Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હેલ્થવિષયક માહિતીનો અતિરેક આપણને સ્માર્ટ બનાવી રહ્યો છે કે ડમ્બ?

હેલ્થવિષયક માહિતીનો અતિરેક આપણને સ્માર્ટ બનાવી રહ્યો છે કે ડમ્બ?

Published : 31 August, 2026 01:25 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પહેલાંના લોકોને ખબર હતી કે તેમણે શું ખાવું જોઈએ અને શું નહીં. આજે આપણને ડાયટિશ્યન કે ઍપ્સની જરૂર પડે છે. શું ખાવું એ આપણે એક્સપર્ટ કે AIને પૂછતા થયા છીએ. તમને શું સદે અને શું નહીં એ તમારું શરીર જ તમને કહેશે, એક વાર જરૂર છે એની સાથે સંવાદ સાધવાની

હેલ્થવિષયક માહિતીનો અતિરેક આપણને સ્માર્ટ બનાવી રહ્યો છે કે ડમ્બ?

હેલ્થવિષયક માહિતીનો અતિરેક આપણને સ્માર્ટ બનાવી રહ્યો છે કે ડમ્બ?


સામાજિક મેળાવડાઓ કોઈને ગમે કે ન ગમે, એની જરૂર આપણને બધાને છે. લોકોને મળીએ, બે વાત થાય, સુખ-દુખ શૅર થાય અને આપણે હળવા થઈએ. જોકે છેલ્લાં ૩-૪ વર્ષથી એક ટૉપિક સોશ્યલ મેળાવડામાં હૉટ ફેવરિટ બની રહ્યો છે. કોઈ પણ બે જણ ઘણા સમયે મળે તો પહેલી વાત એ કરે કે ‘અરે વાહ, તમે વજન ઉતાર્યું? ખાસ્સા દૂબળા લાગો છો.’ મોટા ભાગના ઓવરસ્માર્ટ લોકોને ખબર છે કે સામેવાળી વ્યક્તિ આ સાંભળીને ખુશ થઈ જશે. બાકી એક વર્ગ એ છે કે તેના પોતાના મગજમાં ફક્ત વેઇટલૉસ શબ્દ જ ઘૂમરાઈ રહ્યો છે એટલે કોઈ પણ વ્યક્તિને તે જાડા કે પાતળાના માપદંડ પર જ જુએ છે એટલે હેલો-હાઇ, જીવો છો બરાબર? શ્વાસ ચાલે છે? એવું કશું જ ન પૂછીને સીધું દૂબળા થઈ ગયા કે થોડું વજન વધી ગયુંની વાત પર જ આવે છે. આજની તારીખે ૫૦ કિલો વજન હોય કે ૧૦૦ કિલો, બધાના જીવનનું લક્ષ્ય વેઇટલૉસ છે. 
એક સમય હતો જ્યારે એકબીજાને મળવા આપણે એકબીજાના ઘરે જતા. હવે કોઈ માટે રસોઈ બનાવવાનો આપણને ભાર લાગે છે એટલે બારોબાર જ એ પતાવીએ છીએ અને કોઈ રેસ્ટોરાંના ટેબલ પર બેસીને હેલ્થનું ધ્યાન રાખવા આ ખવાય કે આ ન ખવાયની વાતો કરીએ છીએ. આખા ગ્રુપમાં કોઈ દોઢડાહ્યું ચોક્કસ હોય છે જે ત્યાં જઈને સૅલડ જ ખાઈશ અને સ્ટીમ ફૂડ છે તમારી પાસે? એવી વાતો કરે છે. એને લીધે સામેવાળી વ્યક્તિ જેણે સમોસા-ચાટ મગાવી છે તે ગિલ્ટમાં આવી જાય છે અને રસસભર ચાટ રસથી ખાઈ શકતી નથી. બટર નાન ઑર્ડર કરવાનું માંડી વાળીને દાલ-ખિચડી ખાઈને તે પાછી ફરે છે.
હવે તમે કહેશો કે હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ સારી બાબત છે. ચોક્કસ, પહેલું સુખ એ જાતે નર્યા. હેલ્થનું ધ્યાન રાખવાનું જ છે, પણ આપણી પાસે આ ધ્યાન કઈ રીતે રાખવું એની માહિતીનો અતિરેક થઈ ગયો છે. માહિતીનો અભાવ એક તકલીફ છે, એની બીજી બાજુ માહિતીનો અતિરેક પણ એક મોટી તકલીફ છે. માહિતીના આ અતિરેકને કારણે કોવિડ વખતે ઇમ્યુનિટી વધારવા ગિલોયનાં પાનનો રસ લોકોએ એટલો પીધો કે એનાં ઝાડ બુઠ્ઠાં થઈ ગયેલાં. આમળાંના વિટામિન Cની જાદુઈ અસર પામવા માટે લોકો એટલા તલપાપડ થઈ ગયા છે કે છેલ્લાં ૩-૪ વર્ષથી ફક્ત શિયાળામાં મળતાં આમળાં હવે બારમાસી બની ગયાં છે. દરેક ઘરમાં સવાર-સવારમાં જુદા-જુદા પ્રકારનું પાણી - જેમ કે ધાણાનું, જીરાનું કે વરિયાળીનું પાણી - બનતું થઈ ગયું છે. અચાનક જ બાપદાદાના જમાનાથી વપરાતાં ઍલ્યુમિનિયમનાં વાસણો ફેંકાઈ જાય છે, કારણ કે કોઈ એક રીલ એવું કહે છે કે ઍલ્યુમિનિયમનાં વાસણો કૅન્સરનાં કારક છે. 
હેલ્થવિષયક માહિતીનો આ જે મારો આપણા પર થઈ રહ્યો છે એનાથી બધા હેલ્ધી તો ૧૦૦ ટકા બન્યા નથી, પરંતુ હેલ્થ પર વક્તવ્ય આપી શકીએ એટલા હોશિયાર બની ગયા છીએ. ઇન્ટરનેટ કે સોશ્યલ મીડિયા પરથી માહિતીઓ પોતાના મગજમાં ઠાલવીને લોકો આજકાલ સોશ્યલ સર્કલમાં પણ આ જ વાતો કરતા જોવા મળે છે. આજકાલ કોઈ પણ જગ્યાએ ૪ માણસો ભેગા થઈને એક જ ટૉપિક પર વાત કરે છે - આ ખવાય અને આ ન ખવાય. આ ખાઓ તો વજન ઊતરે, આ ખાઓ તો ઍસિડિટી ન થાય, આ ખાઓ તો ફૅટ ઓગળી જશે અથવા આ તો ખવાય જ નહીં, એનાથી કૉલેસ્ટરોલ થઈ જાય; આ તો ખવાય જ નહીં, નહીંતર ડાયાબિટીઝ આવી જાય. 
સાઇકોલૉજી કહે છે કે જ્યારે વધુ પડતી માહિતીને બ્રેઇન પ્રોસેસ નથી કરી શકતું ત્યારે કન્ફ્યુઝન ઊભું થાય છે. આ કન્ફ્યુઝનને લીધે જ લોકોની આજે ખૂબ ખરાબ હાલત છે. આજકાલ તો લોકો બહાર જમવા જાય ત્યારે પોતાના ડાયટિશ્યનને આખું મેનુ મોકલે છે અને પૂછે છે કે આમાંથી હું શું ખાઉં જેને લીધે મારી ડાયટ ઉપર-નીચે ન થાય? લોકો પૂછે છે કે મારે એક રોટલી ખાવી કે બે? આટલી બધી નિર્ભરતા? તમે જાતે એ નક્કી નથી કરી શકતા કે મારે શું ખાવું જોઈએ અને શું નહીં? એ તો એક માણસ તરીકે તમને સમજ પડવી જોઈએને? 
આપણે ભૂખ જેવો કન્સેપ્ટ જ ભૂલી ગયા છીએ. આજકાલ લોકોને ભૂખ લાગતી જ નથી અથવા લાગે તો અકરાંતિયાની જેમ ખાઈ શકાય એવી ભૂખ લાગે છે. કેટલો ખોરાક પૂરતો છે એ પણ તમારી ભૂખ પર આધારિત છે. એને ખુદ સમજવી પડે છે. કોઈ ત્રીજી વ્યક્તિ કે ગૂગલને પૂછવું પડે કે તમારા માટે કેટલી કૅલરી પૂરતી છે? શરીર માટે શું જરૂરી છે એ શરીર તમને કહેશે. તમે એને સાંભળો તો ખરા! એને સમજો તો ખરા! 
કોઈ પણ એક્સરસાઇઝ કરતી વખતે જ તમને સમજાવું જોઈએ કે મારા ઘૂંટણ આ લોડ લઈ શકશે કે નહીં. ટ્રેડમિલ પર દોડતી વખતે તમને ખુદને સમજાવું જોઈએ કે આજે કશુંક અજુગતું છે. મારે અહીં જ થંભી જવું જોઈએ, હાર્ટ-અટૅક આવે એની રાહ ન જોવાની હોય. માનવશરીર કુદરતે બનાવેલું શ્રેષ્ઠ મશીન છે એટલે એ ખુદ કમ્યુનિકેટ કરે છે. એને જરૂર હોય ત્યારે એ વધુ ભૂખ લગાડીને પોષણ મેળવી લે છે. એને સારું ન લાગતું હોય ત્યારે એ બેચેની કે થાક જેવાં લક્ષણો તમને દર્શાવે છે. એ જ્યારે કહે છે કે સૂઈ જા તો પરાણે એને પાર્ટીમાં ઢસડી ન જાઓ. એ જ્યારે કહે છે કે મને સૂર્યપ્રકાશમાં સારું લાગે છે ત્યારે ટૅન થઈ જઈશું એ બીકે ઘરમાં ભરાઈ ન રહો. એ જ્યારે કહે છે કે એક જગ્યાએ બેઠાં-બેઠા કળતર થાય છે તો બેઠાડુ જીવનમાં બદલાવ લાવો. એ જ્યારે કહે છે કે ભલે આખી દુનિયા સિગારેટના કશની મજા માણે છે; પણ હું તને ખાંસી દ્વારા, હોઠ કાળા કરીને ચેતવું છું તોય તું નથી માનતો તો શ્વાસની તકલીફ ઊભી કરીને જણાવું છું કે બસ, ખમૈયા કર, મારા પર આટલો ત્રાસ ન ગુજાર. જોકે આપણને શરીર શું કહી રહ્યું છે એના પર ધ્યાન દેવાને બદલે ફલાણો કે ઢીંકણો ઇન્ફ્લુઅન્સર શું કહી રહ્યો છે એ સાંભળવામાં ભયંકર રસ છે. તેમને ચોક્કસ સાંભળો, પણ એ માહિતી આપણને આપણા શરીરને સમજવામાં મદદરૂપ થવી જોઈએ, નહીં કે એમાં અડચણરૂપ બને. શું કહો છો? 


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 01:25 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK