તેમને પૂરો સાથ આપ્યો છે. 

સ્ત્રીઓનું ભણતર જરૂરી 
દેઢિયા પરિવારનાં વડીલ તેમનાં માતુશ્રી હીરાવંતી દેઢિયા હાલમાં વિરાર રહે છે અને ૯૪ વર્ષનાં છે. તેમના જમાનામાં તે ૭ ચોપડી ભણેલાં. એ પછી એ સમયનો BEd જેવો કોઈ કોર્સ કરી તે મુંબઈની મ્યુનિસિપલ સ્કૂલમાં ટીચર તરીકે જોડાયાં હતાં. આ એ સમયની વાત છે જ્યારે સ્ત્રીઓ ઘૂંઘટમાં રહેતી. લગ્નનાં ૧૭ વર્ષ પછી તેમણે પોતાના મોટા દીકરાની સાથે જ SSCની પરીક્ષા આપી હતી. એ પછી તેમનો ટીચર તરીકે ગ્રેડ પણ વધ્યો અને રિટાયર થયા પહેલાં ૬ વર્ષ તો તે સ્કૂલનાં પ્રિન્સિપાલ પણ હતાં. પોતાને ભણવાની પ્રેરણા કઈ રીતે મળી એ વાત કરતાં હીરાવંતીબહેન કહે છે, ‘મારા પિતા પાસુભાઈ ખીયશી પુરિયા ગાંધીવાદી હતા અને સ્વાતંયસૈનિક સેનાની હતા. તેમણે મને ભણાવી. ભણતરનું મૂલ્ય મેં તેમની પાસેથી શીખ્યું. હું એક શિક્ષિકા હતી એટલે આખી જિંદગી મેં લોકોને ભણતરનું મૂલ્ય સમજાવ્યું છે. સ્ત્રીઓ ભણે એ જરૂરી જ છે. સમાજે એ ખાસ સમજ કેળવવાની જ છે.’ 



ભણતર છોડવાનો વસવસો
હીરાવંતીબહેનના ચાર દીકરાઓ છે. તેમની ચાર વહુઓમાંથી બે વહુઓને એમ હતું કે તેમને ભણવું છે. આ નિર્ણયથી સૌથી વધુ આનંદ હીરાવંતીબહેનને થયો. તેમની બીજા નંબરની પુત્રવધૂ દમયંતી દેઢિયાએ લગ્નનાં ૩૫ વર્ષ બાદ બૅચલર ઑફ આર્ટ‍્સની ડિગ્રી મેળવી હતી. પોતાની વાત કરતાં બોરીવલીમાં રહેતાં ૬૮ વર્ષનાં દમયંતીબહેન કહે છે, ‘અમારા સમયમાં ૧૧મું ધોરણ SSC મનાતું. એના પછી ૪ વર્ષ ભણો એટલે સ્નાતકની ડિગ્રી મળતી. મેં બે વર્ષ કરેલાં પણ પછી ભણતર છોડવું પડ્યું હતું, જેનો વસવસો મને ખૂબ હતો. પછી લગ્ન થયાં. બાળકો થયાં. તેમને મોટાં કરવામાં અને સાંસારિક જવાબદારીઓ નિભાવવામાં સમય જતો રહ્યો. મારા ત્રણ છોકરાઓ છે. એ બધા સેટલ થઈ ગયા પછી મેં આ વાત મૂકી કે હું ભણવા માગું છું. મારી આ વાતને ઘરની દરેક વ્યક્તિએ વધાવી લીધી અને મેં SNDT યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું.’ 


અને મને પાંખો ફૂટી
સામાન્ય રીતે બાળકો સેટલ્ડ હોય, પરિવાર સંપન્ન હોય તો કોઈ વસ્તુની અછત કે અધૂરપ લાગવી ન જોઈએ, પરંતુ દમયંતીબહેનને એવું નહોતું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી પાસે સ્નાતકની ડિગ્રી નહોતી એ વાત મને ખૂબ ખટકતી. મને લાગતું કે હું એના વગર અપૂર્ણ છું. હકીકતે આટલાં વર્ષો ભણવાનું છૂટ્યું હોય તો ફરીથી એ શરૂ કરવું અઘરું છે એમ લોકો મને કહેતા, પણ ખરું કહું તો મને તો હું કૉલેજ જતી ત્યારે લાગતું કે મારી પાંખો ફૂટી છે. વાંચવાનું, લખવાનું, યાદ રાખવાનું, સમજવાનું આ બધું જ મને અતિશય ગમતું. મને ઘરના લોકોનો સાથ પણ ભરપૂર હતો. ૩૫-૪૦ વર્ષ પછી મેં કૉલેજમાં પગ મૂક્યો ત્યારે એ લાગણી જ અલગ હતી. જેની ભણવાની ચાહ અધૂરી રહી ગઈ છે એવી દરેક સ્ત્રીને હું કહીશ કે ઉંમર ન જોતાં, ચોક્કસ ભણવાનું પૂરું કરજો, એ તમને ખરી પૂર્ણતા આપશે.’ 

શિક્ષિકા જ્યારે ભણ્યાં
હીરાવંતીબહેનની ત્રીજા નંબરની વહુ એટલે કે હાલમાં ૬૭ વર્ષનાં થાણે રહેતાં ભારતી દેઢિયાએ લગ્નનાં ૧૭ વર્ષ બાદ BEd કર્યું હતું એટલું જ નહીં, આખી મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે નવમો ક્રમાંક પણ હાંસલ કર્યો હતો. લગ્ન પહેલાં તેમની પાસે MAની ડિગ્રી હતી અને નાલાસોપારા ઈસ્ટમાં આવેલી આદર્શ એજ્યુકેશન સોસાયટીની કપોળ સ્કૂલમાં શિક્ષિકા તરીકે તેઓ કાર્યરત હતાં. પોતાની વાત કરતાં ભારતીબહેન કહે છે, ‘મને સ્કૂલમાંથી બધાએ ખૂબ કહ્યું કે તારે BEd કરી લેવું જોઈએ, પરંતુ લગ્ન પછી ઘર અને બાળકોની જવાબદારી મૂકીને ભણવાનું મને મંજૂર નહોતું. સ્કૂલમાં નોકરી ચાલુ રાખી અને મારો દીકરો મોટો થઈ ગયો પછી મેં ખારની એક કૉલેજમાં ઍડ્મિશન લીધું. એનાથી મને ઘણો ફાયદો થયો. મારા ગ્રેડમાં ફરક પડ્યો. નિવૃત્ત થયા પછી પેન્શન પણ સારું મળ્યું.’


પતિ બન્યા પ્રેરણા
ભારતીબહેનના પતિ ભરતભાઈ ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર છે. તેમણે પણ એન્જિનિયર તરીકેની ડિગ્રી લગ્ન પછી મેળવી હતી. એ સમયે તે સવારે ૬ વાગ્યે ઘરેથી જતા અને રાત્રે સાડાનવ વાગ્યે ઘરે આવતા. ભણવાનું અને જૉબ બન્ને સાથે કરતા. તે ભારતીબહેનની પ્રેરણા બન્યા. એના વિશે વાત કરતાં ભારતીબહેન કહે છે, ‘કશું કરવું હોય તો ભોગ તો આપવો જ પડે. BEd કરવા માટે કે જૉબ કરવા માટે હું જેટલી તત્પર હતી એટલી જ મારા ઘર અને બાળક માટે સમર્પિત હતી. સવારે ૩.૩૦ વાગ્યે ઊઠીને રસોઈ બનાવીને હું પોણાસાતે સ્કૂલ પહોંચતી અને ત્યાંથી સીધી કૉલેજ. ઘરે આવતાં મને સાડાઆઠ વાગી જતા. ખેંચવું પડે પણ કરવું છે એ નિર્ધાર રાખીએ તો કરી શકીએ.’  

મૉડર્ન વિચારસરણી
ભારતીબહેનની વહુ એકતા દેઢિયા ફ્રાન્સમાં રહે છે. ફ્રાન્સ જેવા દેશમાં આગળ વધવા માટે ત્યાંની ભાષા શીખવી જરૂરી છે. લગ્નનાં ૧૧ વર્ષ બાદ તેણે ફ્રેન્ચમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી. એ વિશે વાત કરતાં ભારતીબહેન કહે છે, ‘મારી પૌત્રી પણ છે એટલે કે એકતા અને નીરવની દીકરી. વિદેશમાં એકલા રહેવું, ઘરનાં બધાં કામ જાતે કરવાં અને બાળકને મોટું કરવું એ પણ તમારો ખૂબ બધો સમય લે એવી વસ્તુ છે. છતાં ફ્રાન્સમાં રહીને ત્યાંની ભાષા શીખવી જરૂરી છે એ સમજીને તેણે પણ ખૂબ ઉત્સાહ સાથે, મહેનત કરી અને ફ્રેન્ચમાં ડિપ્લોમા કર્યો.’
એ વિશે વાત કરતાં એકતા કહે છે, ‘મૉડર્ન યુગમાં તો આજે લોકો છોકરીઓના ભણતરને મહત્ત્વ આપે છે પરંતુ અમારા વડીલોએ ત્યારે આ બધું કર્યું છે જ્યારે સમાજમાં ગણ્યાગાંઠ્યા કિસ્સાઓ હતા. અમારું સૌભાગ્ય છે કે અમારું ઘર પહેલેથી એ રીતે મૉડર્ન વિચારસરણી ધરાવતું હતું.’

વડીલોએ બનાવેલા રસ્તે
દેઢિયા પરિવારની પૌત્રવધૂ એટલે કે હીરાવંતીબહેનના મોટા દીકરા પ્રદીપભાઈના દીકરાની પત્ની પ્રાચી તેજસ દેઢિયા હાલમાં યુનાઇટેડ કિંગ્ડમમાં રહે છે. તેણે લગ્નનાં ૪ વર્ષ પછી ઇંગ્લૅન્ડની કૉલેજમાંથી અકાઉન્ટિંગ અને ફાઇનૅન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવીને ખાનદાની પરંપરા આગળ વધારી છે. એના વિશે વાત કરતાં પ્રાચી કહે છે, ‘અમારા ઘરની પ્રણાલી છે કે અહીં ઉંમર કે પરિસ્થિતિ સાથે લેવાદેવા નથી. ભણતર માટે પીછેહઠ કોઈ કરતું નથી. જેને ભણવું છે તે ચોક્કસ ભણે છે. અમે જે કર્યું છે એ મોટી ઉપલબ્ધિ નથી. અમે તો એ રસ્તે જ ચાલ્યા છીએ જે અમારા વડીલોએ પહેલેથી બનાવેલો છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 12:05 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK