છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા
ઇલસ્ટ્રેશન
‘ઓ ખુદા... તેં મને ક્યાં ફસાવી? મેં કોઈનું કશું જ નથી બગાડ્યું તોય મને આ સ્થિતિમાં મૂકી દીધી... મારા મૌલા! મને અહીંથી બહાર કાઢ અથવા નીકળવાનો રસ્તો બતાવ...’ ગુલનોરા સતત તેના રબને વિનંતી કરી રહી હતી. શારજાહથી તેને જે રીતે પહેરેલાં કપડે લાવીને અહીં ઇટલીમાં કેદ કરવામાં આવી હતી એ પછી ગુલનોરાને સમજાઈ ગયું હતું કે હવે તેનો ફોટો સેરેનાના એસ્કોર્ટ મેનુના આલબમમાં લગાડી દેવામાં આવશે. આમ તો ઉઝબેકિસ્તાનથી અહીં લાવ્યા ત્યારે તેને વેચી નાખવાનો જ ઇરાદો હતો, પરંતુ અઝીઝે નિકાહ કરીને તેને બેગમ મહેલમાં જગ્યા આપી ત્યારે તેને લાગ્યું કે પોતે બચી ગઈ છે... શારજાહથી ભાગવાના પ્લાનમાં વિશ્વપ્પા પર ભરોસો કરવા બદલ તેણે મનોમન પોતાની જાતને ખૂબ કોસી! સ્વતંત્રતાની ઝંખના તેને એક સેક્સવર્કર બનવા સુધી ઢસડી ગઈ. અઝીઝની બીવી બનીને તેના મહેલમાં જ રહી હોત તો કદાચ ઇજ્જત ટકી રહી હોત, પણ હવે તો... તેણે રડતાં-રડતાં અનેક વાર તેના અલ્લાહ પાસે દુઆ માગી... માગતી રહી! લગભગ ૩૬ કલાક સુધી તો તેની કોઈ દુઆ કબૂલ થઈ નહીં. તે એકલી-રડતી-કકળતી એ ઘરમાં બંધ હતી જ્યાં તેને આ કેદમાં મૂકીને પેલા બે જણ ચાલી ગયા હતા. અહીં માણસનો અવાજ પણ સાંભળવા મળ્યો નહોતો. બારીની બહાર દેખાતા જગતમાં ગુલનોરા ડોકિયું કરી શકતી હતી. માણસોની અવરજવર, ગાડીઓનું પસાર થવું, ભૂલકાંઓને લઈને રસ્તા પરથી કૅન્ડી કે આઇસક્રીમ ખરીદતી ઊંચી-પાતળી ઇટાલિયન મમ્મીઓ, બપોરના ઢળતા તડકામાં વૉક લેવા નીકળતા સિનિયર સિટિઝનો અને વૃદ્ધો, સાઇકલ ચલાવીને કામે જતા સૂટ પહેરેલા અધિકારીઓ, પોલીસ, ફુગ્ગાવાળા... આ બધું કોઈ સાઇલન્ટ સિનેમાનાં દૃશ્યોની જેમ જોઈ શકાતું હતું, પરંતુ બારીની બહાર લગાડેલી મિરર ફિલ્મને કારણે બારીની અંદરનું કશું દેખાય એમ નહોતું. ખાવાનું, ચૉકલેટ્સ, આઇસક્રીમ, ‘ટીવી સહિત બધું તેણે પોતાના મનોરંજન માટે ઉપયોગમાં લઈ જોયું; પરંતુ તેનો જીવ ક્યાંય ચોંટતો નહોતો. તે અહીંથી નીકળવા માગતી હતી, કોઈ પણ રીતે...
લગભગ ૪૦-૪૨ કલાક પછી અચાનક તેના અપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો બહારથી ખૂલવાનો અવાજ આવ્યો. જીવતા માણસને જોવા તરસી રહેલી ગુલનોરા દોડીને દરવાજા પાસે આવીને ઊભી રહી. પોતાના ગુચી ફ્લોરાની સુગંધ સાથે પાતળી, ઊંચી, બ્રૅન્ડેડ સૂટ પહેરેલી સેરેના દાખલ થઈ. તેના વાળ સોનેરી હતા, પણ સ્કિન ભારતીય હતી. પૂરા મેકઅપ અને આર્ટિફિશ્યલ પાંપણો સાથેનો તેનો ચહેરો કોઈ બાર્બી ડૉલનો પ્લાસ્ટિકનો ચહેરો હોય એવો પ્રાણવિહીન, બનાવટી લાગતો હતો. તેણે ગુલનોરાને જોઈને સ્મિત કર્યું, ‘બુઑન જ્યોંર્નો.’ પછી આગળ આવીને ગુલનોરાના ગાલ પર ટપલી મારી, ‘નૉટી ગર્લ! અઝીઝને જ પટાવી લીધો, હં!’ ગુલનોરા તેની સામે જોઈ રહી, ‘સેરેનાએ પસંદ કરેલી છોકરી પચાસ સ્ટૉપ કરે તો પણ છેલ્લે તો તેણે સેરેનાને ત્યાં આવવું જ પડે. યુ આર માય ચૉઇસ... વેલકમ ટુ ધ વન્ડરફુલ વર્લ્ડ ઑફ સેરેના વિલિયમ્સ!’ તેણે કહ્યું. ગુલનોરાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. હવે અહીંથી જે પ્રવાસ શરૂ થવાનો હતો એ માનસિક અને શારીરિક યાતનાનો, પીડાનો પ્રવાસ બની રહેશે એટલી સમજણ તો ગુલનોરા પાસે હતી, ‘સેરેના! પ્લીઝ મને જવા દે...’ ગુલનોરાએ બે હાથ જોડ્યા, ‘તને ખુદાના કસમ છે.’
‘જવા દઉં!’ સેરેનાએ સ્મિતસહ કહ્યું, ‘પણ જઈશ ક્યાં?’ તેની આંખો બદલાઈ, ‘બૉસના માણસો તને શોધી જ કાઢશે ને મારું શું થશે? અહીં બેઈમાનીની સજા મોતથી ઓછી નથી!’ તે હસી, ‘હજી મારી મરવાની ઉંમર નથી થઈ. ગુલનોરા એક સલાહ આપું? પરિસ્થિતિને સરેન્ડર કરીશ તો તને તકલીફ ઓછી પડશે. વિદ્રોહ કે વિરોધ કરીશ તો પણ થશે તો એ જ જે બૉસનો હુકમ હશે.’ સેરેનાની આંખોમાં એક ક્ષણ માટે દયા અને અફસોસની છાયા દેખાઈ. પછી તેણે તરત સ્વયંને સંભાળીને કહ્યું, ‘તું અત્યારે સેરેનેબિયોમાં છે, મિલાનથી એક કલાક... હવે થોડા સમય માટે આ જ તારું ઘર અને દુકાન બન્ને.’ સેરેનાએ સ્મિત કર્યું, ‘હું કાલથી ક્લાયન્ટ મોકલીશ. આજે આરામ કરી લે. એક મસાજવાળી છોકરી આવશે. થોડું ફેશ્યલ કરાવ, વાળને સ્પા કરાવ...’ તેણે ગુલનોરાના સુક્કા થઈ ગયેલા વાળ આંગળીઓની વચ્ચે પકડીને કહ્યું, ‘બી ધ બેસ્ટ. અમારા ક્લાયન્ટને ક્યારેય સસ્તો કે હલકો માલ નથી આપતા અમે.’ સેરેનાએ આટલું કહીને ગુલનોરાના હાથમાં એ જ રીતે ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ, બ્લુ કાર્ડ વગેરે મૂકેલું પાઉચ આપ્યું. ‘આજથી તારું નામ ગ્વેન મર્ફી છે. આઇરિશ પિતા અને ઇટાલિયન માનું સંતાન છે તું. આમ તો તને કોઈ પૂછવાની હિંમત જ નહીં કરે, પણ કદાચ કોઈ સવાલ-જવાબ થાય તો આમાં તારો આખો ઇતિહાસ છે. કડકડાટ કરી નાખ...’ ગુલનોરા હજી કંઈ કહેવા માગતી હતી, પરંતુ સેરેનાએ ફરી એક વાર તેના ગાલ પર ટપલી મારી અને મુખ્ય દરવાજાની બહાર નીકળી ગઈ. ‘કટાક’ અવાજ સાથે મુખ્ય દરવાજાનું લૉક બંધ થઈ ગયું. ગુલનોરા દરવાજા પાસે બેસી પડી. છેલ્લા ૩ દિવસમાં રડી-રડીને તેનાં આંસુ પણ સુકાઈ ગયાં હતાં.
ગુલનોરા અને અક્ષરામાં એક જ ફેર હતો. અક્ષરાએ પરિસ્થિતિ સામે હથિયાર ઝડપથી નાખી દીધાં કારણ કે તેના મનમાં અપરાધબોધ હતો, અચ્યુતને મૂર્ખ બનાવીને ભાગી છૂટવાની પોતાને સજા મળી છે એવા ભાવ સાથે તેણે પરિસ્થિતિને પોતાની સજા તરીકે સ્વીકારી લીધી; જ્યારે ગુલનોરા બાળપણથી સંઘર્ષમાં ઊછરેલી ‘સર્વાઇવર’ હતી... સેરેનાના ગયા પછી તેણે ગાંઠ વાળી લીધી કે સ્વતંત્રતા માટે કદાચ કોઈનો જીવ લેવો પડે તો પણ અચકાયા વગર એ લઈને પોતે અહીંથી ચોક્કસ બહાર નીકળી જશે!
lll
અઝીઝની આંખો ખૂલી ત્યારે મુંબઈ શહેરનો અડધો દિવસ માથે ચડી આવ્યો હતો. ૫.૪૦ની લોકલ પકડીને કામે ચડેલા લોકો માટે ૧૧ વાગ્યાનો સમય એ અડધા દિવસ બરાબર જ કહી શકાય! ઊંઘ પૂરી થયાની રાહત અને થોડીક માનસિક શાંતિ પછી પોતે હવે કંઈક વિચારી શકશે એવી ધરપત સાથે અઝીઝે કૉફી અને બ્રેકફાસ્ટનો ઑર્ડર કર્યો. ખાસ્સા લાંબા સમય સુધી ગરમ પાણીના શાવર નીચે ઊભા રહીને અઝીઝે પોતાની આસપાસ ખૂલી ગયેલા બધા મોરચા વિશે વિચાર્યું, ‘સૌથી પહેલી તો સુશીલાની સમસ્યા સુલટાવવી પડશે...’ તેણે વિચાર્યું, ‘એ પછી અચ્યુત અને છેલ્લે ગુલનોરા...’ શરીર પર પડીને સરકી જતાં ગરમ પાણીનાં ટીપાં તરફ અન્યમનસ્ક નજરે જોઈ રહેલા અઝીઝ માટે શારજાહ પાછા ફરતાં પહેલાં પોતાના પર લાગેલા બધા જ આરોપોને ભૂંસીને સુલતાનની નજરમાં એક સ્પષ્ટ, સ્વચ્છ છબિ ઊભી કરવી જરૂરી હતી. રહમત શુજા ગમે એ આક્ષેપ કરે, પણ તેની પાસે હજી સુધી કોઈ પુરાવા નથી એ વાત અઝીઝના ફાયદામાં હતી. નાહીને, પેટ ભરીને નાસ્તો કર્યા પછી અઝીઝે મકબૂલને ફોન લગાડ્યો, ‘હીરો! હવે શું કરવાનું છે?’
અઝીઝના અવાજમાં રહેલી સહજતા અને મજાકિયા ટોન સાંભળીને મકબૂલને એટલું સમજાઈ ગયું કે અઝીઝ રિલૅક્સ થઈ ગયો છે, ‘ટાઇમ ઓછો છે. સુશીલાને નિપટાવીને પછી મારે તરત ઇટલી નીકળવું છે.’ અઝીઝે કહ્યું.
‘હુકમ! શેખસાહેબ.’ મકબૂલે કહ્યું, ‘સુશીલાને તો તેના ઘરમાં પણ નિપટાવી શકાય. છતાં પબ્લિક પ્લેસ પર કરીએ તો આપણા પર આંગળી ન ચીંધાય. તે આજે બે વાગ્યે લોખંડેને મળવા આવવાની છે. તેની પાસે તમારો ફોટો, તાજનું બિલ અને લોખંડેએ કઢાવેલા CDR છે. બુઢિયા FIR કરે એ પહેલાં આપણે તેની RIP લખી નાખીએ!’ મકબૂલ હસ્યો, ‘ખરેખર તો પોલીસ-સ્ટેશનમાં જ પતાવવી જોઈએ. સાન ઠેકાણે આવી જાય બધાની... સમજ પડે કે આપણી સામે પડવાનો શું અંજામ આવે...’
‘તો કર...’ અઝીઝને આ વિચાર ગમી ગયો, ‘જુહુ પોલીસ-સ્ટેશનનું કમ્પાઉન્ડ લાલ કરી નાખ. સાલો લોખંડે પણ આપણી સાથે પંગો લેતાં પહેલાં વિચાર કરશે, નોકરી જશે હરામીની!’
‘ઠીક છે માલિક! તો બે વાગ્યાનો શો જોવા તૈયાર થઈ જજો.’ મકબૂલે, ‘ખુદા હાફિઝ...’ કહીને ફોન મૂકી દીધો. અઝીઝ મનોમન ખુશ થતો તૈયાર થવા લાગ્યો. જીન્સનું પૅન્ટ, હાથમાં સિખ લોકો પહેરે એવું સોનાનું કડું, બીજા હાથમાં મોંઘી ઘડિયાળ, લિનનનું હાલ્ફ સ્લીવનું ફ્લોરલ શર્ટ પહેરીને અઝીઝે અરીસામાં જોયું, ‘માશા અલ્લાહ...’ તેણે પોતાને જ કહ્યું. તે બહાર નીકળ્યો ત્યારે લગભગ એક વાગીને વીસ મિનિટ થઈ હતી.
જુહુ પોલીસ-સ્ટેશનની બહાર આવેલી કલાનિકેતનની દુકાનમાં જ્યારે અઝીઝે પ્રવેશ કર્યો ત્યારે એક ને પચાસ થઈ હતી. તેણે દુકાનમાં પ્રવેશીને કર્મચારીને કહ્યું, ‘મારી વાઇફ માટે એક સારી સાડી બતાવો, તેના બર્થ-ડે પર ભેટ આપવી છે.’ કર્મચારી સાડી બતાવી રહ્યો હતો પણ અઝીઝનું ધ્યાન તેના મોબાઇલ પર હતું. તે વારે-વારે ફોન જોઈ રહ્યો હતો. મકબૂલનો ફોન આવે એટલે તરત તેણે અહીંથી બહાર નીકળીને જુહુ પોલીસ-સ્ટેશન તરફ જવાનું હતું. સુશીલાને ગોળી વાગે, તેનું મોત કન્ફર્મ થાય કે તરત તાજથી પોતાની બૅગ લઈને ઇટલી માટે ફ્લાઇટ પકડવા અઝીઝ તૈયાર હતો. તેણે મનોમન એવી પણ ગણતરી રાખી હતી કે સુશીલાને બચાવવા જો લોખંડે કે બીજો કોઈ કર્મચારી આગળ આવે તો તેને પણ ઉડાવીને એક મોટું કાંડ ઊભું કરવું જેનાથી મીડિયાનું ધ્યાન બીજી તરફ ચાલી જાય. મકબૂલ પોલીસવાળાને ગોળી નહીં મારે એ વાતની અઝીઝને ખબર અથવા ખાતરી હતી એટલે જો લોખંડે પોતાની રેન્જમાં આવી જાય તો તેને ઉડાડીને જૂનો હિસાબ પતાવી દેવાની તૈયારી અઝીઝે મનોમન કરી રાખી હતી.
બીજી તરફ મકબૂલ કંઈ કાચો-પોચો ખેલાડી નહોતો. અઝીઝનો ફોન મૂકીને તેણે તરત જ રાઘવ લોખંડેને ફોન લગાડ્યો, ‘પોલીસ-સ્ટેશનના કમ્પાઉન્ડમાં ખૂન કરવાની સોપારી મળી છે.’ તે હસ્યો, ‘તુમ્હારી જાન ઔર નોકરી દોનો ખતરે મેં હૈં.’
‘તું તો મને અઝીઝ લાવી આપવાનો હતો. હવે આ નવી સ્ટોરી ક્યાંથી લાવ્યો?’ લોખંડે કોઈનાથી ડરે એમ નહોતો.
‘અઝીઝ આ જાએગા સાહેબ!’ મકબૂલે મૂળ પ્લાન મુજબ પોતાની શરત મૂકી, ‘પછી અમારી સામેના બધા કેસ...’ સહેજ ઊંડો શ્વાસ લઈને તેણે ઉમેર્યું, ‘ફૉકલૅન્ડ રોડ અને અનિસાવાળો કેસ પણ...’
‘બધું કરી દઈશ. રાઘવ લોખંડે જબાનનો પાક્કો છે. તું અઝીઝ આપ, સામે હું તને છુટકારો અપાવીશ.’ કહીને તેણે ધીમેથી ઉમેર્યું, ‘પેલી મંજુલિકા તો ક્યારનીયે આવીને બેઠી છે. FIR લખાઈ ગયો, તેણે બધા પુરાવા પણ આપી દીધા છે.’
લોખંડેના અવાજમાં એક્સાઇટમેન્ટ હતું, ‘બાઈ જબરી છે. અઝીઝના ફોટો છે તેની પાસે! કૉલ રેકૉર્ડ્સ અને મેસેજ સાચવ્યા છે સાલીએ! કાં તો અઝીઝે તેને હલકામાં લીધી ને કાં તો આ બાઈ મહાખુરાંટ છે.’
‘સાચું કહું?’ મકબૂલ સહેજ ઢીલો પડ્યો, ‘આ વખતે અઝીઝભાઈ થાપ ખાઈ ગયા.’ પછી તેણે જરા કટુતાથી ઉમેર્યું, ‘એક વાર તો ખુદાના દરબારમાં હિસાબ થાય જ છે. કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે તેણે... આ વખતે પેલી હૂરની પરીના શૌહરની બદદુઆ લાગી ગઈ તેને...’ કહીને મકબૂલે વાત પૂરી કરી, ‘બે ને પાંચ, બે ને દસ સુધી હું તેને જુહુ પોલીસ-સ્ટેશનની બહાર બોલાવીશ. તમે સુશીલાને બચાવવા માટે દોડી આવજો. તે તમને ગોળી મારવાની લાલચ છોડી નહીં શકે... બાકી તો અલ્લાહ માલિક.’ તેણે ફોન મૂક્યો, અબ્દુલને બૂમ પાડી, ‘ભાઈ...’ તેણે જોયું તો અબ્દુલ ઝુહરની નમાઝ પઢી રહ્યો હતો. મકબૂલ તેની પાસે પહોંચી ગયો. થોડીક ક્ષણો ભાઈ નમાઝ પઢી લે ત્યાં સુધી પ્રતીક્ષા કરીને ઊભો રહ્યો. અબ્દુલે ઘૂંટણ પર મૂકેલા હાથની એક આંગળી ઊંચી કરી, ડાબે-જમણે ડોકું ફેરવી, બે હાથ ઊંચા કરી, દુઆ માગીને, બન્ને હાથ પોતાના ચહેરા પર ફેરવીને અબ્દુલ ઊભો થયો. મકબૂલની નજીક આવીને તેણે તેના માથા પર, ચહેરા પર ફૂંક મારી, ‘ભાઈ, નીકળવાની તૈયારી કરો. અઝીઝનો પૅકઅપ...’
‘જો યાર, જરા પણ ઇધર-ઉધર થયું તો તે આપણને જીવતા નહીં છોડે.’ અબ્દુલ હજી ડરી રહ્યો હતો.
‘કુછ નહીં હોગા, ઇન્શા અલ્લાહ.’ મકબૂલનો આત્મવિશ્વાસ બુલંદ હતો.
બન્ને ભાઈઓએ સોનાનાં બિસ્કિટ, રોકડ, બીજી બધી મહત્ત્વની વસ્તુઓ અને પાસપોર્ટ લઈને ભાઉચા ધક્કા (માઝગાવ) તરફ નીકળવા માટે પૅકિંગ કરવાની શરૂઆત કરી. અહીંથી માંડવા માટે બોટ લેવાની હતી અને માંડવાથી બહાર નીકળવા માટે મુરુડ, ત્યાંથી કોકણના દરિયાકિનારે બહાર નીકળીને બન્ને જણ આ દેશ છોડવા ઉત્સુક હતા.
lll
કલાનિકેતનમાંથી બે મોંઘી સાડી પસંદ કરીને અઝીઝ બીજી સાડીઓ જોતો ટાઇમ પાસ કરી રહ્યો હતો. તેને મકબૂલના ફોનની પ્રતીક્ષા હતી. બે ને દસ પછી મકબૂલનો ફોન આવ્યો, ‘શૉટ રેડી સર.’ અઝીઝની નસોમાં લોહી ગરમ થઈ ગયું. પોતે ઘટનાના સમયે દુકાનમાં હતો એ વાતની ઍલિબી ઊભી થઈ શકે એ માટે તેણે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું. તે સાડીઓનાં પૅકેટ લઈને બહાર નીકળ્યો. જુહુ પોલીસ-સ્ટેશનના કમ્પાઉન્ડમાં દાખલ થતા મકબૂલને જોઈને અઝીઝના ચહેરા પર સ્મિત આવી ગયું. જીન્સના ફ્રન્ટ પૉકેટના ખિસ્સામાં મૂકેલી સ્મિથ ઍન્ડ વેસનની લેટેસ્ટ રિવૉલ્વર પર હાથ ફેરવીને તે તૈયાર થઈ ગયો.
lll
અક્ષરાની વિલાની બહાર ઊભેલો અચ્યુત તેની નજર સામે જિમીની સાથે ગાડીમાં બેસીને ચાલી ગયેલી અક્ષરાને જોતો રહ્યો. ત્યાં પૂતળાની જેમ ઊભેલા છેતરાયેલા, ઠગાયેલા અને ગુનેગાર પુરવાર થયેલા અચ્યુતની સાથે આખી પરિસ્થિતિને સમજી શકતા હોવા છતાં પણ આશ્ચર્ય અને આઘાતમાં હવે શું કરવું એનો વિચાર કરતા રુમી અને મિહિર પણ ત્યાં જ ઊભા રહી ગયા, ‘તેણે આવું કેમ કર્યું?’ અચ્યુતે આંખોમાં ઝળઝળિયાં સાથે મિહિર તરફ જોઈને પૂછ્યું. મિહિર જવાબ આપે એ પહેલાં રુમીએ દાંત ભીંસીને કહ્યું, ‘સાલી બેવફા! નીચ! હરામી...’ તેણે સ્નેહથી અચ્યુતના ખભે હાથ મૂક્યો, ‘ભૂલી જા તેને! આવી સ્લટ્સને બજારમાં બેસવું હોય, ઇજ્જતથી કોઈના ઘરમાં રહેવું તેને ન ફાવે!’
‘પણ મારી અક્ષરા એવી નહોતી.’ અચ્યુત હજીયે પોતાની નજર સામે બની ગયેલી ઘટના સ્વીકારવા તૈયાર નહોતો, ‘તેને કોઈ પ્રેશર હશે, કોઈએ ધમકી આપી હશે, જાનનું જોખમ હશે. બાકી...’
વાક્ય પૂરું થાય એ પહેલાં ગુસ્સામાં લાલચોળ થઈ ગયેલા રુમીએ અચ્યુતના ચહેરા પર એક થપ્પડ મારી, ‘જાગ મૂર્ખ!’ મિહિર તેને રોકે એ પહેલાં રુમીએ અચ્યુતને બે ખભેથી પકડીને ભયાનક રીતે હચમચાવી નાખ્યો, ‘તારું મગજ કેમ નથી ચાલતું? તે જે દિવસે અઝીઝના મહેલમાં દાખલ થઈ એ દિવસે જ તેણે તને છોડી દીધો હતો.’ અચ્યુત કોઈ ભાવ વગર શૂન્ય, કોરી આંખોથી રુમી સામે એવી રીતે જોઈ રહ્યો હતો જાણે આ થપ્પડની, હચમચાવવાની તેના પર કોઈ અસર જ ન થઈ હોય, ‘ટિશ્યુ પેપરની જેમ લિપસ્ટિક લૂછીને ફેંકી દીધો તેણે... ઇડિયટ!’ રુમીએ ફરી એક વાર અચ્યુતનો ચહેરો પકડીને તેને ધુણાવ્યો, ‘તું હજી તેને નિર્દોષ માને છે? ગધેડો છે કે માણસ?’ આ બધું સાંભળ્યા પછી પણ અચ્યુત શૂન્ય આંખોથી રુમીની સામે જોઈ રહ્યો હતો. અચ્યુતના આ ભાવવિહીન, જડવત્ પ્રતિભાવથી વધુ ઉશ્કેરાઈ ગયેલા રુમીએ લાલચોળ આંખો સાથે મિહિર સામે જોયું, ‘આને સમજાવ...’
‘નહીં સમજે.’ મિહિરે શાંત અવાજે કહ્યું. જોકે તે પણ ભીતરથી ખળભળી ઊઠ્યો હતો. એક સ્ત્રીને આટલો પ્રેમ કરતો માણસ, જાનના જોખમે તેના સુધી પહોંચે એ પછી પણ સ્ત્રી તેને ઓળખવાની જ ના પાડી દે એવી ઘટના તેની કલ્પના બહાર હતી. મિહિર પોતે પણ આખા પ્રસંગથી ક્ષુબ્ધ થઈ ગયો હતો. હવે અહીં ઊભા રહેવાનો કોઈ મતલબ નહોતો. મિહિરે પ્રાણ વગરના થઈ ગયેલા અચ્યુતનો હાથ પકડીને ગાડી તરફ ચાલવા માંડ્યું. કોઈ ચાવી દીધેલું પૂતળું દોરાય એમ અચ્યુત ચૂપચાપ મિહિર સાથે ચાલવા લાગ્યો. રુમીએ ગુસ્સામાં ગાડી ખોલી, તે સ્ટિયરિંગ પર ગોઠવાયો. મિહિરે અચ્યુતને ગાડીમાં બેસાડ્યો, પોતે પણ પાછળની સીટ પર બેસી ગયો. થોડીક ક્ષણો ઊંડો શ્વાસ લઈને, સ્વયંને શાંત કરવાનો પ્રયાસ કરીને રુમીએ ગાડીને સેલ આપ્યો. અહીં કશું બચ્યું નહોતું! હોમસ્ટે પરથી સામાન તો ક્યારનો ગાડીમાં મૂકી દીધો હતો... લેક કોમોના કિનારે-કિનારે આવેલા રસ્તા પર થઈને રુમીએ ગાડી બેલાજિયો શહેરની બહાર તરફ જતા હાઇવે પર વાળી.
ગાડીમાં બેઠેલા ત્રણમાંથી એકેયને કલ્પના નહોતી કે તેમની પાછળ આવી રહેલી હમરનાં રાક્ષસી પૈડાં તેમને કચડી નાખવાની તત્પરતાથી ફરી રહ્યાં હતાં.
(ક્રમશઃ)
