આપણે એ સમજવું જરૂરી છે કે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતું વ્યાજ વધારાની આવક હોય છે, પરંતુ જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડ ડિવિડન્ડ જાહેર કરે ત્યારે એ નાણાં ફન્ડના મૂલ્યમાંથી જ ચુકવાતાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા જ પૈસા તમને પાછા આપવામાં આવે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
હાલ ભારતમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. આથી ઘણા રોકાણકારોને વ્યાવહારિક એ પ્રશ્ન થાય છે કે જો ડિવિડન્ડ સહિતની કુલ આવક ૧૨ લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો શું ડિવિડન્ડનું વધુ વળતર રળી આપનારાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવા જેવું ખરું?
પ્રથમ દૃષ્ટિએ આ વિચાર આકર્ષક જણાય છે. જો ડિવિડન્ડની આવક થયા બાદ પણ તમે કરમુક્ત રહી શકતા હો તો પછી કરવેરાની ચિંતા કર્યા વગર વધારે વળતર આપનારા સાધનમાં રોકાણ શું કામ ન કરવું? જોકે આ સવાલને મૂલવવા માટે ફક્ત કરવેરાનો વિચાર કરવાનું પૂરતું નથી. સૌથી પહેલાં તો મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં મળનારા ડિવિડન્ડ વિશે સમજી લેવું અગત્યનું છે.
આપણે એ સમજવું જરૂરી છે કે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતું વ્યાજ વધારાની આવક હોય છે, પરંતુ જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડ ડિવિડન્ડ જાહેર કરે ત્યારે એ નાણાં ફન્ડના મૂલ્યમાંથી જ ચુકવાતાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા જ પૈસા તમને પાછા આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં જેટલું ડિવિડન્ડ મળે એટલા જ પ્રમાણમાં રોકાણનું મૂલ્ય ઘટી જાય છે. ખાસ કરીને જે રોકાણકારોએ સંપત્તિસર્જનની દિશામાં પગલાં ભરવાની શરૂઆત કરી હોય તેમણે આ હકીકત સમજી લેવી જરૂરી છે.
તમારી આવક ૧૨ લાખ રૂપિયા કરતાં ઓછી હોય અને તમારા હાથમાં ડિવિડન્ડ કરમુક્ત રહેતું હોય તોપણ વારંવાર ડિવિડન્ડ ચૂકવવામાં આવે એ સ્થિતિ અનિચ્છનીય છે, કારણ કે એમાં રોકાણની ચક્રવૃદ્ધિની પ્રક્રિયા ખોરવાઈ જાય છે. તમે રોકેલાં નાણાં તમને જ પાછાં આપવામાં આવતાં હોય તો ચક્રવૃદ્ધિ કેવી રીતે થાય? ચક્રવૃદ્ધિ માટે રોકાણ લાંબા સમય સુધી ટકી રહેવું જરૂરી હોય છે. ડિવિડન્ડ વાસ્તવમાં વળતર નથી પણ તમારા જ રોકાણના મૂલ્યમાંથી તમને જ પાછી આપવામાં આવતી રકમ હોય છે એ બાબત રોકાણકારના મગજમાં ખૂબ જ સ્પષ્ટ રીતે નોંધાઈ જવી જોઈએ.
વળી ડિવિડન્ડ દર વર્ષે મળે એ જરૂરી નથી. ફન્ડ હાઉસ બજારની સ્થિતિ જોઈને કોઈક વર્ષે ડિવિડન્ડ આપે અને કોઈક વર્ષે એ આપે જ નહીં એ શક્ય છે. નિયમિત આવક તરીકે ડિવિડન્ડની આવક પર મદાર રાખવો જોઈએ નહીં.
અહીં એ પણ જણાવવું રહ્યું કે વધુ ડિવિડન્ડ ચૂકવતા હોય એ મ્યુચ્યુઅલ ફન્ડ્સ મોટા ભાગે એવી કંપનીઓના શૅરમાં રોકાણ કરતા હોય છે, જે નફાની રકમનો ઉપયોગ બિઝનેસની વૃદ્ધિ માટે કરવાને બદલે શૅરધારકોમાં નફો વહેંચી કાઢવાની સ્થિતિમાં હોય. પોર્ટફોલિયોમાં આવી કંપનીઓ ચોક્કસ હોવી જોઈએ, પરંતુ ફક્ત ડિવિડન્ડની આવક આપનારી કંપનીઓમાં જ રોકાણ કરવાનું વલણ રાખવું જોઈએ નહીં.
જે રોકાણકારને નિયમિત આવક આપનારા સાધનની જરૂર હોય તેમના માટે વધુ સારા માર્ગો છે. એમાંથી એક છે - સિસ્ટમૅટિક વિડ્રોવલ પ્લાન.
ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે રોકાણના નિર્ણયો ફક્ત કરવેરાના લાભને ધ્યાનમાં રાખીને લેવાના હોતા નથી. રોકાણકારે લાંબા ગાળા માટે રોકાણ રાખી મૂકવાની દૃષ્ટિ રાખવી જોઈએ.


