Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બિઝનેસ એટલે થોડા સમય પૂરતો રોમૅન્સ નહીં, લાંબા ગાળાનો લગ્નસંબંધ

બિઝનેસ એટલે થોડા સમય પૂરતો રોમૅન્સ નહીં, લાંબા ગાળાનો લગ્નસંબંધ

Published : 15 February, 2026 04:23 PM | IST | Mumbai
Priyanka Acharya

બીજી તરફ અમિતે પોતાના બિઝનેસને થોડા સમય પૂરતા રોમૅન્સ તરીકે નહીં પરંતુ લાંબા ગાળાના લગ્નસબંધ તરીકે જોયો. તેને સ્પષ્ટ સમજ હતી કે બિઝનેસ લાગણીઓથી નહીં પરંતુ શિસ્તથી ચાલે. તેણે પોતાનો નિશ્ચિત પગાર નક્કી કર્યો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


અમિત અને નીરજ કૉલેજ સમયના ગાઢ મિત્રો હતા. તેઓ બન્ને ત્રીસીમાં હતા અને તેમણે લગભગ એકસરખી પરિસ્થિતિમાં, એક જ શહેરમાં અને સમાન પ્રકારના ગ્રાહકો સાથે મૅન્યુફૅક્ચરિંગના એકમો શરૂ કર્યા હતા. શરૂઆતમાં બન્નેનું વાર્ષિક ટર્નઓવર પણ લગભગ એક કરોડ રૂપિયાના સમાન સ્તરે હતું. જોકે ૩ વર્ષ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. અમિત બિઝનેસના વિસ્તરણની તૈયારી કરવા લાગી ગયો હતો, જ્યારે નીરજ ધંધો બંધ કરવાની વિચારણા કરી રહ્યો હતો. પ્રશ્ન એ છે કે એકસમાન બિઝનેસ હોવા છતાં આવું કેમ થયું.

નીરજને પોતાના વ્યવસાય સાથે પ્રેમ હતો, પરંતુ એ પ્રેમ ફક્ત ‘વૅલેન્ટાઇન ડે’ પૂરતા સ્નેહ જેવો હતો - થોડા સમયનો, મોજભર્યો અને જવાબદારી વગરનો. ધંધામાં પૈસા આવતા ત્યારે તે નવાં-નવાં ગૅજેટ્સ વસાવવાં, ફરવું અને વૈભવી જીવન જીવવું એમાં રચ્યોપચ્યો રહેતો અને સમય ખરાબ આવે ત્યારે બજારને કે સંજોગોને કે પછી અન્ય કારણોને દોષ આપતો. તેણે ક્યારેય પોતાનો નિશ્ચિત પગાર નક્કી કર્યો નહીં, ખરેખર કેટલો નફો છે એ જોયું નહીં અને બિઝનેસની કમાણીમાંથી બચત કરવાની પણ ફિકર કરી નહીં. પ્રેમની સાથે જવાબદારી પણ હોવી જોઈએ જે નીરજમાં નહોતી. પરિણામે કાચા માલના ભાવ વધ્યા કે મશીન બદલવાની જરૂર પડી ત્યારે તેણે કરજ લેવું પડ્યું.



બીજી તરફ અમિતે પોતાના બિઝનેસને થોડા સમય પૂરતા રોમૅન્સ તરીકે નહીં પરંતુ લાંબા ગાળાના લગ્નસબંધ તરીકે જોયો. તેને સ્પષ્ટ સમજ હતી કે બિઝનેસ લાગણીઓથી નહીં પરંતુ શિસ્તથી ચાલે. તેણે પોતાનો નિશ્ચિત પગાર નક્કી કર્યો. અન્ય કર્મચારીઓને અપાય એ જ રીતે તેણે ઇન્ક્રીમેન્ટ લીધાં. તેણે નફો વ્યક્તિગત વપરાશમાં વેડફ્યા વગર બિઝનેસમાં જ રાખ્યો. મુશ્કેલ સમયમાં તેણે ધંધાને ટેકો આપ્યો અને સમય જતાં ધંધાએ પણ તેને કમાણી કરી આપી. ત્રીજા વર્ષ સુધીમાં બિઝનેસમાં પૂરતું કૅશ રિઝર્વ હતું અને વેન્ડરોનો વિશ્વાસ વધ્યો હતો. બહારના દબાણ વગર વિસ્તરણ થયું હતું.


આ વાતને માતા-પિતા અને સંતાનના સંબંધ સાથે સરખાવી શકાય. સંતાન મોટું થયા પછી શું આપણે તેની બધી આવક લઈ લઈએ છીએ? ના, નથી લેતા. સંતાનને સ્વતંત્ર થતું જોઈને આપણે રાજી થઈએ છીએ અને જરૂર પડ્યે તેને ટેકો પણ આપીએ છીએ. એ જ રીતે બિઝનેસ નફો કરવા લાગે ત્યારે એનું ભાવનાત્મક રીતે શોષણ કરવું યોગ્ય નથી. બિઝનેસને ‘ઍસેટ’ કહેવાનો અર્થ એ નથી કે એને ખાલી કરી નાખવો. ખરેખર તો એનું પોષણ કરીને એને વિકસવા દેવો જોઈએ.

ભારતમાં પરિવાર-આધારિત અનેક બિઝનેસ છે. એમાંથી ઘણા સ્પર્ધાને કારણે નહીં પરંતુ બિઝનેસ અને વ્યક્તિગત જીવન વચ્ચેની સીમા નક્કી ન કરવાને લીધે નિષ્ફળ જાય છે. જે રીતે સંબંધમાં મજબૂતી અને એક મર્યાદા જરૂરી હોય છે એ જ રીતે બિઝનેસમાં પણ જવાબદારી, સ્પષ્ટતા અને સાતત્ય રાખવા જેવી મર્યાદા હોવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 04:23 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK