Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૮)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૮)

Published : 19 July, 2026 02:40 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

અબ્દુલ અને મકબૂલ પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે સંજય પ્રજાપતિ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ લખાવીને જઈ ચૂક્યો હતો

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


અબ્દુલ અને મકબૂલ પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે સંજય પ્રજાપતિ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ લખાવીને જઈ ચૂક્યો હતો. સ્ત્રીઓ માટેના લૉક-અપમાં બેઠેલી સુશીલા પ્રજાપતિને હવે સમજાયું હતું કે પોતે કેટલી ગંભીર ભૂલ કરી હતી. સુશીલા ખરાબ મા નહોતી. બસ, તેના મનમાં તેની દીકરી માટે જે સપનાં હતાં એ કોઈ પણ ભોગે પૂરાં કરવા માટેનો તરફડાટ તેને આ ભૂલ તરફ ઢસડી ગયો. પોતાનું શું થશે એ વિશે ચિંતા કરવાનું સુશીલાએ છોડી દીધું. તેને અત્યારે પોતાના કરતાં વધારે અક્ષરાની ચિંતા થઈ રહી હતી. સુશીલા પોતાની દીકરીને શોધવા બેબાકળી થઈ ગઈ હતી. સંજયે ફરિયાદ ન કરી હોત તો સુશીલાએ એક વાર શારજાહ પહોંચી જવાનો પણ વિચાર કરી લીધો હતો, પરંતુ હવે તે ફસાઈ હતી.

લૉક-અપની દીવાલના ટેકે બેઠેલી સુશીલા આંખો મીંચીને અઝીઝ સુધી પહોંચવાના રસ્તા વિચારી રહી હતી ત્યાં અચાનક તેને બહાર ચાલી રહેલી વાતચીતનો અવાજ સંભળાયો, ‘સાહેબ! હું બધું આપીશ, પણ એ જણાવો કે સામે મને શું મળશે?’ આ એક અજાણ્યો કરડો અવાજ હતો. અબ્દુલ કહી રહ્યો હતો, ‘તમારું પ્રમોશન થઈ જશે, મેડલ મળશે... હમારા ક્યા?’



જવાબમાં લોખંડેનો અવાજ સંભળાયો, ‘વેડા ઝાલાસ કાય? ગાંડો થઈ ગયો છે કે શું? હું શું આપવાનો?’


‘અમારી સામેના કેસ...’ આ બીજો અવાજ હતો, મકબૂલનો. જવાબમાં લોખંડેનો હસવાનો અવાજ સંભળાયો, ‘સાહેબ, હું અઝીઝને અહીં બોલાવું... મુંબઈમાં તમને અઝીઝ આપી દઉં. બોલો!’ લોખંડે હસતો રહ્યો, ‘હું પ્રૉમિસ કરું છું સાહેબ, પણ સામે મને સેફ્ટી જોઈએ.’

‘તું બેવકૂફ છે.’ લોખંડે કહી રહ્યો હતો, ‘ભરરસ્તા પર અબ્દુલે છોકરીનું ગળું કાપી નાખ્યું. પચાસ નજરે જોનારા સાક્ષી છે, બે વિડિયો છે...’ થોડીક ક્ષણો માટે વજનદાર મૌન છવાયું, ‘તમારી સામેનો કેસ હું તો શું કોર્ટ પણ ખારીજ નહીં કરી શકે.’


‘સાહેબ, તમે ઇચ્છો તો કંઈ પણ થઈ શકે.’ અબ્દુલે કહ્યું, ‘ફૉકલૅન્ડ રોડ પરનો કોઈ સાક્ષી કોર્ટમાં ગવાહી નહીં આપે. તમે ગમે એવાં સ્ટેટમેન્ટ લીધાં હોય, કોર્ટમાં બધા હૉસ્ટાઇલ થઈ જશે.’ હવે અબ્દુલ હસ્યો, ‘અપને સે ફટતી હૈ સબકી.’

‘સાહેબ!’ મકબૂલે કહ્યું, ‘તમે એક વાર અઝીઝને પકડી લો પછી તેની ટ્રેઇલ, ધંધા, કનેક્શન્સ બધું મળી જશે. તમે અમને એમાંથી બહાર કાઢી લો, બસ.’ કહીને મકબૂલ કરગર્યો, ‘હમ અભી બદલના ચાહતે હૈં સા’બ. વાઇટ કૉલર બિઝનેસ કરેંગે. શિકાયત કા મૌકા નહીં દેંગે, બસ?’

ફરી એક વાર લાંબા મૌન પછી લોખંડે બોલ્યો, ‘ચલ ઠીક હૈ. અઝીઝ હાથ મેં આ ગયા તો દેખતા હૂં...’ તેણે ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘મી વચન દેત નાહી, પર બગતે કાય કરુ શકતે...’ તેણે પૂછ્યું, ‘તું તેને અહીં લાવીશ કેવી રીતે?’

‘સાહેબ, તેની સાથે વર્ષો કામ કર્યું છે. તેની રગરગથી વાકેફ છું. તેને કેવી રીતે ઉશ્કેરવો એ મને આવડે છે...’ અબ્દુલે કહ્યું, ‘તુમ્હી તયારી કરા. હું તમને તમારો અપરાધી લાવી આપીશ.’ બહાર કોઈ બે જણે
હાઇ-ફાઇ લીધી હોય એવો તાળીનો અવાજ સંભળાયો.

સુશીલા ઊભી થઈ ગઈ. તેણે જોરજોરથી બૂમો પાડવા માંડી, ‘અરે સાંભળો... લોખંડેસાહેબ... સુનો ના...’ કોઈ જવાબ ન મળ્યો એટલે તેણે ફરી વધુ જોરથી બૂમ પાડી, ‘અરે સાંભળો... કોણ છે ત્યાં?’

જવાબમાં લોખંડે અંદર આવ્યો. પાછળ એક સેલ્સમૅન જેવો દેખાતો સૉફિસ્ટિકેટેડ માણસ અને બીજો જરા રાઉડી દેખાતો ગુંડા જેવો માણસ પણ આવ્યા, ‘શું છે?’ લોખંડેએ જરા તોછડાઈથી પૂછ્યું, ‘કેમ બૂમો પાડે છે?’

‘મારી પાસે એક વાત છે...’ સુશીલાએ કહ્યું, ‘અઝીઝને મુંબઈ તો બોલાવશો, પણ પકડશો કઈ વાત પર? તેની વિરુદ્ધ કોઈ પુરાવા, કોઈ FIR જોઈશેને? વિદેશી નાગરિકને એમ પટ્ દઈને પકડાય નહીં...’

‘તારું કામ કર.’ અબ્દુલે જરા ગુસ્સાથી કહ્યું, ‘બાપને ના શીખવાડાય કે છોકરા કેવી રીતે પેદા થાય...’ બન્ને ભાઈઓ હસ્યા, પણ લોખંડે વિચારમાં પડ્યો. સુશીલાની વાત ખોટી નહોતી. અત્યારે અઝીઝની સામે એવું કંઈ નહોતું જેનાથી તેને મુંબઈમાં ગિરફ્તાર કરી શકાય.

‘વિચારી લો!’ સુશીલાએ ફરી કહ્યું. આ બે જણ તમને આંબલીપીપળી બતાવે છે, પણ બાકીના પુરાવા ખોલવા માટે પહેલાં FIR જોઈશે. લોખંડેએ માથું ધુણાવ્યું. હવે અબ્દુલ અને મકબૂલને પણ સુશીલાની વાત સમજાઈ, પણ ઈગોમાં મકબૂલે પૂછ્યું, ‘કોન હૈ યે? યેડી...’ પછી તેણે સીધું સુશીલાને પૂછ્યું, ‘તૂ ક્યા FIR દેગી? તેરી ઇજ્જત પે હાથ ડાલા ક્યા બુઢિયા?’ બન્ને ભાઈઓ ફરીથી હસવા લાગ્યા.

‘એ!’ સુશીલા પણ કંઈ કમ નહોતી, ‘મેરી બેટી કો લે ગયા હૈ વો...’ તેણે લોખંડે સામે જોયું, ‘મારી પાસે તેના ફોટો છે મારી દીકરી સાથેના. તાજમહલ હોટેલમાં અમે ડિનર કરવા ગયાં અને એના પૈસા તેણે ક્રેડિટ કાર્ડથી ભરેલા... એનું બિલ છે મારી પાસે.’ લોખંડે આભો થઈ ગયો. ‘અરે ક્યા દેખતા હૈ? હું પહેલી વાર તાજમાં ગયેલી. મને થયું કે બિલ ઉપાડી લઉં...’ સુશીલાએ અબ્દુલ અને મકબૂલ સામે જોયું, ‘મને શું ખબર કામ લાગી જશે.’ તેણે ફરી લોખંડે સામે જોયું, ‘એક બીજી વાત પણ છે...’ કહીને સુશીલાએ વિજયી નજરે બન્ને ભાઈઓ સામે જોયું, ‘મારી દીકરીએ મને ફોન કરેલા, શારજાહથી... એના કૉલ રેકૉર્ડ્‍સ છે. મેં તેને ફોન કરેલો. તેણે ઉપાડેલો... એ પણ રેકૉર્ડમાં છે.’ પછી લોખંડે સામે જોઈને તેણે કહ્યું, ‘તેરી તો નિકલ પડી... ક્યા?’ ફક્ત બહાર સંભળાતી વાતચીત પરથી આ સ્ત્રીએ આટલું બધું વિચારી લીધું એ જોઈને લોખંડે આશ્ચર્યચકિત થઈ ગયો.

‘તારી વાત તો સાચી છે...’ લોખંડેએ કહ્યું, ‘પહેલી ફરિયાદ તો જોઈશે.’

‘તો મને છોડ...’ સુશીલા તરત જ પોતાનું પત્તું ઊતરી, ‘ઘરે જઈશ તો બધું લાવી આપીશને?’

‘છોડાય નહીં, તારી સામે FIR છે.’ લોખંડેએ કહ્યું, ‘કાલે તને મૅજિસ્ટ્રેટ સામે લઈ જઈશ ત્યારે કહેજે બધું.’ તેણે કહ્યું, ‘બેઇલ મળી જશે.’ પછી લોખંડે અબ્દુલ અને મકબૂલ તરફ ફર્યો, ‘બુલા લો... અબ ઑપરેશન કર ડાલતે હૈ.’ અબ્દુલ અને મકબૂલે એકબીજા સામે જોયું. લોખંડે તેમનો ઇશારો સમજ્યો, ‘એક વાર કહ્યુંને મારાથી જે થઈ શકશે એ કરીશ... જાઓ હવે.’ બન્ને જણ બહાર નીકળ્યા.

અબ્દુલે ફરી અઝીઝને ફોન લગાડ્યો, ‘ભાઈ!’

‘શું થયું? બાઈને પતાવી કે નહીં?’ અઝીઝે ફોન ઉપાડ્યો. તે કદાચ ઉતાવળમાં હતો. તેના અવાજમાં વિચિત્ર પ્રકારની એક ધ્રુજારી હતી. આજે પહેલી વાર અબ્દુલને લાગ્યું કે અઝીઝ ડરેલો હતો.

‘ભાઈ, પોલીસ લૉક-અપમાં છે. અમે ટ્રાય તો કરી પણ...’ જવાબમાં અઝીઝની ગાળ સંભળાઈ. અબ્દુલ સામે ગાળ બોલવા જતો હતો, પછી તેણે જાત પર સંયમ રાખીને કહ્યું, ‘ભાઈ, એક વાર મુંબઈ આવી જાઓ... તમે સુલતાનની નજરમાંથી બહાર રહેશો ને અહીંનાં લફરાં સાથે મળીને સુલટાવી દઈશું.’ અઝીઝ કશું બોલ્યો નહીં, પણ તે વિચારતો હોય એવું લાગ્યું એટલે અબ્દુલે ફરી કહ્યું, ‘અમારા પર ભરોસો નથી?’

તીર નિશાના પર લાગ્યું, ‘ઠીક છે. હું નીકળું છું.’ અઝીઝે કહ્યું. નઝમા અને વિશ્વપ્પાનાં મોત, ગુલનોરાની ગુમશુદગી, અચ્યુતનું બેલાજિયો પહોંચી જવું અને હવે સુશીલાની ફરિયાદ... અઝીઝને લાગ્યું કે બધા પ્રશ્નોની શરૂઆત મુંબઈથી થઈ હતી તો હવે એને પતાવવાની શરૂઆત પણ મુંબઈથી જ કરવી જોઈએ.

 ‘ઠીક છે બૉસ... ઇન્શા અલ્લાહ, જલદી મિલતે હૈં.’ અબ્દુલે કહ્યું, ‘ખુદા હાફિઝ...’ કહીને તેણે ફોન કાપ્યો. મકબૂલ સામે જોઈને ગાવા લાગ્યો, ‘જહાઁ તેરી યે નઝર હૈ મેરી જાઁ મુઝે ખબર હૈ...’ બન્ને ભાઈઓ હાથ ઉઠાવીને ગલીના નાકે ડાન્સ કરતાં-કરતાં ગાવા લાગ્યા, ‘બચ ના સકા કોઈ આએ કિતને, લમ્બે હૈં મેરે હાથ ઇતને... દેખ ઇધર યાર ધ્યાન કિધર હૈ...’

lll

અક્ષરાથી છૂટા પડ્યા પછી જિમી ઉર્ફે જય મહેન્દ્ર પોતાના કામે નીકળી ગયો... બે-ચાર મીટિંગ્સ કરવાની હતી જેમાં મહત્ત્વની ડીલ્સ ફાઇનલ થવાની હતી, પરંતુ જયનું ચિત્ત કોઈ જગ્યાએ લાગ્યું નહીં... તેને રહી-રહીને અક્ષરાનો ચહેરો પોતાની નજર સામે દેખાયા કરતો હતો. જયને પોતાને પણ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને અત્યંત કુશળ અને કાબેલ સમજતો હતો. આવી રીતે કોઈની સાથે ઇમોશનલ અટૅચમેન્ટ થાય જ નહીં એવું માનીને જીવતો જય મહેન્દ્ર આજે અક્ષરાના ખ્યાલમાંથી બહાર નીકળી શકતો નહોતો એ વાતની તેને પોતાને જ નવાઈ લાગી હતી. તેણે અક્ષરાને સવાસાત વાગ્યે મળવાનું કહ્યું હતું, પણ વારે-વારે ઘડિયાળમાં સમય જોઈ રહેલા જિમીને એવો ડર લાગ્યો કે પોતે કદાચ હમણાં જ પાછો જઈને અક્ષરાને બાહુપાશમાં બાંધી લેશે... જિમીએ પોતાનું ધ્યાન કામમાં પરોવવાનો ઘણો પ્રયાસ કર્યો; પણ અક્ષરાની રાખોડી આંખો, તેના ઘૂંઘરાળા વાળ, હોઠ પરનું સ્મિત અને તરાશેલું શરીર તેને વારે-વારે આમંત્રી રહ્યાં હતાં... સામાન્ય રીતે જિમી ઓછું બોલતો. તેના વર્તનમાં એક વિચિત્ર પ્રકારનું ડિસ્ટન્સ રહેતું એટલે તેની સાથે કામ કરતા લોકોને જિમીના વર્તનમાં કંઈ અસહજ લાગ્યું નહીં, પરંતુ જિમીને પોતાને સમજાતું હતું કે તેને વારે-વારે અક્ષરા યાદ આવી જતી હતી. જિમી દર વર્ષે અહીં આવતો. ક્યારેક વર્ષમાં બે વાર પણ! સેરેનાને ત્યાંથી સુંદર, વેલટ્રેઇન્ડ છોકરીઓ તેને નિયમિત એસ્કોર્ટ તરીકે મોકલવામાં આવતી. તે પોતે ફિલ્મસ્ટાર હતો, પ્રોડ્યુસર હતો. સુંદર છોકરીઓની, અભિનેત્રીઓની સાથે શરીરસંબંધનો અનુભવ તેના માટે કંઈ નવો નહોતો! આ છોકરીમાં એવું શું હતું જેનાથી પોતે આટલી હદે આકર્ષાઈ ગયો... જિમી સતત વિચારી રહ્યો હતો. જિમી માટે તે ‘એલેના’ હતી. આ છોકરી, એલેના સાથે પોતે ભાગ્યે જ વાત કરી હતી છતાં તેની આંખોમાં દેખાતી બુદ્ધિનું તેજ, તેના વર્તનમાં છલકાતો આત્મવિશ્વાસ અને સામાન્ય એસ્કોર્ટ કરતાં સાવ જુદી સંસ્કારિતાની સુગંધ આ છોકરીને સેરેનાની અન્ય છોકરીઓથી જુદી પાડતી હતી. તેની આંખોમાં શરમ હતી, એ શરમમાં સ્ત્રીત્વ હતું. એ સ્ત્રીત્વ જિમીને આકર્ષી ગયું હતું... જિમીનું મન રહી-રહીને તેની એલેના પાસે પહોંચી જવા ઉતાવળું થઈ ગયું હતું.

તે ઊભો થઈને વૉશરૂમ તરફ ગયો. પુરુષો માટેના વૉશરૂમમાં દાખલ થઈને તેણે પોતાનો સેલફોન કાઢ્યો, એલેનાનો નંબર ડાયલ કર્યો, ‘હલો.’ એક મીઠો-મધુરો છતાં ઘૂંટાયેલો અવાજ સંભળાયો. એ અવાજમાં સહેજ ખરાશ હતી. જિમીને લાગ્યું કે એલેનાએ ઊંઘમાંથી ઊઠીને ફોન ઉપાડ્યો હશે, ‘જિમી.’ તેણે કહ્યું.

‘જી.’ અક્ષરાએ પૂરા આદર સાથે જવાબ આપ્યો.

‘હું વહેલો આવું છું, આપણે ક્યાંક બહાર જઈએ...’ આ કહેતી વખતે જિમીને પોતાને પણ નવાઈ લાગી. તે સામાન્ય રીતે પોતાની પત્ની સિવાય કોઈની સાથે જાહેર સ્થળોએ દેખાવાનું પસંદ કરતો નહીં. આજે તેને રૂમમાં, પૂલમાં કે બંધબારણે નહીં પણ એલેનાને વહેતી હવામાં, ખુલ્લા આકાશ નીચે ઓળખવાની ઇચ્છા થઈ... આ જિમીની પ્રકૃતિ જ નહોતી. તેણે પોતાની જાતને જ પૂછતો હોય એમ એલેનાને પૂછ્યું, ‘જવું છેને?’

‘તમે જેમ કહો તેમ...’ અક્ષરાએ એક આજ્ઞાંકિત એસ્કોર્ટ જેવો જવાબ આપ્યો.

‘મારે તારી સાથે વાતો કરવી છે.’ જિમીને લાગ્યું જાણે પોતે જ પોતાના સંયમની બહાર નીકળીને બોલી ગયો.

‘પણ, તમને તો વાતો કરવી નથી ગમતી...’ અક્ષરાએ કહ્યું, ‘પણ તમારે વાતો કરવી હશે તો જેમ તમે કહો તેમ.’

‘બધી વાતમાં મારું માનવાની જરૂર નથી.’ જિમીને કદાચ ઝડપથી સમર્પિત થઈ જતી સ્ત્રીને બદલે વિરોધ કરતી, રેઝિસ્ટ કરતી, શિકારીને દોડાવતી-હંફાવતી હરણીની અપેક્ષા હતી, ‘તું એક જ જવાબ કેમ આપે છે?’

‘તો? શું કહું?’ અક્ષરાનો અવાજ હજી ઠંડો, દૂરથી આવતો હોય એવો આસક્તિ વગરનો હતો, ‘તમે માલિક છો, મારા શરીર અને સમયના...’

‘પણ, મિત્ર બનવા માગું છું.’ જિમીથી કહેવાઈ ગયું, ‘મને એસ્કોર્ટ નહીં એક દોસ્ત, એક કમ્પેનિયન જોઈતી હોય તો?’

‘તો હું એ બની જઈશ.’ અક્ષરાએ કહ્યું, ‘તમારી દરેક જરૂરિયાત પૂરી કરવી એ જ મારું કામ છે.’ અક્ષરાનો જવાબ સાંભળીને જિમીનો અહંકાર ઘવાયો. તેણે ધાર્યું હતું કે મિત્રતાની, કમ્પેનિયનશિપની વાત સાંભળીને એક એસ્કોર્ટને આનંદ જ થશે. જય મહેન્દ્ર જેવા માણસની મિત્રતા મળે એ કોઈ પણ છોકરીનું અહોભાગ્ય છે એવું ગુમાન ધરાવતા જિમીને આ ઠંડક અને નિર્લેપ અવાજથી બહુ નિરાશા થઈ. અક્ષરાએ કહ્યું, ‘આપ કેટલા વાગ્યે આવશો? હું તૈયાર રહીશ.’

‘એલેના...’ જિમીએ સહેજ નિરાશ અવાજે કહ્યું, ‘હું તને ગમું છું?’

‘મેં વિચાર્યું નથી.’ અક્ષરાએ કહ્યું, ‘મને એવી ચૉઇસ નથી.’

‘હા કે ના.’ હવે જિમી ધૂંધવાયો હતો. પોતે ઘૂંટણિયે પડીને કોઈ છોકરીના સ્નેહની યાચના કરતો હતો અને તે છોકરી એવી રીતે વર્તી રહી હતી જાણે તેને કોઈ ફરક જ ન પડતો હોય, ‘કરોડો છોકરીઓ મારી એક નજર માટે તરસે છે ને તું એવી રીતે વર્તે છે કે તને જાણે કોઈ ફરક જ ન પડતો હોય.’

‘મને ફરક પડશે એનાથી તમને શું ફરક પડશે?’ અક્ષરાએ પૂછ્યું. જિમી વધુ અકળાયો, ‘આપણે બે મુસાફરો છીએ. થોડા સમય માટે એકસાથે પ્રવાસ કરી રહ્યા છીએ... તમે તમારા રસ્તે ચાલી જશો ને હું બે દિવસ પછી એક નવા ચહેરા, નવા શરીર અને નવા...’

‘શટઅપ.’ એલેનાને કોઈ બીજું અડે એ વિચાર પણ જિમી માટે ભયાનક હતો. તેણે ઉશ્કેરાઈને કહ્યું, ‘આન્સર મી એલેના... હું તને ગમું છું કે નહીં?’

‘હું હા પાડીશ તો તમને સારું લાગશે?’ અક્ષરા હજીયે પોતાના કોશેટામાંથી બહાર નીકળતાં ડરી રહી હતી. અચ્યુત, અઝીઝ અને હવે જિમી? તેણે પોતાની જાતને જ પૂછ્યું, ‘શું બદલાશે આપણી વચ્ચે?’

‘બધું જ...’ જિમીથી બોલાઈ ગયું, ‘હું એક ખરીદેલી સ્ત્રીને નહીં, મને પ્રેમ કરતી સ્ત્રી સાથે સમય વિતાવવા માગું છું. ડૂ યુ લવ મી?’ તેણે પૂછ્યું. એક ગાઢ ધુમ્મસભર્યું મૌન બન્ને વચ્ચે ઘૂમરાતું રહ્યું.

કોઈ ઊંડી ખીણમાંથી આવતો હોય એવો અવાજ જિમીના અસ્તિત્વને હચમચાવી ગયો, ‘હું તૈયાર રહીશ જિમી. તમે કેટલા વાગ્યે આવશો?’

‘અડધો કલાકમાં.’ કહીને જિમીએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. પિતાના મૃત્યુ પછી આજે પહેલી વાર જિમીની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. તેણે નિઃશ્વાસ નાખ્યો, ‘તું મારી જિંદગીની સૌથી સુંદર ઘટના છે, પણ બહુ મોડી છે...’ તેણે આંખો લૂછી, ‘તને મળ્યો એ કદાચ અદ્ભુત અકસ્માત છે, પણ એની કિંમત ચૂકવવાની મારી તાકાત છે કે નહીં એનો મને અંદાજ નથી. આ ભૂલ મને મોંઘી પડશે એલેના જાણું છું, પણ મન વારંવાર આ ભૂલ કરવા લલચાય છે.’

lll

રહમત શુજા તેની ઑફિસમાં બેસીને વિશ્વપ્પાના ફોનની રાહ જોતો હતો. ગુલનોરા આજે વિશ્વપ્પાને મળવા જવાની હતી એની શુજાને જાણ હતી. તે બેચેન હતો. અઝીઝ વિશે માહિતી મળે એ લઈને સીધા સુલતાન પાસે પહોંચવાનું હતું. કદાચ વિશ્વપ્પા કોઈ પુરાવા આપે તો સુલતાન પર દબાણ કરીને અઝીઝને અરેસ્ટ કરવા શુજા તલપાપડ હતો. તેના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર ‘વિશ્વપ્પા’ વંચાયું. રહમત શુજાએ પહેલી જ રિંગમાં ફોન ઉઠાવ્યો, ‘યસ... શું કહ્યું ગુલનોરાએ?’

‘ગુલનોરા તો શારજાહની બહાર નીકળી ગઈ ડાર્લિંગ!’ શુજા તરત જ અઝીઝનો અવાજ ઓળખી ગયો, ‘ને વિશ્વપ્પા દુનિયાની બહાર ગયો.’ અઝીઝ સહેજ હસ્યો, ‘હું પણ થોડા કલાકમાં તારી ગિરફ્તની બહાર હોઈશ. તું ગમે એટલાં હવાતિયાં માર, મારું કંઈ નહીં બગાડી શકે.’ અઝીઝે કહ્યું.

‘એક વાત યાદ રાખજે. નિર્દોષની કતલ કરનાર દરેક માણસને ખુદાના દરબારમાં જવાબ આપવો પડે છે.’ શુજા એકદમ નિરાશ થઈ ગયો. વિશ્વપ્પાના મૃત્યુના સમાચાર તેના માટે આઘાતજનક હતા.

‘ત્યાંની ત્યારે જોઈશું.’ અઝીઝે બેફિકરાઈથી કહ્યું, ‘ને તારી નજમા, વિશ્વપ્પા કે ગુલનોરા કોઈ નિર્દોષ નથી... બધાએ બેવફાઈ કરી છે. નમકહરામીની સજા મોત છે.’ શુજા અસહાય થઈને સાંભળતો રહ્યો, ‘આ છેલ્લી ચેતવણી છે, જો નહીં અટકે તો હવે મારે નાછૂટકે તને પણ...’ શુજા કંઈ કહે એ પહેલાં ફોન કપાઈ ગયો.

 

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 02:40 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK