વધતી ઉંમરને આપણે ઘણી વાર શક્તિની બાદબાકી સાથે જોડીએ છીએ, પરંતુ માણસ માત્ર શરીર નથી. ઉંમર સાથે અનુભવ વધે છે, છતાં શાણપણ આપોઆપ વધે એવું જરૂરી નથી. આ લેખ ઉંમર, અનુભવ, સમજ અને માણસાઈ વચ્ચેના સંબંધને સમજાવે છે.
પ્રતીકાત્મક તસવીર
વધતી જતી ઉંમર એ માણસમાં રહેલી શક્તિઓનો સરવાળો છે કે બાદબાકી? જોકે કેટલાંક એવાં ઉદાહરણો પણ આપણી નજર સામે છે કે વધતી જતી ઉંમર ગુણાકાર બની જાય. જોકે આવું બહુ ઓછું બને છે. વ્યવહારમાં આપણે વધતી ઉંમરને બાદબાકી જ કહીએ છીએ. રમતગમતના મેદાનમાં હોય કે પછી લલિત કલાના કોઈક ક્ષેત્રમાં હોય, એવું માની લેવામાં આવે છે કે હવે તેની શક્તિ ઘટી ગઈ છે. દેખીતી રીતે આ વાત સાવ ખોટી નથી. કોઈ ખેલાડી વીસ-બાવીસ કે ૨૪ વર્ષની ઉંમરે જે દેખાવ કરે એવો દેખાવ ચાલીસ-પચાસની ઉંમરે નહીં કરી શકે, કારણ કે અહીં શારીરિક શક્તિ વધારે મહત્ત્વની છે. માણસ એટલે માત્ર શારીરિક શક્તિ નથી. માણસ એટલે બહાર દર્શિત થતી અને ઇન્દ્રિયો દ્વારા વ્યક્ત થતી કામગીરી. આ કામગીરી સૌકોઈ જોઈ શકે છે. દેખીતી કામગીરીનું જ મૂલ્યાંકન કરતું આ વિશ્વ પેલી વધતી ઉંમરને આ રીતે જ મૂલવે છે, પણ પાયામાંથી એક વાત ભુલાઈ જાય છે કે માણસ એટલે માત્ર દૃશ્યમાન કર્મેન્દ્રિયો જ નહીં.
બે માણસ ભોંય પર સૂતેલા તમે જોઈ શકો છો. બન્નેના
હાથ-પગ, મસ્તક અને અન્ય અવયવો એકસરખા નજરે પડે છે. હવે આ બેમાંથી એક એટલે કે એકમાં રહેલું ચેતનતત્ત્વ બહાર નીકળી જાય તો પછી બન્ને વચ્ચેનું સામ્ય તો એક જ રહે છે. હજી પણ તમે તે બેને સરખા જ જોઈ શકો છો, પણ હવે એ બે સરખા નથી.
વધારે વિગતથી આ વાત સમજીએ :
માણસ એટલે પેલી કર્મેન્દ્રિયો જ નહીં પણ જે દૃશ્યમાન થતી નથી અને છતાં ભારે બળકટ છે એવી જ્ઞાનેન્દ્રિયો અને ભાવેન્દ્રિયો. પ્રેમ, ઈર્ષા, ક્રોધ આ બધું માણસમાં રહેલું જ છે. એનું વધતુંઓછું પ્રમાણ હોઈ શકે, પણ એ પ્રમાણ વિના માણસ હોઈ શકે નહીં. આ અદૃષ્ટ માણસાઈનાં મૂળભૂત તત્ત્વોને પેલી કર્મેન્દ્રિયો સાથે જ જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમજાઈ જાય કે માણસ એટલે શું.
ઉંમરને આવકારો
આપણે પ્રત્યેક પગલે વધારાને સામાન્ય રીતે આવકારીએ છીએ. જેને આપણે દુર્ગુણો માનીએ છીએ એને નથી આવકારતા અને એમ છતાં દુર્ગુણોનો સ્વીકાર તો કરીએ જ છીએ. એના વિના ચાલતું નથી. જીવનમાં પ્રેમ વિના ચાલશે ખરું? અને જો પ્રેમ વિના ચાલશે એમ લાગતું હોય તો ધિક્કાર કે ક્રોધ વિના પણ ચલાવી શકશો ખરા? કોઈને ધિક્કારવું આપણને ગમતું નથી, પણ જરા યાદ કરો મનોમન કે કેટલા માણસો માટે આપણા મનમાં છૂપી ધિક્કારની લાગણી છે. આપણે એને નષ્ટ કરવા માગીએ છીએ ખરા? એવો ક્યારેય પ્રયત્ન કર્યો છે? હવે આ બધું તો અંદર સંગ્રહેલું જ છે. એ જાય એટલે માણસ માણસ રહેતો નથી જ, એ એક શરીર બની જાય છે. આ શરીરનું શું કરશો?
હવે જુઓ, માણસ ૧૦૦ વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે એવું કહેવાય છે. પરમાત્માએ આ આયુષ્યની મર્યાદા કયા ગણિત પર આધારિત રાખીને કરી હશે? મનુષ્યેતર પ્રાણીઓમાં પણ જુદી-જુદી આયુષ્યરેખા છે. થોડાક કલાકો માટે જ જીવતા અને છતાં જીવનની બધી જ રેખાઓ આત્મસાત્ કરીને પૂરેપૂરું જીવન જીવતા હોય. સૂક્ષ્મ જંતુઓથી માંડીને ત્રણસો-ચારસો વર્ષનું આયુષ્ય જીવી જતા કાચબાઓ સુધી સૌને પરમાત્માએ નિર્મ્યા છે. સૂક્ષ્મ જંતુ અને પેલા કાચબા વચ્ચે પરમાત્માએ આવડું મોટું અંતર કેમ રાખ્યું હશે? એક કાચબો પેલા જંતુની જેમ જ થોડાક કલાક કે થોડાક દિવસ પછી મરી જાય તો એનાથી પૃથ્વી નામના આ પદાર્થને શું કોઈ મોટું નુકસાન થવાનું હતું? મનુષ્યેતર પ્રાણીઓની તો ખબર નથી, કદાચ કોઈક પરમજ્ઞાનીઓને ખબર હોય પણ ખરી. કેન્દ્રમાં જો માણસ રાખીને વિચારીએ તો ઉંમર જેમ-જેમ વધે એમ-એમ માણસ પાસેથી તે જે ક્ષેત્રમાં જીવી રહ્યો હોય એ ક્ષેત્ર વિશે એની પાસેથી વધુ ને વધુ શાણપણની અપેક્ષા રાખીએ છીએ. જોકે આ પરમ સત્ય નથી. એક નાનકડો ટુચકો પણ એનું પરિણામ આરપાર ઊતરી જાય એને યાદ કરીએ:
આપણા રોજિંદા જીવનમાં સામાન્ય વાતચીતમાં વડીલો પોતાથી વયમાં નાના હોય તેમને કહી દેતા હોય છે, ‘બેટા, મેં ઘણી દિવાળી જોઈ છે.’ એના જવાબમાં પેલો નાની વયનો માણસ કહી પણ દેતો હોય છે, ‘હા, તમે દિવાળી જરૂર જોઈ છે પણ વધારે ફટાકડા મેં ફોડ્યા છે.’ અહીં દિવાળી એ શાણપણ છે તો ફટાકડા એ પણ ડહાપણનો ભંડાર જ છે. તો આ બેમાંથી વધતી વય અને શાણપણને સરખાવી લઈશું કે એની ઉપરવટ ગણતરી કરીને આગળ જઈશું? ૮૦ વર્ષે પણ જે સમજ ન આવી હોય એ સમજ ક્યારેક ૩૦ વર્ષે પણ દેખાય છે. એટલે વધતી જતી ઉંમરને ડહાપણ સાથે સંબંધ છે એમ કહી શકાય નહીં. હા, અનુભવ એક જુદી જ વાત છે, પણ એ અનુભવ સાથે શાણપણ પણ સાંકળી લેવું એ સાવ જુદી વાત છે.
ઉંમરનું આ અંકગણિત
૩૦ વર્ષનો એક માણસ ૮૩ વર્ષના બીજા એક માણસને ભલે એમ કહી શકતો હોય કે હું પણ આ વાત જાણું છું, પણ એના જવાબમાં પેલો પણ છુપાયેલો છે. તે તેની રજૂઆતને ટકોરો મારે છે. ૮૩ વર્ષનો માણસ પણ એને પકડીને એમ કહી દે કે ‘દીકરા, તું કંઈ નથી જાણતો, મેં આ બધું જોયું છે’ ત્યારે યાદ રાખવું જોઈએ કે તેણે માત્ર જોયું છે અને જે જોયું છે એ બધું કાંઈ અંદર નથી ઊતરી જતું. એ બહારથી ઝબકારો કરીને જતું રહે છે. વધતી ઉંમરને એની પોતાની દિવ્યતા તો છે જ, પણ દિવ્યતાને ઉંમરના આંકડા સાથે નહીં જોડવા જેટલી સમજ એ આંકડાઓમાં પહેલેથી આવી જવી જોઈએ.
