Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કેસ ફાઇલઃ મઢ આઇલૅન્ડ- નઝર હટી, દુર્ઘટના ઘટી (પ્રકરણ ૫)

કેસ ફાઇલઃ મઢ આઇલૅન્ડ- નઝર હટી, દુર્ઘટના ઘટી (પ્રકરણ ૫)

Published : 13 November, 2026 02:33 PM | Modified : 13 November, 2026 02:37 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બહાર અરબીસમુદ્રનું સાઇક્લોન ધીમે-ધીમે ઓસરવા માંડ્યું હતું. આખી રાત જે કાળાંડિબાંગ વાદળો અને દરિયાઈ પવને રૉકફર્ડ વિલાની જૂની દીવાલોને ધ્રુજાવી હતી એ હવે ધીમા ઝરમર વરસાદ અને ભીની દરિયાઈ લહેરોમાં ફેરવાઈ ગયાં હતાં.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


બહાર અરબીસમુદ્રનું સાઇક્લોન ધીમે-ધીમે ઓસરવા માંડ્યું હતું. આખી રાત જે કાળાંડિબાંગ વાદળો અને દરિયાઈ પવને રૉકફર્ડ વિલાની જૂની દીવાલોને ધ્રુજાવી હતી એ હવે ધીમા ઝરમર વરસાદ અને ભીની દરિયાઈ લહેરોમાં ફેરવાઈ ગયાં હતાં. મુંબઈની પૂર્વ દિશામાંથી આછો કેસરિયો પ્રકાશ કાચની બારીઓમાંથી ગળાઈને હૉલના લાકડાના ફ્લોર પર પથરાવા માંડ્યો હતો.

વિલાના ડાઇનિંગ હૉલમાં હવે મોતનો ભય નહીં પણ મોતથીયે બદતર એવા અવિશ્વાસની ખાઈ ઊભી થઈ ગઈ હતી.



ટેબલ પર હજુ પણ કબીર સંઘવીની લાશ પડી હતી અને થોડી વાર પહેલાં કબીરના મોબાઇલમાંથી વાગેલા ઑડિયો-રેકૉર્ડિંગના શબ્દો હજુ પણ દરેકના કાનમાં ગુંજતા હતા.


‘તેં મને બરબાદ કરી નાખ્યો કબીર... હવે તું ક્યારેય કોઈને બ્લૅકમેઇલ નહીં કરી શકે... મરી જા સાલા...’

રેકૉર્ડિંગનો અવાજ સાંભળીને રોહન ઝવેરીના હાથ-પગ ધ્રૂજવા માંડ્યા હતા, જ્યારે વિવાન આંખો પહોળી કરીને પથ્થરની જેમ જમીન પર ચોંટી ગયો હતો, કારણ કે એ અવાજ વિવાન મહેતાનો જ હતો.


‘વિવાન...’ રોહને લથડતા અવાજે કહ્યું, ‘આ તારો જ અવાજ... તું... તેં જ કબીરને માર્યો છે. પ્રૂવ થઈ ગયું... તારા હાથ પર લોહી હતું, તારા ખિસ્સામાંથી કબીરનું સિમકાર્ડ મળ્યું અને હવે આ ઑડિયો... વિવાન, નાઓ ઇટ્સ ક્લિયર, તેં જ કબીરનું મર્ડર કર્યું છે.’

અનન્યાએ પણ રડતાં-રડતાં વિવાન સામે જોયું.

‘વિવાન, તેં એ જ કર્યું જે તારા ઈગોને જોઇતું હતું? તું કબીરને મારીને તારો રસ્તો ક્લિયર કરવા માગતો હતો?’

વિવાન જમીન પર ઘૂંટણિયે બેસી પડ્યો. તેણે માથું બન્ને હાથમાં પકડી લીધું.

‘ગૉડ પ્રૉમિસ, મેં કંઈ નથી કર્યું...’ વિવાને સોમચંદ સામે જોયું, ‘સર, આ મારો અવાજ નથી... એ સમયે હું તો, હું તો કબીરથી ઑલમોસ્ટ ૧૦ ફુટ દૂર હતો. સર, પ્લીઝ ડૂ સમથિંગ... હું, હું ગાંડો થઈ જઈશ, પ્લીઝ મને બચાવો.’

ડિટેક્ટિવ સોમચંદ આગળ આવીને હૉલની વચ્ચોવચ ઊભો રહ્યો. તેના હોઠ વચ્ચે સળગાવ્યા વિનાની કોરી સફેદ સિગારેટ હજુ પણ અકબંધ હતી. સોમચંદે સિગારેટ ધીમેથી હોઠ વચ્ચેથી કાઢી, આંગળીઓ વચ્ચે ફેરવી અને પછી ટેબલ પર મૂકી. તેની આંખોમાં રાતના ઉજાગરાના થાકને બદલે ભેદી શાંતિ હતી.

‘રોહન, એક વાત યાદ રાખજે...’ સોમચંદે ધીમા અવાજે કહ્યું, ‘ટેક્નૉલૉજી જેટલી સરળતાથી પુરાવા આપે, એટલી જ આસાનીથી એ મિસ-ગાઇડ પણ કરી જાય.’

સોમચંદે કબીરનો ફોન હાથમાં લીધો. તેણે સ્ક્રીન પર આંગળીઓ ચલાવી અને ઑડિયો-ફાઇલની પ્રૉપર્ટીઝ ખોલી, એ ફાઇલ એક્સટેન્શન ચેક કર્યું અને પછી બધાની સામે જોઈને સોમચંદે બ્લાસ્ટ કર્યો.

‘આ ઑડિયો ઓરિજિનલ રેકૉર્ડિંગ નથી...’ સોમચંદે ફોન ઊંચો કર્યો, ‘આ વિવાનનો અવાજ છે, પણ તેના ગળામાંથી નીકળેલો અવાજ નથી. આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વૉઇસ ક્લોનિંગ સૉફ્ટવેરથી વિવાનના જૂના ઇન્ટરવ્યુ અને વૉઇસ-નોટ્સનાં સૅમ્પલ્સ ભેગા કરીને બનાવેલો ડમી વૉઇસ છે...’

‘વૉટ???!!!’

વિવાન સિવાયનાં બાકીનાં ત્રણેનાં મોં ખૂલી ગયાં.

‘યસ.... અને સૌથી મોટી વાત...’ સોમચંદે વાત આગળ વધારી, ‘આ ફાઇલ કાલે બપોરે જ મોબાઇલમાં લોકલ ફાઇલ તરીકે સેવ કરી દેવામાં આવી હતી. કબીર જ્યારે અંધારામાં બેહોશ થઈને ઢળ્યો ત્યારે મર્ડરરે માત્ર તેના ફોનમાં આ ઑડિયો પ્લે કરીને સ્ક્રીન પર રહેવા દીધો, જેથી લાઇટ આવે ત્યારે બધા એ સાંભળે અને સાંભળીને એવું સમજે કે વિવાને જ કબીરનું મર્ડર કર્યું છે...’

રૂમમાં સોપો પડી ગયો. વિવાને અવિશ્વાસથી સોમચંદ સામે જોયું, જાણે ફાંસીના માંચડેથી કોઈએ તેને છેલ્લી સેકન્ડે ખેંચી લીધો હોય.

‘AI વૉઇસ ક્લોનિંગ?!’ રોહને કપાળ પરથી પરસેવો લૂછ્યો, ‘કબીરના ફોનમાં આ ફાઇલ કોણ નાખે? અને વિવાનના ખિસ્સામાં સિમકાર્ડ કોણે મૂક્યું?’

‘એ જ તો રમત છે દોસ્ત...’ સોમચંદ આગળ વધ્યો, ‘કબીરના ફોનમાંથી સિમકાર્ડ કાઢવું, એને તોડવું, વિવાનના પૉકેટમાં પ્લાન્ટ કરવું અને પછી કબીરનો ફોન સીલિંગ પર રહેલા ઍર-કન્ડિશનરના ડક્ટમાં સંતાડવો... આ કામ તેનું જ હોય જેને આ બંગલાના આર્કિટેક્ચરની પાકેપાકી ખબર હોય, જેને વિવાનના બિઝનેસની પળેપળની ખબર હોય અને જેને આ પાંચેય જણનાં કાળાં કરતૂતોની પૂરી માહિતી હોય!’

સોમચંદની નજર ધીમેથી રોહન ઝવેરી પર સ્થિર થઈ. સોમચંદની નજરના તાપને જોઈને રોહનનો ચહેરો ફિક્કો પડી ગયો.

‘રોહન...’ સોમચંદે તેની આંખોમાં જોયું, ‘તારા શર્ટના કફ પર કબીરના લોહીના છાંટા હતા. અનન્યાએ સાબિત કરી દીધું કે તેં જ વિવાનના શૅર વેચીને કંપની લૂંટવાનું શરૂ કર્યું... કબીર તને બ્લૅકમેઇલ કરતો હતો એટલે તેં જ કબીરને પતાવ્યો અને પછી વિવાનને ફસાવી દીધો... રાઇટ...’

રોહન બે ડગલાં પાછળ હટી ગયો.

‘ના, સર. આઇ અગ્રી, હું ગિલ્ટી છું. મેં શૅર ચોર્યા, મેં કબીરને ખંડણી માટે વિવાન પાસે મોકલ્યો... પણ મેં કબીરને નથી માર્યો... ગૉડ પ્રૉમિસ... ને સર હું તો એ ડક્ટ સુધી પહોંચી પણ ન શકું. મારી હાઇટ જુઓ.’

‘આઇ નો રોહન, ડોન્ટ વરી...’

સોમચંદે અચાનક સ્મિત કર્યું અને પછી સોમચંદે બાજી પલટી. સોમચંદ રોહન પાસેથી હટીને સીધો સોફા પાસે ઊભેલી અનન્યા શાહ સામે આવીને ઊભો રહ્યો.

સોમચંદના હાવભાવ જોઈને અનન્યાની આંખો પહોળી થઈ ગઈ. તેના ચહેરા પરથી તમામ નરમાશ ગાયબ થઈ ગઈ.

‘સર... તમે... તમે આમ મારી સામે કેમ જુઓ છો?’

‘કારણ કે આ આખા ખેલની અસલ શતરંજ તેં ગોઠવી હતી, અનન્યા.’

સોમચંદનો અવાજ આખા હૉલમાં ગુંજી ઊઠ્યો.

‘વૉટ?!’ વિવાન ચીસ પાડી ઊઠ્યો, ‘અનન્યા?!’

‘હા, વિવાન...’ સોમચંદે આંગળી અનન્યા તરફ ચીંધી, ‘તમને બધાને એમ લાગતું કે રોહન મેઇન પ્લેયર છે, પણ હકીકતમાં રોહન તો માત્ર એક ચહેરો હતો જેને અનન્યા નચાવતી હતી... અનન્યા વિવાનને પાગલની જેમ પ્રેમ કરતી, પણ જ્યારે વિવાને મુંબઈના મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટની દીકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અનન્યાના મનમાં રિવેન્જની આગ ભડકી. તે વિવાનને બરબાદ કરવા માગતી હતી. તેણે જ રોહનના દેવાનો લાભ લઈ કંપનીના ૧૫ કરોડના શૅર્સ ચોરવાનો આઇડિયા રોહનના મગજમાં નાખ્યો હતો...’

સોમચંદે ટેબલ પરથી એક નાની પ્લાસ્ટિકની પારદર્શક કોથળી ઊંચી કરી. એમાં એક સર્જિકલ ગ્લવ્ઝનો ટુકડો હતો જે સોમચંદને છતના ઍર-વેન્ટિલેશન ડક્ટમાંથી ફોનની સાથે મળ્યો હતો.

‘અનન્યા, આઇ મસ્ટ સે, તું હોશિયાર છે...’ સોમચંદ આગળ વધ્યો, ‘તને ખબર હતી કે કબીર એક નબળી કડી છે. કબીર પાસે તારા અને રોહનના જૉઇન્ટ અકાઉન્ટના પુરાવા આવી ગયા હતા. કબીર કાલે રાત્રે પૈસા લઈને વિવાનને બધું સાચું કહી દેવાનો હતો. એટલે તેં કબીરનો કાંટો કાઢવાનું નક્કી કર્યું... તનિષાએ કબીરના વાઇનમાં ઊંઘની દવા ભેળવી એ વાત તમે બધાએ જોઈ લીધી. તમે એ મોકાનો લાભ ઉઠાવ્યો. જેવી લાઇટ ગઈ, અનન્યા, તેં કિચનમાંથી છરી લીધી, ગ્લવ્ઝ પહેરીને કબીરની પીઠમાં હુલાવી દીધી, કબીરના ફોનમાં પહેલેથી તૈયાર રાખેલો AI ઑડિયો પ્લે કર્યો, સિમકાર્ડ તોડીને અંધારામાં વિવાનના જૅકેટના પૉકેટમાં સેરવી દીધું અને ફોન ડક્ટમાં છુપાવી દીધો...’

‘બકવાસ... ટોટલ બકવાસ.’ અનન્યાએ ચીસ પાડી, ‘તમે જે બોલો છો એનો તમારી પાસે કોઈ પુરાવો છે? રોહનના શર્ટ પર લોહી હતું, વિવાનના હાથમાં લોહી હતું, મારા નહીં... સર, પુરાવા વિના વાત નહીં કરો.’

‘પુરાવો આ રહ્યો, અનન્યા...’ સોમચંદે એ ગ્લવ્ઝનો ટુકડો આગળ ધર્યો, ‘તેં લોહીથી બચવા ગ્લવ્ઝ પહેર્યાં, પણ તું ભૂલી ગઈ કે ફ્રાન્સનું મિડનાઇટ ઑર્કિડ પર્ફ્યુમ તું વાપરે છે અને આ આખા બંગલામાં આ પર્ફ્યુમ માત્ર તું જ લગાવે છે. આ ગ્લવ્ઝના રબરમાંથી અને ઍર-ડક્ટની લોખંડની જાળી પરથી તારા એ જ મોંઘા પર્ફ્યુમની તીવ્ર સુગંધ આવે છે. અને બીજી વાત... તનિષા પર શો-પીસ ફેંકીને અટૅક રોહને નહીં, તેં કર્યો હતો... કારણ કે તનિષા કબીરના ફોન વિશે કંઈક બોલવા જતી હતી અને તને ડર હતો કે તનિષા તારું નામ લઈ લેશે...’

અનન્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે બચાવ માટે ચારેય તરફ જોયું... પણ વિવાન, રોહન અને તનિષા ત્રણેયની આંખોમાં માત્ર ધિક્કાર હતો.

અનન્યાનો અહંકાર અને સંયમ ક્ષણવારમાં તૂટી પડ્યા. તેણે મોટેથી પાગલની જેમ ખડખડાટ હસવાનું શરૂ કર્યું. તેનું એ હાસ્ય આખા હૉલમાં ગુંજી ઊઠ્યું.

‘હા... મેં જ માર્યો કબીરને...’ અનન્યાની આંખોમાંથી આંસુ અને ક્રોધ વહેતો હતો, ‘આ વિવાન માટે, મેં મારી જિંદગીનાં પાંચ વર્ષ આ માણસ પાછળ બરબાદ કર્યાં. અને આણે શું કર્યું? પોતાના બિઝનેસને મોટો કરવા માટે એક અબજોપતિની દીકરી સાથે લગ્ન કરવાનો સોદો કરી લીધો... મને રસ્તા પર ફેંકી દીધી... મારે તને બરબાદ કરવો હતો વિવાન... કબીર તો આડે આવતો હતો એટલે પતી ગયો, પણ મારો અસલી ટાર્ગેટ તું હતો... તું ખૂનના કેસમાં ફાંસીએ લટકી ગયો હોત ત્યારે મને શાંતિ મળત...’

વિવાન અવાક્ બનીને અનન્યા સામે જોઈ રહ્યો. અને બરાબર એ જ ક્ષણે, અનન્યાની આંખોમાં ખુન્નસ પ્રસરી ગયું.

પળનોય વિચાર કર્યા વિના અનન્યાએ ડાઇનિંગ ટેબલ પર પડેલી સ્કૉચની તૂટેલી બૉટલનો અણીદાર, ધારદાર કાચ હાથમાં ઝડપી લીધો. તેણે આંખો મીંચીને સીધો સોમચંદની ગરદન પર જીવલેણ ઘા કરવાનો પ્રયાસ કર્યો.

‘તું મને જેલમાં નહીં મોકલી શકે, સોમચંદ...’

કાચનો ઘા પોતાના ગળા સુધી પહોંચે એ પહેલાં જ સોમચંદે વીજળીની ઝડપે ડાબો હાથ આગળ ધરીને અનન્યાનું કાંડું મરોડી નાખ્યું. સાથે જ પોતાના પગની આંટીથી અનન્યાને ઝાટકો આપ્યો અને અનન્યાનું સંતુલન બગાડી નાખ્યું.

ખડડાક!

કાચનો ટુકડો અનન્યાના હાથમાંથી છટકીને ફ્લોર પર પડ્યો અને ભૂકો થઈ ગયો. સોમચંદે અનન્યાના બન્ને હાથ પાછળ વાળીને તેને સોફા પર બેસાડી દીધી. કૅરટેકર રામદાસે તાત્કાલિક દોડીને પડદાની જાડી રેશમી દોરીથી અનન્યાના હાથ બાંધી દીધા.

બરાબર એ જ સેકન્ડે, બહાર વિલાની પૉર્ચમાં પોલીસ-સાઇરનનો પરિચિત અવાજ ગુંજી ઊઠ્યો.

દરિયાનું પાણી ઓસરતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને વર્સોવા પોલીસની બે જીપો અને ઍમ્બ્યુલન્સ સાઇરન વગાડતી વિલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ ગઈ હતી.

પોલીસ-ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે હૉલમાં પ્રવેશ્યા. સોમચંદે કબીરનો ફોન, ગ્લવ્ઝ અને તમામ ડિજિટલ પુરાવાઓનું કવર પોલીસ-ઑફિસરના હાથમાં સોંપ્યું.

અનન્યા શાહને હત્યા અને જીવલેણ હુમલાના ગુના હેઠળ હાથકડી પહેરાવવામાં આવી. રોહન ઝવેરીને શૅરબજારની કરોડોની ઉચાપત અને ષડ્યંત્રના ગુનામાં કસ્ટડીમાં લેવાયો.

સવારના ૭ વાગ્યા હતા.

સાઇક્લોન શમી ચૂક્યું હતું.

વિવાન મહેતા આવીને વિલાના પગથિયાં પાસે ઊભો રહ્યો. તેના ચહેરા પર આખી જિંદગીનું પેઇન અને પસ્તાવો વંચાતાં હતાં. તેણે સોમચંદ પાસે આવીને બે હાથ જોડ્યા.

‘સોમચંદસર... મારી પાસે આભાર માનવા માટે શબ્દો નથી. જો તમે ન હોત તો આજે હું જેલના સળિયા પાછળ હોત. મારા પોતાના ફ્રેન્ડ્સ, મારો પ્રેમ... આટલી મોટી દગાબાજી?’

સોમચંદે પોતાના કોટના ખિસ્સામાંથી એ વણસળગાવેલી કોરી સફેદ સિગારેટ ફરી બહાર કાઢી અને સિગારેટને હોઠ વચ્ચે દબાવી અને વિવાનના ખભા પર ધીમેથી હાથ મૂક્યો.

‘વિવાન, સાઇક્લોન તો કલાકોમાં શમી ગયું... પણ માણસના મનની અંદર જે લાલચ, ઈર્ષ્યા અને બદલાનું વાવાઝોડું ઊભું થાય છે એ આખી જિંદગીને તહસનહસ કરી નાખે છે. પૈસા અને સંબંધો વચ્ચેનો ભેદ પારખતાં શીખી જાઓ તો આવાં તોફાનો ક્યારેય તમારી જિંદગીમાં નહીં આવે.’

સોમચંદે અરબી સમુદ્રનાં શાંત મોજાં તરફ એક છેલ્લી નજર નાખી. અને પછી હોઠ વચ્ચે દબાયેલી વણસળગાવેલી સિગારેટ સાથે ડિટેક્ટિવ સોમચંદ મુંબઈની નવી સવારના તાજા તડકામાં પોતાના આગલા કેસ તરફ આગળ વધી ગયો.

(સંપૂર્ણ)

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 02:37 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK