Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દશાનન : આજે દુર્ગુણોનો નાશ કરો, કાલથી ગુણોનો માર્ગ ખોલો

દશાનન : આજે દુર્ગુણોનો નાશ કરો, કાલથી ગુણોનો માર્ગ ખોલો

Published : 20 October, 2026 05:49 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દર વિજયાદશમીએ રાવણદહન કરવામાં આવે છે, પણ એ રાવણદહન પાછળનો હેતુ શું છે અને એ શું ભાવ સૂચવે છે એ શાસ્ત્રોક્ત રીતે સમજવાની જરૂર છે

દશાનન : આજે દુર્ગુણોનો નાશ  કરો, કાલથી ગુણોનો માર્ગ ખોલો

દશાનન : આજે દુર્ગુણોનો નાશ કરો, કાલથી ગુણોનો માર્ગ ખોલો


લંકેશ રાવણ. 
રામાયણનું સૌથી જટિલ, વિરોધાભાસી અને સાઇકોલૉજીની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ પાત્ર. એક તરફ અત્યાચારી, પરસ્ત્રીહરણ કરનારો અહંકારી રાક્ષસ તો બીજી તરફ મહાદેવનો અનન્ય ભક્ત, સંગીતજ્ઞ, અપ્રતિમ રાજનીતિજ્ઞ અને ૪ વેદ તથા ૬ દર્શનશાસ્ત્રોનો પ્રખર જ્ઞાતા.
દશેરાના દિવસે રાવણનાં ૧૦ માથાંનું દહન એ માત્ર પૌરાણિક કથાનું પુનરાવર્તન નથી, માનવમન અને ચેતનાની દૃષ્ટિએ આત્મનિરીક્ષણ કરવાનું પર્વ છે જે કહે છે કે અજ્ઞાનને છોડીને જ્ઞાનની દિશામાં આગળ વધો અને જીવનને સાર્થક કરો.
૪ વેદ અને ૬ દર્શનનો સાક્ષાત્કાર
પૌરાણિક કથાઓમાં રાવણને દશાનન કે દશકંઠ પણ કહેવામાં આવ્યો છે. સોસાયટી આ વાતને લૉજિકલ મસ્તક સાથે છોડે છે, પણ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આ ૧૦ માથાં વિદ્યાનાં ૧૦ શિખરોનું સિમ્બૉલ છે.
ઋષિ વિશ્રવા અને દૈત્ય રાજકુમારી કૈકસીનો પુત્ર હોવાને કારણે રાવણના લોહીમાં બ્રાહ્મણત્વ અને દાનવત્વ બન્નેનો સમન્વય હતો. પિતા પાસેથી તેણે વેદ અને ઉપનિષદોનું જ્ઞાન મેળવ્યું હતું. શાસ્ત્રોક્ત સંદર્ભ અનુસાર રાવણનાં ૧૦ શીશ નીચે મુજબના વિદ્યાભંડારનું પ્રતિનિધિત્વ કરે છે. ૪ શીશ એ ૪ વેદ એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું પ્રતિનિધિત્વ કરે છે તો બાકીનાં ૬ શીશ ૬ દર્શનશાસ્ત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૬ દર્શનશાસ્ત્રોમાં સાંખ્યદર્શન (કપિલમુનિ), યોગદર્શન (પતંજલિ), ન્યાયદર્શન (ગૌતમમુનિ), વૈશેષિકદર્શન (કણાદમુનિ), મીમાંસા/પૂર્વમીમાંસા (જૈમિની) અને વેદાંત/ઉત્તર મીમાંસા (બાદરાયણ) આવે છે.
રાવણ સામવેદનો ઉત્કૃષ્ટ ગાયક હતો. તેણે જ્યારે પોતાના અહંકારમાં આવીને કૈલાસ પર્વત ઉપાડવાનો પ્રયાસ કર્યો અને શિવજીએ પોતાના પગના અંગૂઠાથી પર્વત દબાવ્યો ત્યારે રાવણના હાથ કચડાઈ ગયા. એ અસહ્ય પીડામાં રાવણે તત્કાળ પોતાના એક હાથની નસ ખેંચીને વીણા બનાવી અને શિવતાંડવ સ્તોત્રની રચના કરી. એ સ્તોત્રના પ્રત્યેક છંદમાં સંસ્કૃત ભાષાનું જે લાલિત્ય, છંદશાસ્ત્રની પકડ અને ભક્તિનો જે પ્રવાહ વહે છે એ રાવણની અસાધારણ બૌદ્ધિક ક્ષમતાનો પુરાવો આપે છે.
આ ઉપરાંત તબીબી વિજ્ઞાનક્ષેત્રમાં અર્કપ્રકાશ અને કુમારતંત્ર જેવા આયુર્વેદિક ગ્રંથો, જ્યોતિષશાસ્ત્રમાં રાવણસંહિતા અને સંગીતમાં રુદ્ર વીણાનું સર્જન પણ રાવણના નામે બોલે છે. આટલી પ્રચંડ બૌદ્ધિક સંપત્તિ ધરાવતો જીવ ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ હશે.
દશાનનનાં ૧૦ મસ્તક ૧૦ અવગુણોનાં પણ રૂપક છે. જ્યારે વિદ્યા વિષ બની જાય ત્યારે અવગુણો સહજ રીતે માનવજીવનમાં આવે.
૧૦ અવગુણોના રૂપક સમાન
વિદ્યા જો વિનય ન શીખવે તો એ વિનાશનું કારણ બને. શાસ્ત્રોમાં કહ્યું છે, ‘વિદ્યા દદાતિ વિનયમ્’. જોકે રાવણના કિસ્સામાં વિદ્યાએ અહંકારને જન્મ આપ્યો. આધ્યાત્મિક ચિંતકો રાવણનાં ૧૦ માથાંને માનવીના મનમાં રહેલા ૧૦ દુર્ગુણો સાથે સરખાવે છે. આ જે ૧૦ દુર્ગુણો છે એ નીચે મુજબ છે...
કામ : સીતાજીના અપહરણ પાછળનો મુખ્ય આવેગ.
ક્રોધ : વિભીષણ અને મંદોદરીની સત્ય સલાહ સામે થયેલો રોષ.
મોહ : પોતાના સામ્રાજ્ય, શરીર અને શક્તિ પ્રત્યેની અંધ આસક્તિ.
લોભ : સમગ્ર ત્રિલોક પર એકચક્રી શાસન સ્થાપવાની લાલસા.
મદ : પોતાના જેવો બળવાન કે જ્ઞાની કોઈ નથી એ ઘમંડ.
મત્સર : દેવતા અને અન્યોની સમૃદ્ધિ પ્રત્યે ઈર્ષ્યા.
બુદ્ધિ-દુરુપયોગ : ઉત્તમ જ્ઞાનનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરવાને બદલે અધર્મ માટે કરવો.
મન-વિચલન : સાચું-ખોટું પારખવાની ક્ષમતા હોવા છતાં મન પર અંકુશ ન રાખવો.
ચિત્ત-ભ્રષ્ટ : પવિત્રતાનો ત્યાગ કરીને ભોગવાદી બનવું.
અહમ્ : ભગવાન રામના દૈવી સ્વરૂપને જાણીને પણ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર.
જ્યારે રામબાણ રાવણની નાભિમાં વાગ્યું ત્યારે માત્ર એક રાક્ષસ રાજા મર્યો નહોતો, જ્ઞાનની આડશમાં છુપાયેલા પ્રચંડ અહંકારનો અંત આવ્યો હતો.
મૃત્યુશય્યા પરથી રાજધર્મનું જ્ઞાન
રાવણનું ચરિત્ર એટલું વિશાળ છે કે સ્વયં શ્રીરામ પણ તેના જ્ઞાનનું સન્માન કરતા. વાલ્મીકિ રામાયણ અને અન્ય ભારતીય પુરાણોમાં એક અદ્ભુત પ્રસંગ આવે છે. રાવણ જ્યારે રણમેદાનમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે શ્રીરામે લક્ષ્મણને કહ્યું હતું કે ‘સંસારમાંથી નીતિ, રાજધર્મ અને શાસ્ત્રોનો મહાન જ્ઞાતા વિદાય લઈ રહ્યો છે. તું જા અને રાવણનાં ચરણોમાં બેસીને તેની પાસેથી રાજનીતિ અને જીવનનું જ્ઞાન પ્રાપ્ત કર.’
લક્ષ્મણ રાવણના મસ્તક પાસે ઊભા રહ્યા ત્યારે રાવણ કશું ન બોલ્યો. એ સમયે રામે લક્ષ્મણને શિષ્ટાચાર સમજાવ્યો કે જ્ઞાન હંમેશાં ગુરુનાં ચરણોમાં બેસીને, વિનમ્ર બનીને લેવાનું હોય. લક્ષ્મણ જ્યારે રાવણનાં ચરણો પાસે બેઠા ત્યારે મરણપથારીએ પડેલા રાવણે જે ઉપદેશ આપ્યો એ આજે પણ વિશ્વના શ્રેષ્ઠ મૅનેજમેન્ટ અને જીવનદર્શનનો હિસ્સો છે. એ સમયે કહેવાયેલી વાતમાંથી ૩ શ્રેષ્ઠ વાત નીચે મુજબની છે...
શુભસ્ય શીઘ્રમ્ : સારું કાર્ય કરવામાં ક્યારેય વિલંબ ન કરવો અને અશુભ કાર્યને બને એટલું ટાળવું. રાવણે પસ્તાવો કર્યો કે તે સ્વર્ગ સુધી સીડી બનાવવા માગતો હતો અને સમુદ્રનું પાણી મીઠું કરવા માગતો હતો, પણ તે મુલતવી રાખતો રહ્યો; જ્યારે સીતાહરણ જેવું અશુભ કાર્ય તેણે ઉતાવળમાં કરી નાખ્યું.
શત્રુને ક્યારેય નબળો ન ગણવો : રાવણે વાનરો, રીંછો અને વનવાસી રામ-લક્ષ્મણને સામાન્ય માનવી સમજીને તુચ્છ ગણવાની ભૂલ કરી હતી.
પોતાનાં રહસ્યો કોઈને ન કહેવાં : અંતરંગ ભેદ જ્યારે બહાર જાય છે ત્યારે સામ્રાજ્યો ધ્વસ્ત થાય છે.
વિજયાદશમી ઉત્સવનો સાચો સંદેશ એ છે કે બીજાના દોષોનું પૂતળું બાળવાને બદલે માણસ પોતાની ભીતર રહેલા અવગુણોને બાળે અને મનમાં જ્ઞાન, સદાચાર અને વિનમ્રતા પ્રકટાવે.

દહનથી સર્જન તરફ
પૂતળાં બાળવાની પ્રક્રિયા બહુ સરળ છે. બહારના રાવણને અગ્નિ આપવો એ એક કલાકનો ઉત્સવ છે, પરંતુ અસલ પડકાર એના બીજા દિવસથી શરૂ થાય છે.
રાવણે ચેતવણી આપતાં કહ્યું હતું કે માત્ર વિદ્વાન હોવું, ડિગ્રીઓ મેળવવી, શાસ્ત્રો ગોખી મારવાં કે આર્થિક રીતે સમૃદ્ધ હોવું પૂરતું નથી. લંકા સોનાની હતી છતાં રાખ થઈ. રાવણ ૪ વેદનો જાણકાર હતો છતાં પૂતળું બનીને બળી રહ્યો છે, કારણ? ચારિત્ર્ય અને વિવેકનો અભાવ. વિદ્યા સાથે જ્યારે સંસ્કાર અને વિનમ્રતા જોડાય ત્યારે તે શ્રીરામ બને છે, પણ વિદ્યા સાથે જ્યારે અહંકાર અને વાસના જોડાય ત્યારે તે રાવણ બને છે.
રાવણદહનની પ્રક્રિયા બે સંદેશ આપે છે.
દહનની પ્રક્રિયા : આંતરિક કામ, ક્રોધ, મોહ અને અહંકારનાં ૧૦ માથાં પર વિવેકનું રામબાણ ચલાવવું.
પોષણની પ્રક્રિયા : રાવણ પાસે રહેલા શાસ્ત્રોના અગાધ જ્ઞાન, કલાપ્રેમ, સાધના અને પુરુષાર્થ જેવા સારા ગુણોને ઓળખીને આપણા જીવનમાં ઉતારવા.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 05:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK