Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૮)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૮)

Published : 01 March, 2026 04:19 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

જે દિવસે અઝીઝ, તેની બેગમ મહઝબીન, અચ્યુત અને અક્ષરા યૉટ પર ગયાં એ દિવસે અચ્યુતે કરેલા ગેરવર્તન માટે માફી માગવા અક્ષરાએ અઝીઝને ફોન કર્યો હતો, ‘આઇ ઍમ રિયલી સૉરી.’ અક્ષરાએ કહ્યું હતું.

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


કથા કંઈ હમણાં, અચ્યુત અને અક્ષરા ‘ખોર ફક્કાન’ આવ્યાં ત્યારે શરૂ નહોતી થઈ. આ કથા તો શરૂ થઈ હતી છેક મૉરિશ્યસમાં. મહિનાઓ પહેલાં.

જે દિવસે અઝીઝ, તેની બેગમ મહઝબીન, અચ્યુત અને અક્ષરા યૉટ પર ગયાં એ દિવસે અચ્યુતે કરેલા ગેરવર્તન માટે માફી માગવા અક્ષરાએ અઝીઝને ફોન કર્યો હતો, ‘આઇ ઍમ રિયલી સૉરી.’ અક્ષરાએ કહ્યું હતું.



‘તમારે શેની માફી માગવાની? ખરેખર તો મને તમારા માટે સૉરી ફીલ થાય છે.’ અઝીઝે પોતાનાં પાસાં ફેંક્યાં હતાં, ‘જન્નતની હૂર જેવી, મીણની પૂતળી જેવી પત્નીની કદર નથી. તેને ભરોસો નથી તમારા પર? પતિ છે કે પોલીસ? આટલી ચોકીદારી તો મારા ગાર્ડ નથી કરતા...’ તે કહેતો રહ્યો ને અક્ષરા સાંભળતી રહી. એ વખતે તો અક્ષરાએ કોઈ પણ રીતે અચ્યુતનો બચાવ કરીને વાત વાળી લીધી હતી, પરંતુ અઝીઝે એ દિવસે અક્ષરાના મગજમાં ઝેરનું બી વાવી દીધું.


એ રાત્રે જ્યારે સહુ ડિનર પર મળ્યાં ત્યારે લાખો રૂપિયાનું બ્રેસલેટ મહઝબીન પાસે ગિફ્ટ અપાવીને અઝીઝે મિડલ ક્લાસમાં ઊછરેલી અક્ષરાની આંખોમાં સિતારા ચમકતા જોઈ લીધા હતા. એ પછી ફોનનો સિલસિલો શરૂ થયો. અચ્યુતની ગેરહાજરીમાં અક્ષરાને ફોન કરીને અઝીઝ જાતભાતની વાતો કરતો. દુનિયાના દેશોની સુંદરતા– પ્રવાસના વર્ણન કરીને અક્ષરાને સપનાં વેચવા લાગેલો અઝીઝ પુરાણો ખેલાડી હતો. કઈ સ્ત્રીને કેમ ફસાવવી એની અઝીઝને હથોટી હતી. તે અવારનવાર ગિફ્ટ મોકલતો. મોંઘી, બ્રૅન્ડેડ ચીજોથી–તેની વાતોથી અક્ષરા આકર્ષાવા લાગી હતી.

એક દિવસ અચ્યુત દિલ્હી ગયો ત્યારે અક્ષરાને મળવા છેક શારજાહથી મુંબઈ આવીને અઝીઝે તેને સુપર સરપ્રાઇઝ આપી હતી. મુંબઈના વિખ્યાત ઝવેરીની દુકાનમાંથી બાવન લાખનો ડાયમન્ડનો સેટ, લુઈ વિત્તોંની બૅગ, અરમાની અને ગૂચીની દુકાનમાં ઢગલાબંધ ખરીદી કરાવીને પાછા જઈ રહેલા અઝીઝે વિસ્પરિંગ વૉઇસમાં અક્ષરાના કાનમાં પૂછ્યું હતું, ‘મારા ગરીબખાનાને રોશન કરીશ?’


‘ના’ પાડવાનો સવાલ જ નહોતો!

એ પછી જે બન્યું એ અકલ્પ્ય, આઘાતજનક હતું. અચ્યુતને લાગ્યું કે અઝીઝે જબરજસ્તી તેની પત્નીને કેદ કરી દીધી છે, પરંતુ આ પ્લાન તો મુંબઈથી નીકળતાં પહેલાં જ નક્કી થઈ ચૂક્યો હતો. અક્ષરા પાછી મુંબઈ નહીં આવે–અચ્યુતને કઈ રીતે મૂર્ખ બનાવીને ધકેલી દેવો એ બધું તેમના પ્લાનમાં હતું, પરંતુ અક્ષરાની મા આવી ફરિયાદ કરીને પોલીસને ઇન્વૉલ્વ કરી શકે એવું વિચારવાનું બન્ને જણ ચૂકી ગયાં. એટલું ઓછું હોય એમ અક્ષરાના ખૂનનો આરોપ મૂકીને સુશીલાએ મામલો એવો ગૂંચવ્યો કે મીડિયા અને પોલીસ બેઉ દોડતાં થઈ ગયાં. અઝીઝથી અંજાયેલી અને તેણે જે જિંદગીનાં સપનાં બતાવ્યાં એવી પરીકથાની જિંદગી જીવવા માટે લલચાઈ ગયેલી અક્ષરાએ એટલો વિચાર પણ ન કર્યો કે એના આ બેવકૂફીભર્યા પગલાને કારણે પાછળ શું થશે?

‘તાઈ.’ રાકેશનો અવાજ સાંભળીને ઊંડા વિચારમાં બેઠેલી પ્રેમલતાના કાન સરવા થઈ ગયા.

‘મને હતું જ કે તું આવ્યા વગર નહીં રહે...’ પ્રેમલતા ઊભી થઈને રાકેશને ભેટી.

‘કેમ ન આવું? જ્યારે અમારે જરૂર હતી ત્યારે તમે અડધી રાતે ઊભાં રહ્યાં છો. આજે તમારે જરૂર છે ત્યારે...’ રાકેશ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં પ્રેમલતાથી ડૂસકું મુકાઈ ગયું. અત્યાર સુધી હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરી રહેલી એક સોશ્યલ વર્કર અચાનક મા બની ગઈ. રાકેશે તેને થોડી વાર રડવા દીધી. પછી તેના બન્ને હાથ પકડીને સધિયારો આપ્યો, ‘તાઈ... જે ગુનેગાર છે તેને પણ આપણે બચાવ્યા છે તો અચ્યુતને નહીં બચાવું?’ રાકેશે સ્નેહથી પ્રેમલતાની આંખોમાં જોયું, ‘તમને ભરોસો નથી મારો?’ પ્રેમલતાએ રડતાં-રડતાં ડોકું ‘હા’માં ધુણાવ્યું, ‘બેસો! મને શરૂઆતથી અંત સુધીની બધી વિગતો આપો.’ રાકેશે પૂરા ધ્યાન અને ફોકસથી પ્રેમલતાને સાંભળવાનું શરૂ કર્યું. વચ્ચે-વચ્ચે મહત્ત્વના પ્રશ્નો પૂછી રહેલો રાકેશ પોતાની ડાયરીમાં નોંધ કરી રહ્યો હતો. તેણે અચાનક પૂછ્યું, ‘મને એક વાત કહો, આ અક્ષરા... કેવી બાઈ છે?’

‘મને કદી તેનામાં કંઈ વાંધાજનક લાગ્યું નથી.’ પ્રેમલતાએ કહ્યું, ‘સુખી હતાં, બન્ને જણ. આમ તો પ્રેમથી રહેતાં હતાં...’ પ્રેમલતા થોડી વાર વિચારતી રહી. રાકેશે પણ મૌન રહીને એને વિચારવા દીધું. પ્રેમલતાએ ધીમેથી કહ્યું, ‘નાની છે, અચ્યુતથી. થોડી બાલિશ, થોડી ઇમૅચ્યોર, થોડી બેવકૂફ...’

‘તાઈ! મને પહેલી નજરે જે દેખાયું એમાં અચ્યુત નિર્દોષ લાગે છે.’ રાકેશે ચશ્માં કાઢીને ટેબલ પર પડેલા ટિશ્યુથી લૂછ્યાં, ‘એને કંઈ કરવું જ હોત તો છેક ત્યાં લઈ જઈને શા માટે...’ બન્ને જણ થોડી વાર ચૂપ થઈ ગયાં. પ્રેમલતાના મનમાં પણ આ જ સવાલ ઘૂંટાયા કરતો હતો. રાકેશે આગળ કહ્યું, ‘બે શક્યતા છે, પહેલી આ શેખ.’ તેણે આંખો મીંચીને નામ યાદ કરવાનો પ્રયત્ન કર્યો, ‘અઝીઝ ઑર વૉટેવર. સાચે જ હરામખોર છે. તેણે અક્ષરાને ફસાવી છે, કેદ કરી લીધી છે.’ તે થોડી વાર પ્રેમલતાની સામે જોઈ રહ્યો. સત્ય કહેવું કે નહીં એવા નિર્ણય પર આવતાં રાકેશને થોડી ક્ષણો લાગી. તેણે હિંમત કરીને કહી નાખ્યું, ‘ને બીજી શક્યતા એ છે કે તમારી બાલિશ, બેવકૂફ પુત્રવધૂ તેની મરજીથી ત્યાં રોકાઈ ગઈ હોય.’ પ્રેમલતાની આંખો પહોળી થઈ ગઈ. તે કંઈ બોલે એ પહેલાં રાકેશે હાથ ઊંચો કરીને તેમને રોક્યાં, ‘વકીલ છું. શક્યતાનો એક પણ દરવાજો ખખડાવવાનો બાકી નહીં રાખું. ક્રિમિનલ કેસિસ લડતાં-લડતાં એટલું શીખ્યો છું કે જે સૌથી નિર્દોષ લાગતું હોય તે મોટે ભાગે નિર્દોષ નથી હોતું. શકની સોય જેના પર જાય જ નહીં એવા લોકોને ભયાનક ગુનો કરતા જોયા છે મેં.’

રાકેશ અને પ્રેમલતા થોડી વાર એમ જ ચૂપચાપ બેસી રહ્યાં. પ્રેમલતા કંઈકેટલાય પ્રસંગોમાં ફરી આવી. સુંદર, આકર્ષક અને નિર્દોષ દેખાતી તેની પુત્રવધૂ ખરેખર પોતાના પતિને આવી રીતે છેતરીને જતી રહી શકે એ વાત હજી તેનું મન માનવા તૈયાર નહોતું, ‘એવું કરવાથી તેને શું મળે?’ પ્રેમલતાએ પૂછ્યું, ‘સીધાસાદા ડિવૉર્સ માગીને તેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકેને?’

રાકેશ હસી પડ્યો, ‘અક્ષરાએ ડિવૉર્સ માગ્યા હોત તો અચ્યુતે એવા સીધાસાદા ડિવૉર્સ આપી દીધા હોત?’ પ્રેમલતા તેની સામે જોઈ રહી, ‘ડિવૉર્સમાં કેટલાં વર્ષ લાગે? અચ્યુત ન માને તો? અહીંથી ઑફિશ્યલી શારજાહ જાય તો એ માણસ પણ તેને રાખે કે નહીં?’ પ્રેમલતાના મગજમાં આ સવાલો હથોડીની જેમ ઝિંકાઈ રહ્યા હતા. રાકેશે આગળ કહ્યું, ‘તાઈ, મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. આ પ્રેમપ્રકરણ નથી.’ પ્રેમલતાના મગજમાં અચાનક બત્તી થઈ, ‘તમે તો સમજી શકશો. ફોકલૅન્ડ રોડથી શરૂ કરીને ફાઇવસ્ટાર હોટેલની એસ્કોર્ટ સુધી બધાને ઓળખો છો તમે...’ રાકેશે નિઃસાસો નાખ્યો, ‘આઇ રિયલી હોપ કે હું જે ધારું છું એવું ન હોય. બાકી અક્ષરા ઇઝ ઇન ફૉર અ બિગ ટ્રૅપ.’

‘તારા ખૂનનો આરોપ છે તેના પર.’ અઝીઝે કહ્યું. તેનો હાથ અક્ષરાની પીઠ પર, ગળા પર, ગાલ પર ફરી રહ્યો હતો. હજી હમણાં જ માણેલી ઉન્માદની ક્ષણો પછી બન્ને એકબીજાની બાજુમાં સૂતાં હતાં. અક્ષરાની આંગળીઓ અઝીઝની રુંવાટીવાળી છાતીમાં ફરી રહી હતી. અઝીઝ તેના ઘૂંઘરાળા વાળની સ્પ્રિંગ્સમાં પોતાની આંગળીઓ ફસાવતો અને કાઢતો હતો, ‘યૉર હસબન્ડ ઇઝ ઇન ફૉર અ બિગ ટ્રબલ.’

‘તો?’ અક્ષરાએ જે રીતે પૂછ્યું એનાથી અઝીઝ જેવા ખૂંખાર અપરાધીને પણ સહેજ આશ્ચર્ય થયું, ‘હું શું કરું?’

‘જેલમાં જશે તારો વર.’ અઝીઝે કહ્યું, ‘કરીઅર અને જિંદગી બન્ને ખતમ થઈ જશે બિચારાની.’ અચ્યુત નીકળ્યો એ વખતે તેના ચહેરા પર જે અસહાયતા અને આક્રોશ હતા અને અઝીઝે દગો કર્યાનો આઘાત જે રીતે તેની આંખોમાંથી આંસુ બનીને વહી રહ્યો હતો એ ચહેરો, એ આંખો અને એના ભાવ અઝીઝને રહી-રહીને યાદ આવતાં હતાં, ‘તેનો ચહેરો મારા ઝહેનમાંથી જતો નથી.હેરો મારા  હ્યો હતો, ’ અઝીઝથી કહેવાઈ ગયું. તેના જેવા ક્રૂર માણસને પણ અત્યારે અચ્યુતની દયા આવી ગઈ. તે ઘણી સ્ત્રીઓને અહીં લાવ્યો હતો. પટાવીને, ફસાવીને, છેતરીને, બળજબરીથી... પણ અક્ષરાએ જે રીતે તેના પતિને છોડ્યો એ કિસ્સાથી અઝીઝ પણ ડઘાઈ ગયો હતો. તેણે આજ સુધી આવી હરામખોર, સ્વાર્થી અને ક્રૂર સ્ત્રી જોઈ નહોતી!

‘જતી રહું પાછી?’ અક્ષરા બેઠી થઈ ગઈ. તેના શરીર પર અત્યારે અંતઃવસ્ત્ર સિવાય કંઈ નહોતું. તેની ગોરી, લીસી ત્વચા રૂમની ખાસ ડિઝાઇન કરેલી લાઇટમાં ચળકતી હતી, ‘તારું મન ભરાઈ ગયું લાગે છે? પીછો છોડાવવો છે મારાથી?’ તેણે તીખા અવાજમાં પૂછ્યું.

અઝીઝ હસી પડ્યો. તેની આંખોમાં ઉપાલંભ હતો, ‘મારું નામ અઝીઝ શેખ છે. પીછો છોડાવવો હોય તો બહાનાં કાઢવાની જરૂર નથી મારે...’ તેની આંખો બદલાઈ ગઈ. અત્યાર સુધી જે આંખોમાં મસ્તી અને આકર્ષણ હતાં એ આંખો જાણે કોઈ શિકારી, લોહીતરસ્યા વાઘની આંખોમાં ફેરવાઈ ગઈ, ‘હું ઇચ્છું તો પાંચ જ મિનિટમાં મારા માણસો તારી લાશને આ જ એસ્ટેટમાં ક્યાંક દફન કરી દેશે. તું તો ખોવાયેલી જ છે... કોઈ અહીં સુધી શોધવા નહીં આવી શકે...’ કહીને તે પલંગમાંથી ઊભો થઈ ગયો. અક્ષરા કશું કહી શકે એ પહેલાં અઝીઝે નીચે પડેલાં કપડાં ઉપાડી લીધાં. અદ્ભુત ઇન્ટીરિયર કરેલા રૂમની સાથે જોડાયેલા ડ્રેસિંગરૂમ તરફ જતાં-જતાં તેણે કહ્યું, ‘બહુ સ્ત્રીઓ જોઈ છે મેં... પણ તારા જેવી સ્વાર્થી અને હરામખોર સ્ત્રી જિંદગીમાં પહેલી વાર જોઈ.’

અક્ષરા તેને જતો જોઈ રહી. તેના ચહેરા પર ક્ષણભર માટે ગુસ્સાના ભાવ આવ્યા, પણ તેણે સ્વયંને નિયંત્રણમાં લઈને શાંત થવાનો પ્રયત્ન કર્યો. અચ્યુત હોત તો આવું કશું બોલવા બદલ અક્ષરાએ તેની શું સ્થિતિ કરી હોત એ વિચાર આવતાં જ અક્ષરાના દાંત ભીંસાઈ ગયા. તે ઊભી થઈ. અઝીઝની પાછળ જઈને તેણે તેનો હાથ પકડીને અઝીઝને પોતાની તરફ ફેરવ્યો, ‘અચ્છા? તો હું એકલી ગુનેગાર છું? આ પ્લાન તારો હતો.’ અક્ષરાનો ચહેરો લાલ થઈ ગયો, ‘તેં બોલાવી તો આવી છું...’

‘હા! મેં બોલાવી...’ અઝીઝના ચહેરા પર એક લુચ્ચું, ખંધું સ્મિત આવી ગયું, ‘પણ આપણે બન્ને જાણીએ જ છીએ કે તું શું જોઈને દોડી આવી છે...’ આટલું સાંભળતાં જ અક્ષરાના શરીરમાં ઝાળ લાગી ગઈ. જે પોતાને હથેળીમાં પગ મુકાવતો હતો, નાનામાં નાની ઇચ્છા પૂરી કરવા માટે આકાશ-પાતાળ એક કરતો હતો એવા અચ્યુતને છોડીને અહીં આવવાનો નિર્ણય તેનો પોતાનો હતો. અઝીઝને એક થપ્પડ મારવાની ઇચ્છા થઈ તેને, ‘આપણી વચ્ચે કોઈ લૈલા-મજનૂનો પ્રેમ નથી.’ કહીને અઝીઝે પોતાનો હાથ છોડાવ્યો. તેણે ફરી પાછા ડ્રેસર તરફ જવા માંડ્યું, ‘ઔકાતમાં રહીશ તો ફાયદામાં રહીશ.’

અક્ષરાએ રંગ બદલીને અઝીઝને પાછળથી પકડી લીધો, ‘ખરાબ લાગ્યું? સૉરી...’ કહેતાં તેની જીભ પર મણનું વજન પડ્યું, પણ તેણે કહી નાખ્યું, ‘એક વાર નિકાહ થઈ જાય તો તને ફરિયાદની કોઈ તક નહીં આપું.’

‘નિકાહ?’ અઝીઝ ખડખડાટ હસી પડ્યો. અક્ષરાને ખૂબ અપમાન લાગ્યું, પણ તે ચૂપ રહી. અઝીઝે તેની આંખોમાં જોયું, ‘અચ્યુતની જે હાલત કરી તેં, એ જોયા પછી હું તારી સાથે નિકાહ કરીશ એવો ખયાલી પુલાવ પકાવવાનું છોડી દે. તું મારા ભરોસે આવી છે, કાઢી નહીં મૂકું. બાકી અલ્ફાઝ અને આરઝૂ પર કાબૂ રાખજે.’ કહીને અઝીઝ ચાલ્યો ગયો. અક્ષરા ત્યાં જ ઊભી રહી ગઈ. અઝીઝની વાત માનીને અહીં આવીને પોતે ભૂલ કરી હતી એવું તેને આ ક્ષણે સમજાયું, પણ હવે કશું થઈ શકે એમ નહોતું. મુંબઈમાં અચ્યુતનો કેસ જે રીતે મીડિયાએ ઉછાળ્યો હતો એ પછી અક્ષરાએ પોતે જ પાછા ફરવાના બધા રસ્તા બંધ કરી દીધા હતા કદાચ!

‘બીજા કોઈને કહો કે નહીં, પણ મને તો સાચું કહેવું જ પડશે...’ લૉકઅપમાં ખુરસી નાખીને બેઠેલો રાકેશ વિરમાણી MA કે PhDના સ્ટુડન્ટ જેવો દેખાતો હતો. માંડ ત્રીસ-બત્રીસનો આ છોકરો મુંબઈ શહેરના નામાંકિત ક્રિમિનલ લૉયર્સમાં પોતાની જગ્યા ઊભી કરી ચૂક્યો હતો. ગરીબી અને અપમાનમાં ઊછરેલો આ છોકરો કદાચ એટલે જ હજી ખૂબ નમ્ર અને સહજ રહી શક્યો હતો. અપૂરતા પોષણમાં ઊછરેલો રાકેશ હજી દૂબળો, પાતળો અને ઓછી ઊંચાઈ ધરાવતો, ટોળામાં ભળી જાય એવો સામાન્ય દેખાવ ધરાવતો માણસ હતો. તેનું આ વ્યક્તિત્વ સામેના માણસને તેના વિશે તદ્દન ખોટી ઇમ્પ્રેશન આપીને ગૂંચવી નાખતું. આવો, છોકરડા જેવો દેખાતો વકીલ શું પેરવી કરશે એમ વિચારીને સામેનો માણસ તેને હળવાશથી લેતો પરંતુ રાકેશની જિનીયસ તેના શરીરમાં નહીં, તેના મગજમાં હતી. કેટલીયે કાનૂની કલમો તેને મોઢે હતી. અનેક ચુકાદાઓનાં ઉદાહરણ તે ફટાફટ ટાંકી શકતો. સામાન્ય માણસને સૂઝે પણ નહીં એવી દલીલો અને મુદ્દા તેને ચપટી વગાડતાંમાં સૂઝી આવતા. અત્યારે તેની આંખોમાં અચ્યુત માટેની સહાનુભૂતિ સ્પષ્ટ ઝળકતી હતી. જે સ્ત્રીએ અનેક લોકોની જિંદગી સુધારી, વિદ્યાર્થીઓને ભણાવ્યા, સ્ત્રીઓને ન્યાય અપાવ્યા એવી સ્ત્રીનો દીકરો પોતાની પત્ની સાથે કંઈ ખોટું ન જ કરી શકે એવા વિશ્વાસ સાથે તે અચ્યુતને બચાવવા મેદાનમાં ઊતર્યો હતો. આટલી નાની ઉંમરમાં તેણે જે દુનિયા જોઈ હતી એનાથી રાકેશ એટલું ચોક્કસ સમજ્યો હતો કે બે ટકા શક્યતા દરેક જગ્યાએ બાકી રાખવાની. એ ન્યાયે તેણે પૂછી નાખ્યું, ‘વકીલ અને ડૉક્ટરથી કંઈ નહીં છુપાવવાનું. સાંભળ્યું છેને?’ કહીને તેણે પોતાના હાથમાં પકડેલો ચાનો ગ્લાસ આગળ ધર્યો, ‘લો, ચા પીઓ.’ તેણે કહ્યું.

‘હું કંઈ નથી છુપાવતો.’ અચ્યુતે કહ્યું. તેનું ગળું ભરાઈ આવ્યું, આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘ઊલટાની મારે અક્ષરાને પાછી લાવવી છે. હું તેના વગર જીવી નહીં શકું.’ કહેતાં-કહેતાં તેની આંખમાંથી બે-ચાર આંસુ ટપકી પડ્યાં.

‘મારી વાત સમજવાની કોશિશ કરજો.’ રાકેશે સમજાવવાનું શરૂ કર્યું, ‘એક પણ પુરાવો આપણી ફેવરમાં નથી.’ અચ્યુતે નિરાશામાં ડોકું ધુણાવ્યું. રાકેશ કહેતો રહ્યો, ‘બે જણની ટિકિટ હોવી જોઈએ, નથી. બોર્ડિંગ પાસ તમારા એકલાનો છે. આ બધું ઓછું હોય એમ તમે લોકલ પોલીસનો પણ કૉન્ટૅક્ટ નથી કર્યો.’ અચ્યુત કંઈ બોલે એ પહેલાં રાકેશે કહ્યું, ‘આઇ નો. આઇ નો. મેં તમારું સ્ટેટમેન્ટ વાંચ્યું છે. તમને જબરદસ્તી પ્લેનમાં બેસાડી દેવામાં આવ્યા.’ સહેજ અટકીને રાકેશે કહ્યું, ‘સૌથી પહેલાં તો આપણે અઝીઝના મહેલનાં CCTV ફુટેજ તપાસવા માટે પરમિશન જોઈશે. શારજાહની લોકલ પોલીસ કો-ઑપરેટ નહીં કરે. UAE સાથે આપણી ટ્રીટી નથી એટલે એમ્બેસી થ્રૂ રિક્વેસ્ટ આપવી પડશે. બહુ જ સમય જશે, છતાં રિઝલ્ટ મળવાનું કોઈ વચન તો નથી જ.’ રાકેશના અવાજમાં ખાસ્સી નિરાશા હતી. અચ્યુત ચૂપચાપ માથું ઝુકાવીને બેઠો હતો. બન્ને જણ થોડી વાર મૌન બેસી રહ્યા.

પોતપોતાની ગડમથલમાં ગૂંચવાયેલા બન્ને જણ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળવું એનો વિચાર કરી રહ્યા હતા ત્યાં જ કૉન્સ્ટેબલ અંદર આવ્યો, ‘મિહિર પાઠક મળવા આવ્યા છે.’ અચ્યુત ચોંકીને ઊભો થઈ ગયો. મિહિરે તેને આપેલી ચિઠ્ઠી અચ્યુતને યાદ આવી ગઈ.

‘મારે તેને મળવું છે.’ અચ્યુતે કહ્યું.

‘અત્યારે નહીં.’ રાકેશે કહ્યું, ‘પહોંચેલો માણસ છે. તેને કંઈ પણ કહેશો એના TRP બનાવી દેશે.’

‘તે મારી મદદ કરવા તૈયાર છે.’ અચ્યુતે કહ્યું, ‘તેણે કોર્ટમાં મને ચિઠ્ઠી આપી હતી. જો હું સાચો હોઉં તો મારી મદદ કરશે.’

‘કેમ?’ રાકેશે પૂછ્યું, ‘તેને શું ઇન્ટરેસ્ટ છે?’

‘નથી જાણતો.’ અચ્યુતે કહ્યું, ‘પણ અત્યારે મને મદદ કરવા માગતા કોઈ પણ માણસને મળવા, તેની સાથે વાત કરવા તૈયાર છું હું.’ તેણે રાકેશના હાથ પકડી લીધા, ‘અંધારામાં ચલાવેલું કોઈ તીર અચાનક નિશાના પર લાગી જાય તો આપણે માટે કોઈ દિશા, કોઈ દરવાજો ખૂલી શકે છે... પ્લીઝ.’ અચ્યુતે હાથ જોડ્યા.

રાકેશ વિચારમાં પડ્યો. મિહિર પાઠકનો ટ્રૅક-રેકૉર્ડ બહુ પ્રેરણાદાયી નહોતો. સ્કૂપ મેળવવા મિહિર કંઈ પણ કરી શકે એ સૌ જાણતા હતા. અચ્યુતના કિસ્સામાં મિહિર ખરેખર મદદરૂપ થવા માગે છે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે મદદરૂપ થવાનો ડોળ કરે છે એ નક્કી કર્યા પહેલાં તેને મળીને કેસ બગડી તો નહીં જાયને એ શંકાએ રાકેશને ગૂંચવી નાખ્યો.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 04:19 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK