થોડી ક્ષણો પહેલાં કોઈએ અંધારામાં પિત્તળના શિલ્પ વડે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. તનિષા મોતને ટચ કરીને પાછી ફરી હતી. તેનું આખું શરીર હજુ પણ ઝાડ પર સુકાયેલા પાનની જેમ થરથર ધ્રૂજતું હતું. તેનો મેકઅપ આંસુઓમાં વહી ગયો હતો.
ઇલસ્ટ્રેશન
રૉકફર્ડ વિલાના લિવિંગ હૉલમાં હવા એટલી ભારે હતી કે શ્વાસ લેવો પણ અસહ્ય હતો. બહાર અરબી સમુદ્રનું સાઇક્લોન જાણે મઢને જળસમાધિ આપવા બેઠું હોય એમ ગાંડુંતૂર બનીને ગાજતું હતું. બારીઓના જાડા કાચ પર પવન અવિરત અફળાતો હતો, પણ હૉલની અંદર જે ચક્રવાત ચાલુ હતો એ બહારના તોફાન કરતાં અનેકગણો વધુ ભયાનક હતો.
હૉલમાં બે મીણબત્તીઓનો ધ્રૂજતો પ્રકાશ હતો. એ પીળી રોશનીમાં ચારેય મિત્રોના પડછાયા દીવાલો પર બિહામણા રાક્ષસો જેવા લાંબા થઈને નાચતા હતા.
ADVERTISEMENT
ટેબલ પર કબીરની લોહીથી લથપથ લાશ એમ ને એમ પડી હતી. તેના સફેદ શર્ટ પર જામી ગયેલું લોહી હવે કાળું પડી ગયું હતું. સોફા પર તનિષા હતી, તનિષાના ડાબા ખભા પર સોમચંદે કસીને રૂમાલ બાંધ્યો હતો. થોડી ક્ષણો પહેલાં કોઈએ અંધારામાં પિત્તળના શિલ્પ વડે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. તનિષા મોતને ટચ કરીને પાછી ફરી હતી. તેનું આખું શરીર હજુ પણ ઝાડ પર સુકાયેલા પાનની જેમ થરથર ધ્રૂજતું હતું. તેનો મેકઅપ આંસુઓમાં વહી ગયો હતો અને આંખોમાં આઇ-લાઇનરને બદલે ફફડાટ પ્રસરી ગયો હતો.
સોમચંદે બહાર નીકળવાનો દરવાજો લૉક કરી દીધો હતો.
‘સર, આ ગાંડપણ છે...’ રોહન આગળ આવ્યો, ‘તમે અમને અહીં કેદ કરીને કેવી રીતે રાખી શકો. જરા જુઓ તો ખરા, કબીરનું મર્ડર થઈ ગયું, તનિષા પર અટૅક થયો... મર્ડરર આ અંધારામાં છુપાઈને આપણામાંથી એક પછી એકને મારવા માગે છે. આપણે અહીંથી નીકળી જઈએ.’
‘રોહન, બહાર ચાર-ચાર ફુટ પાણી છે...’ સોમચંદના શૂઝના તળિયાનો અવાજ લાકડાના ફ્લોરિંગ પર પડઘા પાડતો હતો, ‘બહાર જવાનો સીધો અર્થ એક જ છે, આપણે મરવા જઈએ છીએ.’
‘મરવાનું તો અહીં પણ છે, મર્ડરરને ખબર છે કે આપણે અહીં છીએ.’ રોહને દલીલ કરી, ‘આપણે અહીંથી નીકળીને ઉપર જતા રહીએ...’
‘તો તે મર્ડરર આપણી સાથે ઉપર આવશે...’ સોમચંદે બધા સામે જોયું, ‘મેં કહ્યું તમને, કિલર હૉલમાં જ છે. આપણી સામે, આ જ ટેબલ પાસે તે શ્વાસ લે છે...’
સોમચંદ રોહનની સામે આવીને ઊભો રહી ગયો. બન્ને વચ્ચે માત્ર બે વેંતનું અંતર હતું. સોમચંદે હાથમાં પકડેલી LED ટૉર્ચનો પ્રકાશ સહેજ ત્રાંસો કરીને રોહનના સફેદ શર્ટની જમણી બાંય તરફ કર્યો.
રોહને અજાણતાં જ પોતાનો જમણો હાથ પાછળ છુપાવવાનો પ્રયાસ કર્યો.
‘હાથ પાછળ કેમ લઈ જાય છે રોહન...’ સોમચંદે ઝાટકા સાથે રોહનનો હાથ આગળ કર્યો, ‘આ શેના ડાઘ છે?’
હૉલમાં એક ક્ષણ માટે સોપો પડી ગયો અને અનન્યા-વિવાન બન્નેની નજર એ હાથ પર ગઈ. રોહનના સફેદ શર્ટની જમણી બાંય અને ગોલ્ડન કફલિંક પર લોહીના બે નાના છાંટા હતા, જે થોડા સમય પહેલાં જ સુકાયા હોય એ ક્લિયર દેખાતું હતું.
‘લોહી?!’ વિવાન ઊભો થઈ ગયો, ‘રોહન, તારા શર્ટ પર લોહી ક્યાંથી આવ્યું? કબીર જ્યારે મર્યો ત્યારે તારા કહેવા મુજબ તું બાર-કાઉન્ટર પાસે હતો... તો પછી આ લોહી તારા કફલિન્ક પર કેવી રીતે ઊડ્યું?’
રોહનની છાતી ઝડપથી ધડકવા લાગી. તેણે એક પળ માટે હોઠ ભીંસ્યા, પછી સોમચંદ સામે જોઈને તેણે રાડ પાડી.
‘આ... આ જ્યારે કબીર પડ્યો એ સમયે તેના લોહીનો છાંટો મારા પર પડ્યો હશે.’ રોહન તરત વિવાન સામે પણ ફર્યો, ‘વિવાન, તું તો બોલતો જ નહીં. ફૉર યૉર કાઇન્ડ ઇન્ફર્મેશન, તારા તો આખા હાથ લોહીથી ભરાયેલા હતા ને તારા પૉકેટમાંથી કબીરનું સિમકાર્ડ મળ્યું છે.’
‘એક મિનિટ રોહન...’ સોમચંદે રોહનના શર્ટ તરફ ઇશારો કર્યો. ‘જો આ છાંટો કબીરના પડવાથી ઊડ્યો હોત તો એ ગોળાકાર હોત, પણ આ છાંટા લંબગોળ અને ખેંચાયેલા છે. ફૉરેન્સિક સાયન્સનો સામાન્ય નિયમ છે કે જ્યારે કોઈ તાકાતથી છરી મારે અને પછી છરી પાછી ખેંચે ત્યારે સેન્ટ્રિફ્યુગલ ફોર્સને કારણે લોહીના છાંટા મારનારના હાથ પર ઊડે...’
‘પણ, પણ હું... હું અનન્યા સાથે હતો. પૂછો તેને...’ રોહને અનન્યા તરફ આંગળી ચીંધી, ‘લાઇટ ગઈ ત્યારે હું અને અનન્યા સાથે ઊભાં હતાં. અનન્યા મારું પ્રૂફ છે...’
બધાની નજર અનન્યા તરફ વળી.
અનન્યા દીવાલ પાસે સ્તબ્ધ ઊભી હતી. તેણે નજર રોહન સામે કરી, રોહનની આંખોમાં ભય હતો, રિક્વેસ્ટ હતી કે મને બચાવી લે. અનન્યાએ પછી વિવાન સામે જોયું, જેના ચહેરા પર નાલેશીનો ડર હતો. છેલ્લે અનન્યાએ સોમચંદ સામે જોયું અને અનન્યાનું આખું શરીર બીકથી ધ્રૂજી ગયું. અનન્યાએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની મુઠ્ઠીઓ એટલી જોરથી ભીંસી કે તેના નખ હથેળીમાં ખૂંપી ગયા.
‘રોહન ખોટું બોલે છે.’ અનન્યાનો અવાજ ધ્રૂજતો હતો, ‘રોહન મારી બાજુમાં નહોતો. મર્ડરની એક મિનિટ પહેલાં તે વૉશરૂમનું કહીને પૅસેજ તરફ ગયો અને...’
‘અનન્યા, તું શું બકે છે... સાચું બોલ...’
ઉશ્કેરાટ સાથે રોહન અનન્યા તરફ ધસ્યો, પણ સોમચંદે મજબૂત હાથના ધક્કા સાથે રોહનને છાતીથી પાછળ ધકેલી દીધો.
‘બોલવા દો તેને, રોહન...’ સોમચંદે કડકાઈથી કહ્યું, ‘બોલ અનન્યા, શું વાત છે?’
અનન્યાની આંખોમાં આંસુ આવી ગયાં.
‘સર, મેં અને રોહને વિવાનની કંપનીના ૧૫ કરોડના શૅર્સ વેચી નાખ્યા એ સાચું, પણ એ મારો નહીં, રોહનનો પ્લાન હતો. રોહન સ્ટૉકમાર્કેટમાં ૨૦ કરોડ હારી ગયો. તેના ફંડર્સ તેની પાછળ પડ્યા હતા. રોહને જ મને કહ્યું કે જો વિવાનનાં મૅરેજ પહેલાં આ શૅર્સ કૅશ નહીં કરાવીએ તો કંપનીનું ઑડિટ થશે ત્યારે આપણે ફસાઈ જઈશું. રોહને જ કબીરને આગળ કર્યો. કબીરનું દેવું ચૂકવવાની લાલચ આપીને રોહને જ વિવાનને બે કરોડની ખંડણીવાળો મેસેજ કરાવ્યો હતો...’
વિવાન પથ્થર બની ગયો.
‘રોહન... તેં? તેં કબીરનો ઉપયોગ કરીને મને... મને બ્લૅકમેઇલ...’
‘હા, વિવાન...’ અનન્યાએ કહ્યું, ‘બધું રોહને કર્યું, પણ સાંજે કબીર ચેન્જ થઈ ગયો. અને કબીરે રોહનને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું. મોબાઇલ ગેમ પહેલાં કબીરે રોહનને કહી દીધું હતું કે જો રોહન તેને પાંચ કરોડ નહીં આપે તો તે પાર્ટીમાં બધાની સામે રોહન અને મારો કૉલ લીક કરી દેશે. રોહન એટલો ડરી ગયો કે તે સાંજથી કબીરને ખતમ કરવાનો ચાન્સ શોધતો હતો...’
રોહનની ચોરી પકડાઈ ચૂકી હતી. તેનો ચહેરો કાળોમેશ થઈ ગયો. તેના હાથ-પગ ઢીલા પડી ગયા. તે સોફા પર ફસડાઈ પડ્યો.
‘સો, ફાઇનલી આ છે આખી સ્ટોરી...’ સોમચંદે રોહન સામે જોયું, ‘રોહન પાસે મોટિવ હતું, રોહનના શર્ટ પર લોહીના છાંટા છે અને રોહન અંધારામાં કબીરની આસપાસ જ હતો. પણ હજુ એક સવાલનો જવાબ બાકી છે. કબીરનો ફોન ક્યાં છે? જે ફોન માટે કબીરનું મર્ડર થયું, જે ફોન માટે તનિષા પર અટૅક થયો... એ ફોન ક્યાં છે?’
સોમચંદે કૅરટેકર રામદાસ તરફ જોયું.
‘રામદાસ, હૉલની ઍર-કન્ડિશનિંગ સિસ્ટમ ક્યાંથી ઑપરેટ થાય છે?’
‘સાહેબ... સેન્ટ્રલ AC છે.’ રામદાસે ઉપર છત તરફ આંગળી ચીંધી, ‘આ જૂની વિલા છે એટલે લાકડાની સીલિંગની અંદર મોટાં વેન્ટિલેશન ડક્ટ્સ મૂક્યાં છે, પણ એ તો વર્ષોથી બંધ છે.’
સોમચંદે આંખો ઝીણી કરી, હૉલની લાકડાની પૅનલવાળી ઊંચી સીલિંગ પર ટૉર્ચનો પ્રકાશ ફેંક્યો.
ડાઇનિંગ ટેબલની બરાબર ઉપર, જ્યાં કબીર બેઠો હતો એની છત પર ACનું એક વિશાળ જાળીવાળું વેન્ટિલેશન ડક્ટ હતું.
સોમચંદે ડાઇનિંગ ટેબલ પર પડેલી ખુરસી ખેંચી અને ખુરસી પર ચડ્યો. તેણે પોતાના ગ્લવ્ઝવાળા હાથે સીલિંગમાં રહેલી એ લોખંડની જાળીને અડીને જોઈ.
જાળી પર વર્ષોની ધૂળ જામેલી હતી, પણ જાળીના એક ખૂણે ધૂળ સાફ થયેલી હતી અને ત્યાં આંગળાંનાં નિશાન સ્પષ્ટ દેખાતાં હતાં. કોઈએ હમણાં જ, અંધારામાં ઉતાવળે જાળીનો સ્ક્રૂ ખોલીને પાછો લગાવી દીધો હોય એવું સ્પષ્ટ લાગતું હતું.
સોમચંદે ખિસ્સામાંથી નાનું સ્ક્રૂ-ડ્રાઇવર કાઢ્યું અને પળવારમાં જાળી ખોલી નાખી અને પછી ડક્ટના પોલાણમાં હાથ નાખ્યો.
એ પોલાણમાંથી જે વસ્તુ સોમચંદના હાથમાં આવી એ જોઈને હૉલમાં હાજર તમામ લોકોના મોંમાંથી આશ્ચર્ય અને ભયનો સંયુક્ત સિસકારો નીકળી ગયો.
સોમચંદના હાથમાં કાળી સ્લીવવાળો કબીરનો ગુમ થયેલો આઇફોન હતો.
ફોનની સ્ક્રીન પર હજુ પણ લોહીના આછા લાલ ડાઘ હતા, પણ અચરજની વાત એ હતી કે ફોન સ્વિચ્ડ-ઑફ નહોતો.
સોમચંદે જેવો ફોન હાથમાં લીધો, એની લૉક-સ્ક્રીન પર એક ઇન-બિલ્ટ ઑફલાઇન વૉઇસ-રેકૉર્ડર ઍપ ખુલ્લી દેખાતી હતી. એ ઍપમાં એક ઑડિયો-ફાઇલ સેવ થઈ ચૂકી હતી, જેના પર ટાઇમ-સ્ટૅમ્પ હતો : ૦૯:૪૨ PM - ૦૯:૫૮ PM
એટલે કે બરાબર એ સમયે જ્યારે વિલામાં લાઇટ ગઈ અને કબીરની પીઠમાં છરી ભોંકાઈ, એની બરાબર પાંચ મિનિટ પહેલાંથી લઈને મર્ડરની ક્ષણ સુધીનું આખેઆખું લાઇવ
ઑડિયો-રેકૉર્ડિંગ આ ફોનમાં હતું.
lll
‘સર, ઑડિયો પ્લે કરો... એમાં મર્ડરરનો અવાજ હશે... કોણે કબીરને માર્યો એ ખબર પડી જશે...’ વિવાને સોમચંદને રિક્વેસ્ટ કરી, ‘પ્લીઝ સર...’
રોહનનો ચહેરો સફેદ થઈ ગયો હતો. તેના શરીરમાં પ્રસરી ગયેલી ધ્રુજારી સ્પષ્ટ જોઈ શકાતી હતી. અનન્યાની આંખો ફાટી ગઈ હતી અને તનિષા જાણે કે શાવર લઈને આવી હોય એ સ્તર પર તેના ફેસ પર પ્રસ્વેદબિંદુ બાઝી ગયાં હતાં.
સોમચંદે જોયું, દરેકના ચહેરા પર મોતનો સન્નાટો અને એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ ચરમસીમા પર હતો.
‘બધાની મંજૂરી હોવી જોઈએ...’ સોમચંદની આંખો ચારે ફ્રેન્ડ્સ પર હતી, ‘અનન્યા, શું કહે છે તું?’
‘હું, હું શું કહું... તમને જેમ ઠીક લાગે એમ...’
સોમચંદે તનિષા સામે જોયું અને તનિષા નીચું જોઈ ગઈ.
‘અત્યારે, આ ટાઇમે શું કામ
આ બધું...’ તનિષાએ તરત જ કહી દીધું, ‘બધાને વાંધો ન હોય તો મને પ્રૉબ્લેમ નથી...’
સોમચંદે રોહન સામે જોયું અને રોહને નજર ફેરવી લીધી.
‘ઇચ્છા તો આ રેકૉર્ડિંગ સાંભળવાની મારી જ છે અને અત્યારે તો હું અહીંનો બૉસ છું...’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘મારે શું કામ કોઈની પરમિશન લેવાની...’
સોમચંદે મોબાઇલ હાથમાં લઈને સ્પીકરનું વૉલ્યુમ ફુલ કર્યું અને ઑડિયોના પ્લે બટન પર આંગળી દબાવી.
ક્લિક...
ફોનના સ્પીકરમાંથી પહેલાં બહારના સાઇક્લોનનો અને પવનના સુસવાટાનો અવાજ આવ્યો. પછી કાચ તૂટવાનો અવાજ આવ્યો.
એ પછી અંધારામાં કોઈના ભારે શ્વાસોચ્છ્વાસ વચ્ચે એક કંપારી છૂટી જાય એવો ઘૂંટાયેલો અવાજ સંભળાયો.
‘તેં મને બરબાદ કરી નાખ્યો કબીર... હવે તું ક્યારેય કોઈને બ્લૅકમેઇલ નહીં કરી શકે... મરી જા સાલા...’
પછી તરત જ છરી ભોંકાવાનો ભયાનક અવાજ અને કબીરની આખરી દર્દનાક ચીસ ગુંજી ઊઠતી સંભળાઈ.
‘અાહહહ...!’
ઑડિયો પૂરો થયો.
હૉલમાં સન્નાટો છવાઈ ગયો, જાણે કે કોઈ શ્વાસ પણ નથી લેતું.
એ રેકૉર્ડિંગમાં જે અવાજ સંભળાયો હતો એ અવાજ કોઈ અજાણ્યા માણસનો નહોતો...
એ અવાજે આખી તપાસની દિશાને એક અણધાર્યા અને લોહિયાળ વળાંક પર લાવીને ઊભી રાખી દીધી હતી.
સોમચંદે ધીમેથી સિગારેટ ફરી હોઠ વચ્ચે મૂકી. તેની આંખોમાં હવે સત્યનો આખરી નકશો સ્પષ્ટ થઈ ગયો હતો.
‘સવાર થવામાં હવે માત્ર બે કલાક છે.’ સોમચંદે ધીમા અવાજે કહ્યું. ‘સવાર પહેલાં મઢ આઇલૅન્ડના સાઇક્લોનમાં છુપાયેલા રિયલ માસ્ટરમાઇન્ડને દુનિયા સામે લાવવાનો સમય આવી ગયો છે...’
