ઑક્ટોબર ૨૦૨૨ : એવરેસ્ટ બેઝ કૅમ્પ, નેપાલ. મહારાષ્ટ્રમાંથી એવરેસ્ટ બેઝ કૅમ્પ (૫૩૬૪ મીટર) સુધી પહોંચનાર સૌથી નાની બાળકી અને ભારતની બીજી સૌથી નાની ઉંમરની છોકરી બની.
એવરેસ્ટ બેઝ કૅમ્પ, નેપાલ પર ગ્રિહિતા. મહારાષ્ટ્રમાંથી એવરેસ્ટ બેઝ કૅમ્પ (૫૩૬૪ મીટર) સુધી પહોંચનારી સૌથી નાની બાળકી અને ભારતની બીજી સૌથી નાની ઉંમરની ચાઇલ્ડ છે ગ્રિહિતા.
થાણેની ૧૧ વર્ષની ગ્રિહિતા વિચારેએ વીક-એન્ડ ટ્રેકિંગથી શરૂ કરેલી સફર આજે આંતરરાષ્ટ્રીય શિખરો સુધી પહોંચી છે. તેણે અત્યાર સુધીમાં ૧૧૫થી વધુ ટ્રેક અને અનેક રેકૉર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ સિદ્ધિઓની પાછળ છે તેના પિતા સચિન વિચારેનો અડીખમ સાથ, સતત તાલીમ અને સ્પષ્ટ હેતુ. પહાડો સર કરવાની સાથે ગ્રિહિતા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ પણ દેશભરમાં પહોંચાડી રહી છે
આજના સમયમાં મોટા ભાગનાં બાળકો અભ્યાસ, રમતો અને મનોરંજનમાં વ્યસ્ત હોય છે ત્યારે મહારાષ્ટ્રના થાણે શહેરની ૧૧ વર્ષની ગ્રિહિતા વિચારેએ એક પછી એક પર્વતશિખરો સર કરીને પોતાની આગવી ઓળખ બનાવી છે. માત્ર છેલ્લાં ૪ વર્ષમાં તેણે એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે ઘણા અનુભવી પર્વતારોહકો માટે પણ પડકારરૂપ ગણાય. એપ્રિલ-મે મહિનામાં તેણે માત્ર ૩૩ દિવસમાં ‘મિશન ઇન્ડિયા સમિટ – ૧૬ સ્ટેટ્સ, ૧૬ પિક્સ’ પૂરી કરીને એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. જાણે ગ્રિહિતા દરેક નવી સફર સાથે પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડી રહી છે. ભારતની સૌથી નાની ઉંમરની પર્વતારોહક તરીકે ઓળખાતી ગ્રિહિતા ૭ વર્ષની ઉંમરથી ટ્રેકિંગ કરી રહી છે. અત્યાર સુધીમાં તેણે ભારત અને વિદેશમાં મળીને ૧૧૫થી વધુ ટ્રેક અને પર્વતારોહણ અભિયાનો સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે, અનેક રેકૉર્ડ્સ સ્થાપ્યા છે અને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ સમગ્ર સફરમાં તેની સાથે અડીખમ રીતે ઊભા રહ્યા છે તેના પિતા સચિન વિચારે; જે માત્ર પિતા જ નહીં પરંતુ તેની દરેક ચડાઈના સાથી, માર્ગદર્શક અને સૌથી મોટા પ્રેરણાસ્રોત પણ છે. કેવી રીતે શરૂ થઈ હતી અને કયા પડકારોને પાર કરીને ગ્રિહિતાની પહાડોની આ સફર અહીં સુધી પહોંચી છે એ જાણીએ.
ADVERTISEMENT
પહાડો પર જ પિકનિક થતી
બિઝનેસમૅન અને ગ્રિહિતા માટે સતત સારી સ્પૉન્સરશિપની શોધમાં રહેતા તેના પિતા સચિન વિચારે કહે છે, ‘થાણેમાં રહેતા હોવાથી અહીં નજીકમાં નાના-મોટા ઘણા ટ્રેકિંગ રૂટ્સ મળી જાય છે. મને ટ્રેકિંગનો બહુ શોખ છે. ગ્રિહિતા અંદાજે ૭ વર્ષની હતી ત્યારે અમે ચારે - મારી પત્ની સ્નેહા, મોટી દીકરી હરિથા, ગ્રિહિતા અને હું - પનવેલની નજીક એક ટ્રેક પર ગયાં હતાં. એ ટ્રેક પછી ગ્રિહિતાએ મને ફરી તેને ટ્રેક પર લઈ જવાની ડિમાન્ડ કરી. ત્યાર બાદ અમે મોટા ભાગના વીક-એન્ડમાં ટ્રેકિંગ માટે જવા લાગ્યા. અમે જોયું કે ટ્રેકિંગ કરીને તે થાકતી નહોતી, ઊલટાનું એમાં ખૂબ રસ લઈ રહી હતી. વીક-એન્ડમાં ટ્રેકિંગ કર્યા પછી બીજા દિવસે તે સ્કૂલ જવા માટે પણ એકદમ તૈયાર થઈ જતી હતી. ટ્રેકિંગ સાથે તે ડ્રૉઇંગ અને ગિટારના ક્લાસમાં પણ રસ ધરાવે છે. તે સુપરઍક્ટિવ રહે છે. મારી બન્ને દીકરીઓ ટ્રેકિંગ કરતી હતી, પરંતુ મોટી દીકરી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ. જોકે ગ્રિહિતાની ઍક્ટિવનેસને મારે ધીમી નહોતી પડવા દેવી એટલે હું અને ગ્રિહિતા લગભગ નિયમિત ટ્રેકિંગ માટે જવા લાગ્યા.’
ગ્રિહિતાએ સર કરેલાં શિખરો
મે ૨૦૨૬ : ‘મિશન ઇન્ડિયા સમિટ : ૧૬ સ્ટેટ્સ, ૧૬ પીક્સ’ ઐતિહાસિક અભિયાન સફળતાપૂર્વક પૂરું કર્યું. માત્ર ૩૩ દિવસમાં તેણે ભારતનાં ૧૬ રાજ્યોનાં સર્વોચ્ચ શિખરો સર કરીને ઇતિહાસ રચ્યો. આ અભિયાન પૂરું કરનાર સૌથી નાની ભારતીય પર્વતારોહક તરીકે તેણે નવી સિદ્ધિ હાંસલ કરી.
૧૫ ઑગસ્ટ ૨૦૨૫ : માઉન્ટ યુનમ. હિમાચલ પ્રદેશનો ૨૦,૦૪૯ ફુટ ઊંચો માઉન્ટ યુનમ ખરાબ હવામાન, ઑક્સિજનની અછત અને મુશ્કેલ ભૂપ્રદેશ હોવા છતાં તેણે ૧૯,૧૯૨ ફુટ સુધી પહોંચીને ભારતીય તિરંગો ફરકાવ્યો.
૨૬ જાન્યુઆરી ૨૦૨૫ : કેદારકાંઠા, ઉત્તરાખંડ. ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસના અવસરે ૩૮૦૦ મીટર ઊંચા કેદારકાંઠા શિખર પર ભારતીય તિરંગો ફરકાવ્યો અને આ શિખર સર કરનાર સૌથી નાની મહિલા બની.
૨૬ ઑગસ્ટ ૨૦૨૪ : માઉન્ટ બજાર્દુઝુ, અઝરબૈજાન. ૪૪૬૬ મીટર ઊંચું અઝરબૈજાનનું સર્વોચ્ચ શિખર માઉન્ટ બજાર્દુઝુ સર કરીને આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ભારતીય તરીકે નવો રેકૉર્ડ બનાવ્યો.
૨૬ જાન્યુઆરી ૨૦૨૪ : માઉન્ટ કિનાબાલુ, મલેશિયા. ૪૦૯૫ મીટર ઊંચા મલેશિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ કિનાબાલુ પર ચડીને સૌથી નાની ભારતીય તરીકે નવો રેકૉર્ડ સ્થાપ્યો. આ પર્વત વિશ્વના ટાપુઓ પર આવેલાં શિખરોમાં ત્રીજા ક્રમે સૌથી ઊંચો છે.
૧૫ ઑગસ્ટ ૨૦૨૩ : માઉન્ટ કિલિમાન્જારો, ટાન્ઝાનિયા. વિશ્વના સૌથી ઊંચા સ્વતંત્ર (સ્ટૅન્ડ-અલોન) પર્વત માઉન્ટ કિલિમાન્જારો પર ચડીને ભારતીય તિરંગો ફરકાવ્યો.
ઑક્ટોબર ૨૦૨૨ : એવરેસ્ટ બેઝ કૅમ્પ, નેપાલ. મહારાષ્ટ્રમાંથી એવરેસ્ટ બેઝ કૅમ્પ (૫૩૬૪ મીટર) સુધી પહોંચનાર સૌથી નાની બાળકી અને ભારતની બીજી સૌથી નાની ઉંમરની છોકરી બની.

ગ્રિહિતા વિચારે તેના પપ્પા સચિન વિચારે, મમ્મી સ્નેહા અને મોટી બહેન હરિતા સાથે.
પર્વતારોહણ પહેલાંની તાલીમ
નાના ટ્રેકિંગ માટે કોઈ ખાસ તાલીમની જરૂર પડતી નથી, પરંતુ મોટાં અભિયાનો માટે કેવી તૈયારી કરવી પડે છે એ વિશે સચિન કહે છે, ‘ગ્રિહિતા જિમમાં જાય છે. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને કોઈ આક્રમક પ્રકારની તાલીમ આપવામાં આવતી નથી, પરંતુ તે ક્રૉસ-ફિટ ટ્રેઇનિંગ કરે છે. તેના ફિઝિકલ ટ્રેઇનિંગના કોચ તેને સ્ટૅમિના વધારવા માટે માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત સાઇક્લિંગ અને સ્વિમિંગ પણ તેની સહનશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. વીક-એન્ડ દરમ્યાન અમે થાણેની આસપાસના નાના ટ્રેક પર જઈએ છીએ. જ્યારે કોઈ મોટું અભિયાન આવવાનું હોય ત્યારે અગાઉથી ખાસ તૈયારી શરૂ કરીએ છીએ. ગ્રિહિતા જિમમાં ન હોય ત્યારે અમે બિલ્ડિંગના દાદરા ચડવા-ઊતરવાની પ્રૅક્ટિસ કરીએ છીએ. અમારા ઘરની નજીક ૩૦ માળનું એક બિલ્ડિંગ છે. એની કમિટી પાસેથી અમે વિશેષ પરવાનગી લીધી છે. ત્યાં અમે ૩૦ માળનું બિલ્ડિંગ ૩ વખત ચડી-ઊતરીને પ્રૅક્ટિસ કરીએ છીએ. અમે સાતમા માળે રહીએ છીએ અને ગ્રિહિતા સામાન્ય રીતે લિફ્ટનો ઉપયોગ પણ કરતી નથી. આ તમામ તાલીમ ઉપરાંત તે માત્ર ઘરનું જ ભોજન લે છે. તેની નાની ઉંમરને કારણે અમે કોઈ સપ્લિમેન્ટ્સ આપતા નથી અને બાળકોને બિનજરૂરી સપ્લિમેન્ટ્સ આપવાં પણ ન જોઈએ. બાળકને જે પ્રવૃત્તિમાં રસ હોય એમાં તેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળવું જોઈએ. તેની મમ્મી ઘરમાં તેની દેખરેખ રાખે છે અને હું તેની પર્વતારોહણ સંબંધિત પ્રવૃત્તિઓનું ધ્યાન રાખું છું એટલે તેના દરેક પ્રવાસમાં હું તેની સાથે હોઉં છું. ગ્રિહિતાના ટ્રેકિંગ પ્રત્યેના જુસ્સાને ટેકો આપવા માટે મેં કરીઅરમાં બ્રેક લીધો અને નોકરી છોડીને પોતાનું કામ શરૂ કર્યું જેથી જ્યારે તેને ટ્રેકિંગ પર જવાનું હોય ત્યારે હું જઈ શકું.’
કેવા પડકારોનો સામનો કરવો પડે છે?
ગ્રિહિતાની લગભગ દરેક પર્વતયાત્રામાં તેની સાથે રહેલા સચિન કહે છે, ‘ગ્રિહિતા હજી બહુ નાની છે એટલે તે દરેક વ્યક્તિ સાથે ઝડપથી કમ્ફર્ટેબલ થઈ શકતી નથી. એટલે હું તેની દરેક સફરમાં તેની સાથે જ હોઉં છું. તેના સૌથી મુશ્કેલ ટ્રેકમાં પણ હું તેની સાથે રહ્યો છું. ગ્રિહિતા કદાચ ન થાકે, પરંતુ ક્યારેક મારું શરીર મને રોકી લે છે. ગ્રિહિતા જિમમાં જાય ત્યારે હું વૉક કરવા જાઉં છું. દાદર ચડવા-ઊતરવાની પ્રૅક્ટિસ પણ અમે સાથે જ કરીએ છીએ એટલે મારી દીકરી માટે મારે પોતે પણ ફિટ રહેવું પડે છે અને મને એ ગમે છે. એમ છતાં ક્યારેક એવા પડકારો આવે છે જ્યાં મારી પોતાની શારીરિક મર્યાદાઓ સામે આવી જાય છે, પરંતુ એમાં પણ હું ગ્રિહિતાને અટકવા દેતો નથી. તમને ટાન્ઝાનિયાના માઉન્ટન કિલિમાન્જારોની એક ઘટના કહું. અમારી સફર ખૂબ સારી રીતે શરૂ થઈ હતી અને બધું જ સરળતાથી આગળ વધી રહ્યું હતું. અમે શિખરની નજીક પહોંચી ગયાં હતાં અને અંતિમ દિવસનું ટ્રેકિંગ બાકી હતું જે અમે રાત્રે શરૂ કરવાનાં હતાં. અમે લગભગ ૫૦૦૦ મીટરની ઊંચાઈએ હતાં ત્યારે મને હાઈ ઍલ્ટિટ્યુડ સિકનેસ થઈ ગઈ. રાત્રે ટ્રેક માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે મારી એવી સ્થિતિ થઈ ગઈ હતી કે હું ઊભો પણ રહી શકતો નહોતો. મારી સ્થિતિ જોઈને ગ્રિહિતા પણ આગળ જવા તૈયાર નહોતી. અમારી સાથે વિવિધ દેશોના લોકો હતા અને તેના માટે આવું ક્રાઉડ એકદમ નવું હતું. અમારી સાથે મેરઠ અને ગુરુગ્રામથી એક છોકરો અને છોકરી પણ હતાં. મેં તેમની સાથે વાત કરી અને તેઓ ગ્રિહિતાને પોતાની સાથે રાખવા તૈયાર થયાં, પરંતુ ગ્રિહિતા હજી પણ જવા તૈયાર નહોતી. ત્યારે મારે તેને ભાવનાત્મક રીતે સમજાવવું પડ્યું કે તેની સફળતા માટે ઘરે લોકો રાહ જોઈ રહ્યા છે, સ્કૂલના લોકોએ તેને સપોર્ટ કર્યો છે અને ઘણા લોકો તેના સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. આખરે તે માની ગઈ અને મારા વગર જ શિખર સુધી પહોંચી હતી.’
એપ્રિલ-મે ૨૦૨૬માં ૩૩ દિવસમાં ‘મિશન ઇન્ડિયા સમિટ’ દરમ્યાન ગ્રિહિતાએ કર્ણાટકના મુલ્લયાનગિરિ, કેરલમના મિસાપુલિમાલા, તામિલનાડુના ડોડ્ડાબેટ્ટા, તેલંગણના પાતાળટોકા, ઓડિશાના દેઓમાલી, છત્તીસગઢના ગૌરલાટા, ઝારખંડના પારસનાથ, પશ્ચિમ બંગાળના સાંદાકફુ, આસામના માઉન્ટ સિલકલ (તુમજાંગ પીક), હરિયાણાના કરોહ પીક, પંજાબના સર્વોચ્ચ શિખર, રાજસ્થાનના ગુરુ શિખર, મધ્ય પ્રદેશના ધૂપગઢ અને ગુજરાતના ગિરનાર શિખર પર સફળતાપૂર્વક ચડાઈ કરી હતી.

એપ્રિલ-મે ૨૦૨૬માં ૩૩ દિવસમાં ‘મિશન ઇન્ડિયા સમિટ’ દરમ્યાન ગ્રિહિતાએ ૨૮ એપ્રિલે કર્ણાટકના મુલ્લયાનગિરિથી આ મિશનની શરૂઆત કરીને ૨૫ મેએ ગુજરાતના ગિરનારથી સમિટ પૂરી કરી હતી.
પીક વિથ પર્પઝ
શરૂઆતમાં તમામ ટ્રેક અને અભિયાનો સ્વખર્ચે કર્યાં હોવાનું જણાવતાં સચિન કહે છે, ‘આર્થિક રીતે આ ખૂબ ખર્ચાળ પ્રવૃત્તિ છે. શરૂઆતમાં મને માઉન્ટેનિયરિંગ ક્ષેત્ર કેવી રીતે કાર્ય કરે છે એની બહુ જાણકારી નહોતી. જેમ-જેમ સફર આગળ વધી એમ નવા લોકો મળતા ગયા અને આ ક્ષેત્ર વિશેની સમજ પણ વધતી ગઈ. ઘણી સંસ્થાઓ આવી પ્રવૃત્તિઓ માટે સ્પૉન્સરશિપ આપતી હોય છે. મને લાગતું હતું કે ગ્રિહિતાએ વ્યક્તિગત રીતે એવા રેકૉર્ડ્સ બનાવ્યા છે કે તેને સરળતાથી સ્પૉન્સરશિપ મળી જશે, પરંતુ વાસ્તવિકતા એનાથી વિપરીત હતી. તેની નાની ઉંમર જ તેના માટે સૌથી મોટો પડકાર બની. જે બાબતને કારણે લોકો તેને ઓળખતા હતા એ જ બાબતને કારણે સ્પૉન્સરશિપ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. એમ છતાં અમે પ્રયત્નો ચાલુ રાખ્યા. ૪ વર્ષ પહેલાં તો પર્વતારોહણ સાથે જોડાયેલી કોઈ બ્રૅન્ડ પણ સહેલાઈથી મળતી નહોતી. મેં યુરોપ અને અમેરિકાની બ્રૅન્ડ્સ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પોતાની શરતો અને માપદંડોને કારણે સ્પૉન્સરશિપ મેળવવી મુશ્કેલ બનતી હતી. ઘણી કોશિશો પછી અમને પહેલી સ્પૉન્સરશિપ મળી. ત્યાર બાદ ધીમે-ધીમે વધુ લોકો અને સંસ્થાઓનો સહયોગ મળતો ગયો. ટ્રેકિંગની શરૂઆત અમે માત્ર એક વીક-એન્ડ આઉટિંગ તરીકે કરી હતી. એ જ સમયગાળા દરમ્યાન પ્રધાનમંત્રીનું ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન ચાલી રહ્યું હતું. ગ્રિહિતાએ મોટાં અભિયાનો શરૂ કર્યાં ત્યારે તેણે દરેક અભિયાન આ સંદેશ સાથે જોડ્યું. તે પોતાના દરેક મોટા અભિયાનમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નું બૅનર સાથે રાખે છે. તેણે પોતાના પૅશનને એક પર્પઝ સાથે જોડ્યું છે. ગ્રિહિતા ભલે નાની હોય, પરંતુ તેને આ સંદેશનું મહત્ત્વ સારી રીતે સમજાય છે.’
