પશુધન બચાવીને આ બદલાવ લાવવો શક્ય છે અને ભારત સરકાર એટલે જ ગોબરધન યોજના તરફ વિચારી રહી છે ત્યારે આપણે પણ આપણી માનસિકતા બદલવી પડશે કે પાછળ જવું કે જૂનું અપનાવવું એટલે પછાત થવું એ જ નથી.
ગિરીશ શાહ
આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, પરંતુ આત્મનિર્ભર થઈ નથી શક્યા. આખી વાત દાખલા સાથે સમજાવું. આજે આપણે ત્યાં બળદ સૌથી વધુ કતલખાને જાય છે. ૧૯૮૦માં વાછરડાનો જન્મ થતો તો ખેડૂત ગામમાં પેંડા વહેંચતો, કારણ કે જો વાછરડું હેલ્ધી થાય તો તેને નંદી તરીકે ડેવલપ કરાતો, અન્યથા ખેતી માટે વપરાશ થતો. ટ્રૅક્ટર આવ્યા પછી બળદની જરૂરિયાત ખતમ થઈ ગઈ અને કતલખાનાંઓ ધમધમવા લાગ્યાં. આપણા દેશમાં ૧૯૯૨માં ઑફિશ્યલી મીટ એક્સપોર્ટ શરૂ થયું. આજે પણ દર વર્ષે ૪ કરોડ ૧૦ લાખ પશુઓ કપાય છે. ૨૦૨૩-૨૪ના આંકડાઓ કહે છે કે વર્ષે સરકારને ૧૨ લાખ ૯૫ હજાર ૬૦૩ મેટ્રિક ટન માંસના એક્સપોર્ટથી ૩૧ હજાર કરોડ રૂપિયા આર્થિક લાભ મળે છે. જોકે આના કરતાં પશુઓ ન કપાય તો સરકારને અને દેશને અનેક ફાયદો થઈ શકે એવું એક પ્રેઝ્ન્ટેશન અમે સરકાર સમક્ષ રજૂ કર્યું છે. જે પશુઓ અત્યારે કપાય છે એમના થકી અંદાજિત ૭૫.૬ મિલ્યન ટન જેટલું ખાતર ઉત્પન્ન થાય છે. આ ખાતરનો ફર્ટિલાઇઝર તરીકે, કૉમ્પ્રેસ બાયોગૅસ જનરેટ કરવામાં ઉપયોગ થઈ શકે અને આ ફર્ટિલાઇઝરનો માત્ર ૧૦ ટકા ભાગ પણ જો સરકાર એક્સપોર્ટ કરે તો ૧ લાખ ૫૧ હજાર કરોડની રેવન્યુ મળે એમ છે. ખાતર પરની સબસિડી બંધ કરવી પડે એ અલગ, ખાતર અને બાયોગૅસનું ઇમ્પોર્ટ અટકે એ અલગ અને સાથે માંસ એક્સપોર્ટના બદલે ઇન્કમ પાંચ ઘણી વધે એ અલગ.
પશુધન બચાવીને આ બદલાવ લાવવો શક્ય છે અને ભારત સરકાર એટલે જ ગોબરધન યોજના તરફ વિચારી રહી છે ત્યારે આપણે પણ આપણી માનસિકતા બદલવી પડશે કે પાછળ જવું કે જૂનું અપનાવવું એટલે પછાત થવું એ જ નથી. નાનાં ખેતરોમાં ટ્રૅક્ટરની ઉપયોગિતા આમેય નથી ત્યારે ફરી બળદથી ખેતી કરવી સ્માર્ટનેસની નિશાની છે. આજની આપણા દેશની સ્થિતિ એ છે કે ગયા વર્ષનું એક્સપોર્ટ લગભગ ૮૪ બિલ્યન કરોડનું હતું અને ઇમ્પોર્ટ ૩૮ બિલ્યનનું. એવામાં દેશ ક્યારેય વિકાસની દિશામાં આગળ ન વધી શકે. આપણે જો આત્મનિર્ભર બનવું હોય તો પરાવલંબી બનવા તરફ લઈ જતી બાબતોના વપરાશના ઘરગથ્થુ પર્યાયો ગોતવા પડશે. ક્રૂડ ઑઇલ, બાયોગૅસ અને ફર્ટિલાઇઝરના પર્યાયો છે આપણી પાસે. પશુઓના છાણથી બાયોગૅસ, ખાતર બની શકે. એથનૉલ છે આપણી પાસે અને પામ ઑઇલના ઇમ્પોર્ટને અટકાવવા તલ, મગફળી વગેરે તેલના અન્ય પર્યાયો તરફ જવું પડે. ભારતનાં સાડાછ લાખ ગામડાંઓમાં આ માહિતીનો પ્રસાર થાય એ જરૂરી છે, પરંતુ શહેરમાં રહેતા લોકો શું કરી શકે? તો જવાબ છે કે શહેરમાં રહેતા લોકો પણ ૬ વસ્તુ અપનાવીને દેશના યોગદાનમાં પોતાનો હિસ્સો આપી શકે અને એનાથી તેમનું સ્વાસ્થય સુધરે એ અલગ. આ ૬ વસ્તુ એટલે દેશી ગોળ, દેશી ખાંડ, વલોણાનું દેશી ગાયનું ઘી, તલનું તેલ, સિંધાલૂણ અને ભોજનમાં મિલેટ્સ. તમારા રોજબરોજના વપરાશમાં આ ૬ વસ્તુનો સમન્વય એ પણ દેશસેવા છે.
ADVERTISEMENT
હીરાના વેપારી અને સમસ્ત મહાજન સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી ગિરીશ શાહે છેલ્લા બે દાયકામાં જીવદયા, જળસંચય અને પર્યાવરણ-સંરક્ષણ ક્ષેત્રે પાયાનું અને ક્રાન્તિકારી કાર્ય કર્યું છે. ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય ગિરીશભાઈના નેતૃત્વમાં ફરતી પશુ હૉસ્પિટલ દ્વારા ૬૦,૦૦૦થી વધુ અબોલ જીવોના પ્રાણ બચાવાયા છે તેમ જ નેપાલમાં પશુબલિ રોકવામાં ઐતિહાસિક સફળતા મળી છે. માનવતા અને પર્યાવરણ પ્રત્યેના તેમના અનન્ય સમર્પણ બદલ તેમને ડૉક્ટર ઑફ સાયન્સ અવૉર્ડ (૨૦૨૪), જળ પ્રહરી સન્માન, ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર અને જીવદયા રત્ન જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
