Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૪)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૪)

Published : 30 August, 2026 02:11 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘આંખો ખુલ્લી રાખ... યુ કાન્ટ ડાઇ... વેકઅપ અચ્યુત...’ અચ્યુતનો લોહીલુહાણ ગાલ થપથપાવતી અક્ષરા તેને જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી. અચ્યુતનો શ્વાસ ચાલી રહ્યો હતો. મિહિર અને રુમીને બચાવી લેવાયા હતા. સારીએવી ઈજા સાથે ત્રણેયને કૅફેના બે ટેબલ ભેગા કરીને એના પર સૂવડાવ્યા હતા. અક્ષરા જે રીતે 
ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી એ જોઈને રુમીની આંખો ક્ષણભર માટે પ્રાર્થનામાં મીંચાઈ. ‘આઇ કાન્ટ બિલીવ ધિસ’ તેનાથી બોલાઈ ગયું. મિહિરે ધીમા અવાજે કહ્યું, ‘આપણે જ્યારે-જ્યારે ભગવાનમાંથી વિશ્વાસ ખોઈ બેસીએ ત્યારે એ ફરી એક વાર નાનકડો ચમત્કાર બતાવીને આપણી શ્રદ્ધા મજબૂત કરે છે...’ રુમીએ ડોકું ધુણાવીને ‘હા’ પાડી. તેની બંધ આંખોમાંથી બન્ને તરફ સરકી રહેલાં આંસુ ટેબલ પર ટપકી રહ્યાં હતાં. ત્રણેય જણ ધીમે-ધીમે હોશ ખોઈ રહ્યા હતા.
બરાબર એ જ વખતે ઍમ્બ્યુલન્સ આવી પહોંચી. ત્રણેયને સ્ટ્રેચર પર લઈને ઍમ્બ્યુલન્સમાં ચડાવ્યા. અક્ષરાએ કહ્યું, ‘લુઈ નોન પાર્લા ઇતાલિયાનો. (તેઓ ઇટાલિયન નથી જાણતા.) ઈઓ લો કોનોસ્કો. (હું તેમને ઓળખું છું.) પોર્ટાતેમી કોન વોઈ. (મને સાથે લઈ જાઓ.)’ જવાબની રાહ જોયા વગર અક્ષરા ઍમ્બ્યુલન્સમાં બેસી ગઈ. રહ્યાસહ્યા હોશમાં આ સાંભળી રહેલા રુમીને રડવું આવી ગયું.
આશ્ચર્યની વાત એ હતી કે ગાડીનો ભુક્કો થઈ ગયો હોવા છતાં ત્રણેયને એવી કોઈ ભયંકર ઈજા થઈ નહોતી. મિહિરના પગનું હાડકું ભાંગ્યું હતું જ્યારે રુમીના કૉલર બોનમાં અને પાંસળીઓમાં તિરાડ હતી. અચ્યુતના માથામાં ગાડીનો તૂટેલો કાચ પેસી ગયો હતો જેને કારણે લોહી ખૂબ વહી ગયું હતું. તેની પાંસળીમાં પણ તિરાડ પડી હતી... મિહિર પ્રમાણમાં સભાન હતો. તેણે જોયું કે હૉસ્પિટલમાં પણ અક્ષરા સતત અચ્યુતની ખબર રાખતી રહી. 
મિહિરે હમરનું પૂરું વર્ણન, ઍક્સિડન્ટ કઈ રીતે થયો અને ઘટના શું હતી એ બધી વિગતો પોલીસને જણાવી. રુમીએ ભાનમાં આવતાં જ પોતાની ઓળખ આપી... પોતાનું PR કાર્ડ અને બૅન્કની વિગતો આપી. જોકે ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ પહોંચતાં સુધી અને ટ્રીટમેન્ટ શરૂ થઈ ત્યાં સુધી સતત અચ્યુતનો હાથ પકડીને તેની આસપાસ રહેલી અક્ષરા હવે દેખાતી નહોતી. અચ્યુત હજી બેહોશ હતો.
lll
ઍલિબી ઊભી કરવા માટે સાડી ખરીદતી વખતે પણ અઝીઝનું ધ્યાન સતત પોતાના ફોન પર હતું. તેને મકબૂલના ફોનની પ્રતીક્ષા હતી, પણ અઝીઝના ફોન પર સેરેનાનો ચહેરો દેખાયો. અઝીઝે ફોન રિસીવ કરીને પૂછ્યું, ‘જૉબ ડન?’
‘ઑલમોસ્ટ.’ સામેથી જવાબ મળ્યો, ‘ગાડીનો કુચ્ચો થઈ ગયો છે. અંદરના લોકો પણ બચ્યા નહીં જ હોય એમ લાગે છે...’
‘કન્ફર્મેશન નથી?’ અઝીઝે પૂછ્યું. તે ઉશ્કેરાઈ ગયો, ‘વૉટ નૉનસેન્સ? તે હરામખોર બચ્યો હશે તો? પાંચ મિનિટ ઊભા રહીને એનું ફાઇનલ પૅકઅપ જોઈને આવવું જોઈએ કે નહીં? તારા માણસો આવું જ કામ કરે છે - અધૂરું અને અક્કલ વગરનું...’ અઝીઝને ખ્યાલ આવ્યો કે તે દુકાનની અંદર ઊભો રહીને મોટા અવાજે વાત કરી રહ્યો હતો. બધા તેના તરફ જોઈ રહ્યા હતા. તે સેલ્સમૅનને રોકાવાનો ઇશારો કરીને દુકાનની બહાર આવ્યો. 
‘મારા માણસો?’ હવે સેરેનાનો અવાજ બદલાઈ ગયો, ‘જે કંઈ થયું છેને એ તમારી ઇશ્કબાજીને કારણે થયું છે. તમે તે છોકરીને શારજાહ સુધી લાવ્યા ન હોતને તો...’ સેરેનાએ જરા અવાજ ઊંચો કરીને કહ્યું, ‘બૉસ પણ બહુ અપસેટ છે.’ તેણે ચેતવણીની જેમ ઉચ્ચાર્યું, ‘આમાં વધારે મેસઅપ થશેને તો તમે જ ફસાઈ જશો. તમને ખબર છે કે બૉસ કોઈને બીજો ચાન્સ નથી આપતા. તમને કેટલાય ચાન્સ મળી ચૂક્યા છે. આ છોકરી માથે પડી. તેનો હસબન્ડ અહીં સુધી પહોંચ્યો ને પેલી ગુલનોરા જોડે લફરું કર્યું એમાં તે ભાગી ગઈ. આ તો ઠીક છે મેં તેને શોધી કાઢી.’ અઝીઝ કશું બોલી શક્યો નહીં. સેરેના કહેતી રહી, ‘વિશ્વપ્પાના મર્ડરનો કેસ પણ ખૂલી ગયો છે. સુલતાન જાતે રસ લઈ રહ્યા છે... બૉસ સાથે વાત થઈ છે... તેમણે તો ક્લિયર કહ્યું કે તમને એલિમિનેટ કરી નાખે તો આ બધું ગોઠવાઈ જાય એમ છે.’ અઝીઝની નસોમાં લોહી થીજી ગયું. તે સમજતો હતો કે અત્યારે તેની આસપાસ જે જાળું ગૂંથાયું હતું એમાં પોતે જ કરોળિયાની જેમ ફસાયો હતો. બૉસ તેને મારી નાખવા તૈયાર છે એ વાતથી અઝીઝ સહેજ ઢીલો પડી ગયો.
‘આપણો વર્ષોનો સંબંધ છે સેરેના. આજ સુધી કોઈ પ્રૉબ્લેમ નથી થયો.’ અઝીઝે સહેજ નરમાશથી કહ્યું, ‘હવે આ ઇશ્યુમાં મારી મદદ કર.’
‘હું શું મદદ કરું?’ સેરેનાને સમજાઈ ગયું કે તેનો હાથ ઉપર હતો, ‘મારા માણસો તો અધૂરું અને અક્કલ વગરનું કામ કરે છે...’ 
‘સૉરી યાર!’ આ બે શબ્દો કહેતાં અઝીઝને તો કોઈએ તેનાં કપડાં ઉતારી લીધાં હોય એટલી તકલીફ પડી. તેણે વધુ નરમાશથી કહ્યું, ‘તું મારી સ્થિતિ સમજે છે. હું અત્યારે સુશીલાને નિપટાવી દઈશ. કેસ લપેટાઈ જશે, પણ પેલી રાં...નો વર બચી જશે તો નવી મુશ્કેલી ઊભી કર્યા વગર નહીં રહે.’
‘વી હૅવ ટ્રાઇડ.’ સેરેનાએ બેદરકારીથી કહ્યું, ‘હવે તો તેના નસીબ પર છે.’ તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. કંટાળેલો, અકળાયેલો અઝીઝ દુકાનમાં પાછો દાખલ થયો, પણ હવે તેને સાડી જોવામાં કોઈ રસ નહોતો. તેણે મોંઘા ભાવની બે સાડી પૅક કરાવી ને બેસબ્રીથી મકબૂલના ફોનની પ્રતીક્ષા કરવા લાગ્યો.
મકબૂલનો ફોન આવ્યો ત્યારે અઝીઝનું મગજ પહેલેથી ફાટફાટ થતું હતું. સુશીલા અને રાઘવ લોખંડે મરવા જ જોઈએ એવી ગાંઠ વાળીને તે જુહુ પોલીસ-સ્ટેશનની સામે પહોંચ્યો તો ખરો, પણ અઝીઝનું નસીબ આજે પલટી મારી ગયું હતું. અબ્દુલ ડબલ ક્રૉસ કરી ગયો ને અઝીઝ પકડાઈ ગયો. 
lll
જુહુ પોલીસ-સ્ટેશનમાં દાખલ થયા પછી અઝીઝ જરા ગભરાયેલો અને ચિંતામાં લાગતો હતો. છતાં તેણે બેપરવાહીની ઍક્ટિંગ ચાલુ રાખી. તે આરામથી આવીને ખુરસી પર ગોઠવાયો. રાઘવ લોખંડે તેની સામે જોઈ રહ્યો. અઝીઝે પોતાના ચાર્મિંગ સ્મિત સાથે કહ્યું, ‘તને શું લાગે છે? આ પાંચ પૈસાની બાઈના સ્ટેટમેન્ટ અને FIRથી તું મને જેલમાં નાખીશ?’ અઝીઝ હસવા લાગ્યો, ‘એવું હોત તો હું ક્યારનો ચક્કી પીસતો હોત!’ લોખંડે અને બીજા અધિકારીઓ અંદરથી ખૂબ ઉશ્કેરાયેલા હતા. અત્યારે કંઈ થઈ શકે એમ નહોતું એટલે તેઓ સાંભળતા રહ્યા, ‘તારા પહેલાં કેટલાય ખાખી આવ્યા અને ગયા... કોઈ મારું કંઈ ઉખાડી શક્યું નથી, સમજ્યો? પાંચ મિનિટમાં ફોન આવશે. મને છોડવો પડશે.’ અઝીઝની વાત જરાય ખોટી નહોતી. હ્યુમન ટ્રાફિકની આ જાળ ખૂબ વિસ્તરેલી હતી. ઉપરીના અધિકારીઓ, મિનિસ્ટર્સ અને વિદેશનાં કેટલાંક મોટાં માથાં આમાં સંડોવાયેલાં હતાં એ વાત સૌ જાણતા હતા. છતાં ફરિયાદ વગર કોઈને અરેસ્ટ કરી શકાય એમ નહોતું. UAEની પોલીસ સાથે કોઈ ટ્રીટી ન હોવાને કારણે અત્યાર સુધી અઝીઝને પકડવો અઘરો હતો, પરંતુ મુંબઈની હદમાં આવી ગયા પછી સુશીલાની ફરિયાદને કારણે તેને પકડી શકાયો હતો. હવે શારજાહની એમ્બેસી આ કેસમાં દાખલ થાય એ પહેલાં બધું નિપટાવવાની લોખંડેને ઉતાવળ આવી હતી.  
અઝીઝના કેસની બધી વિગતો ઝડપથી તૈયાર કરીને રાઘવ લોખંડેએ આયરાને ફોન કર્યો, ‘મૅડમ! અમે તો અમારું કામ કરી દીધું છે... હવે તમારે અમને રિમાન્ડ અપાવવાના છે.’ લોખંડેના અવાજમાં ગુસ્સો હતો, ‘શારજાહની એમ્બેસી અને આપણા ફૉરેન અફેર્સના લોકો આમાં ચાંચ બોળે એ પહેલાં આપણે...’
‘એવું નહીં થાય.’ આયરાએ કડવું પણ સત્ય મોઢે કહી દીધું, ‘કાયદા પ્રમાણે અરેસ્ટ કર્યા પછી તમારે શારજાહની એમ્બેસીને ઇન્ફૉર્મ તો કરવું જ પડશે. એક વિદેશી નાગરિકને અરેસ્ટ કર્યા પછી તમારે તેને વકીલ રાખવાનો અને તેની એમ્બેસી પાસે મદદ માગવાનો અધિકાર તો આપવો જ પડશે. આમ તો આ નૉન-બેલેબલ કેસ બને છે. BNS 138, 142, 143માં હું તેને ફસાવી શકીશ. ડિસેપ્શન, ઇન્ડ્યુઝમેન્ટ, એક્સપ્લોઇટેશન અને ટ્રાફિકિંગ બધા ગુના લગાડુંને તો ૧૦ વર્ષ સુધી જેલમાં નાખી શકીશ; પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તેને બેલ ન મળે...’
‘એ તો તમારે જ કરવું પડેને?’ લોખંડેએ કહ્યું, ‘સુશીલા પાસે તેના ઇન્વાઇટ કરતા મેસેજિસ, બન્નેના સાથે ફોટો, ગિફ્ટનાં બિલો, ઍરપોર્ટનું CCTV કૅમેરાનું ફુટેજ સહિત અચ્યુતનું સ્ટેટમેન્ટ પણ છે... આ બધું ભેગું થાય તો...’
‘હું મારો પ્રયત્ન ચોક્કસ કરીશ.’ આયરાએ કહ્યું, ‘UAEમાં પણ આ ગુનો બહુ મોટો ગણવામાં આવે છે. UAEના હાલના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ લૉમાં વેચવાની ઑફર કરવા માટે, તેને ટ્રાન્સપોર્ટ કરીને બોલાવવા કે ક્યાંક મોકલવા ઉપરાંત કોઈને સોંપવી કે પોતે તેનું એક્સપ્લોઇટેશન કરવું આ બધું ટ્રાફિકિંગમાં ગણાય છે. એક મિલ્યન જેટલો દંડ અને પાંચ વર્ષની જેલ થઈ શકે...’ આયરાએ વિચારવા માટે બે ક્ષણનો પૉઝ લીધો, ‘અહીં અચ્યુતની ગવાહી બહુ મોટું કામ કરી શકે.’ કહીને તેણે પૂછ્યું, ‘અચ્યુત છે ક્યાં?’
‘તે ઇટલી ગયો છે.’ લોખંડેનો ગુસ્સો ઑર વધ્યો, ‘ના પાડી હતી મેં! પેલો હરામખોર જર્નલિસ્ટ મિહિર પણ તેની સાથે ગયો છે. ઇન ફૅક્ટ, તેના જ જોર પર અચ્યુતે હિંમત કરી. ગઈ કાલ સુધી મિહિર બરાબર સંપર્કમાં હતો. આજે મિહિરનો ફોન પણ નથી લાગતો.’ લોખંડેએ જરા નિરાશ અવાજમાં કહ્યું, ‘વાત થાય તો હું અચ્યુતને તરત બોલાવી લઉં, પણ...’
‘શિટ! તેની સાથે કંઈ ખોટું તો નહીં થયું હોયને?’ આયરાથી પુછાઈ ગયું, ‘આ લોકોને જો ખબર પડી હશે કે અચ્યુત તેની અક્ષરાને શોધતો ઇટલી પહોંચ્યો છે તો આ લોકો કંઈ પણ કરી શકે એમ છે.’
‘હું નહીં સમજતો હોઉ? મેં બહુ સમજાવ્યો હતો તેને, પણ પ્રેમ આંધળો હોય છે ને પ્રેમીઓ બેવકૂફ...’ લોખંડે ઉશ્કેરાયો, ‘જોઉ છું! તેનો કૉન્ટૅક્ટ થશે તો બોલાવી લઉં છું. બાકી તમે કેસ બનાવો. તે બચવો ન જોઈએ. કદાચ જો કોર્ટ કે તેની એમ્બેસી તેને બચાવવાનો પ્રયત્ન કરશેને તો મારી પાસે પ્લાન B છે.’ લોખંડેએ ધીમા અવાજે કહ્યું, ‘મારે એ કરવું નથી... પણ ખાખી પર લોહીના છાંટા ઊડવાના હશે તો હું તૈયાર છું.’ ફોન ડિસકનેક્ટ થઈ ગયો.
ફોન પતાવીને લોખંડે પાછો ફર્યો ત્યારે અઝીઝ સામેની ખુરસી ખેંચીને એના પર પગ લાંબા કરીને નિરાંતે બેઠો હતો. તે અંદરથી થોડો ડરેલો ચોક્કસ હતો, પણ દેખાવ એવો કરી રહ્યો હતો જાણે તેને આખી વાતમાં કોઈ ભય જ ન હોય! તેને અત્યાર સુધી એક જ વાતનો ઘમંડ હતો - પાસપોર્ટ UAEનો હતો. તેને બચાવવા માટે તેનો બૉસ ચોક્કસ પૈસા પાણીની જેમ વહાવી દેશે... અને એમ્બેસી પણ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે તેની મદદ કર્યા વગર નહીં રહે. અઝીઝને ખાતરી હતી કે ભારતની પોલીસ તેને વધુમાં વધુ થોડા કલાક બેસાડશે. પછી એક ફોન આવશે... જોકે છેલ્લા સાડાત્રણ કલાકથી અઝીઝ જુહુ 
પોલીસ-સ્ટેશનમાં બેઠો હતો, પણ આ વખતે કોઈ ફોન આવ્યો નહીં!
સુશીલા ઘરે જવાને બદલે જુહુ 
પોલીસ-સ્ટેશનમાં જ બેસી રહી. લોખંડેએ તેને બરાબર પઢાવી હતી. અક્ષરાને મૂર્ખ બનાવીને તેનો ગેરફાયદો ઉઠાવવા બદલ સુશીલા ભયાનક શાપ ઉચ્ચારતી અઝીઝને ગાળો દેતી રહી... સુશીલાની ગાળો અને બૂમાબૂમથી આ સાડાત્રણ કલાકમાં અઝીઝ મનથી થોડો હલી ગયો હતો.  
લોખંડેએ જાણીજોઈને તેની પાસેથી તેનો ફોન લીધો નહોતો. જોકે સાઇબર ટીમે અઝીઝના કૉલ-રેકૉર્ડ્‍સ અને બીજી વિગતો શોધવાની શરૂઆત કરી દીધી હતી. આ સમય દરમ્યાન અઝીઝે લગભગ ૨૦ જેટલા 
ફોન-નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈએ તેનો ફોન ઉપાડ્યો નહીં. અઝીઝનો ઘમંડ ચૂર-ચૂર થઈ ગયો હતો. તે સમજી ગયો હતો કે તેના બૉસે હવે તેને ખુદાના ભરોસે છોડી દીધો હતો! અઝીઝ માટે અત્યારે બધું જ જાણે પ્રતિકૂળ હતું.
આ બધું ઓછું હોય એમ હવે આયરા આવી પહોંચી. આયરાએ દાખલ થઈને લોખંડેને પૂછ્યું, ‘શું હાલ છે?’ લોખંડે હસ્યો, ‘તૂટી ગયો છે. હવે એક છેલ્લો ધક્કો બાકી છે. તમે તેને તમારો ચમત્કાર બતાવો એટલે પોપટની જેમ બોલવા માંડશે.’
આયરા અંદરના રૂમમાં ગઈ. અઝીઝને જોઈને તેણે સ્મિત કર્યું, ‘હેલો!’ તેણે ચહેરા પર સ્મિત સાથે પણ એક-એક વાક્ય જાણે સોંયની જેમ ભોંકવા માટે જ બોલતી હોય એમ કહેવાનું શરૂ કર્યું, ‘શેખ અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદ. વાર લાગી, પણ ખુદાને ત્યાં તમારો ન્યાય થવાની શરૂઆત થઈ ગઈ છે.’ અઝીઝ કશું બોલ્યો નહીં, ‘તમારી મુશ્કેલી એ નથી કે ભારતીય પોલીસ પાસે તમારી વિરુદ્ધ પુરાવા છે.’ આયરાએ શાંતિથી કહ્યું, ‘તમારી મુશ્કેલી એ છે કે હવે તમને બચાવવામાં તમારા બૉસને રસ નથી અને તમારા સુલતાન તરફથી પણ એમ્બેસીને સૂચના મળી ચૂકી છે.’ અઝીઝના ચહેરા પરથી પહેલી વાર આત્મવિશ્વાસ થોડો ઓછો થયો, ‘હવે જો તમારા બૉસ તમને બચાવવા આવે તો તેમને પણ ભારતીય પોલીસના લૉકઅપમાં બંધ થવું પડશે.’ આયરાએ છેલ્લો ફટકો માર્યો, ‘અઝીઝ શેખ... યુ આર ઇન અ સૂપ.’ 
‘મારા વકીલને બોલાવો. એ પહેલાં હું કોઈ વાત નહીં કરું.’ આયરાનો કાળો કોટ જોઈને અઝીઝે માગણી કરી. 
આયરા હસી. તેણે અઝીઝની સામે એક કાગળ સરકાવ્યો, ‘તમારા વકીલનો સંદેશ છે. તે તો તમને ઓળખતા જ નથી! તમે જે નંબર આપ્યો એ લૉયરની ફર્મ કહે છે કે તમે જે કંઈ કર્યું એ તમારી વ્યક્તિગત ક્ષમતામાં કર્યું, વકીલ એમાં તમારી મદદ નહીં કરી શકે.’ આયરાએ ધીમેથી વાંકા વળીને પૂછ્યું, ‘વકીલ તો તમારા બૉસના હશેને?’ તેણે અઝીઝની આંખોમાં આંખો પરોવી, ‘તમારા બૉસનું નામ શું છે?’
આવી સ્થિતિમાં પણ અઝીઝના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘...તો મને ડરાવીને તમે મારી પાસેથી વિગતો કઢાવવાનો પ્રયત્ન કરો છો.’ અઝીઝે લડવાનું ચાલુ રાખ્યું, ‘મારે તમારા સવાલના જવાબ આપવા જરૂરી નથી.’
‘કંઈ વાંધો નહીં... નહીં આપતા.’ કહીને આયરાએ એક બીજો કાગળ ખોલ્યો, ‘એક ખરાબ સમાચાર છે.’ અઝીઝ કોઈ પણ ભાવ વગર તેની સામે જોઈ રહ્યો, ‘આમ તો તમે જાણતા જ હશો, શારજાહમાં પણ તમારી વિરુદ્ધ ટ્રાફિંકિંગની તપાસ શરૂ થઈ ગઈ છે. ત્યાંના સુલતાન આ કેસમાં વ્યક્તિગત રસ લઈ રહ્યા છે. તમે અહીંથી છૂટી જશો, ત્યાં તો નહીં જ બચી શકો...’ પહેલી વાર અઝીઝના ચહેરા પર ચિંતાનું વાદળ ઘેરાયું, ‘ત્રીજા ખરાબ સમાચાર...’ આયરાએ જરા સહાનુભૂતિ સાથે કહ્યું, ‘તમને કૉન્સલર અસિસ્ટન્ટ્સ મળી શક્યું હોત, પણ UAE એમ્બેસીએ તમને પ્રોટેક્શન આપવાની ના પાડી દીધી છે. કૉન્સ્યુલેટ તમને વકીલ અપાવી શકે, તમારી સાથે યોગ્ય વ્યવહાર થાય એ માટે મદદ કરી શકે; પણ...’ આયરાએ ખભા ઉલાળ્યા, ‘હવે તો એ અઘરું લાગે છે.’
થોડી ક્ષણ મૌન રહ્યું. પછી આયરા તેની નજીક ઝૂકી. ‘અને હવે અસલી ટ્‍વિસ્ટ સાંભળો.’ આયરાના ચહેરા પર એક વિજયી, ક્રૂર સ્મિત હતું, ‘તમારા બૉસે તમને સોંપી દીધા છે. કૉમ્પ્રોમાઇઝ... શબ્દ તો સાંભળ્યો જ હશે! યુ હૅવ બીન કૉમ્પ્રોમાઇઝ્ડ. હવે તમારી સાથે શું થાય એ વિશે તેમને કોઈ લેવાદેવા નથી.’ 
‘છતાંય હું કંઈ નહીં બોલું.’ અઝીઝની આંખો સહેજ ભીની થઈ ગઈ.
આયરા ઊભી થઈ ગઈ, ‘તમારો અધિકાર છે, મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરીને રિમાન્ડ ન મળે ત્યાં સુધી આ લોકો તમને કોઈ નુકસાન નહીં કરે.’ તેણે ફરી એક વાર હસીને કહ્યું, ‘એ પછીની કોઈ ખાતરી નથી, તેના અવાજમાં એક તીખી ધાર હતી. ‘એક વાત યાદ રાખજો. ગઈ કાલ સુધી તમે એક પાવરફુલ નેટવર્કનો ભાગ હતા. આજે એ જ નેટવર્કને ટકાવવા માટે તેમને એક એવા માણસની જરૂર પડી છે જેના પર બધા ગુનાનો ભાર નાખી શકાય.’ બહાર જવા માટે પગ ઉપાડ્યા પછી આયરાએ પાછળ ફરીને અઝીઝ સામે જોયું, ‘વેરી અનફૉર્ચ્યુનેટ! તમારા બૉસે બલિનો બકરો પસંદ કરી લીધો છે.’ આયરાએ ફરી એક વાર અઝીઝની આંખોમાં તલવારની ધાર જેવી તેજ નજરે જોયું, ‘તમે.’
હવે અઝીઝના ચહેરા પર ભયનો ઓથાર દેખાવા લાગ્યો. આયરાએ છેલ્લી નબળી ક્ષણનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો, ‘અને હા, અબ્દુલ અને મકબૂલને પણ પોલીસે ગિરફ્તાર કરી લીધા છે. એ લોકો તમારી વિરુદ્ધ બધા પુરાવા આપવા અને સાક્ષી બનવા તૈયાર છે.’ કહીને આયરા એ રૂમની બહાર નીકળી ગઈ. અઝીઝ તેને જતી જોઈ રહ્યો.

(ક્રમશ:) 


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 02:11 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK