ભાષાશાસ્ત્ર વિષયનાં સત્યાવીસેક જેટલાં અભ્યાસપૂર્ણ પુસ્તકો ઊર્મિબહેને લખ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
‘ઉંમર તો માત્ર એક આંકડો છે.’ આ વાક્ય અવારનવાર સાંભળવા મળે છે પરંતુ જિંદગીની પ્રત્યેક પરિસ્થિતિ, જિંદગી પ્રત્યેના અભિગમ, આદતો, ઊર્જા અને કાર્યશૈલીને વ્યક્તિની ઉંમર સાથે સાંકળીને મૂલવવામાં આવે છે એ પણ એક વાસ્તવિકતા છે. કલ્પના કરો, પંચ્યાશી વર્ષની એક વિદ્વાન ભાષાશાસ્ત્રી અને શિક્ષિકા દિવસના સાતથી આઠ કલાક ભાષા સંબંધી સંશોધન, લેખન, સંકલન પાછળ ખર્ચે છે અને પોતાના કામમાં ઓતપ્રોત રહી ખુશ રહે છે. ન તેને કોઈ થાક લાગે છે, ન અંગોમાં કળતર થાય છે. તો આપણા મોઢે પહેલું વાક્ય શું આવે? ‘અરે વાહ! આ ઉંમરે આટલુંબધું કામ અને એય બ્રેઇનવર્ક અને ફિઝિકલ વર્ક પણ? કઈ રીતે કરી શકતાં હશે! હું બાહોશ ભાષાશાસ્ત્રી ડૉ. ઊર્મિ દેસાઈની વાત કરું છું. કોઈ શબ્દની જોડણી, અર્થ કે પ્રયોગ – ટૂંકમાં ભાષા વિશે કોઈ પણ મૂંઝવણ હોય તો હું ડૉ. ઊર્મિ દેસાઈને ફોન કરું. તેમની પાસેથી ટકોરાબંધ અને ખાતરીબંધ જવાબ મળે જ મળે.
ગયા અઠવાડિયે તેમની સાથે ઘણીબધી વાતો થઈ. ભાષાશાસ્ત્ર વિષયનાં સત્યાવીસેક જેટલાં અભ્યાસપૂર્ણ પુસ્તકો ઊર્મિબહેને લખ્યાં છે. અત્યારે એક નવા પુસ્તક માટેનું સંશોધન-લખાણ ચાલુ છે! ભાષા સંબંધી અનેક સન્માન અને પારિતોષિકોથી પુરસ્કૃત ઊર્મિબહેન નાનપણથી ભણવામાં ખૂબ જ તેજ હતાં. તેઓ કબૂલે છે કે પિતાની આકરી શિસ્ત જીવનમાં વણાઈ ગઈ અને કારકિર્દીમાં ખૂબ ઉપયોગી થઈ. ત્રીજા ધોરણનાં શિક્ષિકાએ એક-એક વિષય એટલો સરસ રીતે ભણાવ્યો કે ભણતરનો પાયો બહુ જ પાકો થઈ ગયો. કૉલેજમાં ઝાલાસાહેબ ખૂબ જ સરસ રીતે સંસ્કૃત ભણાવતા અને સદ્નસીબે ડૉક્ટરેટ લેવલે તેમને ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા પ્રખર મેધાવી વિદ્વાન અને ઉત્તમ ગુરુજન મળ્યા. તેમણે ઊર્મિબહેનને સંશોધનની સચોટ રીત શીખવી અને કહેલું, ‘એક ખૂણામાં શાંતિથી બેસીને પોતાની રિસર્ચ કર્યા કર.’
ADVERTISEMENT
ઊર્મિબહેન કહે છે, તેમની જ સલાહ હું આજ સુધી પાળતી આવી છું અને મારી માતૃભાષાને નાણતી ને માણતી આવી છું. નિયમિત યોગ, સાદો, સંયમિત આહાર અને આદતોથી ઊર્મિબહેનનનું આરોગ્ય આજે પણ અવ્વલ દરજ્જાનું છે. વિદ્યાર્થીની ભીતરનું ઓજસ પ્રકટાવી તેની વિદ્યાયાત્રાને આજીવન ઝળાંહળાં કરી દે તેવા ગુરુજન પામનાર ઊર્મિબહેન વિશે વિચારું ત્યારે થાય કે ગુરુજનો પણ આવા સિન્સિયર વિદ્યાર્થી મેળવી ધન્યતા અનુભવતા હશે.
તેમના શિક્ષકોના સરસ અનુભવો સાંભળતાં મને હમણાં જ વાંચેલા વિખ્યાત મરાઠી સાહિત્યકાર પુ. લ. દેશપાંડેના શાળાજીવનના રમૂજી અનુભવો યાદ આવી ગયા. શાળાના શિક્ષકો, તેમની ભણાવવાની રીત - બધું જ તદ્દન કૉન્ટ્રાસ્ટ! એ વાંચતાં-વાંચતાં એકલા-એકલા હસ્યા કરીએ. પણ એ મજેની વાત ફરી ક્યારેક...
- તરુ મેઘાણી કજારિયા

