આજના સમયમાં માનસિક અશાંતિનો પ્રશ્ન મોટા ભાગની વ્યક્તિને સતાવે છે ત્યારે એનાં કારણો અને એનું નિરાકરણ જાણવા જેવાં છે
કયાં-કયાં કારણો જવાબદાર છે અશાંત રહેતા મન માટે?
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે : ચંદ્રમા મનસો જાતઃ
ચંદ્ર મનની જાત એટલે કે મનનો કારક છે અને એટલે જ મનની શાંતિ કે અશાંતિને ચંદ્ર સાથે સીધો સંબંધ છે. જો ચંદ્ર દૂષિત હોય તો મન અશાંત રહે અને સાથોસાથ એ પણ એટલું જ સાચું કે અન્ય વાતો પણ ચંદ્રને દૂષિત કરે તો એ મનને અશાંત કરે. ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર એકદમ સૌમ્ય પ્રકૃતિનો ગ્રહ છે ત્યારે ચંદ્ર સાથે અન્ય આક્રમક ગ્રહો જેવા રાહુ, કેતુ કે શનિની અસર હોય તો મન સતત શાંત રહે છે. આ વાતને પણ વિગતવાર જોવી હોય તો કહી શકાય કે જો ચંદ્ર-રાહુ બન્ને સાથે હોય તો મનમાં સતત અજાણ્યો ડર રહેવો, ખોટા કાલ્પનિક વિચારો આવવા અને ઍન્ગ્ઝાયટી રહેવી જેવી તકલીફો ઊભી થાય છે તો ચંદ્ર અને શનિની યુતિ હોય તો એ વ્યક્તિને ડિપ્રેશન, સૅડનેસ અને નેગેટિવિટીની દિશામાં ધકેલે છે. જ્યોતિષશાસ્ત્રમાં કેમદ્રુમ દોષ વિશે પણ કહેવાયું છે. આ દોષમાં જન્મકુંડળીમાં ચંદ્રની આગળ-પાછળનાં ઘરોમાં કોઈ ગ્રહ ન હોય ત્યારે વ્યક્તિ પોતાને એકલી અને અસહાય અનુભવે છે.
માત્ર ચંદ્ર જ નહીં, મન પર નકારાત્મક અસર ઊભી કરવાનું કામ બુધ અને રાહુ ગ્રહો દ્વારા પણ થાય છે. બુદ્ધિનો કારક એવો બુધ ગ્રહ ખરાબ હોય એવા સમયે વ્યક્તિ સતત ઓવરથિન્કિંગ કરતી થઈ જાય છે, જેને કારણે તે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસે છે અને કાં તો જરૂરિયાતના જ સમયે ખોટો નિર્ણય લઈ લે છે.
રાહુ ગ્રહ ભ્રમ જન્માવનારો છે. જો જન્મકુંડળીમાં રાહુ ખરાબ સ્થાનમાં હોય તો એ મનમાં વિચારોનો ચક્રવાત ઊભો કરે છે, જેનાથી વ્યક્તિ માનસિક રીતે સતત અસ્થિર અવસ્થામાં રહે છે.
મન અને વાસ્તુને પણ સીધો સંબંધ છે. નકારાત્મક વાસ્તુ કે પછી ઘરની ખોટી રીતે થયેલી ગોઠવણ પણ મનમાં અશાંતિ જન્માવે છે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્રોનાં કારણો
ઘરનો ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ કોણ જો ખરાબ હોય તો એ મનમાં અશાંતિ જન્માવે છે. ઈશાન કોણને ભગવાનની ભૂમિ કહેવામાં આવે છે. એ ઈશ્વરીય ઊર્જા અને મનની શાંતિની દિશા છે. એ દિશામાં ટૉઇલેટ હોય કે ભારે સામાન કે નકામો કચરો હોય તો ઘરમાં રહેતા લોકોનું મન શાંત નથી રહેતું.
સૂવાની ખોટી દિશા જેને શાસ્ત્રોમાં સોમગિરિ દોષ કહે છે એ પણ અશાંતિ જન્માવવાનું કામ કરે છે. ઉત્તર દિશા તરફ માથું અને દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પૃથ્વીનાં મૅગેન્ટિક વાઇબ્રેશન્સ મગજના રક્તપરિભ્રમણને અસર કરે છે જેનાથી રાત્રે અનિદ્રાની, બીક લાગે એવાં સપનાં આવવાની સંભાવના રહે છે. એની સીધી આડઅસર સવારના સમય પર પડે છે અને જાગ્યા પછી પણ માનસિક થાક અનુભવાય છે.
દિશા ઉપરાંતના વાસ્તુદોષની વાત કરીએ તો મુખ્ય દરવાજા સામે નકામી વસ્તુઓ રાખવી કે શૂ-રૅક રાખવી એ પણ અયોગ્ય છે. આ ઉપરાંત ઘરના પ્રવેશદ્વાર પર ગંદકી હોય તો પણ ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશે છે જે મનને અશાંત કરવાનું કામ કરે છે.
નળમાંથી જો સતત પાણી ટપકતું હોય તો એ આર્થિક રીતે તો અશાંતિ લાવે જ છે, પણ સાથોસાથ ટપકતો નળ માનસિક પ્રકારની અશાંતિ પણ લાવવાનું કામ કરે છે. આ ઉપરાંત બેડરૂમમાં રાખવામાં આવેલો અરીસો જો ખુલ્લો રહેતો હોય તો એ અરીસો પણ પરિવારમાં અશાંતિ લાવે છે.
માનસિક અશાંતિ દૂર કરવાના સરળ રસ્તાઓ નીચે મુજબ છે
દરરોજ અથવા સોમવારે શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાથી માનસિક અશાંતિ દૂર થાય છે. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી પણ ચંદ્ર મજબૂત બને છે અને માનસિક અશાંતિ દૂર થાય છે.
પાણીનો બગાડ અટકાવો જોઈએ. ઘરના ટપકતા નળ તરત સરખા કરાવવા જોઈએ અને સાથોસાથ જો ઘરમાં પાણીનો વપરાશ ગેરવાજબી રીતે થતો હોય તો એ પણ રોકવાથી માનસિક અશાંતિ દૂર થાય છે.
ઘરના ઉત્તર-પૂર્વના એટલે કે ઈશાન કોણને હંમેશાં સ્વચ્છ, વજનરહિત અને શક્ય હોય તો સુગંધિત રાખો. આ જગ્યાએ કાચના બાઉલમાં પાણી ભરીને રાખવું ઉમદા છે. આ કરવાથી પણ માનસિક અશાંતિ દૂર થાય છે.
અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ૩ વાર પાણીમાં આખું મીઠું ઉમેરીને પોતું કરો અને જે દિવસે પોતું કરો એના પછીના દિવસે આખું મીઠું ઉમેરી એ પાણીથી સ્નાન કરો. એનાથી પણ માનસિક અશાંતિ દૂર થાય છે.
દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખીને સૂવાની આદત કેળવો, પણ એ માટે દિશાની સભાનતા હોવી જરૂરી છે. સૂતી વખતે માથું દક્ષિણ કે પૂર્વ દિશા તરફ રાખવાથી ઊંઘ સારી આવે છે અને મન શાંત થાય છે.
