ઍન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સચિન વાઝેના વૈભવ પર બૉમ્બે હાઈ કોર્ટ ચોંકી ઉઠી
સચિન વાઝે
૨૦૨૧ના ઍન્ટિલિયા વિસ્ફોટક કેસમાં અને મનસુખ હિરણ હત્યાકેસમાં સંડોવાયેલા ડિસમિસ્ડ અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર (API) સચિન વાઝેની જીવનશૈલી અને મોંઘીદાટ ગાડીઓ વિશે બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અદાલતે ખાસ ટકોર કરી હતી કે એક API કક્ષાનો સામાન્ય પગારદાર અધિકારી પોતાની ઑફિસ, મુંબઈ પોલીસ-કમિશનરની ઑફિસ અને રાજ્યના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા સુધી મર્સિડીઝ જેવી વૈભવી કારમાં જાય એ વાત આશ્ચર્ય પમાડે એવી છે.
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા સચિન વાઝેને મળેલા જામીન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી.
સુનાવણી દરમ્યાન NIA તરફથી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) અનિલ સિંહ એક સાક્ષીનું નિવેદન વાંચી રહ્યા હતા, જેમાં સાક્ષીએ વારંવાર સચિન વાઝે મર્સિડીઝ ગાડીમાં અવરજવર કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળીને જસ્ટિસ કુલકર્ણીએ પૂછ્યું કે ‘આ મર્સિડીઝ કોની છે? અમે પહેલી વાર સાંભળી રહ્યા છીએ કે કોઈ API મર્સિડીઝ ચલાવે છે. આ ગાડીની માલિકી કોની છે?’
જસ્ટિસ કુલકર્ણીએ સવાલ ઉઠાવ્યો હતો કે શું એ આશ્ચર્યજનક નથી કે એક API પોતાની ઑફિસ, પોલીસ-કમિશનરની ઑફિસ અને છેક વર્ષા બંગલે જવા માટે પણ મર્સિડીઝ વાપરતો હતો? એના જવાબમાં ASGએ કહ્યું કે સચિન વાઝે ઑબેરૉય હોટેલમાં ૧૦૦ દિવસ સુધી રોકાઈ પણ શકતો હતો. આ પછી જ્યારે ખંડપીઠે વાઝેના પગાર વિશે પૂછપરછ કરી ત્યારે તપાસ-એજન્સીએ જણાવ્યું કે તેનો માસિક પગાર આશરે ૯૦,૦૦૦ રૂપિયા હતો. વધુમાં તેની પાસે આવી પાંચ હાઈ-એન્ડ લક્ઝુરિયસ ગાડીઓ હોવાની વિગત પણ સામે આવી હતી. ત્યાર બાદ અદાલતે નોંધ્યું કે આ બધું સચિન વાઝે સામેના ખંડણીના આરોપો સાથે જોડાયેલું છે.
