Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

Published : 31 August, 2026 01:31 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

દર વર્ષે હાઈ કોર્ટમાં આ છેલ્લું વર્ષ છે એવી ખાતરી આપીને મુદતો માગતી સરકારની નીતિ સામે પર્યાવરણવાદીઓનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?


વોટબૅન્કના રાજકારણમાં રાજ્ય સરકાર પર્યાવરણીય હોનારત પ્રત્યે અસંવેદનશીલ બની રહી છે એવો આક્ષેપ પર્યાવરણવિદો કરી રહ્યા છે. વારંવાર હાઈ કોર્ટના આદેશ પછી પણ પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે તો બીજી તરફ માત્ર શાડૂ માટીની મૂર્તિઓને અધિકૃત ગણવી એ પ્રૅક્ટિકલી શક્ય જ નથી એવો સાર્વજનિક મંડળોનો અભિપ્રાય છે. હાઈ કોર્ટના છેલ્લા નિવેદન મુજબ જ્યાં સુધી ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી પાછલા વર્ષના આદેશ મુજબ ૬ ફુટથી વધુ હાઇટની PoPની મૂર્તિઓને દરિયામાં વિસર્જિત કરવાની છૂટ ફરી એક વાર મળી ગઈ છે ત્યારે આ આખા મુદ્દાને જુદાં-જુદાં પાસાંઓથી સમજીએ

પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિને દરિયાના પાણીમાં વિસર્જિત કરવાથી થતા પ્રદૂષણના વિરોધમાં હાઈ કોર્ટમાં જનહિત યાચિકા દાયર કરનારા રોહિત જોશી પાસે અત્યારે શું કહેવું એ માટે શબ્દો નથી. 



‘પાંચ વર્ષ પહેલાં હાઈ કોર્ટે વિસર્જનને કારણે ફેલાતું દરિયાઈ પ્રદૂષણ અને જળચર જીવોને થતી હાનિને અટકાવવા માટે રાજ્ય સરકારને તાકીદ કરી હતી. ત્યારથી આજ સુધી અનેક વાર કઠોર રીતે ટકોર કર્યા પછી પણ સરકારે માત્ર મહોલત માગવા સિવાય કંઈ જ નથી કર્યું. આ વખતે તો અમને ખરેખર આશા હતી કે આ વર્ષે ગણેશવિસર્જનમાં દરિયા અને અન્ય કુદરતી જળાશયોનું રક્ષણ થઈ જશે, પણ હવે એની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. હાઈ કોર્ટે હજી પણ ફાઇનલ ચુકાદો આપવાનો બાકી છે, પરંતુ ગણેશવિસર્જન પહેલાં એ ચુકાદો ન આવ્યો તો ગયા વર્ષના જ ઑર્ડરને લાગુ કરવામાં આવશે અને ૬ ફુટથી વધુ ઊંચાઈની બાપ્પાની મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં જ રાબેતા મુજબ વિસર્જન થશે, પણ આવતા વર્ષે તો હાઈ કોર્ટ આ દિશામાં ચુકાદો આપી જ દેશે એવો વિશ્વાસ છે.’


માત્ર રોહિત જોશી જ નહીં, ઘણાબધા પર્યાવરણવિદો ગણેશવિસર્જનને કારણે દરિયામાં ફેલાતા પ્રદૂષણનો વર્ષોથી વિરોધ કરી રહ્યા છે. અહીં ઉત્સવની ઉજવણીનો વિરોધ નથી, પરંતુ વિસર્જનને બદલે એ PoPની મૂર્તિનું અન્ય રીતે રીસાઇક્લિંગ કરવાની માગણી પર્યાવરણના રક્ષકો કરતા આવ્યા છે. બીજી બાજુ PoPના મૂર્તિકારો અને સાર્વજનિક ગણેશમંડળોના પોતાના તર્ક છે. આર્થિક દૃષ્ટિએ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પણ PoP બહેતર પર્યાય છે એના મુદ્દાઓ તેઓ રજૂ કરે છે. સરકાર અને પર્યાવરણવિદો વચ્ચે હાઈ કોર્ટની ભૂમિકામાં નિર્ણય લેવામાં આવી રહેલા વિલંબને કારણે વધુ કપરી સ્થિતિ થઈ ગઈ છે ત્યારે દરેક પક્ષની દલીલો અને સંભવિત સમાધાનો પર ચર્ચા કરીએ. 

વાત જૂની છે
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ પૂર્વે પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓના નિર્માણ, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જનના મુદ્દે મુંબઈ હાઈ કોર્ટમાં વર્ષોથી કેસ ચાલી રહ્યો છે. હાઈ કોર્ટે ઘણીબધી વાર સખતાઈ દેખાડી દીધી છે અને આ વખતે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મનની વાત તો સમજી જાઓ એવી ચીમકી પણ આપી છે. આમ છતાં રાજ્ય સરકાર અમને સમય જોઈએ છે કહીને આખી વાતને પાછળ ઠેલી રહી છે. જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાની બેન્ચ સમક્ષ ચાલી રહેલી રોહિત જોશી v/s મહારાષ્ટ્ર રાજ્યની જનહિતની અરજીમાં હજી સુધી કોઈ સંતોષકારક પરિણામ મળ્યું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઇકો-ફ્રેન્ડ્લી તહેવારો ઊજવવાની કરેલી અપીલ બાદ હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે સત્તાવાર લેખિત જવાબ માગ્યો હતો. બીજી બાજુ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)એ ૨૦૨૦ની ગાઇડલાઇન્સને ઍડ્વાઇઝરી ગણાવતાં હાઈ કોર્ટે CPCBની ભૂમિકા પર પણ ભારે નારાજગી વ્યક્ત કરીને ફટકાર લગાવી હતી.


આને શું કહેશો?
દર વર્ષે મુંબઈમાં લગભગ એક લાખ PoPની મૂર્તિઓ આવે છે. એમાંથી દસેક હજાર મૂર્તિઓ સાર્વજનિક મંડળોની અને ૯૦,૦૦૦ ઘરગથ્થુ મૂર્તિઓ હોય છે. એ રીતે સરેરાશ ૩ લાખ કિલો PoP મૂર્તિઓ દ્વારા નદી, તળાવ અને દરિયા જેવા કુદરતી જળસ્રોતોમાં ઠાલવવામાં આવે છે. આ બધામાં દરિયાઈ જીવોને થતા નુકસાનને લગતા રિપોર્ટ્સ અવારનવાર આવ્યા છે એ પછી પણ સરકાર સ્ટે ઑર્ડર મેળવીને વર્ષોથી માત્ર મહોલત વધારતી જાય છે અને હાઈ કોર્ટના આદેશને ટાળતી રહે છે એમ જણાવી રોહિત જોશી કહે છે, ‘રાઇટ ટુ ઇન્ફર્મેશનના આધારે મળેલા ડેટા મુજબ એકલા થાણેમાં જ દર વર્ષે ૬૦,૦૦૦ મૂર્તિઓમાંથી ૮૦ ટકા PoPની હોય છે. હજારો ટન PoP કુદરતી જળસ્રોતોમાં જાય છે અને વર્ષો સુધી ઓગળ્યા વગર ત્યાં જ રહે છે. એની સાથે મૂર્તિ પર કરેલાં પેઇન્ટ્સ અને વિવિધ પ્લાસ્ટિકનાં ઘરેણાં જેવી કેટલીયે વસ્તુથી થતું પ્રદૂષણ અલગ.’

ઉલ્લેખનીય છે કે PoPને કારણે શાડૂ માટીમાંથી મૂર્તિ બનાવતા ખરા મૂર્તિકારોની કલા અને રોજીરોટી નષ્ટ થઈ રહી છે એટલે જ ૧૨ જિલ્લાના માટીના મૂર્તિકારો સહપિટિશનર બન્યા છે. દુખની વાત એ છે કે પર્યાવરણની રક્ષા માટે બનેલી સંસ્થાઓ પણ આંખે પાટા બાંધીને બેસી ગઈ છે. એનો દાખલો આપતાં રોહિત કહે છે, ‘તમે વિચારો કે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) એક સાયન્ટિફિક બૉડી છે. એનું કામ સાયન્સના આધારે માર્ગદર્શિકા આપવાનું અને એનું પાલન કરાવવાનું છે. ૨૦૨૦માં એણે ગાઇડલાઇન્સ બનાવી, પરંતુ ૨૦૨૫માં સ્ટૅન્ડ બદલીને એને ઍડ્વાઇઝરી ગણાવી દીધી. પૉલ્યુશન બોર્ડનું કહેવું છે કે અમે માર્ગદર્શિકા આપી શકીએ, પાલન કરવું ન કરવું એમાં અમારો કોઈ રોલ નથી. અરે, તો પછી પૉલ્યુશન બોર્ડની જરૂર શું છે? શું માત્ર માર્ગદર્શિકા જાહેર કરવાની? થોડીક તો તર્કપૂર્ણ વાત કરો. અમે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને જ વિસર્જન વખતે પાણીમાં બાપ્પાની મૂર્તિને ચરણસ્પર્શ કરાવી દઈને પછી એને રીસાઇકલ પ્લાન્ટમાં મોકલવાનો સુઝાવ પણ આપેલો, પરંતુ રાજ્ય સરકાર પાસે એ માટેની કોઈ તૈયારી જ નથી.’

રાજકારણથી નુકસાન કોને?
રાજકારણને કારણે પર્યાવરણની લાગતી વાટને લઈને ખૂબ જ આક્રમક થઈને વનશક્તિ નામની પર્યાવરણના સંવર્ધનમાં કામ કરતી સંસ્થાના ફાઉન્ડર સ્ટૅલિન દયાનંદ કહે છે, ‘એવું કોણે કહ્યું કે તમે મોટી મૂર્તિ લાવો તો જ ભક્તિ શક્ય છે. નાની મૂર્તિ હોય તો પણ ઉત્સવ માણી શકાય અને ઇકૉનૉમીને પણ સાચવી શકાય. પણ નહીં, કૉમ્પિટિશનમાં અને દેખાદેખીમાં ફાયદો છે. તમામ રાજકીય પક્ષો અને નેતાઓ સ્થાનિક ગણેશમંડળોને મોટી મૂર્તિઓ લાવવા પૈસા આપે છે. ‘અમારી મૂર્તિ સૌથી મોટી’ એવો દેખાડો કરવાની હોડમાં પર્યાવરણનું બૅન્ડ વગાડી રહ્યું છે. પહેલાં એક કિલોમીટરમાં એક સાર્વજનિક ગણપતિ મંડળ જોવા મળતું હતું, હવે દર ૧૦૦ મીટરે મંડળો ઊભાં થઈ ગયાં છે. એવા સમયે આવી હોડથી પર્યાવરણ પર કેટલો લોડ વધી જાય છે એનો વિચાર કર્યો છે? બીજી વાત, કયા ધાર્મિક પુસ્તક કે શાસ્ત્રમાં લખ્યું છે કે મૂર્તિ PoPમાં જ બનાવવી? એક જમાનામાં લોકો ઘરના આંગણાની માટીથી મૂર્તિ બનાવીને ટબમાં વિસર્જન કરી દેતા અને એ પાણી છોડ-ઝાડને આપી દેતા. આજે એવું કરવામાં શું વાંધો છે.’

આ ટ્રાય કરોને...
મુંબઈની કરોડોની ઇકૉનૉમીને પર્યાવરણના નામે પૂરેપૂરી દબાવી દેવી અયોગ્ય છે, કારણ કે મુંબઈના માત્ર એક મોટા બિલ્ડિંગમાં થતી ફૉલ્સ-સીલિંગના PoP કરતાં પણ ગણપતિની મૂર્તિઓનું PoP ઓછું છે એમ જણાવીને મુંબઈ માર્ચના ફાઉન્ડર અને એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટ ગોપાલ ઝવેરી બહુ જ સરસ સૉલ્યુશન આપે છે. તેઓ કહે છે, ‘ટાવર તૂટે ત્યારે એનો કચરો લૅન્ડફિલમાં જાય જ છે તો માત્ર ગણપતિ પર જ રોક કેમ? બેશક એને લગતા ઉપાયના રસ્તાઓ છે જ. જેમ સ્પેનમાં બુલ ફાઇટ કે ટમૅટો ફેસ્ટિવલ ઊજવાય છે એમ સમાજના આનંદ માટે ઉત્સવ ચાલવો જોઈએ. PoP પોતે કુદરતી મટીરિયલ છે. ખરી સમસ્યા મૂર્તિઓ પર લાગતા ઑઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક, મોતી અને ગુંદર જેવાં કેમિકલ્સ છે જે માટીની મૂર્તિઓ પર પણ વપરાય છે. ૨૦૨૧માં અમે દેવીપાડાની મોટી મૂર્તિ પર પ્રયોગ કર્યો હતો, જેમાં મૂર્તિના વજન જેટલો ૧૦૦ કિલો ખાવાનો સોડા ટૅન્કમાં નાખવાથી PoPની મૂર્તિ તરત ઓગળી ગઈ અને અવશેષો નીચે બેસી ગયા. BMC આ પ્રોસેસ અપનાવી શકે છે. મુંબઈ માર્ચે ૨૦૨૧-’૨૨માં જનહિત યાચિકા દાખલ કરી હતી કે આરે અને નૅશનલ પાર્ક જેવાં મીઠા પાણીનાં તળાવોમાં વિસર્જન બંધ થવું જોઈએ. પ્રાચીન સમયમાં ચોમાસાના અંતમાં ગણપતિ આવતા, માટી પર હળદર-કંકુ લગાવાતાં જ દરિયામાં વિસર્જિત થઈ જતી. આ પ્રક્રિયામાં મત્સ્ય-ઉત્પાદનને સપોર્ટ મળતો અને દરિયાઈ જીવોને ખોરાક મળતો.’

સિક્કાની બીજી બાજુ
પર્યાવરણવાદીઓ PoPનો વિરોધ કરે છે, પરંતુ શાડૂ માટીની જેમ PoP પણ કુદરતની જ દેણ છે એ કેમ ભૂલી જાય છે એમ જણાવીને ગણેશ મંડળ સમન્વય સમિતિ અને અખિલ સાર્વજનિક ઉત્સવ સમિતિના અધ્યક્ષ હિતેશ જાધવ કહે છે, ‘PoPમાંથી કોઈ ઝેરી તત્ત્વો નીકળતાં નથી. PoP પણ એક કુદરતી ઘટક છે જેને ૨૮૦ ડિગ્રી પર બૅક કરીને અને ક્રશ કરીને પાઉડરના રૂપમાં બનાવવામાં આવે છે. PoPની તુલનાએ શાડૂ માટી મેળવવા માટે જમીનનું ખોદકામ કરવું પડે છે જે પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે. બીજી વાત એ કે PoP વધુ સગવડભર્યું છે. એમાંથી વીસથી પચીસ ફુટ સુધીની મૂર્તિઓ બની શકે છે, જ્યારે શાડૂ માટીમાંથી બેથી ૩ ફુટની મૂર્તિ પણ યોગ્ય રીતે નથી બની શકતી. બીજી મહત્ત્વની વાત એ કે જો સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૦૦ ટકા શાડૂ માટીની મૂર્તિઓ ફરજિયાત કરવામાં આવે તો ભવિષ્યમાં રૉ મટીરિયલ ક્રાઇસિસ સર્જાશે. પેણ અને અમરાપુર જેવા વિસ્તારોમાંથી ગણપતિ દેશ-વિદેશમાં જાય છે, પરંતુ જો ત્યાં પૂર જેવી આપત્તિ આવે તો શાડૂ માટીની મૂર્તિઓ નષ્ટ થઈ જાય છે અને રિપેર પણ થઈ શકતી નથી.’

ગણપતિ સાથે મુંબઈ અને મહારાષ્ટ્રનું અર્થતંત્ર મોટા પાયે સંકળાયેલું છે. હિતેશ જાધવ કહે છે, ‘ગણેશોત્સવના ૧૦ દિવસ દરમ્યાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રવાસન થાય છે. આ ‘પોટ ભરનારો’ તહેવાર ૩ મહિનામાં લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરે છે. PoP અને શાડૂ માટીની મજબૂતીમાં ઘણો તફાવત છે. PoPમાંથી વીસથી પચીસ ફુટ સુધીની મોટી મૂર્તિઓ બની શકે છે, જ્યારે શાડૂ માટીમાંથી બેથી ૩ ફુટની મૂર્તિ પણ યોગ્ય રીતે નથી બની શકતી. બીજું, આપણો ઉત્સવ ચોમાસામાં આવે છે. શાડૂ માટીની મૂર્તિ પર જાસૂદનું ફૂલ, દૂર્વા કે પાણીનો અંશ લાગે તો ક્રૅક્સ પડી જાય છે. પાંચ દિવસમાં મૂર્તિ ખંડિત થાય તો જવાબદારી કોની? શાડૂની બે ફુટની મૂર્તિ ૨૦,૦૦૦ રૂપિયામાં પડે છે, જ્યારે PoPની ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થાય છે અને એવું નથી કે એનું રીસાઇક્લિંગ નથી થતું. નવી મુંબઈમાં PoP રીસાઇક્લિંગ પ્રોજેક્ટ હેઠળ ૭૫૦ સ્ટડી-ટેબલ બનાવી ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યાં છે અને મુંબઈ મહાનગરપાલિકા પણ ગાર્ડનની બેન્ચો બનાવી રહી છે. સમુદ્રમાં વિસર્જિત થતી મૂર્તિઓમાંથી ૯૫ ટકા બીજા દિવસે સવારે બહાર કાઢી લેવાય છે એટલે કોઈ કાયમી રેસિડ્યુ રહેતો નથી. રાતોરાત બૅન કરવાને બદલે કાયદો અને વ્યવસ્થા તથા ૫૦-૬૦ વર્ષની લીગસી ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) અને સ્ટ્રૅટેજી બનાવવી જોઈએ.’

 સમુદ્રમાં વિસર્જિત થતી મૂર્તિઓમાંથી ૯૫ ટકા બીજા દિવસે સવારે બહાર કાઢી લેવાય છે એટલે કોઈ કાયમી રેસિડ્યુ રહેતો નથી. રાતોરાત બૅન કરવાને બદલે કાયદો અને વ્યવસ્થા તથા ૫૦-૬૦ વર્ષની લીગસી ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) અને સ્ટ્રૅટેજી બનાવવી જોઈએ.
- હિતેશ જાધવ, ગણેશ મંડળ સમન્વય સમિતિ અને અખિલ સાર્વજનિક ઉત્સવ સમિતિના અધ્યક્ષ

પર્યાવરણ માટે ખૂબ જ જોખમી
 પર્યાવરણવાદીઓ, વૈજ્ઞાનિકો અને કોર્ટના અહેવાલો મુજબ PoP પાણીમાં ઓગળવામાં કે ડીકમ્પોઝ થવામાં મહિનાઓ કે વર્ષોનો સમય લે છે. વિસર્જન પછી મૂર્તિઓ તળિયે બેસી જાય છે અને પાણીના તળિયે કેમિકલયુક્ત કાદવનું એક જાડું સ્તર બનાવી દે છે જેનાથી જળાશયોની ઊંડાણ અને પાણીસંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે.
 મૂર્તિઓને સુંદર અને ચમકદાર બનાવવા માટે એના પર વપરાતા ઑઇલ પેઇન્ટ અને કેમિકલ રંગોમાં લીડ, કેડમિયમ, ક્રોમિયમ, મર્ક્યુરી અને આર્સેનિક જેવાં ઝેરી હેવી મેટલ્સ હોય છે. વિસર્જન બાદ આ રસાયણો પાણીમાં ભળે છે જેનાથી પાણીનું pH લેવલ બગડે છે અને એ દૂષિત બને છે.
 પાણીના તળિયે જમા થયેલું PoP અને કેમિકલ્સ પાણીમાં રહેલા ઑક્સિજનના સ્તરમાં ભારે ઘટાડો કરે છે, જેને કારણે માછલીઓ અને અન્ય જળચર જીવો ગૂંગળાઈને મૃત્યુ પામે છે.
 કેમિકલયુક્ત પાણીમાં રહેતી માછલીઓના શરીરમાં આ ઝેરી તત્ત્વો દાખલ થાય છે. મુંબઈના માછીમારો માટે આ માછલીઓ પકડવી અને લોકો માટે એને આહારમાં લેવી એ ‘બાયો-ઍક્યુમ્યુલેશન’ દ્વારા માનવશરીરમાં પણ ગંભીર કૅન્સર, સ્કિન-ડિસીઝ, કિડનીની સમસ્યાઓ જેવી બીમારીઓ નોતરી શકે છે.
 PoPની મૂર્તિઓ પાણીમાં સંપૂર્ણપણે ઓગળતી ન હોવાથી વિસર્જનના બીજા દિવસે તૂટેલી અને ખંડિત હાલતમાં દરિયાકિનારે કે ચોપાટી પર તણાઈ આવે છે. આનાથી ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચે છે અને કિનારે ભારે ગંદકી સર્જાય છે.
 મુંબઈના આરે કૉલોની કે સંજય ગાંધી નૅશનલ પાર્કની આસપાસ આવેલાં મીઠા પાણીનાં તળાવોમાં PoPના વિસર્જનથી ત્યાંના સ્થાનિક પક્ષી-પ્રાણી અને જળચર નિવસનતંત્ર નાશ પામી રહ્યું છે.

 રાઇટ ટુ ઇન્ફર્મેશનના આધારે મળેલા ડેટા મુજબ એકલા થાણેમાં જ દર વર્ષે ૬૦,૦૦૦ મૂર્તિઓમાંથી ૮૦ ટકા PoPની હોય છે. હજારો ટન PoP કુદરતી જળસ્રોતોમાં જાય છે અને વર્ષો સુધી ઓગળ્યા વગર ત્યાં જ રહે છે. એની સાથે મૂર્તિ પર કરેલા પેઇન્ટ્સ અને વિવિધ પ્લાસ્ટિકનાં ઘરેણાં જેવી કેટલીયે વસ્તુથી થતું પ્રદૂષણ અલગ.
- રોહિત જોશી, પર્યાવરણવિદ અને પિટિશનર

બીજાં રાજ્યો પાસેથી શીખીએ?
મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાત જેવાં રાજ્યોમાં CPCBની ૨૦૨૦ની ગાઇડલાઇન્સ મુજબ PoPની મૂર્તિઓ પર સખત પ્રતિબંધ અને સ્થાનિક કાયદાઓ અમલી બનાવવામાં આવ્યા છે. તેલંગણ અને કર્ણાટકમાં કૃત્રિમ તળાવો સિવાય હુસેનસાગર કે અન્ય કુદરતી જળાશયોમાં PoPની મૂર્તિના વિસર્જન પર હાઈ કોર્ટનો કડક સ્ટે મૂકવામાં આવ્યો છે.

તમને ખબર છે કે ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ’નું નામ ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ’ જ કેમ પડ્યું?
પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ને આ નામ મળવા પાછળનું મુખ્ય કારણ ફ્રાન્સની રાજધાની પૅરિસની વિશિષ્ટ ભૂગોળ અને ઇતિહાસ છે. પૅરિસના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આવેલી મૉન્ટમાર્ટ્રે ટેકરી પરથી ખૂબ મોટા પ્રમાણમાં જિપ્સમ નામનો કુદરતી ખનિજ પથ્થર મળી આવતો હતો, જેને ઊંચા તાપમાને ગરમ કરી સૂકવીને સફેદ પાઉડર તૈયાર કરવામાં આવતો હતો. ૧૬૬૬માં લંડનમાં લાગેલી ભયાનક આગ પછી ફ્રાન્સના રાજા લુઈ ફોર્ટીન્થે લાકડાનાં મકાનોને આગથી બચાવવા માટે આ જિપ્સમ પાઉડરમાં પાણી ભેળવીને દીવાલો અને છત પર એનો લેપ કરવાનો કડક આદેશ આપ્યો હતો, કારણ કે આ પ્લાસ્ટર ફાયરપ્રૂફ હતું. સમય જતાં પૅરિસ શહેર આ વિશિષ્ટ અને મજબૂત પ્લાસ્ટરના ઉત્પાદન તેમ જ વેપારનું વિશ્વમાં સૌથી મોટું કેન્દ્ર બની ગયું, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ સામગ્રી ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ’ તરીકે ઓળખાવા લાગી.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 01:31 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK