Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ નવપરિણીત કપલ હનીમૂન પર જવાને બદલે ૩૦ દિવસના તપોત્સવમાં જોડાયું

આ નવપરિણીત કપલ હનીમૂન પર જવાને બદલે ૩૦ દિવસના તપોત્સવમાં જોડાયું

Published : 31 August, 2026 07:17 AM | IST | Mumbai
Alpa Nirmal

મુલુંડમાં માસક્ષમણ કરનારા રેકૉર્ડબ્રેક ૧૦૬૨ તપસ્વીઓનાં આવતી કાલે પારણાં છે ત્યારે આ અનુષ્ઠાનમાં સામેલ થયેલા અનોખા લોકોને મળીએ અને આ બેજોડ આયોજન વિશે જાણીએ

૨૭ જૂને લગ્નબંધનમાં બંધાયેલાં ભવ્ય અને ધ્રુવી શાહ.

૨૭ જૂને લગ્નબંધનમાં બંધાયેલાં ભવ્ય અને ધ્રુવી શાહ.


મુલુંડમાં વિક્રમસર્જક માસક્ષમણના પ્રેરક જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે...તપસાધના કર્મનો ક્ષય કરવાનું સૌથી મોટું સાધન છે

કહાની-નંબર ૧ : નીરવ શાહ જૉબ માટે આફ્રિકાના ટાન્ઝાનિયામાં રહે છે અને હોમટાઉન મુલુંડમાં છે. માસક્ષમણનો માહોલ જાણીને તેમણે ધર્મશૂન્ય આફ્રિકામાં ઉપવાસ કરવાનું શરૂ કર્યું. તેમને કંપની આપવા અહીં તેમના ભાઈ જિનેશ શાહે પણ એક મહિનાનું મહામૃત્યુંજય તપ આદર્યું અને પહેલી સપ્ટેમ્બરે બેઉ ભાઈઓ મુલુંડના ૧૦૬૦ તપસ્વીઓ સાથે પારણાં કરશે. 




મુલંુડ-વેસ્ટમાં ઝવેર રોડ પર આવેલા શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ. તસવીર : સતેજ શિંદે

કહાની-નંબર ર : ૨૭ જૂને જ પરણેલાં ભવ્ય અને ધ્રુવી શાહને ખબર હતી કે આ વર્ષે સંઘમાં મોટા પાયે માસક્ષમણ થવાનાં છે. ના, પોતે એ મહાતપ કરવાનું પ્લાનિંગ નહોતું કર્યું. પણ વિચાર કર્યો કે આ માહોલ છોડીને હનીમૂન પર નથી જવું; ફરવા માટે આખી લાઇફ છે, પણ આવો અવસર વારંવાર નહીં આવે. જોકે ૧ ઑગસ્ટે, પચ્ચક્‍ખાણ પ્રદાનના દિવસે ધ્રુવીનો બર્થ-ડે હોવાથી તેઓ લોનાવલા ગયાં હતાં.  એ વખતે ભવ્યનાં મમ્મીએ ૮ ઉપવાસના પચ્ચક્‍ખાણ લીધા. બીજે દિવસે આ યુગલ તેમનાં મમ્મી સાથે મહારાજસાહેબને વંદન કરવા ગયું. ત્યાં ગુરુમહારાજે તેમને અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવાની પ્રેરણા કરી અને બીજી ઑગસ્ટથી ભવ્ય અને ધ્રુવીએ સજોડે ઉપવાસ શરૂ કર્યા. આવતી કાલે તેમનો ત્રીસમો ઉપવાસ થશે અને મમ્મી કામિનીબહેન પારણું કરશે.
કહાની-નંબર ૩ : કિડનીનાં ૬ ઑપરેશન, હૃદયમાં એક સ્ટેન્ટ; પરંતુ મક્કમ મનોબળ ધરાવતાં મધ્યમ વયનાં દક્ષા દેઢિયાએ નક્કી કર્યું હતું કે માસક્ષમણ સ્પેશ્યલિસ્ટ ગુરુદેવ અહીં આવ્યા છે તો સમૂહમાં આ તપ કરવું છે. પહેલા જ દિવસે સળંગ ૧૬ દિવસના અને બીજી વખત સળંગ ૧૪ દિવસનાં પચ્ચક્ખાણ લઈને પોતાના સત્ત્વને સિમેન્ટ જેવું મજબૂત કર્યું. 


કહાની-નંબર ૪ : ગયા વર્ષે જ ખબર પડી ગઈ હતી કે તેના સંઘમાં આવતા વર્ષે ચાર્તુમાસમાં સામૂહિક માસક્ષમણ થવાનાં છે. એટલે દિવ્ય ગાંધીએ લૉન્ગ-ટાઇમ પ્લાનિંગ કરીને છેલ્લા ૧૦ મહિના દરમ્યાન શનિવારે-રવિવારે વર્ક ફ્રૉમ હોમ કરીને ૩૦ દિવસની રજા સિલકમાં રાખી અને ઉપવાસ શરૂ કર્યા. પહેલી તારીખે અન્ય તપસ્વીઓ સાથે તેનો પણ પારણોત્સવ ઊજવાશે. 
કહાની-નંબર પાંચ : ૭૨ વર્ષની જૈફ વયનાં સરોજ લોડાયાએ ‘આ ઉંમરે આવડું મોટું તપ ક્યાંથી થાય?’ એ વિચારે પ્રથમ પચ્ચક્ખાણના દિવસે ઘરે બેસીને યુટ્યુબ પર પ્રોગ્રામ જોયો અને એકસાથે ૬૫૦૦ ભાવિકોને જોઈને તેમનું મન એવું ભીંજાયું કે નક્કી કરી લીધું કે મારે પણ આ તપોયાત્રામાં જોડાવું છે. સ્ક્રીન પર જ્યારે ગુરુભગવંત દ્વારા પચ્ચક્ખાણ પ્રદાનનું દૃશ્ય આવ્યું ત્યારે હાથ જોડીને સળંગ ૧૧ ઉપવાસનો નિયમ લઈ લીધો અને ખૂબ સ્વસ્થતાથી માસક્ષમણ યાત્રામાં આગળ વધી રહ્યાં છે.
lll
મુલુંડના ઘરે-ઘરે આવા તો કંઈકેટલાય કિસ્સાઓ છે, કહાનીઓ છે. ૨૪થી વધુ જેન-ઝી આ ભીષ્મ તપ કરી રહ્યા છે તો ૬૫થી ૮૦ વર્ષના પણ અનેક તપસ્વીઓ છે. પાંચ ભાવિકો ૪૫ અને ૧૧ તપસ્વીઓ ૩૬ ઉપવાસ કરવાના છે તો ૨૦ વર્ષનો એક યુવાન અને એક બહેન ૩૦ દિવસ અન્ન તો ખરું, પાણીનો પણ ત્યાગ કરીને ચોવિહાર માસક્ષમણ કરી રહ્યાં છે.
સોનમ વાંગચુકે મીઠાવાળું પાણી પીને ૨૬ દિવસ ઉપવાસ કર્યા એમાં તેમની તબિયતના મામલે વિપક્ષી રાજનેતાઓ, ફિલ્મ-અભિનેતાઓ, દેશની યુવાપેઢી (ખાસ કરીને વિદ્યાર્થીઓ) તથા 
દેશી-વિદેશી મીડિયાએ ઊહાપોહ મચાવી દીધો અને મુંબઈના ઈસ્ટર્ન ઉપનગર મુલુંડમાં ટોટલ ૧૦૬૨ તપસ્વીઓ હસતાં-રમતાં, ખૂબ ઉલ્લાસથી પોતાની ૩૦ ઉપવાસની તપોયાત્રામાં આગળ વધી રહ્યા છે. આવતી કાલે તેમનાં પારણાં થશે.
lll

છેલ્લાં ૧૦ વર્ષથી જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ પ્રત્યેક ચાતુર્માસમાં સામૂહિક માસક્ષમણ તપ (કોઈ પણ અન્ન કે આહાર લીધા વિના, સવારના દસથી સાંજે સૂર્યાસ્ત સુધી ફક્ત ઉકાળેલું પાણી પીને ૩૦ દિવસના ઉપવાસ)નું અનુષ્ઠાન કરાવે છે. એમાં મુલુંડ સિવાયના સંઘોમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૪૦ લોકોએ માસક્ષમણ કર્યાં છે. તેમની નિશ્રામાં અમદાવાદમાં પાંચ સંઘોમાં મળીને ૮૮૫ મહામૃત્યુંજય તપ થયાં હતાં એ પણ એક માઇલસ્ટોન હતો અને આ વર્ષે મુલુંડમાં થયેલી સંખ્યા તો રેકૉર્ડરૂપ છે. ઈવન વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સ-લંડને પણ આ ઘટનાને વર્લ્ડ રેકૉર્ડ તરીકે માન્ય રાખી છે. મુલુંડ શ્વેતાંબર જૈન સંઘ-ઝવેર રોડમાં ચોમાસાર્થે બિરાજમાન આચાર્ય શ્રી રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ‘મિડ-ડે’ને તપનું મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘જૈન ધર્મની તમામ સાધનાઓનું મુખ્ય લક્ષ્ય કર્મોનો ક્ષય કરવાનું છે અને તપસાધના કર્મનો ક્ષય કરવાનું સૌથી મોટું સાધન છે. વૈદિક પરંપરામાં પણ આત્મકલ્યાણ માટે તપને ઉત્કૃષ્ટ સ્થાન અપાયું છે. પૂર્વકાળમાં આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષોનું તપ કર્યાના અનેક દાખલા પ્રાચીન પુરાણોમાં જોવા મળે છે. જૈન ધર્મના સ્થાપક પહેલા તીર્થંકર ઋષભદેવે ૪૦૦ દિવસના અન્ન-જળ વિનાના સળંગ ઉપવાસ કર્યાનો ઉલ્લેખ ધર્મશાસ્ત્રોમાં છે જ.’ 

પરંતુ આટલું કઠિન તપ કેમ? એના જવાબમાં ધર્મપ્રભાવક આચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે, ‘કર્મ જેને સાદી ભાષામાં આપણે પાપ કહીએ એ ભારે-મોટાં કર્યાં હોય તો તપ પણ આકરું કરવું જ પડેને. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષના સાધનાકાળમાં સાડાઅગિયાર વર્ષથી વધુ સમય અન્ન-જળ વિનાના ઉપવાસો કર્યા હતા. વીર પ્રભુની આ તપસાધના જૈનોને કઠિન તપ કરવાનો બોધ આપે છે. એ અન્વયે આજના કાળમાં પણ કેટલાંય સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સળંગ ૩૦ નહીં પણ ચોવીસમા તીર્થંકરે કરેલા સળંગ ૬ મહિના (૧૮૦ દિવસ)ના ઉપવાસો કરે છે.’

સમૂહમાં તપ આદિ ધાર્મિક ક્રિયાઓ કરવાના સંદર્ભે રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે, ‘જૈન સંસ્કૃત સાહિત્યમાં એક સુભાષિત છે કે ‘સંઘે શક્તિઃ કલૌ યુગે’ અર્થાત્ કળિયુગમાં સમૂહની શક્તિ વધુ પાવરફુલ છે. એકસાથે સો-બસો-પાંચસો આરાધકો તપ કરે ત્યારે તેમને એ ક્રિયામાં જોડી રાખતા અનેક કાર્યક્રમો યોજાય છે જે તેમને આવતી કસોટીઓમાં બળ પૂરું પાડે છે. જુઓ, કોઈ પણ ધર્મસાધનામાં કસોટી તો થવાની જ છે. ત્યારે એકલા-એકલા એની સામે ઝઝૂમતાં ક્યારેક મનોબળ તૂટી જાય છે અને વ્યક્તિ અટકી જતી હોય છે ત્યારે સમુદાયનું સૉલિડ બળ એ વ્યક્તિને શક્તિ અર્પે છે. વળી આવી ક્રિયાઓ ચાતુર્માસમાં વિશેષ થાય છે. એક તો એ દરમ્યાન સાધુ-સાધ્વીજીનું સાંનિધ્ય મળે છે; તેમનાં પ્રવચનો અને સત્સંગનો લાભ મળે જેનાથી ધર્મની, તપની ભાવના વિશેષ પણ પ્રદીપ્ત થાય છે. બીજું, વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ સમયગાળામાં ઉપવાસ સ્વયં જ શરીરની દવા બની જાય છે. વળી જૈન કાળગણના પ્રમાણે પર્યુષણ પર્વ વર્ષના અંતિમ દિવસો છે એટલે જૂના યુગાંતમાં શક્ય એટલી વધુ ધર્મસાધના કરીને જીવનને પુણ્યથી ભરપૂર બનાવવાનો સંયોગ મળે છે.’

મુલુંડના વિવિધ સંઘોમાં આટલી વિરાટ સંખ્યામાં આ દિવ્ય તપ થવાં એ પરમાત્મા, ગુરુદેવોની પરમ કૃપા સાથે એ સંઘોમાં બિરાજમાન રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યો આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજસાહેબ, હિતરત્નસૂરિ મહારાજસાહેબ, અક્ષયરત્નસૂરિ મહારાજસાહેબ તથા અન્ય સાધુગણનો પણ વિશિષ્ટ પુરુષાર્થ છે. જૈનાચાર્યોની સર્વોચ્ચ પ્રવર સમિતિ તથા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા અનેક ધર્માચાર્યો, મહાનુભાવોએ અનુમોદના પત્રોથી આ રેકૉર્ડબ્રેક તપને વધાવ્યું છે. આ ઐતિહાસિક તપની ઉજવણીરૂપે મુલુંડમાં ૨૩ ઑગસ્ટથી ૩૧ ઑગસ્ટ દરમ્યાન મેંદી રસમ, અષ્ટોત્તરી મહાઅભિષેક, તપવંદના, તપપુંજણું, રથયાત્રા આદિ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આવતી કાલે પહેલી સપ્ટેમ્બરે મુલુંડ-વેસ્ટના રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ જમ્બો ફૅસિલિટી સેન્ટરના ગ્રાઉન્ડમાં પારણોત્સવની ઉજવણી થશે.

ચમકારા
 મુલુંડનાં સેંકડો કપલો, ભાઈ-બહેનો, સંપૂર્ણ કુટુંબો આ માસક્ષમણ તપમાં જોડાયાં છે.
 ટેન્થ-ટ્વેલ્થમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટો, વકીલો, ડૉક્ટરો તથા બિઝનેસમેનોએ ૩૦ ઉપવાસના અનુષ્ઠાનમાં ભાગ લીધો છે.
 ૮૦ વર્ષનાં સાધ્વી શ્રી વિશ્વયશાશ્રીજી મહારાજે પૂર્વે ૩ માસક્ષમણ કર્યાં છે અને જૈફ વયે ચોથી વખત આ તપ કરે છે.
 મુલુંડના ઝવેર રોડ સંઘનાં એક શ્રાવિકા બહેનની આયંબિલની ૭૨મી ઓળી ચાલતી હતી અને પચ્ચક્ખાણ પ્રદાનનો ભવ્ય માહોલ જોતાં ૬૦મા આયંબિલના દિવસે સળંગ ૧૧ ઉપવાસના પચ્ચક્ખાણ લઈને એક મહાતપની ઉપર દ્વિતીય મહાતપ કર્યું છે.
 ઝવેર રોડ પર આવેલા નીલકંઠ તીર્થ નામના ૫૭ ફ્લૅટ ધરાવતા બિલ્ડિંગમાં રહેતા ૧૭ લોકોનાં માસક્ષમણ છે.
 આ પહેલાં આચાર્ય શ્રી જયઘોષસૂરિ મહારાજસાહેબની પ્રેરણાથી સુરતના પચાસથી 
વધુ જૈન સંઘના ૯૧૦ ભાવિકોએ એકસાથે માસક્ષમણ કર્યાનો 
રેકૉર્ડ છે. 
 મુલુંડનાં એક બહેનનું ૨૮મું વર્ષીતપ ચાલે છે જેમાં તેમણે ચોથી વખત ૩૦ ઉપવાસ તપ કરીને ચોક્કો ફટકાર્યો છે.

 
અનેક વર્ષોથી વર્તમાનપત્રોમાં કૉલમ લખનારા પૂજ્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ લિખિત ૧૧૨થી ૧૧૫ ક્રમાંકનાં ૪ નૂતન પુસ્તકોનું આજે વિમોચન થશે.

 
મુલુંડ ઉપરાંત બોરીવલી, અંધેરી, ચેમ્બુર તથા ઘાટકોપરના પણ કેટલાક જૈન ભક્તો આ માસક્ષમણ યાત્રામાં જોડાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 07:17 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK