Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગુનેગારો ફફડી ઊઠે એવાં કડક પગલાં લેવાની ન્યાયતંત્રની નસીહત

ગુનેગારો ફફડી ઊઠે એવાં કડક પગલાં લેવાની ન્યાયતંત્રની નસીહત

Published : 09 October, 2026 03:32 PM | Modified : 09 October, 2026 03:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ ગુનેગારને તેના ગુના, દુષ્કૃત્ય, ગેરકાનૂની કે અમાનવીય વર્તન બદલ ઠપકો આપવાનું કે સજા કરવાનું કામ પોલીસ, સંબંધિત ક્ષેત્રના અધિકારીઓ કે અદાલતોનું છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


‘તમારે એ ગેરસામાજિક તત્ત્વોના દિમાગમાં એક ડર જન્માવવાની જરૂર છે... અને પરિસ્થિતિની ડિમાન્ડ હોય તો તમે થોડાં વધુ આકરાં પગલાં લેતાં પણ અચકાશો નહીં. હા, કેટલાક લોકો આર્ટિકલ 21ને લઈને ઊહાપોહ કરશે, પણ તમતમારે જરૂર મુજબનાં પગલાં લો.’

‘ગુનેગારોને એ અહેસાસ કરાવવો જોઈએ કે એ લોકો ગુનો કરવાની કોશિશ કરશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. તેમના મનમાં ઠસી જવું જોઈએ કે હવે કંઈ પણ (આડુંઅવળું) કર્યું તો સમજો આપણે મરી ગયા.’



ઉપરના બન્ને ફકરામાં અપાયેલી શીખ દેશની સર્વોચ્ચ ન્યાયસંસ્થા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ દ્વારા પોલીસોને આપવામાં આવી છે અને આ હિદાયત આપવાની નોબત આવી છે દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી બળાત્કારની ઘટનાઓને કારણે. છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના કેટલા બધા કિસ્સાઓ! સપ્ટેમ્બરની શરૂઆતમાં નોએડાથી દિલ્હી જતી સ્લીપર બસના કોચમાં ચાલતી બસે એક ટીનેજર પર સામૂહિક બળાત્કાર, ૧૦ સપ્ટેમ્બરે દિલ્હીના સ્વરૂપનગર વિસ્તારમાં એક કિશોરી પર ફરી આવું જ સામૂહિક દુષ્કર્મ અને હત્યા, ૧૬ સપ્ટેમ્બરે દુકાનમાં સ્ટેશનરી ખરીદવા ગયેલી એક કિશોરીનું જાતીય શોષણ. પોતે પોલીસના માણસો હોવાનું જણાવીને ૩ માણસોએ ૨૧ સપ્ટેમ્બરે કાલકાજી વિસ્તારમાં આસ્થાકુંજ પાર્કમાં ફરવા ગયેલી ૧૭ વર્ષની એક કિશોરી અને તેના બૉયફ્રેન્ડને ડરાવ્યાં, ધમકાવ્યાં અને પછી છોકરીને એકલીને સાથે લઈ ગયા અને તેની સાથે ત્રણેએ દુષ્કર્મ કર્યું. દુ:ખ સાથે લખવું પડે છે કે આ યાદી હજી અધૂરી છે. જોકે આ ભયાનક ઘટનાઓની ગંભીર નોંધ લઈને જ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ આવી કડક ચેતવણી ઉચ્ચારવી પડી છે.


કોઈ પણ ગુનેગારને તેના ગુના, દુષ્કૃત્ય, ગેરકાનૂની કે અમાનવીય વર્તન બદલ ઠપકો આપવાનું કે સજા કરવાનું કામ પોલીસ, સંબંધિત ક્ષેત્રના અધિકારીઓ કે અદાલતોનું છે. દિલ્હીની આ શર્મનાક ઘટનાઓ વિશે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનું નિરીક્ષણ હકીકતમાં શતપ્રતિશત યોગ્ય છે. દેશની રાજધાનીમાં મહિલાઓ અને બાળકો સાથે થતા જાતીય દુરાચારને રોકવા તેમણે પોલીસોને ખૂબ જ અસરકારક પગલાં ભરવાની હાકલ કરી છે. તેમને જાણ છે કે આવાં કઠોર પગલાં લેવાશે ત્યારે ભલેને એ ગુનેગારો વિરુદ્ધ લેવાતાં હોય તો પણ એનો વિરોધ બંધારણનો જ હવાલો આપીને કરવા આપણા કેટલાક નાગરિકો દોડી જશે અને ‘અરે... અરે... આ તો બંધારણની ૨૧મી કલમનો ‘રાઇટ ટુ લાઇફ ઍન્ડ પર્સનલ લિબર્ટી’નો અનાદર થઈ રહ્યો છે એવી કાગારોળ મચાવશે. એમ છતાં તમે જરૂર મુજબનાં પગલાં લેજો જ.  

સુપ્રીમ કોર્ટનું આ સૂચન કોઈ પણ ગુનેગાર સંદર્ભે એટલું જ યોગ્ય છે; કારણ કે પોતાનાં દુષ્કૃત્યો સમાજ ચૂપચાપ સહી લે છે, સામે કોઈ અવાજ ઊઠતો નથી કે પ્રતિરોધ થતો નથી એ જોઈને ગુનેગારોની હિંમત વધે છે અને ગુનાનું પુનરાવર્તન થાય છે અથવા તો ગુનાની સજા આકરી ન હોય ત્યારે પણ ગુનેગાર ફરી ગુનો કરવા તરફ વળતો જોવા મળે છે.


આપણા આ મહાન લોકશાહી દેશમાં ભયંકર ગુના કર્યા બાદ પણ ગુનેગારોને ખાતરી હોય છે કે અભિવ્યક્તિ સ્વાતંયના હિમાયતીઓ પોતાનો પક્ષ લેવા આવી પહોંચશે. થોડા સમય પહેલાં આપણે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેના નિયમપાલનના આગ્રહને પરિણામે ઉદ્યોગજગતમાં વ્યાપેલા ભય વિશે વાત કરી હતી. મુંઢે ફુડ ઍન્ડ ડ્રગ ઇન્ડસ્ટ્રી માટે FDA દ્વારા ઘડાયેલા સ્વચ્છતા, શુદ્ધતા અને સલામતીના નિયમોના ચુસ્ત અમલ પર ભાર મૂકે છે અને જ્યાં પણ તેમને એ અમલ પ્રત્યે દુર્લક્ષ દેખાયું ત્યાં તેમણે આકરા પગલાં ભર્યાં. પછી ભલે ભલભલા ખેરખાંઓની હોટેલો, કેટરિંગ્સ, રેસ્ટોરાં કે હૉસ્પિટલો સામે તેમણે શીંગડાં ભરાવવાં પડ્યાં હોય.

હવે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સલાહને યાદ કરો તો મુંઢે એવા અધિકારી છે જે અદાલતના આદેશને સંપૂર્ણપણે અનુસરે છે અને ગુનેગારોને ફફડાવે છે. જોકે ઉદ્યોગજગતના કેટલાક એકમો મુંઢેની સામે અદાલતમાં ગયા છે. તેમની ફરિયાદ સાંભળવા જેવી છે : મુંઢેએ જેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધેલું એવી પુણેની એક કંપનીએ અદાલતમાં ફરિયાદ કરી કે તેમને કારણે અમારો ધંધો બંધ રહ્યો અને અમને આટલું નુકસાન થયું, ગરીબ કામદારોને સહેવું પડ્યું. આવી જ ફરિયાદ એક જાણીતા રીટેલર સ્ટોર્સના સ્ટાફ પાસેથી પણ સાંભળી. તેમના સ્ટોર પરથી ઑનલાઇન ગ્રોસરી મગાવતા એક ગ્રાહકે તેમને પૂછ્યું કે આજકાલ તમારે ત્યાં પહેલાંની જેમ બધાં શાકભાજી, ફ્રૂટ કે ગ્રોસરીની વસ્તુઓ મળતી નથી, બહુ જ ઓછી વસ્તુઓ દેખાય છે. જવાબમાં તેમણે કહ્યું, ‘અરે, આ FDAવાળા જુઓને કેવા પાછળ પડ્યા છે. અમારે બહુ સાચવવું પડે છે, બહુ ચેતીને ચાલવું પડે છે. સ્ટોરમાં માલ નથી ને કામ નથી. છૂટક કામદારો બિચારા કામ વગરના થઈ ગયા છે. ગરીબ માણસ બિચારો શું કરે?’ તેમની વાત સાંભળીને થયું કે તમારા સ્ટોરમાં સ્વચ્છતા અને સલામતીનાં ધોરણોનું પાલન બરાબર થતું હોત તો આ દિવસ ન આવત. આ તો સ્પષ્ટ છે કે એ ધોરણો અને નિયમોનો અનાદર થાય છે જે FDA દ્વારા જનતાના સ્વાસ્થ્ય અને સલામતી માટે ઘડાયા છે. ગંદાં-ગોબરાં કિચન, ગટરની પાસે પડેલા ખુલ્લા ખાદ્ય પદાર્થો, જીવજંતુઓ બણબણતાં હોય કે સડી ગયાં હોય એવાં શાકભાજી કે ફળો, એક્સપાયરી ડેટ પછીની ખાદ્ય સામગ્રી હવે ર્સ્ટોરમાં રાખી કે વેચી શકાતી નથી. એ બધું ફેંકી દેવું પડે છે એટલે સ્ટોર ખાલી છે. પહેલાં (જ્યારે મુંઢે જેવા કડક અધિકારી નહોતા ત્યારે) એ બધું સ્ટોરમાં રાખી શકાતું અને ગ્રાહકોને ભેરવી પણ દેવાતું. મતલબ કે હવે તેઓ ગ્રાહકો સાથે એવી છેતરપિંડી અથવા તો એમ કહોને ગ્રાહકોના આરોગ્ય સાથે હવે તેઓ ચેડાં કરી શકતા નથી. આમ છતાં તેઓ પોતાનો ધંધો ચોપટ કરી નાખવાનો દોષ મુંઢે જેવા અધિકારીને આપે છે અને વાંકમાં પોતે છે તોય પેલા શિસ્ત અને નિયમોનું પાલન કરાવનાર અધિકારીને અને FDAને ભાંડે છે. પેલા પુણેવાળા કેસમાં તો મહારાષ્ટ્રની હાઈ કોર્ટે પેલી કંપનીનું લાઇસન્સ સસ્પેન્સન પાછું ન ખેંચવા બદલ FDAને પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના એ ચુકાદાને રદ કર્યો છે. મુદ્દો એ છે કે અધિકારીઓને ગુનેગારો સામે આકરાં પગલાં લેવાનો આગ્રહ કરનાર ન્યાયતંત્ર બીજી બાજુથી ગુનેગારોની યાચિકાઓના આધારે - જે ન્યાયના પક્ષે છે, નિયમપાલનના પક્ષે છે અને જનહિતના પક્ષે છે - એવા અધિકારીઓને દંડે પણ છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK