અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ આ પ્રદેશને પોતાના કબજા હેઠળ લેવા મરણિયા થયા છે ત્યારે એના વિશે જાણી લઈએ અથથી ઇતિ
ગ્રીનલૅન્ડની રાજધાની નૂકનું કબ્રસ્તાન પણ રૂપકડું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ
યુગો-યુગોથી આ વિરાટ બ્રહ્માંડમાં માત્ર બે જ પ્રકારના જીવો રહ્યા છે : એક સારા અથવા સકારાત્મક અને બીજા ખરાબ અથવા નકારાત્મક. આ જ વિચારને અનુમોદન આપતું સનાતન ધર્મ સંસ્કૃતિમાં એક શ્રેષ્ઠ રૂપક દરેક ધાર્મિક અને ઐતિહાસિક કથાઓમાં કે સાહિત્યમાં જોવા મળે છે : દેવ અને દાનવ. માત્ર શાસ્ત્રોમાં જ નહીં, અનુભવો પણ કહે છે કે આપણાં વિચાર, વર્તન, નિર્ણયો અને કાર્ય જ નક્કી કરે છે કે આપણામાં દેવગુણ વિશેષકર છે કે દાનવ. નિઃસ્વાર્થ ભાવે કોઈકની સેવા કરવી અને કોઈની પ્રગતિથી સાચા અંતઃકરણથી રાજી થવું એ જો દેવગુણ હોય તો કોઈકની પ્રગતિથી ઈર્ષ્યામાં બળતા રહેવું કે પોતાના નજીવા સ્વાર્થ ખાતર કોઈના અસ્તિત્વને જ રહેંસી નાખવું એ દાનવગુણ છે.
આ થોડી પૂર્વભૂમિકા બાંધવા પાછળનું કારણ એ જ કે વર્ષો પહેલાં ઇરાદાપૂર્વક કરવામાં આવેલી ઇરાકની બરબાદી તમને યાદ હશે જ. ત્યાર બાદ અફઘાનિસ્તાનની દયનીય પરિસ્થિતિ પણ આપણે ભૂલ્યા નથી. વેનેઝુએલા તો આખેઆખું જ લૂંટાઈ ગયું. ઈરાનના વર્તમાન હાલહવાલ પણ આપણે હમણાં રોજ વાંચીએ-જાણીએ જ છીએ. આ બધામાં એક નવું નામ ઉમેરાયું છે ગ્રીનલૅન્ડ. પોતાને વિશ્વનો ચોકીદાર ગણાવતો એક દેશ એવો છે જે ચોકીદારનું લેબલ આગળ ધરીને વર્ષોથી સામેવાળા દેશને આડકતરી રીતે ગુલામ બનાવતો રહ્યો છે. આગળ કહ્યું એમ પોતાના નજીવા સ્વાર્થ ખાતર કોઈના અસ્તિત્વને જ રહેંસી નાખવું અને એ પણ ભલું કરી રહ્યા હોવાના દેખાડા સાથે એવો પાશવી દાનવગુણ ધરાવતો એ દેશ પોતાને ભલે વર્લ્ડનો લીડર અને મોસ્ટ પાવરફુલ કે મોસ્ટ ડેવલપ્ડ કન્ટ્રી ગણાવતો હોય; પરંતુ અંદરખાને વિશ્વ પરત્વે તેની મનસા હવે અજાણી નથી. ઇરાકને બરબાદ કરવા માટે પહેલાં કુવૈતને ભરમાવ્યું અને ગુલામ બનાવી લીધું. ત્યાર બાદ આખું ઇરાક બરબાદ કરીને ચડી બેઠા. રશિયા-યુક્રેન કૉન્ફ્લિક્ટમાં યુક્રેન સદૈવ તેના ઘૂંટણિયે રહે એની ખાતરી રાખી. અફઘાનિસ્તાનની બિસમાર હાલત તો કેમેય કરી સુધરવાનું નામ જ નથી લેતી. એમાં વળી વેનેઝુએલાને તો આખેઆખું જ ગળી ગયો. ઈરાન સાથે લાવ છરી નાક કાપું જેવું દૃશ્ય અજાણ્યું નથી. નેપાલ, બંગલાદેશ જેવા નાના દેશોમાં કોના ઇશારે શું થઈ રહ્યું છે એ પણ હવે બધા જાણે જ છે. પાકિસ્તાનને તો હવે કોઠે જ પડી ગયું છે એના ઇશારે નાચવાનું અને એ દાનવી દેશની નજર હવે ગ્રીનલૅન્ડને આરોગી જવા પર છે. વિશ્વ સામે પોતે દેવસ્વરૂપ અને એક્સ્ટ્રીમ કૅરિંગ હોવાનો દેખાડો કરતા એ દાનવનો ઈરાન અને ગ્રીનલૅન્ડ વિશેનો વિષાક્ત ઇરાદો હવે વિશ્વ સામે છતો થઈ ચૂક્યો છે અને હજી તો આ ભાઈને શાંતિનો નોબેલ પુરસ્કાર જોઈએ છે બોલો.

હાલની સીઝનમાં બરફથી સજેલું ગ્રીનલૅન્ડ.
ADVERTISEMENT
જોકે એકમાત્ર ટ્રમ્પેટ વગાડતા રાષ્ટ્રપતિના દેશની જ નજર ગ્રીનલૅન્ડ પર છે એવું નથી. રશિયા અને ચાઇના જેવા દેશો પણ વર્ષોથી એવી પેરવીમાં રહ્યા છે કે યેનકેન પ્રકારેણ ગ્રીનલૅન્ડ પોતાના નેજા હેઠળ કરી લેવાય તો જલસો પડી જાય. જોકે આવું જાણીએ ત્યારે સૌથી પહેલાં વિચાર એ આવે કે એવું તે શું છે ગ્રીનલૅન્ડમાં કે વિશ્વની મહાશક્તિ ગણાતા આ બધા જ દેશો એના પર નજર ગડાવીને બેઠા છે? હવે આ પ્રશ્ન એવો છે કે જ્યાં સુધી આપણે ગ્રીનલૅન્ડની શબ્દસફરે નહીં નીકળીએ ત્યાં સુધી સમજાય નહીં કે અંદર શું છે અને બહાર શું છે? સાચું કારણ શું છે અને સપાટીએ દેખાડાતું ખોટું કારણ શું છે?
ગ્રીનલૅન્ડ ભૌગોલિક અને કૂટનૈતિક
ભૌગોલિક દૃષ્ટિએ નકશા પર જોઈએ તો ગ્રીનલૅન્ડ ઉત્તરી અમેરિકાનો હિસ્સો જણાય, પરંતુ રાજનીતિની દૃષ્ટિએ એ ડેન્માર્ક આધીન આર્થિક સ્વાયત્ત ક્ષેત્ર છે. અંદાજે ૫૭,૦૦૦ની વસ્તી ધરાવતો આ ટાપુ આમ તો એક બર્ફીલો ઠંડો પ્રદેશ છે, પરંતુ એની આસપાસ ફેલાયેલા વિશાળ આર્કટિક સમુદ્રને કારણે એનું કૂટનૈતિક મહત્ત્વ જબરદસ્ત વધી જાય છે. માત્ર આર્થિક દૃષ્ટિએ સ્વાયત્ત એવા ગ્રીનલૅન્ડનું પોતાનું કોઈ સૈન્ય નથી. એનું રક્ષા અને વિદેશ ક્ષેત્ર ડેન્માર્ક સંભાળે છે, પરંતુ સાથે જ અમેરિકા પણ આ ટાપુ પર વર્ષોથી પોતાનો ડેરો જમાવીને બેઠું છે. એનો સ્પેસ અર્લી વૉર્નિંગ બેઝ અહીં છે, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ ગ્રીનલૅન્ડમાં છે.
તો હવે નજર નાખીએ નકશા તરફ જ્યાંથી આપણને ૩ મહત્ત્વનાં કારણો મળે છે કે શા માટે અમેરિકા નામનો ભૂખ્યો રાક્ષસ હવે નવા શિકાર તરીકે ગ્રીનલૅન્ડ પર નજર નાખી રહ્યો છે. ગ્રીનલૅન્ડની ભૌગોલિક સ્થિતિ ઉત્તરી અમેરિકા, રશિયા અને યુરોપ આ ત્રણેની વચ્ચે સ્થિત છે જેને કારણે આ ત્રણે પ્રદેશો વચ્ચે દોસ્તી કે દુશ્મની કોઈ પણ વ્યવહાર માટે એ એક મહત્ત્વનો પૉઇન્ટ બની જાય છે. બીજું, આર્કટિક મહાસાગર, ઉત્તરી ઍટલાન્ટિક અને બીજા દરિયાઈ માર્ગો પર સર્વેલન્સ રાખવા માટે ગ્રીનલૅન્ડ સૌથી બેસ્ટ લૅન્ડપૉઇન્ટ છે અને ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ, જેમ-જેમ આખી ધરતી પર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે એમ-એમ ઠંડા પ્રદેશોનો બરફ પણ હવે પીગળતો જઈ રહ્યો છે. આથી જ ગ્રીનલૅન્ડ જેવા કુદરતી ધનસંપદાના ધની પ્રદેશમાં અનેકોનેક રૅર અર્થ મિનરલ્સ જે આજ સુધી બરફની મોટી ચાદરને લીધે ધરતીમાં છુપાઈને સુરક્ષિત પડ્યાં હતાં એ યુરેનિયમ, ક્રૂડ ઑઇલ અને ગૅસ જેવા અનેક ખજાના છતાં થઈ રહ્યા છે. બસ, ખજાનો જોયો નથી કે લૂંટારાઓ દોડ્યા એને લૂંટવા.
ગ્રીનલૅન્ડની રાજધાની નૂકના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવી પહોંચેલા જર્મન આર્મીના જવાનો.
અમેરિકા કેમ ચિંતિત છે રશિયા અને ચાઇનાથી
આપણે આગળ કહ્યું એમ એવું નથી કે માત્ર અમેરિકા જ ગ્રીનલૅન્ડ હથિયાવી લેવાની ફિરાકમાં છે. રશિયા અને ચાઇના પણ ચાહે છે કે ગ્રીનલૅન્ડ જો પોતાના હાથમાં આવી જાય તો જલસો પડી જાય. વાત કંઈક એવી છે કે રશિયા ઘણા લાંબા સમયથી વિશ્વના ખૂણે-ખૂણે પોતાના આર્થિક અને સૈન્ય અડ્ડાઓ, ઍરબેઝ, મિસાઇલ સિસ્ટમ અને ન્યુક્લિયર સબમરીન નેટવર્ક બનાવતું રહ્યું છે. ધીરે-ધીરે કરતાં હવે એનું આ નેટવર્ક એટલું મજબૂત અને જબરદસ્ત થઈ ચૂક્યું છે કે અમેરિકાને હવે પોતાના પગ મજબૂત કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.
બીજી તરફ ચાઇના પોતાને આર્કટિક સ્ટેટ ગણાવીને એ તરફ ક્ષેત્રોમાં ધીરે-ધીરે આર્થિક દખલઅંદાજી વધારી રહ્યું છે જેના ભાગરૂપે એણે ગ્રીનલૅન્ડમાં પણ ઍરપોર્ટ, બંદરો (પોર્ટ્સ) અને ખનન પરિયોજનાઓમાં રોકાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં પાછળથી અમેરિકા દ્વારા પ્રેશર કરવામાં આવ્યું અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ રોકવો પડ્યો. હવે ચીનના આ પેંતરાને કારણે અમેરિકાને ડર પેસી ગયો છે કે જો ચીનને ખુલ્લી છૂટ મળી તો એ આર્કટિક પર પોતાની સ્થાયી પકડ જમાવી લેશે. અમેરિકાની કૂટનૈતિક પકડની દૃષ્ટિએ જોઈએ તો ગ્રીનલૅન્ડ અમેરિકા માટે ઉત્તરી બખ્તરનું કામ કરે છે, કારણ કે જો કોઈ પણ કારણસર રશિયા ક્યારેક અમેરિકા પર હુમલો કરે તો એના દ્વારા છોડવામાં આવેલી મિસાઇલની પહેલી ચેતવણી અમેરિકાને ગ્રીનલૅન્ડ પાસેથી જ મળશે. આ જ કારણથી અમેરિકાએ ગ્રીનલૅન્ડમાં મિસાઇલ સિસ્ટમ અને અર્લી વૉર્નિંગ બેઝ બનાવ્યો છે. યાદ હોય તો કોલ્ડવૉરના સમય દરમ્યાન પણ સોવિયેટ યુનિયન પર નજર રાખવા માટે ગ્રીનલૅન્ડ એક અત્યંત મહત્ત્વનું કેન્દ્ર હતું. બસ, કંઈક એવું સમજો કે હમણાં પણ ગ્રીનલૅન્ડ એ જ કેન્દ્ર છે, પણ હવે પહેલાં હતું એથી ક્યાંય વધુ મહત્ત્વનું બની ગયું છે.
આ દાવ પહેલી વારનો નથી
સૌથી પહેલાં આ તૂત ૧૮૬૭ની સાલમાં જન્મ્યું હતું. ૧૮૬૭માં અમેરિકન સેક્રેટરીએ ડેન્માર્ક સામે પ્રસ્તાવ મૂક્યો હતો ગ્રીનલૅન્ડ અને આઇસલૅન્ડ ખરીદવા માટેનો, પરંતુ ડેન્માર્કે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. ત્યાર બાદ ૧૯૧૦ની સાલમાં ફરી કીડો સળવળ્યો અને આ વખતે ડેન્માર્ક સામે પ્રપોઝલ મુકાઈ સાટા પદ્ધતિની. અર્થાત્, ડેન્માર્ક અમેરિકાને ગ્રીનલૅન્ડ આપી દે અને એના બદલામાં અમેરિકા પોતાને હસ્તક ફિલિપીન્સનો હિસ્સો અને જર્મની હસ્તક નૉર્ધર્ન સ્લેક્સવિગ છે એ પણ પાછો ડેન્માર્કને મેળવી આપશે. પ્રપોઝલ બદલાઈ પણ જવાબ નહીં. ડેન્માર્કે ફરી ના પાડી દીધી. ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ ખતમ થયું અને તરત, વર્ષ હતું ૧૯૪૬નું જ્યારે રુઝવેલ્ટના મૃત્યુ પછી અમેરિકાના ૩૩મા રાષ્ટ્રપતિ તરીકે હૅરી એસ. ટ્રુમૅનના હાથમાં સત્તા આવી હતી. તેમણે પણ ગ્રીનલૅન્ડ ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂક્યો અને ડેન્માર્કને કહ્યું કે અમે ૧૦૦ મિલ્યન ડૉલરનું સોનું આપીશું, ગ્રીનલૅન્ડ અમને આપી દો. પણ ફરી પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો. ૧૯૫૫ની સાલમાં ફરી એક વાર શૂળ ઊપડ્યું ખરીદવાનું. અમેરિકાના ચીફ ઑફ સ્ટાફે ભલામણ પણ કરી, પરંતુ આ વખતે અમેરિકાએ પ્રપોઝલ મૂકવાનું માંડી વાળ્યું. ત્યાર બાદ ડોનલ્ડ ટ્રમ્પે પણ પોતાના પહેલા કાર્યકાળમાં એટલે કે ૨૦૧૯માં હિમાચ્છાદિત એવો પ્રદેશ ગ્રીનલૅન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ડેન્માર્ક અને ગ્રીનલૅન્ડ બન્નેએ ફરી એક વાર એ ઠુકરાવી દીધો અને હવે ૨૦૨૫માં ફરી એક વાર તણખો મુકાયો અને બિલ પણ પાસ કરાવી લેવામાં આવ્યું, જે બિલ એમ કહેતું હતું કે અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ ખરીદવું અત્યંત આવશ્યક છે અને ડોનલ્ડ ટ્રમ્પને એ માટે સંપૂર્ણ ઑથોરિટી આપવામાં આવે છે. આજે ૨૦૨૬નું વર્ષ આવી ગયું છે અને ૨૦૨૫નો તણખો હવે ધીરે-ધીરે જીદની આગમાં પરિવર્તિત થઈ રહ્યો છે.
વાસ્તવમાં અમેરિકા હોય, રશિયા કે ચાઇના એમાંથી કોઈ માટે ગ્રીનલૅન્ડ એક ઠંડા ટાપુની જમીન મેળવી લેવાની લડાઈ છે જ નહીં. આ લડાઈ ભવિષ્યના વૈશ્વિક પ્રભુત્વ માટેની છે. જો ભવિષ્યમાં ઉત્તરી પ્રદેશથી લઈને યુરોપના બીજા દેશો પર પણ પોતાનું પ્રભુત્વ જમાવવું હોય અને દબદબો કાયમ કરવો હોય તો ગ્રીનલૅન્ડ પોતાના હસ્તક હોવું ખૂબ જરૂરી છે. જો અમેરિકા પ્રભુત્વ જમાવે છે તો રશિયા પર સીધું સર્વેલન્સ ગોઠવી શકે, જો રશિયા પ્રભુત્વ જમાવે તો અમેરિકાના માથે કાયમી દબાણ બનાવી રાખી શકે અને જો ચીન ઘૂસપેઠ કરી શકે તો યુરોપ અને અમેરિકા બન્ને પર પોતાનું દબાણ બનાવી શકે. રશિયા સાથે તો આમેય ચીનને દોસ્તીના સંબંધ છે જ, પણ આ કૂટનૈતિક દૃષ્ટિકોણની સાથે-સાથે જે કુદરતી ધનસંપદા હથિયાવી લેવાનો પડદા પાછળનો ઇરાદો છે એ વિશે આ ત્રણેમાંથી કોઈ ક્યારેય ઉલ્લેખ કરશે નહીં કે સીધી વાત કરશે નહીં. ગોલ્ડ, ઝિન્ક, ગ્રેફાઇટ, કૉપર, ડાયમન્ડ્સ, ટાઇટેનિયમ, યુરેનિયમ અને ટંગસ્ટન જેવાં કંઈકેટલાંય મિનરલ્સના ખજાના ગ્રીનલૅન્ડના બરફ નીચે સચવાયેલા પડ્યા છે. એટલું જ નહીં, ગ્રીનલૅન્ડ પાસે ઑઇલ પણ છે, પરંતુ પર્યાવરણ અને કુદરતી સંપદાની જાળવણી હેતુ ઑઇલ-એક્સ્પ્લોરેશનને અહીં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આજે ભલે ગ્રીનલૅન્ડ એક ઠંડો અને શાંત પ્રદેશ જણાતો હોય ,પરંતુ બરફથી ઢંકાયેલો આ સફેદ શાંત પ્રદેશ ભવિષ્યની સૌથી ગરમ ભૂ-લડાઈ માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે.

ગ્રીનલૅન્ડને બચાવવા માટે પ્રોટેસ્ટ કરી રહેલા ગ્રીનલૅન્ડર્સ.
ગ્રીનલૅન્ડ ક્યાં-ક્યારે-કોનું
૮,૩૬,૩૩૦ ચોરસ માઇલમાં ફેલાયેલો આ બર્ફીલો ટાપુ જે કુલ ૬૦,૦૦૦ કરતાંય ઓછી વસ્તી ધરાવે છે એમાં ૯૦ ટકા વસ્તી ઇન્યુટ્સની છે અને સાતથી ૮ ટકા ડેનિશ લોકો રહે છે. આ સિવાય નૉર્વેનિયન્સ અને કૅનેડિયન્સની વસ્તી પણ ખરી, પણ એ બહુ ઓછા પ્રમાણમાં. ગ્રીનલૅન્ડ વિશ્વનો સૌથી મોટો આઇલૅન્ડ છે જે કૅનેડાની સૌથી નજીક છે અને આઇસલૅન્ડની પણ. સાયન્ટિફિક તથ્યો અને આંકડાઓ દેખાડે છે કે ૧૯૦૦ની સાલથી આ બર્ફીલા આઇલૅન્ડનો બરફ પીગળવો શરૂ થયો, પણ ૧૯૮૦ની સાલ પછી તો એ પણ નોંધાયું કે ગ્રીનલૅન્ડનો બરફ જેટલા પ્રમાણમાં અને જેટલી ઝડપથી પીગળી રહ્યો છે એ પ્રમાણમાં સ્નોફૉલ થતો નથી. બરફનું પ્રમાણ ઘટી રહ્યું છે એટલું જ નહીં, હવે તો એવી ચેતવણી પણ અપાવા માંડી છે કે જો આ ઘટના વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જ ચાલુ રહી તો થોડાં વર્ષોમાં ગ્રીનલૅન્ડ બરફ વિનાનો જમીની પ્રદેશ થઈ જશે.
ગ્રીનલૅન્ડના સમુદ્રી વિસ્તારમાં માછલીઓ અને બીજા દરિયાઈ જીવો જબરદસ્ત મોટા પ્રમાણમાં જોવા મળે છે. અંદાજે ૨૨૫ પ્રકારની માછલીઓ જેમાંથીયે કેટલીક તો વળી બરફમાં પણ મજાથી જીવી જાણે છે એને કારણે ફિશિંગ ગ્રીનલૅન્ડનો મુખ્ય વ્યવસાય બની ગયો છે. આખા વિશ્વમાં ગ્રીનલૅન્ડ એકમાત્ર એવો ભૂપ્રદેશ છે જેની ૧૦૦એ ૧૦૦ ટકા વસ્તી નૉન-વેજિટેરિયન છે. એકમાત્ર એવો ભૂપ્રદેશ છે જ્યાં કોઈ રેલ નેટવર્ક નથી, કારણ કે આઇલૅન્ડનો ૯૦ ટકા હિસ્સો તો આમેય બરફની મોટી-મોટી ચાદરોથી ઢંકાયેલો છે. જોકે જેટલા લોકો આ આઇલૅન્ડ પર રહે છે એ મોટા ભાગે ક્રીએટિવ લોકો છે. ક્યારેક ગ્રીનલૅન્ડ જવાનો મોકો મળે તો તમે જોશો કે અહીંનાં લગભગ તમામ ઘરોની દીવાલ પર કોઈ ને કોઈ પ્રાણીઓનાં, પક્ષીઓનાં મોટાં-મોટાં ચિત્રો બનાવવામાં આવ્યાં હશે.
વર્ષો પહેલાં જ્યારે આ ઠંડા બર્ફીલા પ્રદેશમાં માણસોએ વસવાટ શરૂ કર્યો ત્યારે અહીં આવનારી અને વસનારી પહેલી વસ્તી જ ઇન્યુટ્સની હતી. તેઓ શિકારી હતા અને શિકારની શોધમાં ગ્રીનલૅન્ડ તરફ ૨૫૦૦ BCમાં આવ્યા હતા. એટલે સમજોને લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં. તેમને આ ઠંડા બર્ફીલા પ્રદેશમાં મોટા પ્રમાણમાં સફેદ રીંછ મળ્યાં અને તેમણે એમનો શિકાર કરવા માંડ્યો. કહેવાય છે કે આ ઇન્યુટ્સ એ સમયે ઉત્તર અને લૅટિન અમેરિકાથી આવીને અહીં વસ્યા હતા. ત્યાર બાદ યુરોપ તરફથી એસ્કિમોઝ આવ્યા અને તેમણે પણ અહીં વસવાટ શરૂ કર્યો, પરંતુ આ આઇલૅન્ડનું અત્યંત કઠોર વાતાવરણ અને દરેક ઋતુમાં નડતી અનેક પ્રકારની મુશ્કેલીઓને કારણે માનવ-વસવાટ બહોળા પ્રમાણમાં ટકી કે વિકસી શક્યો નહીં. (જે સારું જ થયું, નહીં તો હમણાં સુધીમાં ગ્રીનલૅન્ડનું નિકંદન નીકળી ગયું હોત.)
લગભગ ૨૦૦ વર્ષ આ આઇલૅન્ડ ડેનિશ રાજવી પરિવારના આધિપત્ય હેઠળ રહ્યો; પરંતુ ડેન્માર્કના રાજવી માત્ર કારભાર સાંભળતા હતા, ક્યારેય એને પોતાની માલિકીનો આઇલૅન્ડ બનાવી લેવાની મનસા રાખી નહીં. આથી જ તો ૧૯૭૯ની સાલમાં ડેન્માર્કે ગ્રીનલૅન્ડને પોતાના કાયદા અને પોતાનો કાનૂન ઘડવાની પણ પરવાનગી આપી દીધી હતી અને ૨૦૦૮ની સાલમાં તો ગ્રીનલૅન્ડમાં પહેલી વાર ચૂંટણી પણ થઈ અને સરકાર પણ બનાવવામાં આવી. ત્યાર બાદ ગ્રીનલૅન્ડ ઘણા અર્થોમાં પોતાની સ્વતંત્રતા અને નેતૃત્વ સંભાળતું થયું. ડેન્માર્કની મદદ હવે ઓછી લેવી પડતી હતી અને દેશમાં સત્તાનો અધિકાર નવી રચાયેલી પાર્લમેન્ટના હાથમાં આવ્યો. જોકે હજી આજેય સુરક્ષા અને વિદેશનીતિ ડેન્માર્ક જ સંભાળે છે.
૧૯૪૧ની એ સાલ જ્યારે આખું વિશ્વ બીજા વિશ્વયુદ્ધના લોહિયાળ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડેન્માર્કે અમેરિકાને એક સમજૂતી દ્વારા મંજૂરી આપી હતી કે US મિલિટરી ગ્રીનલૅન્ડ આઇલૅન્ડને બચાવવા માટે અને એની સુરક્ષા માટે ગ્રીનલૅન્ડની ધરતી પર જાય અને સુરક્ષા કરે. એટલું જ નહીં, સ્ટ્રૅટેજિકલી પણ ગ્રીનલૅન્ડ ખૂબ મહત્ત્વના પૉઇન્ટ પર આવેલું હોવાને કારણે જર્મન સબમરીન્સ અને યુદ્ધજહાજો સામે સુરક્ષા મેળવવા માટે પણ અમેરિકાને ગ્રીનલૅન્ડ ખૂબ મહત્ત્વનો લૅન્ડ-પૉઇન્ટ મળી ગયો હતો જે ત્યાર બાદ છેક કોલ્ડવૉરના સમય સુધી કબજો રહ્યો.

ટ્રમ્પે ગ્રીનલૅન્ડના નાગરિકોને ખરીદવાની વાત કરી એ પછી અહીં ગ્રીનલૅન્ડ વેચાવા નથી નીકળ્યું એવા અર્થનાં ટી-શર્ટ્સ અહીં ધૂમ મચાવે છે.
અમેરિકાનું સુષ્ઠુ-સુષ્ઠુ પૉલિટિક્સ
હમણાં વિશ્વ સામે બધાનું ભલું વિચારનારો દેશ બની રહેલું અમેરિકા ગ્રીનલૅન્ડનો કબજો મેળવવા માટે બહાનું શું આપી રહ્યું છે ખબર છેને? કહે છે કે રશિયા અને ચાઇના બળજબરીએ આ પ્રદેશ કબજો ન કરી લે એ માટે અમેરિકા ચાહે છે કે ગ્રીનલૅન્ડ USની સુરક્ષા હેઠળ આવી જાય. અચ્છા એટલું જ નહીં, ડેન્માર્ક સાથે પાછો અમેરિકાને વર્ષોથી દોસ્તીનો સંબંધ છે અને આ મિત્રદેશ સામે અમેરિકા અનેક વાર પોતાની મનસા જાહેર પણ કરી ચૂક્યું છે. એમાંનો એક ભાગ એ પણ ખરો કે ૧૯૫૧ની સાલમાં અમેરિકાએ ડેન્માર્ક સાથે એક ઍગ્રીમેન્ટ કર્યું અને એ ઍગ્રીમેન્ટ હેઠળ અમેરિકાને ગ્રીનલૅન્ડમાં કાયમી સૈન્ય સુરક્ષાચોકી અને સર્વેલન્સ બેઝ સ્થાપવાની પરવાનગી પણ મળી.
પણ મૂળ કારણ છે તેલ-ગૅસ, એકથી એક કુદરતી ધનસંપદા, આખા NATO પર એકહથ્થુ શાસન અને વૈશ્વિક પ્રભુત્વ. મૂળ પરિસ્થિતિ કંઈક એવી છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપના મહત્તમ દેશોએ સૈન્ય-સુરક્ષા અને સૈન્યબળ પર ખર્ચો કર્યો જ નહીં. અર્થાત્ ડિફેન્સ બજેટ મોટા ભાગના દેશોનું નહીંવત્ રહ્યું. એથી વધુ તેમણે પોતાના દેશને સુંદર બનાવવા પર કામ કર્યું જેથી આખું વિશ્વ તેમના તરફ આકર્ષાય અને ટૂરિઝમ ઇકૉનૉમી જબરદસ્ત મોટી બને. જોકે આ માનસિકતા સાથે આ બધા દેશો એ ભૂલી ગયા કે તેમના પર એક એવું રાષ્ટ્ર અને એવો સત્તાધીશ બેઠો છે જે ચાહે ત્યારે ચપટી વગાડતાંમાં આખા યુરોપને હરાવી શકે છે. નામ છે રશિયા. એટલું જ નહીં, હવે તો ચાઇના પણ પોતાની શક્તિ અને પ્રભુત્વ યુરોપના દેશો પર દેખાડવા માંડ્યું છે. આ વાસ્તવિક સિક્કાની બીજી બાજુ એ છે કે એકમાત્ર અમેરિકા જ છે જે આ બધા દેશોને બૅકિંગ આપી રહ્યું છે. NATO શું છે? કહેવા માટે યુરોપિયન દેશોનું સંગઠન છે, પરંતુ વાસ્તવમાં તો અમેરિકાની કઠપૂતળીઓ જ છે કારણ કે આ બધા દેશોને અને અમેરિકાને પણ એ ખબર છે કે જો અમેરિકા પોતાનો હાથ ખસેડી લેશે તો NATO જેવું કશું રહેશે નહીં, રશિયા કે ચાઇના ચાહે ત્યારે આવીને તેમના પર બેસી જશે. યુરોપિયન દેશોની આ મજબૂરી અમેરિકા બરાબર સમજે છે અને આથી જ એ ગ્રીનલૅન્ડ કબજે કરી લેવા માટે ડેન્માર્કનું નાક દબાવી રહ્યું છે. એ જાણે છે કે સૈન્યપ્રયોગ કરવાનો પણ વારો આવ્યો તો ડેનિશ આર્મી અમેરિકન આર્મી સામે ટકી પણ શકે એમ નથી.
ચોકીદાર, ભલું ઇચ્છનાર અને વિશ્વને અમેરિકાની આગળ ‘ધ’ લગાડવા મજબૂર કરતો આ દેશ આમ ભલે ડેવલપ્ડ કન્ટ્રી હોય અને વિશ્વ-વ્યાપાર એના ચલણમાં થતો હોય, પરંતુ સ્વભાવે વર્ષોથી અમેરિકા સ્વાર્થી અને વિસ્તારવાદી રહ્યું છે. મોટા ભાગે વિશ્વના તમામ દેશોમાં આંતરિક ચંચુપાત કરતા રહેવું એનો સ્વભાવ રહ્યો છે. પોતાના સ્વાર્થ ખાતર એ કોઈ પણ દેશનું નિકંદન કાઢી નાખી શકે એ આપણે આજ સુધી અનેક વાર જોયું-જાણ્યું છે. વેનેઝુએલા અને ઈરાનની સાથે-સાથે હવે ગ્રીનલૅન્ડનું ભવિષ્ય શું હશે એ આવનારા દિવસોમાં જ ખબર પડશે.


