Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!

વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!

23 October, 2021 05:34 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

જ્યારે પ્રાઇમસનો ઠાઠ દેશી રજવાડાંના ઠાકોરસાહેબ જેવો હતો અને નાહવાનું પાણી ગરમ કરવા માટે તાંબાનો બંબો. એ દિવસોની નૉસ્ટૅલ્જિક યાદો આજે વાગોળીએ

ઓ નળ આવ્યો રે!

ઓ નળ આવ્યો રે!


‘માગ, માગ, વત્સ, હું તારા પર પ્રસન્ન છું.’ 
‘આજે સવારે બ્રહ્મ મુહૂર્તમાં અમને આ શબ્દો સંભળાયા. ના, ના, અમે કાંઈ ‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી’ ત્યારે સૂઈ ન રહેનારા ‘સાધુપુરુષ’ નથી, પણ અમે અમારા પૂરતો એક નિયમ બનાવ્યો છે કે જાગ્યા ત્યારથી સવાર. સૂતી વખતે અમે ચશ્માં કાઢી નાખ્યાં હતાં એટલે આ બોલનાર કોણ છે એ બરાબર દેખાયું નહીં એટલે આપ કોણ છો અને મારા પર શા કારણસર રીઝ્‍યાં છો?’ 


‘મને ન ઓળખી? હું જગદમ્બા.’ 

‘પેલા ૫૧૫ નંબરના ફ્લૅટમાં રહેતા જગતભાઈની મા?’
 ‘અરે અલ્પમતિ! એ પાંચસો પંદરિયા જગતની નહીં, હું તો આખા જગતની, વિશ્વની મા છું અને તારા પર પ્રસન્ન થઈ છું એટલે વરદાન આપવા આવી છું. જે માગવું હોય તે ઝટ માગી લે વત્સ, મારે બીજી પણ અપૉઇન્ટમેન્ટ હોયને?’ 

માન ન માન, મૈં તેરી મહેમાન જેવાં આ માતાજીને ઝટ વિદાય કરવા અમે કહ્યું, ‘બીજું તો કંઈ નહીં, પણ આ કાંદા-ટમેટાંના ભાવ નીચા આવે તોય ઘણું.’ 
‘વત્સ, ભાવનિયંત્રણ ખાતું મારા હાથમાં નથી, સરકારશ્રીના હાથમાં છે. એટલે બીજું કંઈ ઝટ માગી લે.’
અને કોણ જાણે ક્યાંથી, આપના આ સેવકને તુક્કો સૂઝ્‍યો, ‘મા, આપવું જ હોય તો મને ટાઇમ મશીન આપો.’ 
‘આંગ્લ ભાષાના નવલકથાકાર એચ. જી. વેલ્સ પાસે હતું એવું?’ 
આ સાંભળી અમે તો પથારીમાં બેઠા થઈ ગયા. ‘આપ એચ. જી. વેલ્સ અને એના ટાઇમ મશીન વિશે પણ જાણો છો?’ 
‘અરે ઓ મંદબુદ્ધિ! તારી આ દુનિયામાં એવું કશું નથી જે હું જાણતી ન હોઉં અને જે હું પ્રસન્ન થાઉં તો આપી ન શકું.’ 
‘એટલે મને એ આપશો?’ 
‘હા, પણ બે શરતે. પહેલી એ કે એ મશીન વડે તું કેવળ ભૂતકાળમાં જ જઈ શકીશ, ભવિષ્યમાં નહીં. કારણ તું ભવિષ્યમાં જાય તો સરકારને માટે સિક્યૉરિટી પ્રૉબ્લેમ થઈ શકે.’ 
ભાગતા ભૂતની ચોટલી સહી, એમ વિચારીને અમે કહ્યું, ‘ભલે, પણ આપો તો ખરાં જ.’
 દેવી ઉવાચ : ‘બીજી શરત એ કે ભૂતકાળમાં પણ તું માત્ર ૮૦ વર્ષ સુધી જ પાછળ જઈ શકીશ.’ 
‘મંજૂર છે.’ 
અને જગદંબાએ અમને આપી દીધું ટાઇમ મશીન.
વાગી ઘર-ઘરમાં હાક,
ઓ નળ આવ્યો રે!
મૂકો બીજાં ઘરનાં કામ,
ઓ નળ આવ્યો રે.
આ પંક્તિઓ એ જમાનામાં 
ઘરે-ઘરે વહેલી સવારે ગિરગામ, કાલબાદેવી, ભીંડીબજાર, પાયધૂની જેવા લત્તાઓના મધ્યમ વર્ગના લગભગ દરેક ઘરમા ગુંજતી નહીં, ગાજતી. એ વખતે સવાર-સાંજ એકાદ કલાક નળમાં પાણી આવે ત્યારે ઘર-ઘરમાં આખા દિવસ માટેનું પાણી ભરી લેવું પડતું. આ નળરાજાની સવારી પણ ધૂમધડાકા સાથે આવતી. નળ ખોલો એટલે પહેલાં તો ભખ્ ભખ્ કરતી જોશબંધ હવાની સવારી આવે. પછી એ અવાજ કોઈ પડછંદ પુરુષ ખોંખારા ખાતો હોય એવો થાય, ખોઉં, ખોઉં, ખોઉં. પછી વધુ હવા ને થોડું પાણી આવે. પછી હવા હારી જાય અને પાણી ધોધમાર વહેવા લાગે. ઘરવાળી પાણી ભરતી જાય અને ગામડામાં પાછળ મૂકેલું ગીત, બીજું કોઈ જાગી ન જાય એવા હળવા સાદે ગણગણતી જાય ઃ
ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, 
કેમ કરી પાણીડાં જવાય રે,
ભમ્મરિયા કૂવાને કાંઠડે.
અને હા, બ્રહ્મની જેમ આજે સર્વવ્યાપી બની ગયેલા પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ ત્યારે સાવ અજાણ્યાં હતાં. એટલે મોટું ઘર હોય તો બે-ત્રણ પીપડામાં રબરની ટ્યુબથી પાણી ભરવું પડે. રસોડાના નળને મોઢે સફેદ માદરપાટનું ગળણું બાંધીને પાણી માટલામાં ભરી લેવાનું. જાત-ભાતનાં વૉટર-ફિલ્ટર વગરનું પાણી પીવા છતાં લોકો આજ કરતાં વધુ માંદા પડતા નહોતા. માટલાં બે જાતનાં, કાળી માટીનાં અને લાલ માટીનાં. કુંભાર ટુકડાથી વર્ષે-બે વર્ષે નવાં માટલાં લઈ આવવાનાં. બે પાંદડે સુખી ઘરમાં માટલા પર પિત્તળનું બુઝારું ઢાંક્યું હોય. કેટલાંક ઘરમાં નળવાળી કોઠી વપરાય, કાં સફેદ, કાં આછી લાલ. એના પર માટીનું જ ઢાંકણું હોય. એ વખતે પીવાનું પાણી ફ્રિજનું ઓશિયાળું નહોતું એટલે માટલામાં પણ ઠંડું રહેતું.
પાણી ભરાઈ જાય એટલે ‘કાલા દંતમંજન’થી દાંત ઘસી ઘસીને સાફ કરવાના. જોકે મોટેરાઓ તો લીલાછમ્મ દાતણ જ વાપરે. રાતે સૂતાં પહેલાં ઘરની વહુઆરુએ કાપીને ત્રાંબાના કળશામાં પલાળી રાખ્યાં હોય. 
પ્રાઇમસની પૂજા
પછી રસોડામાં પ્રાઇમસદેવની પૂજા શરૂ થાય. સવારની ચા માટે ઘણાંખરાં ઘરોમાં આ પ્રાઇમસ કહેતાં કેરોસીનનો સ્ટવ વપરાય. પ્રાઇમસનો ઠાઠ ત્રીજા વર્ગના દેશી રજવાડાંના ઠાકોરસાહેબ જેવો. સાથે બે-ચાર હજૂરિયા જોઈએ જ. પહેલો તો બે અર્ધગોળાકાર ધરાવતો કાળો કાકડો. સાથે હોય દાસી જેવી ઘાસલેટની નાની બાટલી. કાકડાના બન્ને અર્ધ ગોળાકાર વારાફરતી ઘાસલેટમાં બોળવાના. પછી પ્રાઇમસઠાકોરના ગળામાં હાર પહેરાવતા હોઈએ એમ કાકડો પ્રાઇમસના મોઢિયા આસપાસ મૂકવાનો. પછી આવે માચીસ કહેતાં બાકસનો વારો. મોટા ભાગે પીળા રંગના લેબલવાળું વિમકો કંપનીનું. બાકસ હવાઈ ન જાય એટલે એના પર હલકી ધાતુનું ખોળિયું હોય. દિવાસળી સળગાવીને કાકડાને ચાંપવાની. સાથોસાથ પમ્પથી હવા ભરવાની, ઠાકોરસાહેબના કાનમાં ખોટાં વખાણની જેમ. એટલે બાપુ રંગમાં આવી જાય, ને ભખ ભખ કરતા આખા મોઢિયાને અજવાળી દે. એટલે માથે પાઘડીની જેમ મુકાય ચા માટેના પાણીની તપેલી. ક્યારેક પ્રાઇમસરાજા આળસુ થઈ જાય તો રાણી જેવી પિન ઘડીના છઠ્ઠા ભાગમાં એને ઠેકાણે લાવી દે.  
સહુની જુદી-જુદી ચા
ઘર-ઘરની ચા બનાવવાની રીત જુદી. ક્યાંક પહેલાં પાણી, પછી દૂધ, પછી ખાંડ, પછી ચા-પત્તી, વારાફરતી નખાય. તો ક્યાંક બધું એકસાથે ચૂલે - સૉરી, પ્રાઇમસે ચડે અને હા, ચાના મસાલા વગર બનેલી ચાને તો ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહીં. એ તો માંદાને પીવાનું ગરમ પાણી. હા, મસાલાને બદલે ફુદીનો, લીલી ચા, તાજું પીસેલું આદું, કે વારતહેવારે એલચી-કેસર ચાલે. ડાયાબિટીઝની ઐસીતૈસી. કપદીઠ બે ચમચી ખાંડ તો હોય જ. કેટલાક મીઠડાઓ તો પાછા ઉપરથી ખાંડ ઉમેરે. ફળફળતી ચા, ગરણીથી ગળાઈને સીધી કપમાં. કપની નીચે રકાબી. બન્ને એકસરખાં જાત-ભાતનાં હોય એ જરૂરી નહીં. વિધવા થયેલી રકાબી અને વિધુર થયેલા કપનાં પુનર્લગ્ન રોજ થાય. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી આવી ગયાં હતાં, પણ ગલઢેરાં એને અપવિત્ર માનતાં અને પિત્તળનાં કપ-રકાબીનો આગ્રહ રાખતાં. ઘણાં ઘરમાં એક-બે કાળાં ઘેટાં હોય, ચા ન પીએ, પણ ‘કાફી’ પીએ. ઇન્સ્ટન્ટ કૉફી ત્યારે અજાણી. કૉફીનો થોડો ખરબચડો પાઉડર દૂધ-પાણીમાં નાખીને ઉકાળવાનો. સાથે બે ચમચી ખાંડ તો ખરી જ. ઘરનાં બાળકોને મોટા ભાગે શરૂઆતમાં ચા-કૉફી ન અપાય. પોસાણ પ્રમાણે અડધો-પોણો કપ ગરમ દૂધ અપાય. પણ પછી ધીમે-ધીમે એમાંનાં મોટા ભાગનાં ચા પીતાં થઈ જાય. 
તાંબાનો બંબો
ચા પીધા પછી વારાફરતી નાહી લેવાનું. મધ્યમ વર્ગના ઘરમાં શાવરબાથ અજાણ્યો. રનિંગ વૉટર જ ન હોય ત્યાં શાવર શું કામનો? સવારે પાણી ભર્યા પછી તાંબાનો ‘બંબો’ પેટાવીને પાણી ગરમ કરવા મૂક્યું હોય. એમાંથી થોડું ગરમ પાણી બાલદીમાં લઈ એમાં સમોવણ ઉમેરી લોટાથી નાહી લેવાનું. અને સમોવણ માટે નરસિંહ મહેતાની જેમ મલ્હાર રાગ ગાવાની જરૂર ન પડે. નળનું પાણી પીપડામાં ભર્યું હોય એમાંથી લઈ લેવાનું. ટર્કિશ ટૉવેલ અજાણ્યા. ગમછા જેવા પાતળા ટૉવેલ વપરાય. સાબુ ઘણાખરા ઘરમાં, પણ બજારમાં બે-ચાર બ્રૅન્ડના જ મળે. કપડાં ધોવા માટેના ડિટર્જન્ટ પાઉડર હજી આવ્યા નહોતા. કપડાં ધોવાના પીળા રંગના સાબુના લાટા વપરાતા. રોજ થોડો-થોડો છીણીને પાણીમાં ઉકાળવાનો. પછી એ સાબુવાળું પાણી બાલદીમાં રેડીને એમાં કપડાં બાફવાનાં. લાકડાનો ધોકો મારીને ધોવાનાં. ઘરની બહાર બાંધેલી કાથાની દોરી પર લાકડાની ક્લિપ મારીને સૂકવી દેવાનાં. કપડાં ધોવાનાં મશીન આવશે એવી તો ત્યારે કલ્પનાય નહીં.
આજના જેવો બ્રેકફાસ્ટનો વિધિ ત્યારે અજાણ્યો. ઘણાં ઘરમાં આઠેક વાગ્યે ‘બીજી વારની ચા’નો રિવાજ. એની સાથે ચવાણું, ગાંઠિયા કે એક-બે ખાખરા ખાઈ લેવાના. હા, આ ખાખરા એ આજે બજારમાં મળતા ૪૦-૫૦ જાતના ખાખરા નહીં હોં! કારણ, ત્યારે બજારમાં ખાખરા મળતા નહીં. આગલા દિવસની રોટલીને લોઢી પર શેકીને ઘરે બનાવેલા તાજા ખાખરા. ઉપર લગાડવાનું ઘરે બનાવેલું ઘી – એ ‘શુદ્ધ’ હોય એવું કહેવાની જરૂર જ નહીં. ‘ડાયટિંગ’ શબ્દ એ વખતે લગભગ અજાણ્યો. પણ સાદું ખાવું, સારું ખાવું, ઘરનું બનાવેલું ખાવું એવું ઘણાખરા માને. એ વખતે દૂધ તો ગરમ કરીને જ વપરાય એવો રિવાજ. ફ્રિજ તો હતાં નહીં એટલે ઠંડા દૂધનો સવાલ જ નહોતો. 
હવે થયો છે ઘરની બહાર નીકળવાનો સમય. સાથોસાથ આજની વાત પૂરી કરવાનો સમય પણ થઈ ગયો છે 
એટલે ઘરની બહાર મળીશું હવે પછીના શનિવારે.
 
આવી ગમ્મત પણ થાય...!
આને કારણે એક વાર ભારે ગમ્મત થયેલી. છેક ૧૯૯૪માં એક જાણીતી પરદેશી કંપનીએ એના બ્રેકફાસ્ટ સિરિયલ્સ મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં લૉન્ચ કર્યા, એક સવારે. મહેમાનો માટે ટેબલ્સ પર સિરિયલ્સ અને ઠંડા દૂધના જગ. હોટેલના મૅનેજરે કહેલું કે ‘સાહેબ, સાથે ગરમ દૂધના જગ પણ મૂકો.’ પણ કંપનીવાળા માન્યા નહીં. પરિણામે અડધા મહેમાનોએ સિરિયલ્સને હાથ પણ ન અડાડ્યો. કારણ એ વખતે આપણા લોકો ગરમ દૂધના જ હેવાયા.
Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 05:34 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK