Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિદેશથી વતનમાં પાછા ફરેલા લોકો માટે આર્થિક પુનઃ રચના સૌથી પહેલું કામ છે

વિદેશથી વતનમાં પાછા ફરેલા લોકો માટે આર્થિક પુનઃ રચના સૌથી પહેલું કામ છે

Published : 07 June, 2026 03:04 PM | IST | Mumbai
Priyanka Acharya

વિશ્વભરમાં વસેલા હજારો ભારતીયો હવે વિદેશથી સ્વદેશ આવવા બાબતે વિચાર કરી રહ્યા છે. નોકરીઓમાં કપાત, વીઝા સંબંધિત અનિશ્ચિતતા, વધતો જીવનખર્ચ, ભૂરાજકીય તંગદિલી અને બદલાતી વ્યાવસાયિક પરિસ્થિતિઓને કારણે ઘણા લોકો ભારત પાછા ફરી રહ્યા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રોહન અને મીરા લગભગ ૧૧ વર્ષ વિદેશમાં રહ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં અમદાવાદ પાછાં ફર્યાં. પહેલાં તો બધું બરોબર લાગતું હતું. માતા-પિતા ખુશ હતાં, બાળકોને તેમના કઝિન્સ સાથે રહેવાનો અને ભારતીય તહેવારો ઊજવવાનો ઉત્સાહ હતો તથા સોશ્યલ મીડિયા પર પરિવાર સાથેના જમણવાર, ઍરપોર્ટ પરની ભાવુક ક્ષણો અને ભરેલી સૂટકેસની તસવીરો જોવા મળતી હતી. ભારત પાછા ફરતા અનેક પરિવારોની જેમ તેમણે પણ બાળકોના સ્કૂલપ્રવેશ, હવામાન સાથે અનુકૂલન, કારકિર્દીની તકો અને નવું ઘર ખરીદતાં પહેલાં ક્યાં રહેવું એની ચર્ચાઓમાં સમય પસાર કર્યો. માત્ર ૩ મહિનામાં જ તેમને સમજાયું કે તેમના આર્થિક ફેરફારનો સૌથી મોટો પ્રશ્ન વણઉકેલ હતો. 

વિશ્વભરમાં વસેલા હજારો ભારતીયો હવે વિદેશથી સ્વદેશ આવવા બાબતે વિચાર કરી રહ્યા છે. નોકરીઓમાં કપાત, વીઝા સંબંધિત અનિશ્ચિતતા, વધતો જીવનખર્ચ, ભૂરાજકીય તંગદિલી અને બદલાતી વ્યાવસાયિક પરિસ્થિતિઓને કારણે ઘણા લોકો ભારત પાછા ફરી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર અખાતના દેશોમાં વધતી આર્થિક ભીંસને કારણે પણ વધુ ભારતીયો વતન પાછા ફરવાની શક્યતા છે. ભારત હાલમાં વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરતો દેશ છે અને આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમ્યાન લગભગ ૧૩૫.૪ અબજ ડૉલર સુધી પહોંચ્યો હતો. એમ છતાં નાણાકીય નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે ઘણા પરિવારો ભાવનાત્મક રીતે સ્થળાંતર માટે તૈયાર થાય છે, આર્થિક રીતે નહીં.



રોહને સૌથી પહેલાં તો આરોગ્ય વીમા પૉલિસી લેવી પડે એમ હતું. એમાં નવેસરથી વેઇટિંગ રિરિયડ લાગુ થશે. બાળકો કાયમ માટે વિદેશમાં જ રહેશે એવું માનીને તેમનાં માતા-પિતાએ તેમની જીવન વીમા પૉલિસી પર પણ ધ્યાન આપ્યું નહોતું.  આ સ્થિતિ આજે ઘણી સામાન્ય બની રહી છે. વર્ષો સુધી વિદેશમાં રહ્યા પછી ભારતની આર્થિક વ્યવસ્થા કેટલી બદલાઈ ગઈ છે એનો ઘણા લોકો અંદાજ લગાવી શકતા નથી. તબીબી ખર્ચ, કરવેરા સંબંધિત ફેરફારો, જૂનાં રોકાણો, ચલણનું આયોજન, બાળકોના શિક્ષણનો ખર્ચ, વીમા કવર અને નિવૃત્તિ માટેની યોજના જેવા મુદ્દાઓ અચાનક મહત્ત્વના બની જાય છે.


નિષ્ણાતો માને છે કે વતન પાછા ફર્યા પછીના પ્રથમ ૬ મહિના સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. આ સમય દરમ્યાન પરિવારે આરોગ્ય અને જીવન વીમાનું પૂરતું કવર લેવા પર ધ્યાન આપવું જરૂરી છે. ઉપરાંત નૉમિનીની વિગતો, કરવેરાની અસર, ઇમર્જન્સી ફન્ડ, લોનની જવાબદારીઓ અને જીવનશૈલીના ખર્ચની પણ સમીક્ષા કરવામાં આવવી જોઈએ. વતન પાછા ફરવું ભાવનાત્મક રીતે આનંદદાયક અને સંતોષકારક અનુભવ હોઈ શકે છે; પરંતુ ભારત પાછા ફરવું માત્ર ઘરવાપસીની કહાની નથી, એ એક સંપૂર્ણ આર્થિક પુનઃ રચના પણ છે. આ કામમાં રોકાણની સમીક્ષા પણ આવશ્યક છે. જે પરિવારો આ વાત વહેલી તકે સમજી લે છે તેઓ માત્ર પોતાની બચતનું જ નહીં, માનસિક શાંતિનું પણ વધુ સારી રીતે રક્ષણ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 03:04 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK