છાયા-પડછાયા આ નવલકથાનું ૧૦મુ પ્રકરણ આપ અહીં વાંચી શકો છો
ઇલસ્ટ્રેશન
‘આ ઈ-મેઇલ જુઓ.’ મિહિર પાઠક પૂરી શિદ્દત સાથે રાકેશ વિરમાણીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અનવર અને રાઘવ પણ તેની વાત સાંભળી રહ્યા હતા. ઑફિસમાં મિહિરે જે કહ્યું એ પછી અનવર અને રાઘવને પણ મિહિરે બતાવેલા
રસ્તે-અનઑફિશ્યલી આ કેસમાં પુરાવા ભેગા કરવાની વાત થોડી ગળે ઊતરી હતી. અચ્યુત એક મૂક પ્રેક્ષકની જેમ આ ચારે જણને અંદર-અંદર દલીલો કરતાં સાંભળી રહ્યો હતો, બાકીના ત્રણે જણ પાસે પોતપોતાની શંકા-કુશંકા હતી. ખાસ કરીને રાકેશને સતત લાગતું હતું કે આ મિહિરની કોઈ રમત છે. મિહિરે ફરી એક વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘આ રહમત શુજા આપણને અઝીઝના ઘરનાં CCTV ફુટેજ મેળવી આપશે. એક વાર CCTV ફુટેજ હાથમાં આવે તો આપણે...’
‘જો મિહિર! આ બે જણ તને પૂરેપૂરો ઓળખતા નથી. તારી
મોટી-મોટી વાતો મારે ગળે ઉતારવાનો પ્રયત્ન ન કર.’ રાકેશે રોકડું પરખાવ્યું, ‘તને એટલો જ વિશ્વાસ હોય તો મંગાવી લે CCTV ફુટેજ.’
ADVERTISEMENT
‘પણ એ ફુટેજ ઑથેન્ટિક નહીં કહેવાય.’ અનવરે કહ્યું, ‘કોઈના ઘરનાં ફુટેજ આપણે ચોરી-છૂપી મેળવીએ એ તેની પ્રાઇવસીમાં ઇન્વેડ કર્યું કહેવાય. ખાસ કરીને અન્ય દેશની કોઈ વ્યક્તિ...’ અનવર થોડો વિચારમાં પડ્યો, ‘કદાચ એ ફુટેજમાં આપણને અક્ષરા તેના ઘરમાં ગઈ છે એવી ખાતરી થાય તો પણ આપણે શું કરી શકીશું? ઑફિશ્યલ પ્રોસીજર વગર આપણે અઝીઝનો વાળ પણ વાંકો ન કરી શકીએ. UAEમાં વગર વૉરન્ટ કે કન્સેન્ટથી ફુટેજ લઈએ તો ઈલ્લીગલ છે. આપણને પણ સજા થઈ શકે.’
‘ને કોર્ટમાં એને વૅલિડ માનવામાં ન આવે તો?’ રાકેશ હજી શંકાશીલ હતો.
‘વેલ! હું આ ફુટેજ મગાવવાનો છું. પછી જોયું જશે.’ મિહિરે પોતાનો નિર્ણય જાહેર કર્યો. તે ઉશ્કેરાટમાં ઊભો થઈ ગયો.
‘અમારી કોઈ જવાબદારી નહીં રહે.’ અનવરે કહ્યું, રાઘવે ડોકું ધુણાવ્યું, ‘કાલે ઊઠીને તું મને ફરી એક વાર ફસાવે એ પહેલાં હું તને કહી દઉં છું, આમાં હું તારી સાથે નથી.’
‘હું તો જરાય નહીં.’ રાકેશે કહ્યું. તેણે અચ્યુત તરફ જોયું, ‘આ પોતાના સ્વાર્થ માટે કોઈનો જીવ લેતાં અચકાય એમ નથી. તમે સંભાળજો. નેક્સ્ટ નંબર તમારો હોય તો નવાઈ નહીં.’
અચ્યુતના ચહેરા પર બદલાતા ભાવ જોઈને મિહિરે કહ્યું, ‘રાકેશ!’ બની શકે એટલા નમ્ર અને નીચો અવાજ રાખવાની તેણે કોશિશ કરી, ‘પ્લીઝ! અનિસાની બાબતમાં મારો કોઈ બદઇરાદો નહોતો... ઇટ વૉઝ અ મિસ્ટેક.’
‘એ વાત જ નહીં કરતો.’ રાકેશ ઊભો થઈ ગયો, ‘એ ભૂલ નહોતી. તેં ગણતરીપૂર્વક એ છોકરીને કૉમ્પ્રોમાઇઝ કરી.’
‘કોલૅટરલ ડૅમેજ કહેવાય એને.’ મિહિરની ગહેરી આંખોમાં સાવ હળવી પાણીની પરત દેખાઈ, ‘એક છોકરીએ જીવ ખોયો પણ સામે ૭૩૬ છોકરીઓ બચી...’ એક ક્ષણ માટે મિહિર જાણે એ સમયમાં ખોવાઈ ગયો, ‘બીજી કેટલી છોકરીઓ હજી આ મોતના કૂવામાં ફસાયેલી હશે એની આપણને ખબર નથી.’ તેણે રાકેશનો હાથ પકડી લીધો. આજીજી કરતો હોય એમ તેણે કહ્યું, ‘અક્ષરાના કેસની લીડ આપણને કદાચ કંઈ બહુ મોટું રહસ્ય ખોલી આપશે એવું મને લાગે છે.’
રાકેશે હાથ ઝટકાવી નાખ્યા, ‘કરેક્ટ!’ તેના ચહેરા પર કડવું સ્મિત આવી ગયું, ‘મને ખબર જ હતી કે તારો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે આમાં. મફતમાં તો તું સગા બાપનીયે મદદ કરે એમ નથી.’ રાકેશે આંખો ઝીણી કરીને પૂછ્યું, ‘સાચું બોલ. તને શું જોઈએ છે આમાં?’
મિહિર એક ક્ષણ માટે ચૂપ રહ્યો, પછી તેણે કહ્યું, ‘અક્ષરાને પૂરી દીધી, રોકી લીધી કે અક્ષરા તેની મરજીથી રોકાઈ ગઈ... આ બધા સવાલના જવાબ તો આપણને ત્યારે જ મળશે જ્યારે આપણે આ અઝીઝની સામે ઊભા હોઈશું. પરંતુ આ કોઈ સામાન્ય, નૉર્મલ ઘટના નથી. મારું મન રહી-રહીને કહે છે કે આ ઇન્ટરનૅશનલ હ્યુમન ટ્રાફિકિંગનું રૅકેટ હોવું જોઈએ.’ અત્યાર સુધી ચૂપ બેઠેલા અચ્યુતના ચહેરા પર જે ફેરફાર થયા એ જોઈને મિહિરે તેને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કર્યો, ‘હજી બહુ દિવસ નથી થયા. અત્યાર સુધી તો અક્ષરા ખોર ફક્કાનમાં જ હશે. એક વાર તે શારજાહની બૉર્ડર ઓળંગી જશે, પછી આપણે કોઈ રીતે તેના સુધી નહીં પહોંચી શકીએ એટલું યાદ રાખજો.’ મિહિરે ફરી બન્ને પોલીસ-અધિકારીઓ તરફ જોયું, ‘આ રાકેશનું મગજ બંધ છે, પણ તમે તો સમજો છોને? જાણો છો કે આ આખી જાળ કેવી રીતે ફેલાયેલી હોય છે.’ કહેતાં-કહેતાં મિહિર એકદમ ઉશ્કેરાઈ ગયો, ‘મારો પર્સનલ ઇન્ટરેસ્ટ છે એવું બધા માનો છોને? ચલો, સ્વીકારી લઉં કે છે. પણ તમારે અક્ષરા સુધી પહોંચવું છે કે નહીં? તમારું કામ કરી આપવાનું વચન આપું છું, પછી હું મારી રોટલી શેકું કે નહીં એનાથી તમને શું ફેર પડે? અત્યારે મને મારો ફાયદો ન મળે એના ચક્કરમાં તમે તમારું કામ પણ બગાડો છો. હું તો મારી રીતે આનું પગેરું કાઢીશ જ, પણ જો બધા સાથે રહીશું તો...’ કહીને મિહિર ઊભો થઈ ગયો, ‘હું જાઉં છું. જો ખરેખર મારી જરૂર હોય તો મને કહેજો. બાકી આ કેસનું ઇન્વેસ્ટિગેશન એકલા હાથે કરતાં પણ આવડે છે મને.’ તેણે ફરી એક વાર અચ્યુત સામે જોયું, ‘હું સાચે જ તમારી મદદ કરવા આવ્યો હતો, પણ આ લોકો...’ તેણે ત્યાં બેઠેલા અન્ય ત્રણ તરફ સરસરી નજર નાખી.
સ્ટેશન-ઑફિસરની કૅબિનનું અડધું ફ્લિપ ડોર ખોલીને તે બહાર નીકળવા જતો હતો ત્યાં અચાનક અચ્યુતનો અવાજ સંભળાયો, ‘મને ભરોસો છે તમારા પર.’ મિહિર અટકી ગયો. ‘અક્ષરાને પાછી લાવવામાં મદદ કરો, પ્લીઝ.’ અચ્યુતના અવાજમાં એક કંપ હતો, ‘હું તેના વગર નહીં જીવી શકું.’
થોડીક ક્ષણો માટે સોપો પડી ગયો. પછી મિહિર પાછો ફર્યો. ત્યાં બેઠેલા બાકીના ચાર જણના ચહેરા પર પણ અત્યાર સુધી દેખાતો વિરોધ અને શંકા થોડાં ઓછાં થયાં હતાં.
‘ઠીક છે!’ અનવરે કહ્યું, ‘જોઈએ, તું શું કરી શકે છે.’ મિહેરે પોતાના સેલફોનના વૉટ્સઍપમાંથી રહમત શુજાને ફોન લગાવ્યો. ફોન સ્પીકર પર મૂકીને તેણે રહમત સાથે વાત કરી. તે જ્યારે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે રહમત શુજાના મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપવા માટે તેણે અચ્યુત સાથે વાત કરાવી. રહમતે વચન આપ્યું કે આવતી કાલ સુધીમાં અક્ષરા અને અચ્યુત જે દિવસે અઝીઝના ઘરમાં હતાં એ દિવસનાં CCTV ફુટેજ મેળવીને પોતે મિહિરને કૉલ કરશે. રહમત શુજા પણ કાચી માટીનો નહોતો જ. તેણે સામે મિહિર પાસે વચન લીધું કે આ ફુટેજનો ઉપયોગ રહમતની પરવાનગી વગર ક્યાંય... કોર્ટમાં પણ કરવામાં નહીં આવે.
‘મેં તો કહ્યું હતું. CCTVનાં ફુટેજ કંઈ કામમાં નહીં આવે,’ વાત પૂરી થતાં જ રાકેશ બગડ્યો.
મિહિરે ત્યાં બેઠેલા બધા સામે જોઈને કહ્યું, ‘આ CCTV ફુટેજ પૂરતાં નહીં થઈ રહે એ માનું છું. અચ્યુત, બીજું કંઈ યાદ આવે છે જેનાથી આપણે એવું પુરવાર કરી શકીએ કે અક્ષરા તમારી સાથે હતી?’
‘અહીંથી ગયાં ત્યારે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનાં ફુટેજ છે.’ અનવરે કહ્યું, ‘પણ પાછા આવવાનાં ફુટેજમાં અચ્યુત એકલો દેખાય છે.’
‘એટલે એ ફુટેજ તો અચ્યુતની વિરુદ્ધમાં જશે.’ રાકેશે કહ્યું, ‘સરકારી વકીલના ફાયદામાં...’ તેણે અચ્યુત તરફ ફરીને પૂછ્યું, ‘યાદ કર, કંઈ પણ એવું હોય જે તારા કામમાં આવી શકે...’ અચ્યુત આંખો મીંચીને વિચારતો રહ્યો, ‘કંઈ પણ... ફોનકૉલ, મેસેજ...’ રાકેશે અચાનક પૂછ્યું, ‘ટિકિટની કૉપી છે, તારી પાસે? હું મારી ટિકિટની એક કૉપી હંમેશાં મારી ઑફિસમાં રાખું છું. તું પણ કદાચ...’
જાણે કોઈ છઠ્ઠી ઇન્દ્રિયે ઘંટી વગાડી હોય એમ તેને યાદ આવ્યું કે પોતાના તમામ વિદેશપ્રવાસની ટિકિટોની એક વધારાની પ્રિન્ટ અચ્યુત પોતાની ઑફિશિયલ ફાઇલ્સના ડ્રૉઅરમાં સાચવી રાખતો હતો. ટિકિટો ઑફિસમાંથી બુક થઈ હતી એટલે અકાઉન્ટમાંથી પૈસા ચુકવાયાની વિગતો પણ ઑફિસના અકાઉન્ટમાં સચવાયેલી હોવી જોઈએ. ‘છે!’ અચ્યુત જાણે ઊંઘમાંથી જાગ્યો હોય એમ કહ્યું, ‘મારી પાસે ટિકિટની એક બીજી કૉપી છે. ચેકઇન થયાના બોર્ડિંગ પાસની કૉપી પણ હશે.’
‘ટિકિટ કોઈ પણ બુક કરાવી શકે, ગમે ત્યાંથી, ગમે તેની...’ રાઘવે કહ્યું, ‘એનાથી કશું સાબિત નહીં થઈ શકે.’
‘એ જ ટિકિટ પર બે જણે પ્રવાસ કર્યો એની સાબિતી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ને પાછા આવવાની ટિકિટ બે જણની હતી, ધૅટ મીન્સ...’ મિહિર બોલ્યો.
‘ધૅટ મીન્સ પ્રી-મેડિટેટેડ મર્ડર, મૂર્ખ!’ રાકેશે કહ્યું, ‘બે ટિકિટ બુક કરાવી જેથી સાબિત થાય કે તે પાછી લાવવા માગતો હતો ને પછી લાવ્યો નહીં... આ બધું પ્રી—પ્લાન્ડ હતું એવું સાબિત થઈ શકે.’ રાકેશ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. તેણે અનવર સામે જોઈને કહ્યું, ‘પરમ દિવસ સવારની સુનાવણીમાં કશું નહીં મળે.’ અચ્યુત સામે જોઈને તેણે ઉમેર્યું, ‘હમણાં તો બેલ મળી જશે, પણ આ કેસ અઘરો થવાનો છે.’
બધા થોડી ક્ષણો માટે નિરાશામાં મૌન થઈ ગયા. રાકેશે એ ભયાનક મૌનને તોડતાં કહ્યું, ‘સરકારી વકીલ કોણ છે?’
‘એ. કે. મન્સૂરી.’ અનવરે દબાયેલા અવાજે જવાબ આપ્યો.
‘શિટ્!’ આ નામ સાંભળતાં જ અચ્યુત સિવાયના સૌનો એક જ પ્રતિભાવ હતો!
‘કોણ છે આ?’ અચ્યુતે ભોળા ભાવે પૂછ્યું.
‘શિકાર શોધતી સિંહણ છે.’ સિનિયર બેઠા હોવા છતાં રાઘવથી રહેવાયું નહીં, ‘આયરા ખાન મન્સૂરી.’ કહીને તેણે અનવર તરફ જોયું,
‘બુરે ફંસે!’
‘સરકારી વકીલ તરીકેનો રેકૉર્ડ છે. જે કેસ હાથમાં લીધો એ આરોપીને સજા કરાવે જ છૂટકો કરે. પાછળ પડી જાય. ઇજ્જત-આબરૂના લીરેલીરા કરે ને માણસના મગજનાં છોતરાં ફાડી નાખે.’ અનવરે કહ્યું, ‘તારું આવી બન્યું.’
‘ડર નહીં!’ રાકેશે હિંમત આપવા અચ્યુતનો હાથ પકડ્યો તો ખરો, પણ અચ્યુતને લાગ્યું કે રાકેશનો હાથ પણ ધ્રૂજી રહ્યો હતો.
‘એક વાત કહું?’ અત્યાર સુધી ચૂપચાપ આખીયે ચર્ચા સાંભળી રહેલા અચ્યુતે ધીમેથી પૂછ્યું, ‘આપણે જાતે તપાસ કરવા શારજાહ જઈએ તો?’
બાકીના ચારેય જણ, જુનિયર વકીલ સહિત સહુ હસી પડ્યા. રાકેશ ગંભીર હતો, ‘હું તને બેલ અપાવી દઈશ, પણ પાસપોર્ટ જપ્ત થશે. પોલીસની પરવાનગી વગર તું ટ્રાવેલ નહીં કરી શકે. કેસ ચાલે ત્યાં સુધી...’ રાકેશ આગળ કહેવા માગતો હતો, પણ અચ્યુત વધુ ડરી જશે એમ માનીને ચૂપ થઈ ગયો.
અનવરને લાગ્યું કે અચ્યુતને સચ્ચાઈ જણાવવી જોઈએ. તેણે કહ્યું, ‘મિસ્ટર અચ્યુત ગોહિલ! લાશ નહીં મળે તો ખૂનનો ગુનો સાબિત નહીં થાય, પણ સુશીલા પ્રજાપતિ તમને જેલમાં મોકલ્યા વગર જંપશે નહીં. ને હવે તો આયરા ખાન છે તેની સાથે... અલ્લાહ તોબા!’ પછી તેણે સહેજ કુનેહથી પૂછ્યું, ‘હવે જ્યારે આટલીબધી વાત થઈ રહી છે ત્યારે એક વાર સાચું કહી દે.’ અનવરની આંખોમાં ફરીથી પોલીસ-ઑફિસર ડોકાયો, ‘તેં કંઈ તિકડમ કર્યું તો નથીને?’
‘ના સર!’ અચ્યુતે હાથ જોડ્યા, ‘ઈશ્વરના સોગંદ, મારી માના સોગંદ.’ તે ફરી રડી પડ્યો.
lll
સંપૂર્ણપણે કાચના બનેલા ગઝીબોમાં ૧૮ જણ બેસી શકે એવું વિશાળ ડાઇનિંગ ટેબલ હતું. સોનેરી ખુરસીઓ હતી જેમાં સેન્ટરની એક ખુરસી અલગ અને ઊંચી હતી, જે ખાલી હતી. વન પીસ આરસપહાણના ટેબલ પર દેશ-વિદેશથી આવેલા મહેમાનો ગોઠવાયા હતા. દુનિયાની મોંઘી – આલા વિદેશી શરાબ, ઉત્તમ ચિકન, કબાબ અને શ્રેષ્ઠ સૂકો મેવો લઈને ટૂ- પીસ બિકિની પહેરેલી લલનાઓ સર્વિંગ કરી રહી હતી. જાત-જાતની ફ્લેવરના હુક્કા મહેમાનોની ખુરસીઓ પાસે ગોઠવવામાં આવ્યા હતા. વાતાવરણમાં ચરસની માદક ગંધ હતી. એ જ સમયે આરબ ઝભ્ભા અને સ્કાર્ફમાં અઝીઝ દાખલ થયો. તેણે ટેબલ પર પડેલો વાઇનનો ગ્લાસ ઉપાડીને એના પર ગોલ્ડ પ્લેટેડ ફોર્કથી મધુર રણકાર કર્યો, ‘અટેન્શન!’ શરાબ પી રહેલા ને હુક્કા માણી રહેલા મહેમાનો અચાનક હરકતમાં આવી ગયા. સહુ પર એક નજર ફેરવીને અઝીઝે કહ્યું, ‘હોપ, યુ ઑલ આર એન્જૉઇંગ. પણ હવે રિયલ એક્સાઇટમેન્ટ શરૂ થશે.’ તમામ મહેમાનોએ ‘હોઓઓઓ’ અવાજ સાથે ચિયર કર્યું. અઝીઝના હૅન્ડસમ ચહેરા પર એક સ્મિત આવ્યું. તેણે કહ્યું, ‘મારી ઘડિયાળ સાથે તમારી ઘડિયાળ મેળવી લો. બરાબર પાંચ વાગ્યા છે. બે કલાક પછી માર્કેટ ખૂલશે. તમે બધા બને તેટલા જલદી ફ્રેશ થઈને મેઇન હૉલમાં પહોંચો.’ સહુ અઝીઝને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેણે કહ્યું, ‘આ વખતનો લૉટ પાછલા બધા લૉટ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે. વધુ ઇન્ડિયન સ્ત્રીઓ છે અમારી પાસે. યુરોપિયન, રશિયન અને મલેશિયન પણ છે આ લૉટમાં.’ મહેમાનોએ ફરી ‘હોઓઓઓ’ અવાજ સાથે આનંદ જાહેર કર્યો. અઝીઝે કહ્યું, ‘આ વખતે ઑનલાઇન માર્કેટ પણ સાથે જ ખૂલશે. જે લેટ પડશે તેણે પસ્તાવું પડશે. સો માય ફ્રેન્ડ્સ... અર્લી બર્ડ ગેટ્સ ધ વર્મ!’ બધાએ તાળીઓ પાડી. અઝીઝ જેમ આવ્યો હતો એમ જ સડસડાટ બહાર નીકળી ગયો. તેના જતાં જ અત્યાર સુધી ચાલી રહેલી પાર્ટી જાણે થોડીક ક્ષણોમાં જ સમેટાઈ ગઈ.
જુદા-જુદા દેશોમાંથી અહીં સુધી આવેલા ખરીદદારો તેમને મળેલી તક ગુમાવવા માગતા નહોતા. સૌ ઊભા થઈને ગેસ્ટહાઉસ તરફ જવા માટે ઊભેલી કાર્ટમાં
બેસવા લાગ્યા.
lll
લાલ રાણીનું પેઇન્ટિંગ લગાડેલા ઓરડાના બંધ દરવાજાની પાછળ અક્ષરા તૈયાર થઈ રહી હતી... અઝીઝે તેને કહ્યું હતું કે આજે સાંજે એક જબરદસ્ત ગ્લૅમરસ પાર્ટી છે, જાત-જાતના વિદેશી મહેમાનો, ફિલ્મસ્ટાર્સ અને UAEના હૂઝ-હૂ (મોટા-મોટા માણસો) આ પાર્ટીમાં હાજર હશે. આજે તેણે અક્ષરાને પાર્ટીમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું. અઝીઝે એવું વચન આપ્યું હતું કે આજની પાર્ટીમાં તે સૌને અક્ષરા સાથે સત્તાવાર ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાણ કરાવશે. અક્ષરા ખુશ હતી. તેણે પિસ્તા રંગનો પેપર સિલ્કનો ગાઉન પહેર્યો હતો. તેના ઘૂંઘરાળા વાળ સોનેરી રંગની ક્લિપથી બાંધ્યા તો હતા પણ ખુલ્લા લાગે એવી રીતે... અઝીઝે ભેટ આપેલો એમરેલ્ડ (પન્ના)નો નેકલેસ તેના ગળામાં અદ્ભુત દેખાતો હતો, પરંતુ એના પિસ્તા રંગના પેપર સિલ્કના ગાઉનનું ગળું એટલું નીચું હતું કે એમરેલ્ડના નેકલેસ પરથી સૌની નજર વારંવાર લપસી જશે એવું તેને ગુમાન હતું. કોઈ ગીત ગણગણતાં તેણે તેના ડ્રેસરમાં ગોઠવાયેલા વિશ્વભરના મોંઘા પરફ્યુમ્સમાંથી ક્લાઇવ ક્રિશ્ચન નંબર-1નું પરફ્યુમ કાઢીને છાંટ્યું. એક આખરી વાર પોતાની ઉપર નજર નાખીને તેણે અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબને કહ્યું, ‘વાઓ! યુ લુક સુપર, સ્વીટી!’ આ તેની ફેવરિટ લાઇન હતી. જ્યારે-જ્યારે તે પોતાની જાતને અરીસામાં જોતી ત્યારે હંમેશાં તે પોતાને આ જ વાત કહેતી રહી હતી! તેણે આગળ કહ્યું, ‘આજે અઝીઝ તારા જાદુના સ્પેલમાં ખોવાઈ જવાનો છે. જોઈએ, નિકાહ કેમ નથી કરતો...’
તેના દરવાજા પર ટકોરા પડ્યા. બ્લુ યુનિફૉર્મમાં તેને પાર્ટીમાં લઈ જવા માટે આવેલી મહિલા ગાર્ડ હિજાબ અને ચહેરા પર નકાબ પહેરીને અદબથી ઊભી હતી. ફરી એક વાર પોતાને અરીસામાં જોઈને અક્ષરાએ આંખ મીંચકારી ‘ગુડ લુક!’ કહીને તે મહિલા ગાર્ડ સાથે ચાલી નીકળી.
lll
બેગમ મહેલના જમણી બાજુના વિભાગમાં આજે ચહલપહલ હતી. દેશ-વિદેશથી આવેલા મહેમાનો રંગબેરંગી કપડાં પહેરીને ‘મુજરા હૉલ’ તરફ જઈ રહ્યા હતા.
(ક્રમશઃ)
