Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૧)

બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૧)

Published : 23 November, 2026 05:46 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘શક્ય હોય એટલી ઓછી હેલ્પ લેવાય એ સૌના હિતમાં છે અને જો હેલ્પ લેવી પડે તો બધી વાત કરવી જરૂરી નથી...’ સોમચંદે હાથ લંબાવ્યો, ‘ઑલ ધ ગુડ લક.’

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


બોરીવલી પર શિયાળાનો કુમળો તડકો હજુ તો માંડ પ્રસરી રહ્યો હતો, પણ બચુભાઈ બમ્બાટના ઘરનું કિચન અને ડાઇનિંગ ટેબલ ધમધમવા માંડ્યાં હતાં. અહીં સાડાચાર વાગ્યામાં સવાર પડતી. દીકરી પાયલને લઈને બચુભાઈ સવારમાં નૅશનલ પાર્ક પહોંચી જતા. પાયલની સેલ્ફ-ડિફેન્સની પ્રૅક્ટિસ તો હવે પૂરી થઈ ગઈ હતી પણ બચુભાઈ માનતા કે લોખંડ અને લોખંડી કાયા બન્ને સરખાં, જો એનો વપરાશ ન થાય તો એના પર કાટ ચડે જ ચડે.

‘જ્યોતિ, તમારા માટે ફાફડા લાવ્યો છું... ગરમાગરમ.’



ઘરમાં આવતાંની સાથે જ બચુભાઈ બોલ્યા અને તેમણે પાયલને પણ સાદ કર્યો, ‘પાયલ, જલેબી પણ છે.’


‘આવી...’ રૂમમાંથી બહાર આવેલી પાયલના ચહેરા પર ચમક આવી ગઈ હતી, ‘તમને યાદ હતું, આજે મારો ચીટ-ડે છે?’

‘જો તું મારી આટલી વાત માનતી હો, યાદ રાખતી હો તો એકાદ વાત યાદ રાખવા પૂરતી તો તસ્દી હું લઈ જ શકુંને?’


બચુભાઈએ ડાઇનિંગ ટેબલ પર પૅકેટ ખોલવાનું શરૂ કર્યું.

‘જ્યોતિ, તમે આવો... હિક...’ અચાનક બચુભાઈને હિચકી આવી, ‘આ અત્યારમાં... હિક... કોણ યાદ... હિક...’

બચુભાઈએ પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને પાયલ ખડખડાટ હસી પડી.

‘બચુભાઈ, નક્કી કોઈ તમારી જૂની હિરોઇન જ હશે. કદાચ એ જેને તમે ખીણમાં પડતાં બચાવી હતી.’

અનાયાસ બચુભાઈનું ધ્યાન જ્યોતિ તરફ ગયું અને જ્યોતિનું ધ્યાન બચુભાઈ પર. બન્નેની આંખ સામે ત્રીસ વર્ષ પહેલાંનો એ ભૂતકાળ ક્ષણવાર માટે આવી ઓલવાઈ ગયો.

‘તને પણ મશ્કરી સૂઝે... હિક... હિક...’

બચુભાઈ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં ફરી એક વાર અગાઉ કરતાં વધારે જોરદાર હિચકી આવી અને જ્યોતિના ચહેરા પર સ્માઇલ આવ્યું.

‘સાચું જ લાગે છે. કોઈ ફસાયું હશેને તમને યાદ કરતું હશે.’

ગ્લાસ ટેબલ પર મૂકતાં બચુભાઈના કપાળ પર કરચલીઓ પડી.

‘આ સવાર-સવારમાં હિક... આટલું યાદ કોણ... હિક... કરે છે?’

lll

‘તમે જે માનો એ, હું કહું છું આ કામ બચુભાઈ સિવાય બીજું કોઈ ન કરી શકે.’

ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલા મુંબઈ પોલીસના હેડક્વૉર્ટરની ચેમ્બરમાં મુંબઈના પોલીસ-કમિશનર વિશ્વનાથ રાવ અને ડિટેક્ટિવ સોમચંદ બેઠા હતા.

‘સોમચંદ, તું પરિસ્થિતિની ગંભીરતા સમજે છેને?’ કમિશનર રાવે પોતાનો અવાજ શક્ય એટલો નીચો રાખીને કહ્યું, ‘બચુભાઈને આ કામ કેવી રીતે સોંપી શકાય? એ અણઘડ માણસ છે.’

‘આ કામમાં અણઘડ માણસ જ જોઈશે સર... તમે સમજવાની કોશિશ કરો.’ સોમચંદે તર્ક સાથે કહ્યું, ‘હું... મારો ફેસ જાણીતો છે. જો હું આ મિશન પર કામ કરીશ તો કલાકમાં ખબર પડી જશે. બીજી વાત, ડિટેક્ટિવ ઘટના પછીની તપાસ માટે હોય અને તમને ખબર છે, અત્યારે આ ઘટનાની શરૂઆત છે. હોમ મિનિસ્ટર અને તેના સેક્રેટરીને મૉર્નિંગ વૉકમાંથી કિડનૅપ કર્યાને હજુ એક કલાક થયો છે.’

‘સોમચંદ મને જબરદસ્ત સ્ટ્રેસ આવે છે. આ વાત જો મીડિયામાં લીક થઈ તો કલાકમાં આખું મહારાષ્ટ્ર ભડકે બળશે. શૅરબજાર તૂટશે અને સરકાર રાતોરાત પડી ભાંગશે.’ કમિશનરે સોમચંદની સામે જોયું, ‘સૌથી મોટો પ્રૉબ્લેમ તો હવે શરૂ થયો છે. અડધો કલાક પહેલાં મંત્રાલયની હૉટલાઇન પર એક એન્ક્રિપ્ટેડ કૉલ આવ્યો. કિડનૅપર્સ બ્લૅક શૅડો નામના ઇન્ટરનૅશનલ ટેરરિસ્ટ સ્લીપર સેલના માણસો છે. એની શરત એક જ છે... કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં, એટલે કે છત્રીસ કલાકમાં આર્થર રોડ જેલમાં છે એ તેમના માસ્ટરમાઇન્ડ ઝફરને છોડવામાં આવે.’

કમિશનર રાવ ઊભા થઈને બારી પાસે ગયા પણ તેમની વાત કન્ટિન્યુ રહી.

‘સોમચંદ, ક્રાઇમ બ્રાન્ચ કે એટીએસની ટીમ ઉતારી શકાય એમ નથી, એટલે જ તને કહું છું, તું માન મારી વાત...’

‘બચુભાઈ...’

સોમચંદ આગળ કંઈ કહે એ પહેલાં જ રાવનો અવાજ મોટો થયો.

‘બચુભાઈ ભૂલી જજે, જૂના જમાનાના ફિલ્મી ઍક્શન ડિરેક્ટર નહીં ચાલે. સોમચંદ, આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, આ ટેરરિસ્ટ સાથે સીધા લડવાનું છે.’

‘એટલે જ કહું છું સર...’ સોમચંદે આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘બચુભાઈનો કોઈ પોલીસ રેકૉર્ડ નથી.તે એક સામાન્ય માણસ લાગે છે, પણ તેની નસમાં સ્ટન્ટમૅનનું લોહી છે. તેણે પડદા પર અને અસલી જિંદગીમાં મોતને નજીકથી જોયું છે. તેનું દિમાગ નિયમ પર નહીં પણ કોઠાસૂઝથી ચાલે છે, જેનો અંદાજ ટેરરિસ્ટ ક્યારેય લગાવી નહીં શકે. તમે આ કામ બચુભાઈને સોંપો, હું બહાર રહીને તેને જે હેલ્પની જરૂર હશે એ કરીશ.’

કમિશનર રાવે ઊંડો શ્વાસ લીધો.

‘ઠીક છે, સોમચંદ. જો તને વિશ્વાસ હોય તો અત્યારે જ તેને કામ પર લગાડી દે... આપણી પાસે સમય નથી.’

lll

‘બચુભાઈ...’

કમિશનરની ઑફિસની બહાર નીકળીને સોમચંદ શાહે પહેલું કામ ફોન કરવાનું કર્યું.

‘ઓહો... સોમચંદસાહેબ, તો તમારે લીધે મને હિચકી આવતી હતી...’
હસતાં-હસતાં બચુભાઈએ કહ્યું, ‘આવો ઘરે ચા પીવા...’

‘બચુભાઈ, ચા પીવાનો સમય નથી. હું ક્રૉફર્ડ માર્કેટથી નીકળું છું. ટર્મિનલ વન પર મળીએ, અર્જન્ટ કામ છે અને સાંભળો...’ સોમચંદે આજુબાજુમાં જોયું, ‘કોઈને ખબર ન પડવી જોઈએ, ઘરેથી એવું જ કહીને નીકળો કે બે દિવસ બહારગામ જવાનું છે. કારણ જે આપવું હોય એ...’

સોમચંદના અવાજમાં રહેલી ગંભીરતા પારખી બચુભાઈ ઊભા થયા.

‘પાયલ, કદાચ બે દિવસ બહાર રહેવું પડે...’ બચુભાઈએ દીકરી સામે જોયું, ‘તારું ને તારી મમ્મીનું ધ્યાન રાખજે...’

‘તમે તમારું... ક્યાંય જરૂર પડે તો...’ બચુભાઈના બદલાયેલાં રંગરૂપને પાયલે પારખી લીધાં હતાં, ‘આ સોલ્જર હાજર થઈ જશે...’

પાયલના માથા પર હાથ મૂકી બચુભાઈ ઘરેથી નીકળી ગયા.

lll

સોમચંદે પંદર મિનિટમાં આખી ઘટનાનો ચિતાર બચુભાઈ સામે મૂકી દીધો. હોમ મિનિસ્ટર સદાનંદ સાવંત અને સેક્રેટરી રાઘવ કુલકર્ણીનું અપહરણ, આતંકવાદીઓની છત્રીસ કલાકની ડેડલાઇન અને આર્થર રોડ જેલમાંથી ઝફરને છોડાવવાની માગણી.

‘હવે આ કામ તમારે સંભાળી લેવાનું છે બચુભાઈ, જરૂર પડે ત્યાં હું તમારી સાથે ખરો... પણ સામે નહીં આવી શકું.’

‘ભાઈ, આ મારું કામ નથી...’ બચુભાઈ વાસ્તવિકતા સમજી ગયા હતા, ‘અગાઉ જે કંઈ કર્યું, જે કંઈ થયું એ અનાયાસ હતું અને સાચું કહું તો એ દરેક વખતે મારા પરિવારમાંથી કોઈ ને કોઈ જોડાયેલું હતું. આ...’

‘પરિવાર જોડાય ત્યારે જ દેશદાઝ જાગે, બચુભાઈ?’ સોમચંદના શબ્દોએ બચુભાઈની વાચા હણી લીધી, ‘બચુભાઈ, જીવનમાં કેટલીક તક ઈશ્વર આપતો હોય છે, જાતને પ્રૂવ કરવા અને પરિવારને ગર્વ લેવા... તમે ના પાડી શકો છો પણ જો તમારી જગ્યાએ હું હોઉં તો...’

‘બીજા કોઈની હેલ્પ લઈ શકાય?’

બચુભાઈ ઊભા થયા.

‘શક્ય હોય એટલી ઓછી હેલ્પ લેવાય એ સૌના હિતમાં છે અને જો હેલ્પ લેવી પડે તો બધી વાત કરવી જરૂરી નથી...’ સોમચંદે હાથ લંબાવ્યો, ‘ઑલ ધ ગુડ લક.’

lll

મરીન ડ્રાઇવની શાંત ગલીમાં, જ્યાં સવારે હોમ મિનિસ્ટરની કાર ઊભી હતી ત્યાં, પોલીસના બે અધિકારી સિવિલ ડ્રેસમાં તૈનાત હતા. સોમચંદે સૂચના આપી દીધી હતી કે બચુભાઈને કોઈ રોકે નહીં. બચુભાઈએ ગાડીની આસપાસ ચક્કર લગાવ્યું. તેમની નજર સીધી ગાડીના આગળના દરવાજા અને ડૅશબોર્ડ પર પડી.

ડ્રાઇવરની બાજુની સીટમાં, જ્યાં સેક્રેટરી રાઘવ બેસતો ત્યાં, ડૅશબોર્ડ પર અડધી સળગેલી અને પછી ઓલવી નાખેલી સિગારેટ અને એની બાજુમાં ચિઠ્ઠી હતી, જેના પર લખ્યું હતું: ‘૩૬ કલાક’.

‘હોમ મિનિસ્ટર સાવંતને અસ્થમા છે, એ સિગારેટ પીતા નથી અને સેક્રેટરી રાઘવ તમાકુ પણ ખાતો નથી તો આ સિગારેટની રાખ ગાડીમાં ક્યાંથી આવી?’ બચુભાઈનું દિમાગ કામે લાગી ગયું, ‘મતલબ ક્લિયર છે, કિડનૅપ કરનારો બહારનો કોઈ નથી, પણ એટલો નજીકનો માણસ છે જે મંત્રીની ગાડીમાં એની બાજુમાં બેસી શકે.’

ઘરરર... ઘર...

બચુભાઈ આગળ કંઈ વિચારે એ પહેલાં ગાડીમાં રહેલા મંત્રીના સૅટેલાઇટ ફોનની ઘરરાટી સંભળાઈ.

‘હલો...’

સામે છેડેથી અત્યંત કર્કશ અને ફિલ્ટર કરેલો અવાજ આવ્યો.

‘યાદ અપાવવા ફોન કર્યો... કાલે સાંજે પાંચ વાગ્યે આર્થર રોડ જેલમાંથી ઝફર બહાર આવવો જોઈએ, નહીં તો તારો મિનિસ્ટર... સીધો ઉપર...’

‘ભાઈ, ધીરજ... ધીરજ, કામ થશે...’ બચુભાઈએ સહેજ પણ ડર્યા વિના જવાબ આપ્યો, ‘બધા સલામત છે એની ખાતરી આપો. સાહેબનો અવાજ સાંભળું તો કામ કરુંને...’

સામે છેડે થોડી સેકન્ડ માટે શાંતિ પ્રસરી, અને પછી ફોન પર હોમ મિનિસ્ટર સદાનંદ સાવંતનો ધ્રૂજતો અવાજ સંભળાયો.

‘હું... હું ઠીક છું... બસ, એ લોકો કહે એમ જલદી કરો...’

બરાબર એ જ સમયે બૅકગ્રાઉન્ડમાં વિચિત્ર, ધીમો અવાજ સંભળાયો, જાણે જૂના જમાનાની ઘંટડી અને સાથે કોઈ દરિયાઈ પક્ષીનો અવાજ.

ફોન કટ થઈ ગયો.

બચુભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તે સમજી ગયા કે ટેરરિસ્ટે એવું ધારીને જ મિનિસ્ટરના સૅટેલાઇટ ફોન પર ફોન કર્યો છે કે હવે એ ફોન પોલીસ-ઓફિસર પાસે હશે. ટેરરિસ્ટોની આ ધારણાનો સીધો લાભ બચુભાઈને થવાનો હતો, કારણ કે હવે દુશ્મન સામેથી બચુભાઈના સંપર્કમાં રહેવાના હતા.

lll

‘સોમચંદ, એક હેલ્પ જોઈએ છે...’ બચુભાઈએ ફોન પર કહ્યું, ‘સાવંતસાહેબની ગાડી પડી છે એ ગલીના છેડે ઈરાની હોટેલ અને એની સામેની જ્વેલરી શૉપમાં સીસીટીવી કૅમેરા દેખાય છે. પાંચ મિનિટમાં એ ફુટેજ જો મળી જાય...’

‘વેઇટ, મોકલાવું છું...’

ચાર મિનિટમાં બચુભાઈના મોબાઇલમાં સીસીટીવી ફુટેજ આવી ગયાં. ફુટેજ શરૂ કરી બચુભાઈએ મોબાઇલની સ્ક્રીન ઝૂમ કરી.

સવારના પાંચ વાગીને બાર મિનિટનું ફુટેજ સ્ટાર્ટ થયું. હોમ મિનિસ્ટર સાવંત અને સેક્રેટરી રાઘવ ચાલતા-ચાલતા ગલીના વળાંક પર આવ્યા. વળાંક પર કાળા કાચવાળી ગાડી ઊભી હતી. ગાડીનો દરવાજો ખૂલ્યો...

અને બચુભાઈની આંખો પહોળી થઈ ગઈ.

ફુટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે કોઈએ મિનિસ્ટર પર બંદૂક તાકી નહોતી કે કોઈએ બળજબરી નહોતી કરી. ઊલટાનું, ગાડીનો દરવાજો ખૂલતાં સેક્રેટરી રાઘવે મિનિસ્ટર સામે જોયું, મિનિસ્ટરે માથું હલાવ્યું અને હોમ મિનિસ્ટર સદાનંદ સાવંત તથા રાઘવ બન્ને પોતાની મરજીથી, સામે ચાલીને એ કાળા કાચવાળી ગાડીમાં બેસી ગયા.

‘બચુ, ગાડી સ્ટાર્ટ કર...’ મોબાઇલ બાજુની સીટ પર મૂકી બચુભાઈ બબડ્યા, ‘આ કિડનૅપિંગ નથી, આ કોઈ બહુ મોટા ડ્રામાનો પહેલો અંક છે. મિનિસ્ટર પોતે સામે ચાલીને ટેરરિસ્ટની ગાડીમાં કેમ બેઠા એની ખબર મિનિસ્ટરના બંગલેથી જ પડશે...’

બચુભાઈએ ફરી ફોન હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો.

‘ગની, તું જલદી ટ્રેન પકડીને મલબાર હિલ પહોંચ... અર્જન્ટ કામ છે...’

‘શું થયું બચુભાઈ?’

‘સત્યનારાયણની કથા છે, આખી ફોનમાં સાંભળીશ?’ બચુભાઈ ઇરિટેટ થઈ ગયા હતા, ‘કહું એટલું કર... જલદી આવ. તને પદ્‍મશ્રી મળશે, આવ જલદી...’

બચુભાઈએ ફોન કટ કર્યો અને ગાડીના ઍક્સેલરેટર પર શરીર આખાનું વજન મૂકી દીધું. ગાડી મલબાર હિલ તરફ પૂરપાટ સ્પીડમાં દોડી અને બચુભાઈનું ગણતરીબાજ દિમાગ પણ કામે લાગી ગયું.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 05:46 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK