Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જવાબદારીઓ વચ્ચે સેવાનો દીવો પણ પ્રગટાવવો જોઈએ

જવાબદારીઓ વચ્ચે સેવાનો દીવો પણ પ્રગટાવવો જોઈએ

Published : 17 April, 2026 05:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારાં કર્તવ્યો અને સેવાની ભાવના વચ્ચે સંતુલન રાખવું શક્ય છે. ઘરની જવાબદારી નિભાવતાં પણ સમાજ માટે સમય કાઢી શકાય છે. લોકો ઘણી વાર નાની-નાની શારીરિક તકલીફોમાં હિંમત હારી જાય છે.

ભાવના મહેતા

What’s On My Mind?

ભાવના મહેતા


જ્યારે હું મારી જીવનસફર તરફ પાછી વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે સેવાનો માર્ગ એ માત્ર પરોપકાર નથી, પણ સ્વયંની શક્તિને ઓળખવાની મથામણ છે. મારો સેવાનો પ્રવાસ ૧૨ વર્ષની ઉંમરે સ્કૂલ-મૉનિટર તરીકે શરૂ થયો હતો અને ત્યારથી લઈને આજ સુધી હું એક જ વાત શીખી છું કે નેતૃત્વ એટલે માત્ર હુકમ કરવો નહીં, પણ જવાબદારી ઉપાડવી. જીવનમાં દરેક વખતે સંજોગો સાનુકૂળ નથી હોતા.

મેં પણ ૧૨ વર્ષ સુધી નોકરી કરીને મારા પરિવારને આર્થિક ટેકો આપ્યો હતો. તમારાં કર્તવ્યો અને સેવાની ભાવના વચ્ચે સંતુલન રાખવું શક્ય છે. ઘરની જવાબદારી નિભાવતાં પણ સમાજ માટે સમય કાઢી શકાય છે. લોકો ઘણી વાર નાની-નાની શારીરિક તકલીફોમાં હિંમત હારી જાય છે. મને છેલ્લાં ૩૦ વર્ષથી આંખની ગંભીર સમસ્યા છે અને છેલ્લાં ૨૨ વર્ષથી મેં એક આંખની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે છતાં આજે હું કાંદિવલી કપોળ મહિલા મંડળનાં પ્રમુખ તરીકે ૪૦૦થી વધુ બહેનોનું નેતૃત્વ કરી રહી છું. ઈશ્વર જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે સેવાનાં હજાર દ્વાર ખોલી આપે છે. તમારી શારીરિક મર્યાદાઓને ક્યારેય તમારાં સપનાંઓ પર હાવી થવા ન દો. ઘણી બહેનો પૂછે છે કે આ બધું કઈ રીતે શક્ય બને છે? ત્યારે મારો એક જ જવાબ હોય છે કે શ્રદ્ધા અને સમર્પણ. હું શીખી છું કે સેવાના કાર્યમાં જ્યારે તમે નિઃસ્વાર્થ ભાવે ઊતરો છો ત્યારે કુદરત પોતે તમારો હાથ પકડીને રસ્તો બતાવે છે.

આજે અમારા મંડળમાં ૭૫ ટકા વડીલો છે. તેમને નાટક, પ્રવાસ કે ગેમ્સ દ્વારા જે આનંદ આપીએ છીએ એનાથી મળતા આશીર્વાદ જ મારી સફળતાનું રહસ્ય છે. સમાજને મારો આગ્રહ છે કે વડીલોને માત્ર સન્માન નહીં, પણ તમારો સમય આપો. જ્યારે તમે કોઈના ચહેરા પર સ્મિત લાવો છો ત્યારે એ પુણ્ય તમને જીવનના સૌથી મુશ્કેલ સમયમાં કામ લાગે છે. એકતામાં ખૂબ મોટી તાકાત છે. મારી ૨૫ સભ્યોની કમિટી અને મારા પરિવારના સાથ વગર હું આ સ્તરે પહોંચી ન શકી હોત. સેવાનું કાર્ય ક્યારેય અટકવું ન જોઈએ. હું ઇચ્છું છું કે યુવા પેઢી પણ સોશ્યલ મીડિયાની દુનિયામાંથી બહાર આવીને સામાજિક કાર્યોમાં સક્રિય બને. જ્યારે આપણે બીજાના જીવનમાં દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણો પોતાનો માર્ગ આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. જીવનમાં આવતા પડકારો આપણને તોડવા માટે નહીં, પણ આપણી અંદર રહેલી અખૂટ શક્તિઓને જગાડવા માટે આવે છે. એક એવા સમાજનું નિર્માણ કરી શકાય જ્યાં વડીલોને હૂંફ મળે, યુવાનોને સાચી દિશા મળે અને દરેક વ્યક્તિ પોતાની મર્યાદાઓથી ઉપર ઊઠીને માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપી શકે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK