Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિવૉર્સ એટલે અંત નહીં, એક સંવેદનશીલ શરૂઆત પણ હોઈ શકે

ડિવૉર્સ એટલે અંત નહીં, એક સંવેદનશીલ શરૂઆત પણ હોઈ શકે

Published : 03 February, 2026 01:08 PM | Modified : 03 February, 2026 01:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલી અપેક્ષાઓ તૂટી હોય છે, કેટલાં અરમાનો અને સપનાં વેરવિખેર થઈ ગયાં હોય છે ત્યારે નછૂટકે છૂટાછેડાનો નિર્ણય લેવાતો હોય છે. આવા નિર્ણય પર આવતાં પહેલાં બન્ને વચ્ચે લાંબું અકળાવનારું મૌન રચાયું હોય છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


કોઈના ડિવૉર્સ થયા એવું સાંભળતાં જ આજના દિવસે પણ લોકોના મોંમાંથી `હેં` નીકળી જાય છે. આપણા ભારતીય સમાજમાં હજી આ સહજ સ્વીકાર્ય બાબત નથી કારણ કે આપણે ત્યાં ઘણીબધી તપાસ કર્યા પછી સંબંધની વાત આગળ વધારવામાં આવતી હોય છે. યુવક અને યુવતી વિશેની જ નહીં પરંતુ તેમનાં કુટુંબો બાબતની ઝીણવટભરી તપાસ કર્યા પછી પાકું કરાતું હોય છે. જન્માક્ષર મેળાપની પણ એક અનિવાર્ય પ્રક્રિયા જાણે હવે થઈ ગઈ છે. અભ્યાસ, આવક, કુટુંબના સભ્યો, રહેઠાણ, પિતૃપક્ષ, મોસાળપક્ષ વગેરે જોઈને જ રૂપિયો-નારિયેળ અપાતાં હોય છે. આટલું ઝીણું કાંત્યા પછી પણ લગ્ન લાંબું ટકે નહીં ને ડિવૉર્સના સમાચાર મળે ત્યારે મોઢામાંથી `હેં` નીકળી જાય એ સ્વાભાવિક છે. અરેન્જ્ડ મૅરૅજ હોય કે લવ-મૅરૅજ હોય, ડિવૉર્સને હજી આપણે સહજ બાબત નથી ગણતા. ભારતીય સમાજમાં ડિવૉર્સની ચર્ચા હજી પણ થોડા અચકાટ સાથે થાય છે. જાણે કોઈ ગુનાની કબૂલાત હોય. લગ્ન તૂટે ત્યારે સૌ શંકા કરે, ‘શું ખોટું કર્યું હશે?’ 
આપણી સંસ્કૃતિએ લગ્નને પવિત્ર માન્યાં છે, પણ એમાં બંધાયેલા માણસના મનને સમજવાનો પ્રયત્ન ઓછો કર્યો છે. આખી જિંદગીનો સવાલ હોય છે. ડિવૉર્સ એટલે હંમેશાં દગો કે છુપાવેલી વાતો જ નહીં, ઘણી વાર પુખ્ત વ્યક્તિઓ વચ્ચેની શાંત સમજણ પણ હોય છે. બધી જ અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી ન થઈ શકે એટલું સમજવાની મૅચ્યોરિટી એ બન્ને વચ્ચે હોય છે. લગ્નમાં એકબીજા માટે પણ જીવવાનું હોય છે એટલી ઉદાત્ત સમજણ પણ હોય છે. છતાં જ્યારે બન્નેની વિચારસરણી, જીવનશૈલી ઉત્તર-દક્ષિણની હોય ત્યારે વાતચીત બંધ થઈ જાય છે. લાગણીઓ શૂન્ય બની જાય છે. એક જ છતની નીચે સાથે હોવા છતાં એકલતા લાગે ત્યારે કોઈક કઠોર નિર્ણય બન્ને માટે લેવો જરૂરી થઈ પડે છે. ‘સમાજ શું કહેશે’ એમ વિચારીને મૌન સંબંધ ક્યાં સુધી ટકાવી રાખવો?

કેટલી અપેક્ષાઓ તૂટી હોય છે, કેટલાં અરમાનો અને સપનાં વેરવિખેર થઈ ગયાં હોય છે ત્યારે નછૂટકે છૂટાછેડાનો નિર્ણય લેવાતો હોય છે. આવા નિર્ણય પર આવતાં પહેલાં બન્ને વચ્ચે લાંબું અકળાવનારું મૌન રચાયું હોય છે. બન્ને વચ્ચે સંવાદ રહ્યો હોતો નથી. શબ્દો શાંત થઈ ગયા હોય છે. એક જ રૂમમાં મૌન સતત પડઘાયા કરે ત્યારે વાત ડિવૉર્સ સુધી પહોંચે છે. ડિવૉર્સને આપણે હંમેશાં અંત તરીકે જોઈએ છીએ પરંતુ ઘણી વાર એ અંત નહીં એક સ્વૈચ્છિક સ્વીકારની શરૂઆત હોય છે. રોજની અણગમતી સવારમાંથી મુક્તિની ઇચ્છા હોય છે. ખાસ કરીને આજના સમયમાં ડિવૉર્સ માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, માનસિક મુક્તિ પણ છે.



એક દિવસ વિદ્યાએ અલગ થવાનો નિર્ણય લીધો. કોઈ આરોપ વિના, લેતી-દેતીની ગણતરી વિના, ચૂપચાપ શાંત રીતે છૂટા થવું. તેનું કહેવું હતું કે અમે પતિ-પત્ની તરીકે જીવીએ છીએ, પણ માણસ તરીકે નહીં. સમાજ માટે આ આશ્ચર્ય હતું, કારણ કે તેમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ નહોતી, કોઈ દગો નહોતો, બાળકો નહોતાં. કારકિર્દી ગોઠવાયેલી હતી. બહારથી બધું ઠીકઠાક હતું પણ અંદરની શૂન્યતાની ક્યાં કોઈને ખબર હતી? એક જ ઘરમાં જિવાતી બે એકલી જિંદગીની ક્યાં કોઈને ખબર હતી? બીજી બાજુ, એ બન્ને માટે તો નવી શરૂઆત હતી. ડિવૉર્સ પછીના શરૂઆતના દિવસોમાં ખાલીપણું આવે છે, પણ સાથે ભવિષ્યની શક્યતાઓ પણ આવે છે. સામાજિક પ્રસંગોમાં બાજુની ખુરસી ખાલી લાગે છે, ભલે બીજું કોઈ બેઠું હોય તો પણ. સવાલો ચૂભે છે, સવાલભરી નજરો ખૂંચે છે પણ ધીરે-ધીરે માણસ પોતાનામાં પાછો ફરે છે. સ્વયંને શોધે છે. પોતાના શોખ, પસંદગી માટે સમય ફાળવે છે. પોતાના લક્ષ્ય અને સિદ્ધિથી નવી ઓળખ ઊભી કરે છે.


બાળકો માટે ડિવૉર્સને વધુ ભયજનક માનવામાં આવે છે, પરંતુ બાળકો માટે વધુ નુકસાનકારક શું છે? રોજના ઝઘડા-કંકાસ કે છૂટાછેડા લીધેલાં શાંત મમ્મી-ડૅડી? તૂટેલું ઘર કે અલગ ઘર?
આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પરિસ્થિતિ સામે ઝઝૂમવા તૈયાર થાય છે. સમસમીને બેસી રહેવા તે તૈયાર નથી. કાયદો પણ બાળકને માતા સાથે રાખવા પ્રેફરન્સ આપે છે. આજે ઘણાં દંપતીઓ કો-પેરન્ટિંગ તરફ આગળ વધી રહ્યાં છે. સાથે ન રહેવા છતાં સાથે જવાબદારી વહેંચી રહ્યાં છે. આ એક નવું મૉડલ છે, આવકાર્ય છે. પ્રયાસ સરાહનીય છે. સંબંધ તૂટે પણ જવાબદારી ન છૂટે.
છૂટાછેડાનું વરવું પાસું એ ભરણપોષણની રકમ. અહીં મસમોટી રકમ ઉપરાંત અૅસેટ્સમાંથી પણ ભાગ પડાવવાની વૃત્તિ હોય છે. પુરુષ માનસિક અને આર્થિક બન્ને રીતે પડી ભાંગે છે. સમાજની સહાનુભૂતિ પણ સ્ત્રી તરફ હોય છે તેથી પત્નીનો હાથ ઉપર રહે છે. કાયદો પણ સામાન્ય રીતે પત્નીની તરફેણમાં માનવીય પાસું મૂકે છે. એને કારણે આવી પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવવા જ, લગ્ન કર્યાના એકાદ-બે વર્ષમાં સાચા-ખોટા આરોપો ઘડી છૂટાછેડાની માગ કરવાના કિસ્સાઓ જાણવામાં આવ્યા છે. ઍલિમનીની મોટી રકમ પડાવી ફરી લગ્ન, ફરી છૂટાછેડાના ચક્કરના દાખલા સાંભળવામાં આવ્યા છે. લગ્ન એટલે ‘સાત ભવનું બંધન’ એવી આપણી માન્યતાની અહીં છડેચોક કેવી હાંસી ઊડે છે.

ડિવૉર્સ શીખવે છે કે સંબંધ ત્યારે જ પવિત્ર હોય જ્યારે બે વચ્ચે પ્રેમ હોય, વિશ્વાસ હોય. માત્ર સંબંધ જાળવવા કોઈ એક પોતાના સ્વયંને ગુમાવી દે તો એમાં પવિત્રતા રહેતી નથી, એ બલિદાન બની જાય છે.


બાય ધ વે, એક પરિપક્વ, નિર્ભય અને સંવેદનશીલ ડિવૉર્સને આપણે નિષ્ફળતા તરીકે જોવાનું બંધ કરીએ અને એક સાચા નિર્ણય તરીકે જોતા થઈએ એ આજના સમયની માગ છે. અણગમતા સંબંધનો અંત જો સત્ય સ્વીકારવાથી આવે તો એ અંત નહીં, એક નવી શરૂઆત બની રહે છે કારણ કે ત્યાં સંબંધ નહીં, ભ્રમ માત્ર તૂટે છે.

 

- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK