Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૩)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૩)

Published : 14 June, 2026 05:17 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

વિશ્વપ્પાએ હાથ જોડ્યા, ‘નહીં હઝૂર... ઈમાન નથી વેચતો, જાન બચાવું છું. તેને ખબર પડશે તો મારા પરિવારને ખતમ કરી નાખશે. ભાગીને ક્યાં જઈશ? તેનું નેટવર્ક તો તમને ખબર જ છે.’

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


‘મેં ઘર પ્રેમ માટે છોડ્યું હતું, પણ હવે મને સમજાયું છે કે મેં માત્ર પીંજરું બદલ્યું છે. આજે મને પહેલી વાર સમજાયું છે કે સ્ત્રીનું શરીર તેના આત્માથી અલગ નથી હોતું. શરીર પર પડતા દરેક ડાઘ અને ઘા આત્મા પર પણ પોતાની છાપ છોડી જાય છે... લોકો મારા શરીર પર પોતાનો અંધકાર અને અહંકાર ઢોળીને મને કલંકિત કરીને ચાલી જાય છે. તેમનો સ્પર્શ પણ અપમાન જેવો લાગે છે. પુરુષ જ્યારે સ્ત્રીને સ્પર્શે છે ત્યારે કોઈ હિંસક અહંકારથી તેને વીંખી નાખે છે... શરૂઆતમાં પીડા થતી હતી; સ્વયં પ્રત્યે અપમાન, તિરસ્કારનો અનુભવ થતો હતો. હવે ધીરે-ધીરે આ અપમાનની, તિરસ્કારની, ગંદકીની આદત પડતી જાય છે. આ ભયંકર લાગણી છે. હું અંદરથી તૂટવા લાગી છું. અહીં માત્ર બજાર છે. એ બજારમાં નિયોન લાઇટો છે; મોંઘી હોટેલો છે; પરફ્યુમ છે; સિગરેટ, દારૂ અને ખોખલાં હાસ્યો છે. આ હોટેલોની રૂમના બિસ્તર ક્યારેય ઊંઘતા નથી. એની સફેદ ચાદરોમાં મારા જેવી સ્ત્રીઓના પાપની નિશાનીઓ લૉન્ડ્રીમાં ધોવાય છે, ફરી પથરાય છે, ફરી ધોવાય છે... નથી ધોઈ શકાતા એ સમય, એ સ્પર્શ અને આત્મા પર લાગેલા ડાઘ. આજે વિચારું છું તો સમજાય છે કે પુરુષ માત્ર દલાલ છે, તે સપનાં ખરીદે છે અને પછી આત્મા વેચી દે છે... મને સમજાય છે કે તેં જ્યારે કહ્યું કે તું મને પ્રેમ કરે છે ત્યારે મારે હજી વધુ પ્રેમ, હજી વધુ પ્રશંસા, હજી વધુ બીજું કેટલુંય જોઈતું હતું... એ શોધવા નીકળી એમાં મેં મારી જાતને ખોઈ નાખી છે...’ એ રાત્રે અક્ષરાએ પોતાના ફોનમાં રેકૉર્ડ કર્યું... ગઈ કાલ સુધી જે બાળક જેવી હતી તે તોફાની, તેજમિજાજ અક્ષરા જાણે એલેના બન્યા પછી ફિલોસૉફર બની ગઈ હતી!

મોડી સાંજે શુજાની ગાડી જ્યારે જી. બી. ઍન્ડ સન્સની સામે પાર્ક થઈ ત્યારે મૉનિટર પર બહારનું દૃશ્ય જોઈ રહેલા વિશ્વપ્પાને સમજાઈ ગયું કે શુજા અહીં શા માટે આવ્યો હોઈ શકે! તેણે શુજાને મળવા માટે માનસિક તૈયારી કરી લીધી. શુજાના તમામ સવાલોના જવાબો તેણે મનોમન ગોઠવવા માંડ્યા, પરંતુ રહમત શુજા ગાડીનો દરવાજો ખોલીને બહાર આવે એ પહેલાં તેના ફોનની રિંગ વાગી. પોતાના જ એક ઑફિસરનો નંબર જોઈને શુજાએ ફોન ઉપાડ્યો, ‘નજમા હૅઝ બીન કૉમ્પ્રોમાઇઝ્ડ.’ ઑફિસરના અવાજમાં થોડો ખેદ હતો. રહમત શુજાના ચહેરા પર ગ્લાનિ ઊભરાઈ. તેણે નજમાની સલામતી જાળવવાની પૂરી કોશિશ કરી હતી, પણ અઝીઝના નેટવર્કમાં કશું છુપાવી શકાય એવી શક્યતા જ નહોતી. નજમાને મારી નાખવામાં આવી એ વાતે રહમત શુજા વધુ ચિડાઈ ગયો. તેને અફસોસ થયો કે તેના કારણે એક નિર્દોષ છોકરીનો જીવ ગયો! તે વધુ ઝનૂન અને અકળામણ સાથે ગાડીમાંથી ઊતર્યો. વિશ્વપ્પાની ચેમ્બરનો દરવાજો ખોલીને શુજા જ્યારે દાખલ થયો ત્યારે વિશ્વપ્પાના ચહેરા પર તદ્દન સહજ સ્મિત હતું.
આવકાર-સલામની ફૉર્મલિટી શરૂ થાય એ પહેલાં શુજાએ દાખલ થતાંની સાથે વિશ્વપ્પાને કહ્યું, ‘આમ તો તને ખબર જ હશે કે હું શા માટે આવ્યો છું...’



‘ઝહેનસીબ! શેખસાહેબ... હું તમારા કોઈ કામમાં આવી શકું તો મને આનંદ થશે.’ વિશ્વપ્પા ઊભો થઈ ગયો. ભીતરથી તે ધ્રૂજી રહ્યો હતો. રહમત શુજા તેને શું કામ સોંપશે એની તેને જાણ હતી ને જો તે રહમતનું કામ કરે તો અઝીઝ તેની સાથે શું કરશે એની પણ વિશ્વપ્પાને કલ્પના હતી. સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં વિશ્વપ્પા બને એટલું સંતુલન રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો.


‘સુલતાન જાતે પેલી છોકરીના કેસમાં રસ લઈ રહ્યા છે. ૩ પેઢીથી તમે સલ્તનત સાથે ધંધો કરો છો. સુલતાન જે દિવસે વિફરશે એ દિવશે શું થશે એની કલ્પના છે?’ શુજા સીધો મુદ્દા પર આવી ગયો, ‘અઝીઝ શેખ વિશે જે જાણતો હોય એ કહી નાખ. હું વચન આપું છું કે તારું કંઈ નુકસાન નહીં થાય...’

શુજાની વાત પૂરી થાય એ પહેલાં જ વિશ્વપ્પાએ ધ્રૂજતા અવાજે કહ્યું, ‘શેખસાહેબ, મારે તો આગળ ખાઈ ને પાછળ શેર છે. હું તમારી મદદ કરીશ તો અઝીઝ મને છોડશે નહીં અને અઝીઝની વફાદારી નિભાવીશ તો સુલતાનસાહેબની ખફગી વહોરવી પડશે.’ તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘મુઝે બક્ષ દો.’ તેણે હાથ જોડ્યા.


રહમત શુજાને ખરેખર દયા આવી. વિશ્વપ્પા તેની જગ્યાએ સાચો જ હતો. શુજાએ આગળ વધીને તેના ખભે હાથ મૂક્યો, ‘ઇસ્લામ હોય કે હિન્દુ ધર્મ, ઔરત કો ખરીદના ઔર બેચના પાપ હૈ... હૈ કિ નહીં?’ વિશ્વપ્પાએ ગરીબડા થઈને ડોકું ધુણાવ્યું, ‘આપણે પાપની ખિલાફ લડી રહ્યા છીએ. સુલતાન કે અઝીઝનો વિચાર કર્યા વગર સચ અને જૂઠનો વિચાર કર. સહી અને ગલતનો વિચાર કર...’ રહમત શુજાએ હવે વિશ્વપ્પાની અંદર રહેલો માણસ ઢંઢોળવાની કોશિશ કરી, ‘આજે જે છોકરીને શોધી રહ્યા છીએ તે હિન્દુ છે. કાલે ભારતથી તારી બહેન કે કોઈ સગી પણ આ ષડ્યંત્રનો ભાગ બની શકે છે ત્યારે પણ તે ખવીસનો સાથ આપીશ? થોડા લાખ રૂપિયા માટે ઈમાન વેચીશ?’

વિશ્વપ્પાએ હાથ જોડ્યા, ‘નહીં હઝૂર... ઈમાન નથી વેચતો, જાન બચાવું છું. તેને ખબર પડશે તો મારા પરિવારને ખતમ કરી નાખશે. ભાગીને ક્યાં જઈશ? તેનું નેટવર્ક તો તમને ખબર જ છે.’

‘હું ખાતરી આપું છું કે તારી હિફાઝત કરીશ.’ શુજાએ કહ્યું તો ખરું, પણ તેના અવાજમાં આત્મવિશ્વાસ નહોતો. નજમાના કિસ્સાને હજી થોડા કલાક જ થયા હતા...

‘હઝૂર...’ વિશ્વપ્પા નાના બાળકની જેમ રડવા લાગ્યો, ‘મને જે ખબર હતી એ બધું તમને કહી જ દીધું છે. બીજું શું કરી શકું? હું વધારે કંઈ જાણતો નથી...’

‘તો તારે જાણવું પડશે. સુલતાન માટે આ વિગતો લાવવી પડશે.’

‘એક ગરીબ માણસ માર્યો જશે હઝૂર...’ વિશ્વપ્પા હાથ જોડીને કરગરી રહ્યો હતો.

શુજાને દયા તો આવી, પણ તેને બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો એટલે તેણે પણ કાળજા પર પથ્થર મૂકીને વિશ્વપ્પાને કહ્યું, ‘જો કદાચ મરી પણ જાય તો શારજાહની સલ્તનતનું નમક અદા થશે. ત્રણ-ત્રણ પેઢીથી તમે ખૂબ કમાયા છો. સુલતાને કોઈ દિવસ તમારી પાસેથી કંઈ માગ્યું નથી. આજે સલ્તનત ન્યાય માટે, સલામતી માટે તમારો સાથ માગી રહી છે. ના પાડીશ?’ વિશ્વપ્પા પાસે કોઈ જવાબ નહોતો. તે હાથ જોડીને રડતો રહ્યો. શુજાએ સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે, કઈ માહિતી લાવવાની છે એ બધું વિશ્વપ્પાને સમજાવ્યું. તે ડોકું ધુણાવતો રહ્યો પણ મનોમન જાણતો હતો કે તેની જિંદગીના દિવસોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. અઝીઝને શંકા પણ પડશે તો શુજાનાં વચનો કે સલ્તનતની સુરક્ષા કશું જ તેને બચાવી નહીં શકે. બધું સમજાવ્યા પછી શુજા તેનો ખભો થપથપાવીને બહાર નીકળી ગયો. વિશ્વપ્પા સમજી ગયો હતો કે હવે અઝીઝની જાસૂસી કર્યા સિવાય તેના માટે શારજાહમાં રહેવું અશક્ય હતું.

અક્ષરા ફોનમાં પોતાની રેકૉર્ડ કરેલી ડાયરી જોઈ રહી હતી. તેનો ચહેરો સ્ક્રીન પર હતો. આંખો કોરીધાકોર હતી અને અવાજ ભીનો થઈ ગયો હતો, ‘બે અનુભવમાં હું પુરુષ અને શિકારી વચ્ચેનો ભેદ ભૂલી ગઈ છું. આવી જ રીતે જો રોજ રાત્રે નવું પાત્ર ભજવતી રહીશ તો એક દિવસ મારું સાચું અસ્તિત્વ ભૂલી જઈશ... આમ તો એ જ સારું છે કારણ કે હું મારું અસ્તિત્વ ભૂલી જઈશ તો જ જીવતી રહી શકીશ. પ્રેમ પરનો વિશ્વાસ તોડીને હું સુખ શોધવા નીકળી હતી! કેટલી બેવકૂફ હતી હું! આજે જ્યારે મોંઘાં પરફ્યુમ વાપરું છું ત્યારે મને સમજાય છે કે મારા શરીરમાંથી પરફ્યુમની નહીં, દગાની અને છેતરપિંડીની વાસ આવે છે. ક્યારેક એ વાસથી મારું માથું ફાટી જાય છે. મારે તો મારા જ શ્વાસ અટકાવીને આ વાસથી મુક્તિ જોઈએ છે, પરંતુ મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી અને મરવાની હિંમત નથી. રોજ રાત્રે ઈશ્વરને કહું છું કે હું સવારે ન ઊઠું એવું કર, પરંતુ મારી બેવફાઈની સજા રોજ સવારે આંખો ખોલીને અરીસામાં જોતાં જ શરૂ થઈ જાય છે... જ્યાં સુધી હું તને નહીં મળું ત્યાં સુધી આ સજા પૂરી નહીં થાય અચ્યુત!’

પોતાનો જ અવાજ સાંભળી રહેલી અક્ષરાની આંખો ભીંજાવા લાગી... ‘મારી અંદર બે સ્ત્રીઓ જીવે છે : એક અક્ષરા અને બીજી એલેના... અક્ષરા અફસોસ અને અપરાધભાવ સાથે રોજ મરે છે ને એલેના પોતાના શરીરને વેચીને અક્ષરાને જિવાડવાનો પ્રયત્ન કર્યા કરે છે. આ બેમાંથી કોણ પહેલાં મરશે એ હું નથી જાણતી, પણ ઇચ્છું છું કે અક્ષરા પહેલાં મરી જાય... તો એલેના અપરાધના બોજ વગર, દગો કર્યાના ગિલ્ટ વગર જીવી શકે!’

ડાયરીનું રેકૉર્ડિંગ જોતાં-જોતાં અક્ષરાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. પોતાના જ શબ્દો અને પોતાનો જ ચહેરો જોઈને અક્ષરાને એ બધી જ ક્ષણો યાદ આવી રહી હતી જ્યારે અચ્યુતે તેના માટે પોતાની હેસિયત, આવડત કે શક્યતાઓને પેલે પાર જઈને અક્ષરાને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો!

અક્ષરાના ફોન પર રિંગ વાગી. તેણે જોયું, સેરેનાનો ફોન હતો. એક ક્ષણ માટે અક્ષરાને થયું કે તે ફોન ન ઉપાડે, પરંતુ અત્યાર સુધીમાં તે સમજી ગઈ હતી કે ફોન ન ઉપાડવાથી તે પરિસ્થિતિમાંથી છટકી નહીં શકે! તેણે ફોન રિસીવ કર્યો, ‘એલેના! માય ડાર્લિંગ...’ સેરેનાનો રણકતો અવાજ સંભળાયો, ‘તું તો ધાર્યા કરતાં ઝડપથી પૉપ્યુલર થવા લાગી છે. અમારા VVIP ક્લાયન્ટ્સ તને શોધે છે. સૅલ્વેડોરે ખૂબ સારો રિવ્યુ આપ્યો છે તારો.’ સેરેના હસી, રણકતું છતાં તીખું, ‘ઉવે તો તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો છે. તેણે બે લાખ યુરો ચૂકવી દેવાની તૈયારી બતાવી! શું જાદુ કર્યો તેં?’ અક્ષરાને એક-એક શબ્દ છાતીમાં તીરની જેમ વાગી રહ્યો હતો. તેણે કોઈ જવાબ ન આપ્યો એટલે સેરેનાએ કહ્યું, ‘ખેર! આવતી કાલે સાંજે નવું બુકિંગ છે. સેરનોબીઓ જવાનું છે. વિલા દ એસ્ટેટમાં બુકિંગ છે... જાણે છે એક દિવસનું શું ભાડું છે ત્યાં? ૧૫,૦૦૦ યુરો. તારાથી વધારે કિંમત તો વિલાના ભાડાની છે.’ સેરેનાએ ટોણો માર્યો, ‘આવી લક્ઝુરિયસ લાઇફ જીવવા માટે મુંબઈથી ભાગી હતીને તું?’

સેરેનાના ટોણાનો કોઈ પ્રતિભાવ આપ્યા વગર અક્ષરાએ પૂછ્યું, ‘કેટલા વાગ્યે?’ અક્ષરાનું મન મરી રહ્યું હતું. વિરોધ, વિનંતી કે વિદ્રોહ કશું જ કામ લાગવાનું નથી એ વાત તેને સમજાઈ ગઈ હતી.

‘ધૅટ્સ લાઇક અ ગુડ ગર્લ.’ સેરેનાએ કહ્યું, ‘મને હતું જ કે તું ઝડપથી ટેવાઈ જઈશ. મોટી ટિપ, મોંઘી હોટેલો, જેન્ટલમૅન ક્લાયન્ટ અને એશઆરામની જિંદગી કોને ન ગમે?’ અક્ષરા કશું જ બોલી નહીં, ‘મજા તો એ છે કે પતિ કશુંય આપ્યા વગર આ બધું છીનવે છે. તેનો અધિકાર સમજીને આપણા શરીરનો ઉપભોગ કરે છે. જ્યારે અહીં તો ફક્ત શરીરના બદલામાં કેટલું બધું મળે છે તને! તું તો આ વાત સમજીને જ ઘરેથી ભાગી હતીને? મને ખાતરી હતી કે તને આ પરિસ્થિતિને અનુકૂળ થઈ જતાં બહુ સમય નહીં લાગે...’ કહીને સેરેનાએ ઉમેર્યું, ‘સવારે સાડાછ. આપણા ક્લાયન્ટ તારી સાથે બ્રેકફાસ્ટ કરવા માગે છે... તે કોઈ સામાન્ય માણસ નથી. પહેલાં તારી સાથે વાત કરશે, એક બૉન્ડ ઊભું થશે - તું તેને ગમીશ તો જ ત્યાં રાત રોકાઈ શકીશ, બાકી સાંજ પહેલાં તને પાછી મોકલી દેશે.’ કહીને તેણે ઉમેર્યું, ‘તે તારી સાથે સૂએ કે નહીં, કિંમત પૂરી ચૂકવશે.’ કહીને સેરેના હસી, ‘સો તેને રાજી કરજે. ટિપ આપવામાં તે પાછું ફરીને જોતો નથી. ન્યાલ કરી દેશે... હી ઇઝ ધ ઓન્લી ક્લાયન્ટ જેને ત્યાં આપણે રિપીટ વિઝિટ કરવાની છૂટ આપીએ છીએ. સો, ઇફ હી લાઇક્સ યુ...’

સેરેના આગળ બોલે એ પહેલાં અક્ષરાએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. તેણે ઘડિયાળ તરફ જોયું. રાતના સાડાઆઠ થયા હતા. અક્ષરાએ વિચાર્યું, જીવવું હોય તો હવે શરીરને ભોજન આપવું પડશે! હેરવૉશ, મેકઅપ... સાડાછએ નીકળવા માટે પાંચ વાગ્યે ઊઠવું પડશે...  અક્ષરાએ ફોનમાં ભોજન ઑર્ડર કર્યું. ગૂગલ પર સર્ચ કરીને અક્ષરાએ એક ઇન્ડિયન રેસ્ટોરાં શોધી કાઢી હતી જ્યાં સરસ ભારતીય ભોજન ઉપલબ્ધ હતું. અક્ષરાએ ભોજનની સાથે ૩ પ્લેટ રબડીનો ઑર્ડર કર્યો. ભોજન આવ્યું ત્યારે ભરપેટ ખાધા પછી અક્ષરા ૩ પ્લેટ રબડી ખાઈ ગઈ! તેને પણ નવાઈ લાગી... આ ડોપમીનના આંક વધારવાનો વ્યર્થ પ્રયત્ન હતો. ગળ્યું ખાવાથી ડિપ્રેશન ઓછું થાય એવું તેણે ક્યાંક સાંભળ્યું હતું, પરંતુ અહીં તો આટલું બધું ખાધા પછી તેને વધુ રડવું આવતું રહ્યું... રડતાં-રડતાં અક્ષરા ક્યારે ઊંઘી ગઈ એની તેને પોતાને પણ ખબર ન રહી.

‘લા ઓમ્બ્રા’ની બહાર નીકળીને રુમીની કન્વર્ટેબલ મર્સિડીઝ એસ-ક્લાસ કૅબ્રિયોલેટમાં બેસતાં જ અચ્યુતે જોરથી દરવાજો બંધ કર્યો, ‘ઓ ભાઈ! આ મર્સિડીઝ છે, મુંબઈની ટૅક્સી નહીં. ધીમેથી દરવાજો બંધ કર.’ રુમીએ જોક મારવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, પણ અચ્યુત હસ્યો નહીં. તે અત્યંત વ્યગ્ર અને ઉશ્કેરાયેલો હતો, ‘લૉરેન્ઝોએ તને બે-ચાર ખરી-ખોટી સંભળાવી દીધી એમાં મારી ગાડીનો શું વાંક છે?’ તેણે ફરી કહ્યું. રુમી હસ્યો, તેના ગાલમાં ખાડા પડ્યા.

‘લૉરેન્ઝો સાચું કહેતો હશે?’ અચ્યુતના મગજમાં હજીયે લૉરેન્ઝોની વાતો ઘૂમરાઈ રહી હતી, ‘અક્ષરા સુધી પહોંચીને આપણે નિરાશ થવું પડશે? તે પાછી નહીં આવે?’

‘લૉરેન્ઝો પાસે ખોટું બોલવાનું કોઈ કારણ નથી.’ રુમીએ ગંભીરતાથી કહ્યું, ‘આ માણસનો શબ્દ બહુ મોંઘો છે. લૉરેન્ઝો જે કંઈ બોલે એ પૂરી માહિતી વગર ન જ બોલે... હી નોઝ... ઑલ.’ રુમીની નજર સામે હતી. હજી ઝરમર વરસાદ પડી રહ્યો હતો. 

રુમીના ઘરે પહોંચ્યા ત્યાં સુધી અચ્યુત કશું જ બોલ્યો નહીં. તેના મગજમાં લૉરેન્ઝોએ કહેલી વાતો ઘૂમરાયા કરતી હતી. અક્ષરા સુધી પહોંચ્યા પછી જો તે સાથે આવવાની ના પાડી દે તો તેના સ્વમાન પર કેટલો મોટો ધક્કો લાગે એ વિચાર અચ્યુતને કોરી ખાતો હતો. સૌએ તેને સમજાવ્યો હતો એમ છતાં તે અક્ષરાને એક વાર મળવા કટિબદ્ધ હતો.

ઘરે પહોંચ્યા ત્યારે મિહિરને રુમીએ આખી વાત કહી. અચ્યુત હજીયે ચૂપ હતો. મિહિરે રુમીને પૂછ્યું, ‘આ બિઝનેસ લૉરેન્ઝો ચલાવે છે? ઇઝ હી ધ બૉસ?’

રુમીએ ડોકું ધુણાવ્યું, ‘ના રે ના, આ તો એક નાનકડું પ્યાદું છે. પાવરફુલ છે; પણ હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ અને હથિયારના વર્ટિકલ્સ ભલે એકબીજા સાથે જોડાયેલા હોય, એના માલિકો જુદા-જુદા છે. આ આખી સિસ્ટમ બાર્ટરથી ચાલે છે. છોકરીના બદલામાં ડ્રગ્સ, ડ્રગ્સના બદલે હથિયાર, હથિયારના બદલે છોકરી અને...’

રુમીની વાત પૂરી થાય એ પહેલાં મિહિરે પૂછ્યું, ‘અક્ષરા વિશે માહિતી આપી?’

‘હા, તે બેલાજિયોમાં છે.’ રુમીએ કહ્યું, ‘મિલાનથી લગભગ કલાકના અંતરે. લેક કોમો પાસે આવેલું સુંદર શહેર છે. ૩૦ ચોરસ કિલોમીટરમાં તો શહેર પૂરું થઈ જાય છે. ૩૫૦૦થી ૪૦૦૦ માણસનું ગામ માત્ર ટૂરિસ્ટો પર નભે છે. ઘર ઓછાં ને હોટેલ વધારે છે ત્યાં!’

‘હંમમ...’ મિહિર વિચારમાં પડી ગયો. તેણે અચ્યુત સામે જોયું, ‘બેલાજિયોમાં અક્ષરાને કેવી રીતે શોધીશું? ઍડ્રેસ આપ્યું છે?’

‘લૉરેન્ઝોની માહિતી કદી અધૂરી હોય જ નહીં...’ કહીને રુમીએ પ્રશ્નાર્થ સાથે અચ્યુત તરફ જોયું. અચ્યુતે પોતાના ​ખિસ્સામાં મૂકેલો કાગળ કાઢીને મિહિરને આપ્યો. લૉરેન્ઝોએ આપેલી એ નાનકડી ચબરખી પર અક્ષરાનું સરનામું લખેલું હતું, ‘૭, વિલા કાર્સેનો, હિલ ડ્રાઇવ, પિયાઝા સેન, જીઓવાન્ની, 22021 બેલાજિયો, ઇટલી.’ સરનામું હાથમાં પકડીને મિહિરે ધીમેથી રુમી તરફ જોયું. તેની આંખોમાં રહેલો સવાલ રુમી સમજી ગયો, ‘અત્યારે નીકળીએ એના કરતાં વહેલી સવારે નીકળીએ. કલાકની ડ્રાઇવ છે. લેક કોમોના કિનારે આવેલી કોઈ સારી કૅફેમાં બ્રેકફાસ્ટ કરીને પહોંચી જઈશું...’ અચ્યુતની આંખોમાં ઉતાવળ દેખાતી હતી, પરંતુ રુમીએ તેને સમજાવતો હોય એ રીતે કહ્યું, ‘લુક બ્રો, તે જે બિઝનેસમાં છે એમાં મોડી સાંજે કે રાત્રે તેના ઘરે જવું... આઇ હોપ યુ અન્ડરસ્ટૅન્ડ. હું નથી ઇચ્છતો કે તારે કોઈ અણગમતી સિચુએશનનો હિસ્સો બનવું પડે.’ અચ્યુત કશું બોલ્યો નહીં, પણ તેની આંખો ભીની થઈ ગઈ, ‘તારી પર્સનલ મૅટર છે, પણ તને એક વાત કહી દઉં. આવું કશું નજરે જોઈશ તો જીવનભર એ દૃશ્ય તારી સ્મૃતિમાંથી જશે નહીં. એને બદલે સવારે જઈએ.’ અચ્યુતે સલાહ માગતો હોય એ રીતે મિહિર તરફ જોયું. મિહિરે પણ આ નિર્ણયમાં પોતાની સહમતી છે એમ દર્શાવવા ડોકું ધુણાવ્યું.

‘સવારે સાડાછએ...’ અચ્યુતે કહ્યું.

‘ડન.’ રુમી અને મિહિર એકસાથે બોલ્યા.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 05:17 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK