Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સરહદોને ભૂંસી નાખો, સૌનું છે એક વતન

સરહદોને ભૂંસી નાખો, સૌનું છે એક વતન

Published : 11 March, 2026 01:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિદ્વાનો, સંતો, કવિઓનાં કથનો ઘણાં વાંચ્યાં છે પણ થોડા વખત પહેલાં પુસ્તક પ્રદર્શનમાં હૉલીવુડની અભિનેત્રી ઍન્જલિના જોલીનું એક કથન વાંચ્યું અને લાગ્યું કે એક નાના વાક્યમાં તેણે જાણે જગતનો ઇતિહાસ અથવા જગતની માણસોને જોવાની દૃષ્ટિ સમજાવી દીધી છે

હૉલીવુડની અભિનેત્રી ઍન્જલિના જોલી

PoV

હૉલીવુડની અભિનેત્રી ઍન્જલિના જોલી


નાનકડા એક વાક્યમાં ઘણી વખત ગાગરમાં સાગર જેવું દર્શન થાય છે. કોઈ અઘરો લાગતો પ્રશ્ન એકાદ ચિંતનકણિકાથી ઊકલી પણ જાય છે. નિરાશ થયેલું મન આશાના કિરણથી ઝગમગવા લાગે છે. ક્યારેક કોઈ સામાન્ય વ્યક્તિ પણ કોઈ અદ્ભુત વચન ઉચ્ચારી દે છે. ભિન્ન-ભિન્ન સંજોગો અને સંદર્ભો વચ્ચેથી એકાદ વાક્ય લઈને મૂકવાથી ક્યારેક એનો અર્થ પ્રથમ વાંચને સ્પષ્ટ ન પણ થાય, પરંતુ એના પરનું ચિંતન એને અર્થપૂર્ણ બનાવે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘કુરુક્ષેત્ર’માં કૃષ્ણ એક વાક્ય કહે છે, ‘જ્યાં સુધી ઇચ્છા પર બુદ્ધિનું આધિપત્ય નહીં સ્થપાય ત્યાં સુધી અનિષ્ટનું નિવારણ શક્ય નથી.’ આ વાક્યમાં રહેલો ગૂઢાર્થ આજના સમયમાં  સમજવા જેવો છે. આજે સર્વત્ર ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ રીતે વધુ ને વધુ ધન કમાઈ લેવાની જે આંધળી દોટ ચાલી રહી છે એને કારણે મનુષ્યો ખોટાં કામ કરતાં પહેલાં વિચારતા જ નથી. ધનપ્રાપ્તિની, સત્તા મેળવવાની આ લાલસા (ઇચ્છા) ઘણાં ન કરવાં જેવાં કર્મ કરાવતી રહે છે.

વિદ્વાનો, સંતો, કવિઓનાં કથનો ઘણાં વાંચ્યાં છે પણ થોડા વખત પહેલાં પુસ્તક પ્રદર્શનમાં હૉલીવુડની અભિનેત્રી ઍન્જલિના જોલીનું એક કથન વાંચ્યું અને લાગ્યું કે એક નાના વાક્યમાં તેણે જાણે જગતનો ઇતિહાસ અથવા જગતની માણસોને જોવાની દૃષ્ટિ સમજાવી દીધી છે. સાવ સાદા શબ્દોમાં ભાવુક થયા વગર તેણે લખ્યું છે, ‘I do not see people as different, so I do not understand the idea of borders in this world.’ હું મનુષ્યને ભિન્ન-ભિન્ન જોતી નથી, તેથી વિશ્વમાં પાડવામાં આવેલી સરહદોના વિચારને સમજતી નથી. જો સમસ્ત વિશ્વના માણસોમાં કોઈ ભિન્નતા ન દેખાતી હોય, સમાનતા જ દેખાતી હોય, માનવમાત્રમાં એકતા જ વરતાતી હોય તો દેશો-દેશો વચ્ચે સરહદોની રેખાઓ દોરવાની જરૂર જ ક્યાં છે? આપણા ધર્મગ્રંથોમાં સર્વે જનાઃ સુખીનો ભવન્તુની ભાવનાને સ્પષ્ટરૂપે વ્યકત કરવામાં આવી જ છે. શુભમ્ કરોતિ કલ્યાણમ્, આરોગ્યમ્ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય જેવાં અનેક સંસ્કૃત સુભાષિતો પણ છે જ. સરહદોની વાત વિચારીએ તો ભૌગોલિક રીતે લોકોમાં ભિન્નતા સમજી શકાય. જેમ કે પહાડો પર રહેતા લોકો, મેદાનોમાં, નદીના કિનારે કે દરિયાકિનારે રહેતા લોકો વગેરે. જુદી-જુદી પરિસ્થિતિઓ મનુષ્યની જીવનરીતિમાં જુદાઈ સરજે એ સમજી શકાય પરંતુ મનુષ્યનું ઘડતર, સર્જન કુદરતે કર્યું છે એમાં માણસ-માણસ વચ્ચે જુદાઈ છે જ નહીં. જેમ ગોરા-શ્વેત માણસના શરીરમાં લાલ લોહી જ ફરે છે. હૃદયના ભાવો પણ જગતભરના મનુષ્યો એકસરખા જ અનુભવે છે. માતા-પિતાનું વાત્સલ્ય, પુત્રપ્રેમ, ભાઈ-બહેનનો પ્રેમ, સ્ત્રી-પુરુષનું આકર્ષણ, પતિ-પત્નીના સંબંધો, મિત્રભાવ વગેરે. તો પછી આ ભિન્નતા આ ભેદભાવ, આ સરહદો શા માટે? જે ધરતીના ટુકડા માટે, પ્રદેશ માટે, ભૂમિ માટે યુદ્ધો થઈ રહ્યાં છે, હજારો માણસોનો સંહાર થાય છે એ શું જરૂરી છે? એ વ્યર્થ છે.  



સરહદો વિશેની આ પંક્તિઓ વાંચ્યા બાદ એક અજ્ઞાત કવિની પંક્તિઓ યાદ આવી રહી છે...


પારકાં કે પોતીકાંનો ભેદ નથી મારે મન અહીં કે ત્યાં, નથી ક્યાંય મારું વતન; માનવોને જોતો નથી હું ભિન્ન-ભિન્ન, સરહદોને ભૂંસી નાખો, સૌનું એક વતન. જેણે કર્યો ભેદ માનવ-માનવ વચ્ચે નથી એના સમ કોઈ અપરાધી સાચે, સૌના શિરે છે એક વિસ્તૃત નીલગગન. સરહદોને ભૂંસી નાખો, સૌનું એક વતન. સૌને વહાલથી ભેટે છે આ શીળો પવન, સરહદોને ભૂંસી નાખો, સૌનું એક વતન. મને વતન-બેવતન કરનારા તમે સત્તાધીશો, તમે મને સર્જ્યો નથી, તમે નથી મારા ન્યાયાધીશો. મારો અને તારો ન્યાય કરશે એ પરવરદિગાર સમ. સરહદોને ભૂંસી નાખો, સૌનું એક વતન. સરમુખત્યારો અને લશ્કરી હત્યારાઓ... ધરતી તો માનવીની છે જે ચાહે સદા અમન, સરહદોને ભૂંસી નાખો, સૌનું એક વતન.

છેલ્લી પંક્તિઓ ટાઇપ કરી ત્યારે બંગાળી લેખિકા તસ્લિમા નસરીન યાદ આવી. તેના દેશમાંથી (બંગલાદેશમાંથી) તે હદપાર થઈ કારણ કે તેણે માનવતાની સચ્ચાઈનું આલેખન કરતી નવલકથા ‘લજ્જા’ લખવાનો ગુનો કર્યો હતો. જો તે તેના વતનમાં રહે તો તેને જેલભેગી કરવામાં આવે અને કડક સજા પણ થાય. ત્યારથી તે વિશ્વના દેશોમાં બેવતન થઈ ફર્યા કરે છે. સરકારો-સત્તાધીશો માણસને જન્મ આપી શકતા નથી પણ તેને રિબાવી-રિબાવીને મારી શકે છે. પોતાના સ્વાર્થ માટે બીજા દેશોના નિર્દોષ નાગરિકો, બાળકો-સ્ત્રીઓની હત્યા કરાવી શકે છે. હિટલરે યહૂદીઓનું નિકંદન કરવા લાખો મનુષ્યોના વધ કર્યા. રાજકીય કિન્નાખોરી માણસાઈને ભૂલીને માણસજાતને અન્યાય કરતી જ રહે છે, પણ આ જુલમખોરો પણ કંઈ અમરપટ્ટો લખાવીને આવ્યા નથી હોતા. જે નાની એવી પણ સાચા સોના જેવી વાત મોટા ગજાના કહેવાતા રાજકીય સરમુખત્યારો સમજી શકતા નથી એ એક અભિનેત્રી કેવા સાદા શબ્દોમાં કહી દે છે. દુનિયાભરની ઇતિહાસકથાઓ યુદ્ધની વિભીષિકાઓનાં વર્ણનોથી ભરેલી છે. આપણે ત્યાં પણ પાંચ હજાર વર્ષો પહેલાં ‘પાંચ ગામ પણ નહીં આપું’ એવા હુંકારને કારણે મહાભારતનું યુદ્ધ થયું. લાખો મનુષ્યોનો સંહાર થયો. સ્વર્ગલોકમાં ગયા બાદ યુધિષ્ઠિર સતત વિષાદમાં રહેતા અને વિચારતા કે મારે કારણે જ મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતનું યુદ્ધ લડનારાઓએ લાખોની સંખ્યામાં મનુષ્યોનો સંહાર કર્યો. યુધિષ્ઠિરની આ મનોવ્યથાને વિસ્તૃત રીતે આલેખતું પુસ્તક ‘Yudhisthir’s Dilemma’ (લેખક પંકજ કડકિયા) પ્રકાશિત થયું છે જેનો ગુજરાતી અનુવાદ ‘યુધિષ્ઠિરનું મનોમંથન’ પણ પ્રગટ થયો છે.


આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરની આ મનોવ્યથાનું નિવારણ કઈ રીતે કરે છે એનું વિસ્તૃત આલેખન રજૂ કરવામાં આવ્યું છે. કુરુક્ષેત્રનું મેદાન મહાભારતના યુદ્ધ પછી મૃતદેહો અને રક્તની નદીઓથી ઊભરાતું હતું. વિધવાઓનો કકળાટ સંભળાતો હતો. આ કથામાંથી કોઈ કંઈ શીખ્યું? પહેલું વિશ્વયુદ્ધ થયું. બીજું વિશ્વયુદ્ધ થયું. અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગ્યા કરે છે. અમેરિકા પોતાના સ્વાર્થ માટે વિશ્વમાં ઠેર-ઠેર વેરની આગ સળગતી રાખે છે. એના દેશનાં વિનાશક શસ્ત્રો વેચાયા કરે છે. નવલોહિયા યુવાનો યુદ્ધના ખપ્પરમાં હોમાયા કરે છે અને આ યુદ્ધખોરોને પ્રજા ફરીને ચૂંટે છે. જગત એક થવાને બદલે વધુ ને વધુ વિભક્ત થઈ રહ્યું છે. આગનાં તાપણાં ઠેર-ઠેર સળગી રહ્યાં છે. પચાસ-પંચોતેર ઉપરાંત વર્ષોથી ભારત-પાકિસ્તાન કાશ્મીરના પ્રશ્ને લોહી વહેવડાવી રહ્યા છે પણ ક્યાંય એનું સમાધાન-ઉપાય મળતો નથી. માણસજાત શું કદી સુધરશે નહીં? માણસો કદી સરહદો ભૂંસશે નહીં? એક જ ઈશ્વરનાં, એક જ અલ્લાનાં સૌ સંતાનો છે એ હજી કેટલાં વર્ષો સુધી લોકોને અને સરમુખત્યારો જેવા સત્તાધીશોને શીખવવું પડશે?

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK