Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જેન-ઝીને કેમ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક ગમવા લાગ્યાં છે?

જેન-ઝીને કેમ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક ગમવા લાગ્યાં છે?

Published : 11 September, 2026 12:42 PM | Modified : 11 September, 2026 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલૂનથી ટ્રક સુધી અને કૅસેટથી Spotify સુધી નેવુંના દાયકાનાં ગીતો ફરી વાગી રહ્યાં છે, કારણ કે કદાચ દિલ હજી પણ ડાઉનલોડ થયું નથી

અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ

PoV

અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ


‘સલૂન પ્લેલિસ્ટ’ જેવો વાક્યપ્રયોગ સાંભળ્યો છે તમે?
આજના જેન-ઝીને નેવુંના દાયકાનાં હિન્દી ફિલ્મી ગીતો ગમે છે, માનશો તમે?
સંગીતનું વિશ્વ બદલાઈ રહ્યું છે, સંગીત સાંભળવાનાં સાધનો બદલાઈ રહ્યાં છે, સંગીત સાંભળવાની પદ્ધતિ બદલાઈ રહી છે. આજે જિમમાં કસરત કરતાં-કરતાં સંગીત, જૉગિંગ કરતાં-કરતાં સંગીત, કાર ચલાવતાં સંગીત, રસ્તે ચાલતાં સંગીત, લૅપટૉપ પર કામ કરતા પપ્પાના માથે હેડફોન અને રસોઈ કરતી મમ્મીના કાનમાં ઇઅર-ફોન જોવા મળે છે. દરેક પ્રવૃત્તિના બૅકગ્રાઉન્ડમાં જાણે સંગીત જોઈએ જ. પહેલાં તો સંગીત સાંભળવું એ પોતે જ એક પ્રવૃત્તિ હતી. રેડિયો પર કોઈ ગીત શરૂ થાય એટલે ઘરનું કોઈક તો બૂમ પાડે જ, ‘ચૂપ! આ મારું ગીત છે.’ અને ગીત પૂરું થાય ત્યાં સુધી ઘર એક સંગીત-મંદિર બની જતું. રેડિયો અને ટીવી પર તો જે ગીતો આવે એ જ સાંભળવાં પડે. હા, ચોક્કસ સંગીતકારનાં, ગાયકનાં, ફિલ્મનાં કે ચોક્કસ કલાકારોનાં ગીતો સાંભળી શકો છો યુટ્યુબ જેવી ચૅનલને કારણે. એમાં ફૉર્વર્ડ કે રિવાઇન્ડ કરી શકો છો, પણ તમારી પસંદનાં નક્કી કરેલાં જ ગીતો સાંભળી નહોતા શકતા. તમારાં જ ગમતાં ગીતોનું પ્લેલિસ્ટ બનાવવાની અને મૂડ પ્રમાણે વગાડવાની આશ્ચર્યજનક સગવડ Spotify, JioSaavan, Wynk જેવી ચૅનલોએ‌ આપી છે. પહેલાં તમારી પસંદગીનાં ગીતોની કૅસેટ તમે બનાવી શકતા હતા, પણ એવી કેટલી કૅસેટો બનાવવી? અને બીજાની બનાવેલી કૅસેટ કેટલો વખત મિત્રભાવે માગી શકો? જોકે આ નવી પદ્ધતિથી તમારા પ્લેલિસ્ટનાં ગીતો જ નહીં, બીજાના પ્લેલિસ્ટનાં ગીતો પણ તમે સાંભળી શકો છો; ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે. સંગીતની દુનિયાની આ હરણફાળ કલ્પના બહારની છે.
આજનું સંગીત અદ્ભુત પ્રયોગો કરે છે. રૅપ, ઇન્ડો, ફ્યુઝન, હિપ હૉપ, ઇલેક્ટ્રૉનિક મ્યુઝિક વગેરે... વગેરે. આજની પેઢી પાસે પહેલાં કરતાં ઘણી વધારે પસંદગી છે. જોકે મજાની વાત એ છે કે જેન-ઝીને નેવુંના દાયકાનાં ગીતો અત્યારે ગમી રહ્યાં છે.
 ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને Spotify પર સલૂન હિટ્સ, 
ટ્રક-ડ્રાઇવર પ્લેલિસ્ટ, મજૂર રેડિયો જેવા વિચિત્ર પણ લોકપ્રિય સંગીત-ટ્રેન્ડ જોવા મળે છે. 
મુંબઈના એક યુવા ડિઝાઇનરે બાર્બર શૉપમાં વાગતાં જૂનાં ગીતોને ધ્યાનમાં લઈને એક વેબસાઇટ બનાવી. વિચાર સાદો હતો. વાળ કપાવતાં-કપાવતાં તમે પણ ૧૯૯૦ના દાયકાનાં ‘દિલ તો પાગલ હૈ...’, ‘મુઝસે મોહબ્બત કા ઇઝહાર કર લે...’, ‘જાદુ તેરી નઝર...’ વારંવાર સાંભળ્યાં હશે. તે યુવા કન્ટેન્ટ-ક્રીએટરે જૂનાં ગીતોની નૉસ્ટાલ્જિક પૃષ્ઠભૂમિ પર આધારિત જે સાઇટ બનાવી એ ઇન્સ્ટન્ટ હિટ થઈ ગઈ, સલૂનના વાતાવરણની પર્યાય બની ગઈ. ‘સિલી આઇડિયા’ એટલો વાઇરલ થઈ ગયો કે આ પ્રકારની અનેક વેબસાઇટ ઊભી થઈ. ક્યાંક ચા-ટપરી પ્લેલિસ્ટ તો ક્યાંક Broken Heart અને Divorce પ્લેલિસ્ટ. આવા વિકલ્પો તમને વાસ્તવિકતાથી થોડા સમય માટે દૂર જવાની તક આપે છે જેની સૌને જરૂર હોય છે. 
જેન-ઝીને કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને અનુરાધા પૌડવાલ કેમ ગમવા લાગ્યાં છે? આ પેઢીની પોતાને થોડા સમય માટે જાણીજોઈને ધીમી કરી દેવાની આ એક રીત છે. કારકિર્દીમાં, વ્યવસાયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ઝડપ સામે જાતને બૅલૅન્સ તો નહીં કરતા હોયને?
આ સંદર્ભમાં એક નાનો સંયોગ પણ છે. મારો નાનો પુત્ર સંનિધ શાહ Spotifyમાં સિનિયર એડિટર અને કન્ટેન્ટ-ક્રીએટર તરીકે નવા સંગીત-પ્રકારો અને નવા કલાકારો સાથે કામ કરે છે. નવા ગાયકો અને નવા બૅન્ડને શ્રોતાઓ સુધી પહોંચાડવાના તેના કામને નજીકથી જોતાં એક વાત સમજાય છે કે સંગીતની દુનિયામાં જૂનું અને નવું એકબીજાના વિરોધી નથી. એક તરફ નેવુંના દાયકાનાં ગીતો નવી પેઢીને ફરી મળી રહ્યાં છે તો બીજી તરફ આજની પેઢીના કેટલાય નવા અવાજોને પણ પહેલી વાર સાંભળનારા શ્રોતાઓ મળી રહ્યા છે. નવાં Independent artists અને labelsને એ સ્ટેજ પૂરું પાડે છે. કદાચ સંગીતની સૌથી સુંદર વાત જ એ છે કે અહીં સ્મૃતિ માટે પણ જગ્યા છે અને સંશોધન માટે પણ.
 તો શું આજનાં ગીતો ખરાબ છે? બિલકુલ નહીં. જોકે ૩૦ વર્ષ પહેલાંના ગાયકો જે રીતે ગાઈ ગયા એ ઇમોશનલ ફીલિંગ્સ કદાચ આજના ફ્યુઝનમાં નથી. તેથી ગીત એ જ માત્ર સાંભળનારનું ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર બદલાઈ ગયું છે. સલૂનવાળાનાં કે ટ્રકવાળાનાં ગીતો જે એક ચોક્કસ વર્ગ માટેનાં જ ગણવામાં આવતાં હતાં એને જ આજે યુવાનો વિન્ટેજ અને રેટ્રો અને એસ્થેટિક ગણીને માણી રહ્યા છે.

બાય ધ વે



તમને ખબર છે કે જાણીજોઈને જાતને થોડા સમય માટે ધીમી પાડી દેવાના આ ટ્રેન્ડની અનેક શાખાઓ જોવા મળી રહી છે? વિન્ટેજ લિસનિંગ પાર્ટીઓ યોજાઈ રહી છે? શહેરોનાં કૅફે અને બાર્સમાં‌ એ લોકપ્રિય બની રહી છે. અઠવાડિયાનો ચોક્કસ દિવસ ઓલ્ડ મન્ક સાથે રેટ્રો સૉન્ગ્સ માટે અલાયદો રાખવામાં આવે છે. ટ્રક-ડ્રાઇવરો જે ગીતો સાંભળીને લંડન-ન્યુ યૉર્કની કાલ્પનિક સફર કરતા હતા‌ એ જ ગીતો સાંભળીને આજની જેન-ઝી કાલ્પનિક બગીચાના ઝાડની આસપાસ બેલ-બૉટમ પહેરીને ગીતો ગાય છે. આવી પાર્ટીઓમાં ઘણી વાર જૅઝ અને ક્લાસિકલ મ્યુઝિક જેવા ઊંચા વર્ગના ગણાતા સંગીત-પ્રકારો પણ હોય છે.
 હવે દિવાળીની સાફસફાઈ કરતાં-કરતાં અને Spotify પર નેવુંના દાયકાનાં રેટ્રો સાંભળતાં-સાંભળતાં ઘરમાં પડેલી જૂની કૅસેટો મળી જાય તો ફેંકશો નહીં. કદાચ કાલે એ જ વિન્ટેજ કલેક્શન બનીને તમારા સંતાનની ઇન્ટાગ્રામ સ્ટોરીમાં દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
134