એ જનરેશન ખુદ જ્યારે માતા-પિતા બની ત્યારે તેણે નિર્ણય લીધો કે અમે એવા કડક નહીં બનીએ અને જન્મ થયો લિબરલ પેરન્ટિંગનો. કોઈ પણ પેરન્ટિંગ સાચું કે ખોટું હોતું નથી, પણ દરેક બદલાવ પાછળ માણસનો જાતઅનુભવ જવાબદાર હોય છે.
યુવરાજ સિંહ તેના પિતા યોગરાજ સિંહ અને બાળકો સાથે
ક્રિકેટર યુવરાજ સિંહે હાલમાં એ કબૂલ્યું કે મારા પિતા એટલા કડક હતા કે ક્રિકેટ સિવાય કોઈ રમત તેમણે મને રમવા દીધી જ નહીં. પણ મેં નક્કી કર્યું છે કે હું મારા બાળક સાથે એવું નહીં કરું. એક આખી જનરેશન કડક પેરન્ટિંગ ભોગવીને મોટી થઈ છે. એ જનરેશન ખુદ જ્યારે માતા-પિતા બની ત્યારે તેણે નિર્ણય લીધો કે અમે એવા કડક નહીં બનીએ અને જન્મ થયો લિબરલ પેરન્ટિંગનો. કોઈ પણ પેરન્ટિંગ સાચું કે ખોટું હોતું નથી, પણ દરેક બદલાવ પાછળ માણસનો જાતઅનુભવ જવાબદાર હોય છે. આજે અમુક પેરન્ટ્સ પાસેથી જાણીએ કે તેમનો અનુભવ શું છે
હાલમાં એક ઇન્ટરવ્યુમાં ક્રિકેટર યુવરાજ સિંહે કબૂલ્યું કે તેના પિતા ખૂબ જ કડકાઈ રાખતા. યુવરાજને તેમણે ક્રિકેટ સિવાય કોઈ જ રમત રમવા દીધી નહોતી. એક દિવસ યુવરાજ સિંહ સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઘરે આવે છે ત્યારે તેના પપ્પા તેના મેડલ અને સ્કેટ્સ બન્નેને તેની નજર સામે આગ ચાંપી દે છે. યુવરાજના પિતા ક્રિકેટર હતા અને તેમનું સપનું હતું કે દીકરો પણ એક ક્રિકેટર બને. તેઓ માનતા હતા કે તેઓ આટલા સ્ટ્રિક્ટ રહ્યા એટલે જ યુવરાજ સિંહ આજે યુવરાજ સિંહ બની શક્યો, પરંતુ પિતા પાસેથી આટલું સ્ટ્રિક્ટ પેરન્ટિંગ પામેલા યુવારાજે પોતે નક્કી કર્યું છે કે તે પોતાનાં બાળકો માટે એક કડક પેરન્ટ સાબિત નહીં જ થાય. તે પોતાનાં બાળકોને કડકાઈથી બિલકુલ રાખવા નથી માગતો. તે કહે છે કે મારાં બાળકોને જે રમવું હોય એ રમે, તેમની ઇચ્છા પ્રમાણે તેઓ તેમની પસંદથી જીવી શકે છે, મેં અને મારી પત્નીએ સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
યુવરાજની જેમ આપણામાંથી ઘણા લોકોનાં માતા-પિતા એકદમ કડક હતાં. માતા-પિતા જે ઇચ્છે એમ જ થાય, તેમની પરવાનગી લઈને જ બધું કરી શકાય, તેમની ઇચ્છા સર્વોપરી અને જો એમ ન થયું તો ગુસ્સો, રાડો અને માર બધું જ બાળકે સહન કરવું પડતું. એને કારણે એક આખી પેઢીએ માતા-પિતાને માન આપવાના સંદર્ભમાં તેમની સામે એક હરફ સુધ્ધાં ઉચાર્યો નથી. તેમણે જે કરીઅર પસંદ કરી હતી એ કરીઅર બાળકે લીધી, તેમણે જે પાત્ર પસંદ કર્યું હતું તેની સાથે બાળકે લગ્ન કરી લીધાં, તેમણે કહ્યું એ પ્રમાણેનું જીવન બાળકો જીવ્યાં; પણ આ બાળકો જ્યારે મોટાં થયાં, તેમનાં બાળકો થયાં ત્યારે કદાચ જીવનમાં સૌથી મોટો જાતે લીધેલો તેમનો નિર્ણય એ જ હતો કે અમને અમારાં માતા-પિતાની જેમ કડકાઈથી અમારાં બાળકો સાથે નથી જીવવું, અમારાં માતા-પિતા પ્રત્યે અમને માન છે, આજે અમે જે કંઈ પણ છીએ એ તેમને લીધે છીએ પણ અમારાં બાળકોને અમારે જુદી રીતે ઉછેરવાં છે, અમારે તેમને મોકળું આકાશ આપવું છે, તેમની ઇચ્છાઓને ખીલવા દેવી છે. તેમને જાતે નિર્ણયો લેતા કરવાં છે અને એ નિર્ણયોના આધારે તેમને જીવવા દેવાં છે.
આવા વિચારો સાથે જન્મ થયો લિબરલ પેરન્ટિંગનો. એક સમય હતો કે પેરન્ટિંગ સંજોગોને આધીન હતું. અમારાં માતા-પિતાએ જે કર્યું એ જ અમે કરીએ છીએ એવું વિચારવાવાળા પેરન્ટ્સ જ હતા, પરંતુ ન્યુ-એજ પેરન્ટ્સે પેરન્ટિંગને ઘણું બદલવા ઇચ્છ્યું. પ્રેમ તો દરેક માતા-પિતા પોતાનાં બાળકોને કરે જ છે પણ પરવરિશ બાબતે અમુક નિર્ણયો બદલવા જરૂરી છે એવું સમજનારાં માતા-પિતાને આજે મળીએ.
તેમના જીવનના મહત્ત્વના નિર્ણયો અમે નહીં લઈએ

મલાડમાં રહેતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મેઘના સરવૈયા અને ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. દિવ્યજ્ઞાન સરવૈયાને ૧૭ વર્ષની હિમાની અને હીર નામની જોડિયા દીકરીઓ છે. પોતાના અનુભવ વિશે વાત કરતાં ડૉ. દિવ્યજ્ઞાન સરવૈયા કહે છે, ‘આજે અમે જે પણ છીએ એનું કારણ અમને આપવામાં આવેલું પેરન્ટિંગ છે. અમે જવાબદાર નાગરિક છીએ, ડૉક્ટર્સ છીએ અને સમાજને કોઈ ને કોઈ રીતે મદદરૂપ છીએ એનું કારણ એ છે કે અમારાં માતા-પિતાએ અમને આવાં બનાવ્યાં છે. મારાં માતા-પિતાને એમ હતું કે હું ડૉક્ટર બનું. એવું જ મારી પત્નીનાં માતા-પિતાને એમ હતું કે તે ડૉક્ટર બને. એ સમયે અમને અમારી ચૉઇસિસ વિશેની પણ કોઈ સ્પષ્ટતા નહોતી, પરંતુ મેં અને મેઘનાએ નક્કી કરેલું કે અમે બાળકોને ડૉક્ટર બનવા માટે પ્રેશર નહીં કરીએ. મને એવું હતું કે મારાં બાળકો ઑલરાઉન્ડર હોવાં જોઈએ, તેમને દરેક વાતમાં સમજ પડવી જોઈએ, તેઓ એક જ બાબત પર ફોકસ્ડ નહીં હોય તો પણ ચાલશે.’
આ બાબતે ડૉ. મેઘના સરવૈયા કહે છે, ‘મારા પેરન્ટ્સ અંતર્મુખી હતા. ખૂબ બહાર જવું, લોકોને મળવું એવું તેમને ગમતું હોય એવું કંઈ નહોતું. બીજું એ કે મારા જીવનના લગભગ બધા જ મુખ્ય નિર્ણયો તેમણે જ લીધા હતા. એટલે મને એમ હતું કે હું મારાં બાળકોને એ રીતે મોટાં કરું કે તે તેમના નિર્ણયો ખુદ લઈ શકે. મમ્મી-પપ્પા એક ગાઇડન્સ આપનારી વ્યક્તિ બને, ન કે નિર્ણય લેનારી. નાનપણથી કોઈ પણ વાતમાં અમે ઘરમાં ચર્ચા કરીએ. એકબીજાનો મત સમજીએ. મારી ટ્વિન્સ દીકરીઓ આઇડેન્ટિકલ છે પણ બન્નેની પર્સનાલિટી અલગ છે. અમે કોઈ દિવસ બન્નેને માર્ક્સ માટે પુશ નથી કરી. ભણવું તો પડશે જ, એવું પણ નથી કહ્યું. જ્યારે સ્ટ્રીમ પસંદ કરવાની હતી ત્યારે મારી એક દીકરીએ કહ્યું કે હું સાયન્સ નહીં, કૉમર્સ લઈશ. મારી એક દીકરીને ડૉક્ટર બનવું છે અને બીજીને ડૉક્ટર નથી જ બનવું. તેને વકીલ બનવું છે. કૉલેજ પણ બન્નેએ પોતાની રીતે પસંદ કરી છે. અમે એ વાતથી ખુશ છીએ. બન્ને પર અમને ગર્વ છે.’
બાળકો પર અમારી અધૂરી ઇચ્છાઓ થોપવી નથી

આ બદલાવ સારો છે, પણ...

રીરી ત્રિવેદી, પેરન્ટિંગ કોચ
આ વિષય પર પોતાનું મંતવ્ય આપતાં પેરન્ટિંગ કોચ રીરી ત્રિવેદી કહે છે, ‘બે પ્રકારનાં માતા-પિતા હોય છે. એક, જે ઇચ્છે છે કે અમને જે નથી મળ્યું એ બધું અમે અમારા બાળકને આપીએ જેમાં ફૅસિલિટીઝથી લઈને યોગ્ય તક કે ભણતર કંઈ પણ હોઈ શકે છે. અને બીજા પ્રકારનાં એ માતા-પિતા છે જે પોતાના અનુભવો પરથી તારણો પર આવે છે. આ એક પ્રકારની હ્યુમન ટેન્ડન્સી એટલે કે માણસની પ્રકૃતિ કે તેનું વલણ છે. પોતાના ભૂતકાળના અનુભવોના આધારે તે પોતાના ભવિષ્યના નિર્ણયો લે છે. કેટલાંય બાળકો એવાં છે જે નાનપણમાં પોતાનાં માતા-પિતાથી આહત થઈને કહેતાં હોય છે કે હું મોટી થઈને મા બનીશ કે હું મોટો થઈને બાપ બનીશ ત્યારે મારા છોકરાઓ સાથે હું આવું નહીં કરું. બીજું એ છે કે આજની તારીખે શું કરવું અને શું ન કરવુંનું ગાઇડન્સ સરળતાથી અવેલેબલ છે. બાળકને ન મારવું, તેને બિનજરૂરી સ્ટ્રેસ ન આપવું, તેના પર જોહુકમી કે કડકાઈ રાખવી બરાબર નથી એ બેઝિક વસ્તુઓથી લઈને ઝીણામાં ઝીણી વસ્તુઓની માહિતી તેમના માટે પ્રસ્તુત છે. પહેલાં તો વ્યક્તિને ગણીને પાંચ ઘરનું એક્સપોઝર હતું જેમાં પાંચેયમાં બાળકને મારતા હોય તો આપણે પણ મારીને કશું ખોટું નથી કરતા એમ લોકોને લાગતું. આમ આ બદલાવ જે છે એ બેટરમેન્ટ માટે જ છે. પણ સાવચેતી ફક્ત એ રાખવાની છે કે બાળકોને ફ્રીડમ આપવાના ચક્કરમાં તમે બાઉન્ડરી રાખવાનું મિસ ન કરો. બાળકને ખૂબ કડકાઈથી રાખો અને બાળકને પૂરેપૂરી છૂટ આપો એ બન્ને એક્સ્ટ્રીમ છે એટલે કે અંતિમવાદની નિશાની છે. સાચું પેરન્ટિંગ બૅલૅન્સિંગ માગે છે જે એ બન્ને અંતિમોની વચ્ચે ક્યાંક છે.’
