એક સમય હતો કે ખેતર ખેડવા માટે નંદી એટલે કે બળદોનો ઉપયોગ થતો હતો. કૂવામાંથી પાણી કાઢવા માટે પણ બળદોની સેવા લેવાતી હતી. આવાં તો કંઈકેટલાંય કામોમાં બળદ ખેડૂતોની સાથે જ હોય. જોકે સમય બદલાયો અને ખેતરમાં બળદનું સ્થાન ટ્રૅક્ટરોએ લઈ લીધું છે.
ગોવર્ધન નંદીશાળામાં નંદીઓ.
એક સમયે ખેતરમાં ઉપયોગી એવા નંદી એટલે કે બળદોની આજે ઉપેક્ષા થઈ રહી છે અને રસ્તે રઝળતા થયા છે ત્યારે રાજસ્થાનના એક સંતની હાકલથી કચ્છના સંતે મનમાં ગાંઠ બાંધી લીધી અને નંદીઓના નિભાવ માટે બની ગુજરાતની, કદાચ ભારતની પહેલી નંદીશાળા : નંદીઓ માટે નંદનવન જેવી કચ્છના અંજારની ગોવર્ધન નંદીશાળામાં ૭૦૦થી વધુ બળદોનો થઈ રહ્યો છે રાખરખાવ
ગુજરાતમાં આજકાલ શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ઠંડી ઓછી લાગે એ માટે લોકો સ્વેટર, શૉલ, ધાબળા સહિતનાં ગરમ વસ્ત્રો પહેરીને કે ઓઢીને ઠંડીથી રક્ષણ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કચ્છમાં આવેલા અંજારના સીમાડે અંદાજે ૭૦૦થી વધુ નંદીઓને ઠંડીમાં રક્ષણ આપવા માટે મસમોટાં હીટર મુકાયાં છે. આપણને અચરજ થવા સાથે સ્વાભાવિક રીતે મનમાં એવો પ્રશ્ન થાય કે નંદી એટલે કે બળદ માટે હીટર મુકાયાં? વાત જાણે એમ છે કે અંજારમાં ગુજરાતની સૌથી પહેલી નંદીશાળા બની છે અને એમાં રહેતા ૭૦૦થી વધુ નંદીઓનો બારેય મહિના આદર સાથે રાખરખાવ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં, દાનપુણ્યની જ્યાં સદા સરવાણી વહેતી રહે છે એવી કચ્છની ધરાના ખમીરવંતા સેવાભાવીઓ પણ નંદીની સેવા કરીને પુણ્યનું સદકાર્ય કરી રહ્યા છે.
એક સમય હતો કે ખેતર ખેડવા માટે નંદી એટલે કે બળદોનો ઉપયોગ થતો હતો. કૂવામાંથી પાણી કાઢવા માટે પણ બળદોની સેવા લેવાતી હતી. આવાં તો કંઈકેટલાંય કામોમાં બળદ ખેડૂતોની સાથે જ હોય. જોકે સમય બદલાયો અને ખેતરમાં બળદનું સ્થાન ટ્રૅક્ટરોએ લઈ લીધું છે. ટ્રૅક્ટર સહિતની મશીનરીઓ આવી એને પગલે બળદોનું સ્થાન છીનવાયું છે. દુનિયાભરમાં આવેલાં શિવાલયોમાં નંદીને આદરપૂર્વક સ્થાન મળ્યું છે; પરંતુ છેલ્લા કેટલાક સમયથી નંદીઓ શહેર, નગર કે ગામની ગલીઓમાં રખડી રહ્યા છે. ગુજરાતમાં ઘણીબધી ગૌશાળાઓ અને પાંજરાપોળો છે જ્યાં લાખો ગાયોને રાખવામાં આવી રહી છે, પરંતુ નંદીઓ એટલે કે બળદો માટેની અલગથી પાંજરાપોળ કે ગૌશાળાઓ જેવી નંદીશાળા જોવા મળતી નથી ત્યારે કચ્છના અંજારમાં નંદીઓ માટે નંદનવન જેવી ગોવર્ધન નંદીશાળા ચાલી રહી છે.
ADVERTISEMENT

નંદીઓ સાથે ત્રિકમદાસ મહારાજ.
કેવી રીતે થઈ શરૂઆત?
કચ્છમાં આવેલા યાત્રાધામ અને પૌરાણિક સ્થળ નારાયણ સરોવર ખાતે થોડાં વર્ષ પહેલાં રાજસ્થાનના સંત પધાર્યા હતા. આ સંતે કચ્છમાં નંદીઓ માટે કંઈક કરવા હાકલ કરી અને કચ્છમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના ત્રિકમદાસ મહારાજે એને સ્વીકારી લીધી અને ગુજરાતમાં પહેલી એવી નંદીશાળા બનવા તરફની દિશામાં શરૂઆત થઈ. આ વિશે વાત કરતાં ત્રિકમદાસ મહારાજ ‘મિડ-ડે’ને કહે છે, ‘સાત વર્ષ પહેલાં અમે સંવેદના ગૌસેવા ગ્રુપના સહકારથી અંજારમાં ગોવર્ધન નંદીશાળા શરૂ કરી હતી. આ નંદીશાળાની શરૂઆત કરી એનું કારણ એ હતું કે નારાયણ સરોવરમાં ગૌકથા યોજાઈ હતી એમાં પથમેડા ગૌશાળાના સંત દત્ત ગુરુ શરણાનંદજી મહારાજ પધાર્યા હતા. આ સંતે કચ્છમાં નંદીઓ માટે અલગથી નંદીશાળા જેવું કંઈક કરવા વાત ઉપાડી હતી. એ વખતે મેં મનમાં ગાંઠ બાંધી હતી કે ગમે તે થાય, હું નંદીશાળાની શરૂઆત કરીશ. અમારો સચ્ચિદાનંદ સંપ્રદાય છે. હું સાતમો ગાદીપતિ છું અને આચાર્ય તરીકે બિરાજું છું. અમે ગૌશાળા ચલાવીએ છીએ જેમાં ૩૫૦ ગાયો છે. સાત વર્ષ પહેલાં નંદ મહોત્સવની ઉજવણી બાદ અમે અંજારમાં ૧૧ નંદીની સાથે ગોવર્ધન નંદીશાળા ૨૦૧૯થી શરૂ કરી હતી. આજે અમારી નંદીશાળામાં ૭૦૦થી વધુ નંદીઓ છે અને તેમની સંભાળ લેવાઈ રહી છે. ગુજરાતમાં અમે સૌથી પહેલી નંદીશાળા શરૂ કરી. કદાચ ભારતની પણ સંભવિત રીતે આ પહેલી નંદીશાળા છે. ગુજરાતમાં ખાલી નંદીઓ માટેની નંદીશાળા ક્યાંય નથી. ગાયોની સાથે ગૌશાળા કે પાંજરાપોળમાં ૨૫ કે ૫૦ નંદીઓ રખાતા હોય, પરંતુ અમે માત્ર ને માત્ર નંદીઓ માટેની નંદીશાળા શરૂ કરી છે. હવે અમારી ગોવર્ધન નંદીશાળામાંથી પ્રેરણા લઈને અમુક જગ્યાએ નંદીશાળા શરૂ કરાઈ છે.’
ખેતરોમાં બળદની વાપસી
ભારત ખેતીપ્રધાન દેશ વર્ષોથી રહ્યો છે ત્યારે પહેલાં ખેડૂતોને ત્યાં બળદ અવશ્ય જોવા મળતા. એ વિશે વાત કરતાં ત્રિકમદાસ મહારાજ કહે છે, ‘આજથી ૪૦ વર્ષ પહેલાં ૧૦૦ ટકા નંદીનો ઉપયોગ થતો હતો. પહેલાં તો ખેતરોમાં ખેતીકામ માટે બળદોનો ઉપયોગ થતો હતો. કૂવામાંથી પાણી ખેંચવા પણ બળદ કામમાં આવતા હતા. આપણે બળદોની પૂજા કરતા હતા. બળદ ઘરડા થઈ જાય એટલે એની આરતી ઉતારીને ભગવાન પાસે પ્રાર્થના કરતા કે અમારો બળદ વહેલો છૂટી જાય, દુખી ન થાય. બળદ માટે અગિયારસ અને પૂનમ ભરતા હતા. બળદ ઉપયોગી હતા અને એના દ્વારા ખેતી સારી થતી હતી પણ ટ્રૅક્ટરો આવવાથી બળદથી ખેતી કરવાનું ઘટતું ગયું. જોકે હવે અમુક લોકો પાછા વળ્યા છે અને અમારી પાસે ખાતરી આપી ખેતી કરવા બળદ લઈ જાય છે.’
નંદીને રાખવાનું પુણ્ય
આજના સમયે જેને કેટલાક લોકો બળદ કહીને હડસેલી મૂકે છે એ નંદી રાખવા પુણ્યનું કાર્ય છે. આ બાબતે ત્રિકમદાસ મહારાજ દાવો કરતાં કહે છે, ‘૧૦૦ ગાયો રાખો અને ૧ નંદી રાખીએ એનું પુણ્ય શાસ્ત્ર આધારિત સરખું ગણાય કેમ કે નંદી ગૌવંશ જ કહેવાય. એ ગાયનું સંતાન છે. શિવમંદિરોમાં જઈએ તો એમાં નંદી હોય જ. આજે એ નંદીની હાલત ખરાબ છે. એટલે અમે નંદી માટે ગોવર્ધન નંદીશાળા શરૂ કરી છે.’

ત્રિકમદાસ મહારાજ
રસ્તે રઝળતાં ઢોરને છત્ર
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતમાં નાનાં-મોટાં શહેરો, નગરો કે ગામોમાં બળદો રસ્તે રઝળી રહ્યા છે અને ક્યાંક ઉત્પાત પણ મચાવી રહ્યા છે ત્યારે આ ઢોરને એક છત્ર મળ્યું છે જ્યાં એ શાંત થયા છે. આ મુદ્દે વાત કરતાં નંદીશાળાના સંચાલક મહાદેવ આહિર ‘મિડ-ડે’ને કહે છે, ‘નંદીઓનો ખેતીમાં ઉપયોગ નહીંવત થઈ ગયો છે એટલે નંદીઓની સંખ્યા વધી ગયેલી જોવા મળી રહી છે. જો ખેતીમાં નંદીનો ઉપયોગ થતો હોત તો આજે રસ્તે રઝળતા નંદીઓ બહુ દેખાતા ન હોત. નંદીની ઉંમર ૧૫થી ૧૬ વર્ષ જેટલી હોય છે. એને ખાવાનું ન મળે તો તોફાન કરે. રસ્તે રઝળતા હોય એટલે આપણને એમ લાગે કે મારે છે, પણ ખરેખર ખાવાનું ન મળ્યું હોય એટલે ભૂખ્યા હોય છે જેથી આડાઅવળા થતા હોય છે. અમારે ત્યાં ગોવર્ધન નંદીશાળામાં નંદીઓ શાંત છે કેમ કે તેમને પૂરતુ ખાવાનું મળી રહે છે. અમે આ બધા નંદીઓની વચ્ચે ફરીએ છીએ તો નંદીઓ કંઈ કરતા નથી. ગોવર્ધન નંદીશાળામાં ૭૦૦થી વધુ નંદીઓને છત્ર મળ્યું છે અને શાંતિથી રહે છે. ગાયને ગૌશાળામાં રાખી શકો, એનું દૂધ દોહી શકો અને આર્થિક ઉપાર્જન કરી શકો; પણ આ રખડતા બળદોને કોણ રાખે? આને સાચવે કોણ? અમારી સંસ્થાએ નંદીઓને રાખવાની શરૂઆત કરી. શરૂઆતમાં તો રસ્તે રઝળતાં આ ઢોર અમારે ત્યાં આવે એટલે ડૉક્ટરોએ એમના પેટમાંથી ૨૫–૨૫ કિલો જેટલું પ્લાસ્ટિક કાઢ્યું છે. રસ્તે રખડતા આ ઢોરને ખાવાનું કોણ આપે? હવે નંદીશાળામાં નંદીને છત્ર મળતાં એમને રાહત થઈ છે.’
ક્યાંથી આવે છે નંદીઓ?
અંજારની ગોવર્ધન નંદીશાળામાં કચ્છનાં જુદાં-જુદાં નગરો, શહેરો અને ગામોમાંથી નંદીઓને લોકો મૂકી જાય છે. એ વિશે મહાદેવ આહિર કહે છે, ‘ગામમાં કે નગરમાં નંદીઓ રખડતા હોય છે. એટલે નગરપાલિકા હોય કે ગામ હોય ત્યાં બળદો કોઈને હેરાન કરતા હોય કે પછી બળદોને કોઈ હેરાન કરતું હોય તો અમારે ત્યાં નગરપાલિકાવાળા અને ગામવાળા નંદી મૂકી જાય છે જેથી નંદી રસ્તે રખડે નહીં. ગાંધીધામમાંથી ૧૦૦થી વધુ નંદીઓ અહીં મૂકી ગયા છે. અંજારના ૪૫૦થી ૫૦૦ જેટલા નંદીઓ છે. અંજાર તાલુકાનાં ૬૨ ગામો છે ત્યાંથી નંદીઓને ગોવર્ધન નંદીશાળામાં મૂકી ગયા છે. આ ઉપરાંત આદીપુર અને કંડલાથી પણ નંદીઓ મૂકી ગયા છે.’

ગોવર્ધન નંદી શાળાનું પ્રવેશદ્વાર.
સુવિધાસભર છે નંદીશાળા
અંજારની ગોવર્ધન નંદીશાળામાં નંદીઓને ભોજનથી માંડીને સ્વાસ્થ્યની સુવિધા પણ મળી રહી છે. મહાદેવ આહિર કહે છે, ‘નંદીશાળામાં નંદીઓ માટે ચાર મોટા શેડ છે. એમાં પાણીની સગવડ છે. ઘાસનું ગોડાઉન છે. એક ભાઈએ ઘાસચારો ઉગાડવા માટે ૧૦ વીઘા જમીન આપી છે. પાણીનો એક બોર પણ બનાવ્યો છે. હાલમાં ઠંડીની સીઝન છે એટલે નંદીઓ માટે હીટર મુકાયાં છે. શેડની ચારે તરફ તાડપત્રી બાંધી છે. નંદીઓને પૂરતા પ્રમાણમાં ભોજન આપવામાં આવે છે. મગફળીનો ચારો, ચણાનો ચારો, લીલો ઘાસચારો સહિતના ચારા ઉપરાંત રીંગણાં, ફુલાવર, કોબી સહિતની શાકભાજી, બુંદીના લાડુ સહિતનું ભોજન પણ પીરસીએ છીએ. એક નંદી માટે એક દિવસનો ઍવરેજ ૭૦થી ૮૦ રૂપિયા નિભાવખર્ચ થાય છે. દાતાઓ મળી જાય છે. દાતાઓ નંદીઓને માટે રિક્ષા ભરીને શાકભાજી લાવતા હોય છે, શિયાળામાં દાતાઓ તરફથી ગોળ અને લાડવા પણ ખવડાવવામાં આવે છે. આ ઉપરાંત સરકારની સબ્સિડી આવે છે. નંદીશાળામાં રહેતા નંદીઓના સ્વાસ્થ્યની પણ દેખભાળ રાખીએ છીએ. નંદીઓનું રસીકરણ થાય છે. ડૉક્ટર રોજ વિઝિટ કરે છે. રસ્તે રઝળતા નંદીઓને અહીં આરામ છે.’


