Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ભેટની બદલાતી વિભાવના : ગિફ્ટથી લઈને ગિફ્ટ ફૉર ગિફ્ટિંગ સુધીની સફર

ભેટની બદલાતી વિભાવના : ગિફ્ટથી લઈને ગિફ્ટ ફૉર ગિફ્ટિંગ સુધીની સફર

Published : 22 June, 2026 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનવસંબંધોને મજબૂત કરવા અને લાગણીઓની આપ-લે કરવા માટે ભેટ (ગિફ્ટ) આપવાની આપણી પરંપરા સદીઓ જૂની છે. સામાન્ય રીતે આપણે સમાજમાં ૩ પ્રકારની ભેટ આપવાની પ્રવૃત્તિઓ જોતા આવ્યા છીએ.

સેજલ શાહ

What’s On My Mind?

સેજલ શાહ


માનવસંબંધોને મજબૂત કરવા અને લાગણીઓની આપ-લે કરવા માટે ભેટ (ગિફ્ટ) આપવાની આપણી પરંપરા સદીઓ જૂની છે. સામાન્ય રીતે આપણે સમાજમાં ૩ પ્રકારની ભેટ આપવાની પ્રવૃત્તિઓ જોતા આવ્યા છીએ.  
૧. વ્યવહાર ખાતર અપાતી ભેટ (ધ રીસાઇકલ ગિફ્ટ): આ એવી ભેટ છે જે લગ્ન, વાસ્તુ કે અન્ય સામાજિક પ્રસંગોએ ફક્ત વ્યવહાર સાચવવા માટે અપાય છે. એ એક ઘરથી બીજા ઘરે સતત ફરતી રહે છે. આપણા ઘરે આવીને એ માળિયે ચડી જાય છે. ફરી જ્યારે કોઈના ઘરે પ્રસંગ આવે ત્યારે એને માળિયા પરથી ઉતારાય, લુછાય, નવા કાગળમાં પૅક કરીને નવાં કપડાં પહેરાવીને વિદાય કરાય છે. આ ગિફ્ટ જ્યારે ઘરની બહાર જાય ત્યારે ગૃહિણીના ચહેરા પર એક અનોખો વિજયી આનંદ હોય છે - એક તો ઘરમાં જગ્યા થઈ અને બીજું, ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ્યા વગર વ્યવહાર સચવાઈ ગયો!
૨. મિત્રતા અને આનંદની ભેટ : આ પ્રકારની ભેટ ખાસ કરીને મિત્રો કે નજીકના સ્નેહીજનોને અપાય છે. અહીં બજેટ ધ્યાનમાં રાખવામાં આવે છે, પણ એનો મુખ્ય ઉદ્દેશ મસ્તી, મજા અને પરસ્પર આનંદ મેળવવાનો છે. આમાં આપવાનો આનંદ થોડો વધારે હોય છે, પણ સાથે-સાથે ભવિષ્યમાં પોતાના પ્રસંગે પણ આવી જ કોઈ સુંદર ગિફ્ટ પાછી મેળવવાની એક સુખદ અપેક્ષા પણ છુપાયેલી હોય છે.
૩. રીઝવવા અને પ્રેમ વ્યક્ત કરવા અપાતી ભેટ : આપણે જ્યારે કોઈ ખાસ વ્યક્તિને રીઝવવા, આપણો અગાધ પ્રેમ વ્યક્ત કરવા અથવા તો સામેવાળી વ્યક્તિનો પ્રેમ અને સ્વીકાર મેળવવા ઇચ્છીએ છીએ ત્યારે આ ભેટ અપાય છે. જોકે આ ભેટ ઉપરથી નિઃસ્વાર્થ દેખાય છે, છતાં એના મૂળમાં સામા પક્ષેથી પ્રેમ અને લાગણી પાછી મેળવવાની તીવ્ર અપેક્ષા છુપાયેલી હોય છે.
આ પરંપરાગત વહેણોની વચ્ચે ડૉ. બિપિન દોશી અને ડૉ. રન્ના દોશીએ સમાજ સામે ભેટ આપવાનો એક તદ્દન નવો, ક્રાન્તિકારી અને પરોપકારી ચીલો ચાતર્યો છે જેને તેમણે GIFT FOR GIFTING (GFG) નામ આપ્યું છે. આ વિચાર અંતર્ગત સમાજના છેવાડાના માણસ સુધી પહોંચી શકાય છે. આ વિચારની સુંદરતા એ છે કે જ્યારે આપણે કોઈ મોટા ઉદ્યોગપતિ, સક્ષમ વ્યક્તિ કે લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવોને મળવા જઈએ ત્યારે પ્રશ્ન થાય કે તેમને શું ભેટ આપવી? તેમની પાસે તો વૈભવની બધી જ વસ્તુઓ પહેલેથી હાજર હોય છે. આવા સમયે તેમને ભૌતિક વસ્તુ આપવાનો કોઈ અર્થ સરતો નથી. ત્યારે તેમને એવી ગિફ્ટ અપાય જે ગિફ્ટ તેઓ પોતાની સાથે કામ કરતા માણસોને આપી શકે. આમ તમે આપેલી ભેટનો ઉપયોગ આસપાસના છ જરૂરિયાતમંદ પરિવારોને વહેંચવા માટે કરે. આનાથી જે-તે વ્યક્તિના હાથે પરોપકારનું કાર્ય થાય છે અને એ ગરીબ પરિવારોના ચહેરા પર સાચું સ્મિત લાવી શકાય છે. 
ભેટ જ્યારે માત્ર પોતાના સ્વાર્થ, અપેક્ષા કે માળિયાની જગ્યા ખાલી કરવા પૂરતી સીમિત ન રહેતાં કોઈના ઘરનો ચૂલો સળગાવવાનું કે કોઈ વંચિતના ચહેરા પર સ્મિત લાવવાનું માધ્યમ બને ત્યારે એ સાચા અર્થમાં મહાપ્રસાદ બની જાય છે. આપણા આગામી તમામ તહેવારો અને સામાજિક ઉત્સવોમાં જો આપણે આ GIFT FOR GIFTINGના ઉમદા અભિગમને અપનાવીએ તો સાચા અર્થમાં કરુણા તથા સદ્ભાવનાનો પ્રસાર થશે. ભેટ આપવાની આ નવી સંસ્કૃતિ ખરેખર વંદનીય છે.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK