Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પૃથ્વી પર બદલાતી મોસમમાં છે પવનનું મહત્ત્વ પારાવાર

પૃથ્વી પર બદલાતી મોસમમાં છે પવનનું મહત્ત્વ પારાવાર

Published : 14 June, 2026 04:20 PM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

પવનની દિશા, ગતિ અને તાપમાનના આધારે આખા વિશ્વની આબોહવા પર અસર થાય છે. આવતી કાલે ગ્લોબલ પવન દિવસ છે ત્યારે સમજીએ કે પવન એટલે કે વાયુનું આપણા રોજબરોજના જીવનમાં ક્યાં અને કેટલું મહત્ત્વ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે બ્રહ્માંડનાં જે પાંચ મહાભૂતોનો આદર કરીએ છીએ એમાં પૃથ્વી, જળ, અગ્નિ, અને આકાશ ઉપરાંત વાયુનો પણ સમાવેશ થાય છે. પુરાણોમાં વાયુને વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) દિશાના રક્ષક દેવતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અનેક હિન્દુ ગ્રંથોમાં તેમનું વર્ણન શક્તિશાળી, ઝડપી ગતિવાળા દેવતા તરીકે કરવામાં આવ્યું છે. માણસ ખોરાક કે પાણી વગર લાંબો સમય રહી શકે પણ હવા વગર લાંબો સમય રહી નથી શકતો. ૨૪ કલાક શ્વાસમાં લેવાતી હવા શુદ્ધ બની રહે એ માટે જ આપણે ત્યાં હવન (યજ્ઞ) પ્રથા અમલમાં આવી છે.

સમગ્ર પૃથ્વીનું બાહ્ય આવરણ વાત અર્થાત્ વિવિધ વાયુ મંડળો દ્વારા ઘેરાયેલું અને સુરક્ષિત છે. આથી જ આ આવરણને વાતાવરણ કહેવાય છે.



વિવિધ વાયુના વિવિધ ઉપયોગો


આજે આપણા રોજિંદા જીવન, ઉદ્યોગ-ધંધા અને વાતાવરણમાં વાયુનો અનેક રીતે ઉપયોગ થાય છે. પ્રાણવાયુ (ઑક્સિજન) શ્વાસમાં લેવાય ત્યારે જ માણસ જીવતો રહી શકે છે. આ ઑક્સિજન સ્ટીલના ઉત્પાદન અને વેલ્ડિંગ ઉદ્યોગમાં પણ ખૂબ ઉપયોગી છે. અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઇડ) વગર વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર ન કરી શકે. નાઇટ્રોજન વનસ્પતિ માટે ખાતરનું કામ કરે છે. આ ઉપરાંત પૅકેજ્ડ ફૂડ (જેમ કે ચિપ્સ વગેરે)ને લાંબા સમય સુધી તાજું રાખવા માટે એનાં પૅકેટોમાં નાઇટ્રોજન ભરવામાં આવે છે. હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ માટે થાય છે. ક્લોરીન જેવો મિશ્ર વાયુ પાણીને શુદ્ધ કરવા અને બ્લીચિંગ પાઉડર બનાવવા માટે વપરાય છે. નાઇટ્રસ ઑક્સાઇડ દાંતના ડૉક્ટરો દ્વારા અને સર્જરી દરમ્યાન દરદીને બેભાન કે દર્દમુક્ત કરવા માટે ઍનેસ્થેસિયા તરીકે વપરાય છે. ઓઝોન વાયુ પણ આજે ચિકિત્સા ક્ષેત્રે ખૂબ વપરાય છે.

ઘરમાં રાંધવા જે ગૅસ વાપરો છો એ હાઇડ્રોકાર્બન નામનું મિશ્રણ હોય છે. ઘરે વપરાતા ગૅસના સિલિન્ડરમાં LPG હોય છે જે પ્રોપેન અને બ્યુટેન જેવા ગૅસનું મિશ્રણ છે. જોકે હવે ઘણાં ઘરોમાં પાઇપલાઇન દ્વારા PNG પૂરો પડાય છે એમાં મિથેન ગૅસ હોય છે. આ ઉપરાંત કારમાં CNG વપરાય છે એમાં પણ મિથેન ગૅસ હોય છે. આ ગૅસ પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ઓછું પ્રદૂષણ ફેલાવે છે.


ગ્લોબલ પવન દિવસ ઊજવવાની શરૂઆત સૌપ્રથમ યુરોપિયન વિન્ડ એનર્જી અસોસિએશન (EWEA - જેને અત્યારે WindEurope કહેવામાં આવે છે) દ્વારા ૨૦૦૭માં થઈ હતી. એનો હેતુ લોકોને પવન ઊર્જાની અફાટ શક્તિથી વાકેફ કરવાનો અને એનો યોગ્ય ઉપયોગ કરવાનો હતો. 

પવન ઊર્જા : સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા

પવન ઊર્જા એટલે કે પવનમાં રહેલી ગતિશક્તિ (કાઇનેટિક એનર્જી)નું વિન્ડ ટર્બાઇન (પવનચક્કી) દ્વારા વિદ્યુતશક્તિમાં રૂપાંતર કરવું. આ એક અખૂટ, પ્રદૂષણમુક્ત અને રિન્યુએબલ ઊર્જાસ્રોત છે. ગુજરાત જેવાં રાજ્યોમાં એનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. એના અનેક ફાયદા છે...

 એના ઉત્પાદનથી હવામાં કોઈ કાર્બન કે ઝેરી ગૅસ ઉત્સર્જિત થતો નથી એટલે કે પ્રદૂષણમુક્ત ઊર્જાસ્રોત છે.

એક વાર વિન્ડ મિલ (પવનચક્કી) ફિટ કર્યા પછી ઊર્જાનો ખર્ચ લગભગ નહીંવત્ થઈ જાય છે એટલે સસ્તી પડે છે

સૂર્યશક્તિથી મેળવાતી વીજળી મર્યાદિત બની જાય છે. રાત્રિના અંધકારમાં કે દિવસે વાદળાં હોય ત્યારે ઉત્પાદન અટકી જાય છે. પવન ઊર્જા ક્યારેય ન ખૂટે એવો સ્રોત છે જે ચોવીસે કલાક રાત-દિવસ વીજળીનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે.

ભારતીય શાસ્ત્રોમાં પવન અર્થાત્ વાયુને દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે પવિત્ર કરનારાઓમાં પવન હું છું. ભારતીય ઇતિહાસનાં બે મહત્ત્વનાં પાત્રો હનુમાન અને 
ભીમ પવનપુત્ર તરીકે પૂજાય છે. 

ગુજરાત અને રૂફટૉપ પવનઊર્જા

ભારતભરમાં પવન ઊર્જા ઉત્પન્ન કરતાં આગળ પડતાં રાજ્યોમાં ગુજરાત મોખરે છે. ગુજરાત સરકારે પવન ઊર્જા ક્ષેત્રે જંગી ઉત્પાદનક્ષમતા હાંસલ કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો (જેમ કે કચ્છ, જામનગર, દ્વારકા) અને ખુલ્લાં ખેતરો પવન ઊર્જાના પ્રોજેક્ટ માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.

હવે તો મોટા પાવરપ્લાન્ટ ઉપરાંત ઘરેલુ અને નાના પાયે વીજળીની જરૂરિયાતો માટે મિની વિન્ડ ટર્બાઇન ટેક્નૉલૉજી પણ ઉપલબ્ધ બની છે. ગુજરાત સરકારે રૂફટૉપ પવન ઊર્જા માટે નવી નીતિ જાહેર કરી છે જે ખાનગી મિલકતો પર મિની/માઇક્રો ટર્બાઇન સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. આ નીતિ મુજબ હવે ખાનગી મિલકતોની છત પર મિની અને માઇક્રો વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરીને સ્થળ પર ઊર્જાનો ઉપયોગ તેમ જ મર્યાદિત માત્રામાં ​ગ્રિડમાં વીજળીની નિકાસ કરી શકાશે. તમારી સોસાયટીની ટેરેસ પર પણ સૌર કે પવન ઊર્જા માટે પૅનલ કે પવનચક્કી સ્થાપિત કરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 04:20 PM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK