સૌથી મોટી ઉંમરે પાંચ વિકેટ લેવાનો ૯૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો યુરોપના ટાપુ દેશ આઇલ ઑફ મૅનની મહિલા ક્રિકેટરે
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પચાસની ઉંમર પછી કોઈ ક્રિકેટરે પહેલી વખત પાંચ વિકેટ લેવાની કમાલ કરી
યુરોપના ટાપુ દેશ આઇલ ઑફ મૅન ટીમની મહિલા ક્રિકેટર જોઍન હિક્સે ૫૧ વર્ષ ૧૭૧ દિવસની ઉંમરે ઇતિહાસ રચ્યો છે. ઑફ-સ્પિનર જોઍન હિક્સે રોમાનિયામાં રમાઈ રહેલા મહિલા કૉન્ટિનેન્ટલ કપ દરમ્યાન ગ્રીસ સામેની T20 મૅચમાં ૪ ઓવરમાં ૧૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
જોઍન હિક્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પચાસની ઉંમર પછી એક મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલી ક્રિકેટર (પુરુષ કે મહિલા) બની છે. ગ્રીસની ટીમ ૧૫ ઓવરમાં માત્ર બાવન રનમાં ઑલઆઉટ થઈ ગઈ. આઇલ ઑફ મૅન ટીમે ૬ ઓવરમાં ૫૬/૧નો સ્કોર કરીને જીત નોંધાવી હતી.
અગાઉ ઑસ્ટ્રેલિયાના બર્ટ આયર્નમોંગરે ૧૯૩૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૪૯ વર્ષ ૩૧૪ દિવસની ઉંમરે પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરના બોલર તરીકે રેકૉર્ડ બનાવ્યો હતો. ડાબા હાથના આ સ્પિનરે સાઉથ આફ્રિકા સામે પહેલી ઇનિંગ્સમાં પાંચ અને બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ પહેલાં જોઍન હિક્સ ૨૦૨૪માં માલ્ટા અને ગ્રીસ સામેની મૅચમાં અનુક્રમે ૫/૧૦ અને ૫/૨૨નું બોલિંગ-પ્રદર્શન કરીને ૪૯ વર્ષ ૧૬૨ દિવસની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરની મહિલા બની હતી.
