Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવરાત્રિ: અંતરનાં અમી (પ્રકરણ ૨)

નવરાત્રિ: અંતરનાં અમી (પ્રકરણ ૨)

Published : 20 October, 2026 06:36 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અડધી રાતે ગરબા પત્યા. હું રાબેતા મુજબ ભાઈની કંપનીની કૅબમાં નીકળી, પણ હજી તો અંધેરીનો ફ્લાયઓવર ચડવાનો થાય એ પહેલાં પંક્ચર પડતાં ડ્રાઇવરે કાર સાઇડ પર કરી : બેન, સ્ટેફની પણ નથી એટલે તમે ટૅક્સી જ કરી લો એ જ સારું. 

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


આકાર! 
ગઈ નવરાત્રિમાં બીજા નોરતે ‘તમે કોને શોધો છો?’ કહીને મારું ધ્યાન ખેંચનારા પચીસેક વર્ષના લાગતા જુવાનમાં કેટલું આકર્ષણ હતું... તે આકાર હતો. 
રાતે રૂમમાં પડતું નાખતાં આકૃતિએ ગતખંડનાં સંભારણાંનું અનુસંધાન મેળવી લીધું:  
‘આઇ મિસ માય બિગ બ્રધર. તે લંડન છે એટલે આ વખતે મારી જોડે નથી.’ બોલ્યા પછી ભાઈને સંભારીને સચેત બની જવાયું : અજાણ્યા જુવાન જોડે શીદ બોલવું? 
‘એક્સક્યુઝ મી...’ કહીને સરકી જવું હતું કે...
‘સિબલિંગ ફૅક્ટર!’ તે સહેજ મલક્યો, વધુ મારકણો લાગ્યો, ‘મારે કોઈ ભાઈ કે બહેન નથી, પણ પછી થાય કે કોઈ હોત તો મારા માવતરનું વહાલ વહેંચાઈ ન ગયું હોત! તમે શું કહો છો?’
વિષય એવો હતો, પ્રશ્ન એવો હતો કે પ્રતિસાદ આપ્યા વિના રહેવાયું નહીં, 
‘ગલત. માતા-પિતા પાસે વહાલનો અખૂટ, અમાપ દરિયો હોય છે. સંતાનોમાં વહેંચાય તો પણ દરેકના ભાગે આખો દરિયો જ આવે એટલો. એમાં ભાઈ યા બહેનનું હેત મૂડી પરના વ્યાજ જેવું મળે એ ફાયદો ઓછો છે? મને તો મોટા ભાઈના રૂપમાં આખો દરિયો જ મળ્યો છે.’ 
આકાર પ્રભાવિત થયો, ‘રિયલી, મેં આ રીતે વિચાર્યું નહોતું... મારા ખ્યાલથી મારે કમસે કમ બે બાળકો તો કરવાં જ જોઈએ. શું કહો છો?’
ન જાન ન પહેચાન... એમાં આવું તો કોણ જ પૂછે! જોકે તેણે એટલું સહજપણે પૂછ્યું કે તેની માસૂમિયત પર ગુસ્સે થવાને બદલે હું સ્મિત જ વેરી શકી : વેલ, આ તો તમારે તમારાં વાઇફને પૂછવું જોઈએ. 
‘અહં, બંદા હજી પરણ્યા નથી... કોઈ મહેબૂબા પણ મળી નથી.’ બોલ્યા પછી મારાં પહોળાં થતાં નેત્રે પોતે વધુ પડતો બફાટ કર્યાનું ધ્યાનમાં આવ્યું હોય એમ તે ખસિયાણું મલકીને ભીડમાં ખોવાઈ ગયો. 
પછી તો રાઉન્ડમાં સામે આવતો ત્યારે નજર મેળવવાનું ટાળતો. તેના સંકોચે હું મનમાં જ મલકી જતી. 
અડધી રાતે ગરબા પત્યા. હું રાબેતા મુજબ ભાઈની કંપનીની કૅબમાં નીકળી, પણ હજી તો અંધેરીનો ફ્લાયઓવર ચડવાનો થાય એ પહેલાં પંક્ચર પડતાં ડ્રાઇવરે કાર સાઇડ પર કરી : બેન, સ્ટેફની પણ નથી એટલે તમે ટૅક્સી જ કરી લો એ જ સારું. 
આવા અંધારા સમયે બોરીવલી 
સુધી ટૅક્સીમાં એકલા જવાનું! હું મૂંઝાતી હતી ત્યાં...
‘ઍની પ્રૉબ્લેમ?’
કહેતો એક કારચાલક અટક્યો. આ તો આકાર! 
બે મિનિટ પછી હું તેની સાથે, તેની કારમાં બાજુની સીટ પર હતી અને તેણે મલાડ સુધી જ જવાનું હોવા છતા લાંબો ચકરાવો લઈને મને ઘરે ડ્રૉપ કરવા આવતો હતો. 
શા માટે મેં તેની લિફ્ટ સ્વીકારી? એકલા જુવાન સાથે જવું પણ એટલું જ જોખમભર્યું નહોતું? 
પણ ના, તેની આંખોમાં મને ચિંતા અને કાળજી દેખાઈ હતી. બીજી કોઈ પણ છોકરી હોત તો પણ તે મદદ માટે આગળ આવ્યો હોત - એ ભાવ મને સ્પર્શી ગયેલો. 
‘લુક, કોઈ આપણને ફૉલો કરે છે!’ આકારે કહેતાં હું ચમકેલી. ક્યાંક આ ફસામણી નથીને -એવો અવિશ્વાસ આંખોમાં ડોકાય એ પહેલાં ડોક ફેરવીને પાછળ જોતાં અચરજ છવાયું: 
અરે, આ તો ભાઈને નિહાળતી હોય છે તે યુવતી! 
તે જોકે અમારો પીછો શું કામ કરે! બલ્કે તે પણ અમારી તરફ રહેતી હોવી જોઈએ એટલે પાછળ આવતી હોય... 
નચિંતતા છવાઈ. એ જોઈને આકાર નિશ્ચિંત બન્યો એ ગમી ગયું. સફરમાં તેણે કોઈ જ આછકલાઈ આદરી નહીં, કોઈ બફાટ પણ નહીં. કારમાં ગુંજતાં લતાજીનાં ગીતો વચ્ચે હું બોલું-પૂછું એટલી જ વાતો થતી. 
ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું 
ભણતાં-ભણતાં જ તેણે એકાદ-બે જગ્યાએ થોડો અનુભવ લઈને, કૉન્ટૅક્ટ્સ કેળવીને નાના પાયે પોતાનું કામ શરૂ કર્યું હતું અને પોતાની તરક્કીની ખુશી તેના વદન પર વર્તાઈ : મારા ફાધર બૅન્ક-મૅનેજર છે, મધર પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા એટલે મારા પર કમાવાનું દબાણ નહોતું એટલે પણ હું મનગમતું કામ મારી ટર્મ્સ પર કરી શકું છું અને હવે તો લોકો સામેથી મને પૂછતા આવે છે... 
ગરબા તેને ગમે છે. ટ્રાવેલિંગ તેની પૅશન છે. કુશળ તરવૈયો છે. રીડિંગ તેની હૉબી. 
તેણે ડ્રૉપ કર્યા પછી પણ તેના જ વિચારો આવતા રહ્યા. કલાક પછી ફોન જોડ્યો : તમે ઘરે પહોંચી ગયાનો મેસેજ કેમ ન કર્યો!
‘રિયલી! તું રાહ જોતી હતી?’
તેનો પહેલી વારનો તુંકારો મીઠી ગુદગુદી કરી ગયો અને પછી તો તેની સાથે રાસ-ગરબા રમતાં-રમતાં હું ક્યારે હૈયું હારી એની ગત પણ ક્યાં રહી! ખરેખર તો અમે બેઉ પ્રણયના રંગે રંગાયાં હતાં. આકાર તો તેના ઘરે જાણ કરવા તલપાપડ છે, પણ હું તૈયાર નથી : વેદાંતભાઈના કિસ્સા પછી લવ-લફરાના નામે ભાઈ આઘેરા રહ્યા છે. મને પણ તેમણે ચોખ્ખી મના ફરમાવેલી. એમાં વળી નવરાત્રિમાં તો છોકરીઓ ફસાયાના એવા કેસો છાપામાં આવે છે કે ભાઈ કોઈ કાળે આપણા પ્રણયને સ્વીકારવાની સ્થિતિમાં નહીં હોય... 
‘તો પછી લવમૅરેજને આપણે અરેન્જ્ડ મૅરેજ દેખાડીએ તો? આપણી ન્યાત એક છે. ધારો કે મારી દિવ્યામા કહેણ મૂકે તો કોઈને ઓછો વહેમ જવાનો!’
આકુનો ઉકેલ સૂઝભર્યો છે, પણ હું ગ્રૅજ્યુએટ થાઉં ત્યાં સુધી લગ્નનો વિચાર નથી એવું કહીને મોટા ભાઈ જ કહેણ પાછું ઠેલી દે એ પણ સાવ સંભવ છે! જોકે મુદ્દો એ પણ નથી. ખરેખર તો ભાઈને અંધારામાં રાખીને મારે કશું જ કરવાનું ન હોય - આટલું આત્મભાન મને અટકાવતું. મારા પ્રેમસંબંધ વિશે, મારા મનના માણીગર વિશે જાણવાનો ભાઈનો હક છે; પણ કહેવાની હામ થતી નથી અને હવે તો બીજી નવરાત્રિ પણ આવી ગઈ! 
આ નવરાત્રિમાં શું થવાનું હતું એની આકૃતિને ક્યાં ખબર હતી? 
lll
‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ...’ 
બહારની રૂમમાં લજ્જાદીદીને ગરબાના ઢાળમાં મઢેલું લતાનું ગીત ગણગણતાં સાંભળીને તેણે પગનો પંજો થપથપાવ્યો, ચપટી વગાડી અને પછી ખીલેલી કળી એકાએક મૂરઝાઈ જાય એમ ઉર્વશીના વદન પર ઉદાસીનું આવરણ છવાઈ ગયું. 
ગરબાનો મને કેટલો ચાવ! સુરતના વતનમાં પરંપરાગત ગરબા હોય કે મોટાં મેદાનોમાં થતાં નવરાત્રિનાં જાયન્ટ આયોજનો, હું સમજણી થઈ ત્યારથી એમાં મન મૂકીને મહાલતી. મમ્મી-પપ્પાની એકની એક, પાછી લાડલીયે ખૂબ એટલે મને ખુશ જોવા તેઓ કંઈ પણ કરી છૂટે. 
અંગે યૌવન મહોર્યું, કુંવારાં અરમાનો અંગડાઈ લેવા લાગે એવી કૉલેજની અવસ્થામાં મને ગરબે ઘૂમતી જોઈને જુવાનિયાઓની મને તાકી રહેવાની હરકત ભીતર ક્યાંક ગુદગુદી કરી જતી, ગુરૂર પણ પોષતી. છતાં કોઈની નજરથી બહેકી જવાના મારા સંસ્કાર નહોતા. મારા મધ્યમવર્ગના માવતરની ઊંચેરી આબરૂનાં મોલ મને હતાં. 
આવામાં ગયા વર્ષે મારી કૉલેજ 
પત્યા પછીના ગાળામાં એક વિડિયો કૉલ આવ્યો અને...
હળવા નિઃશ્વાસભેર ઉર્વશી 
વાગોળી રહી.
lll
‘હાય રોહન! લુક ઍટ મી, આ કેડિયું કેવું લાગે છે? આ વખતે બેસ્ટ કૉસ્ચ્યુમનું ઇનામ મારું પાકુંને!’
આમ તો અજાણ્યા નંબર પરથી આવેલો વિડિયો-કૉલ રિસીવ કરવાનો હોય નહીં, પણ ઉર્વશી એ વેળા નજીક આવતી નવરાત્રિના ઑનલાઇન શૉપિંગ મૂડમાં ફોન મચડતી હતી એમાં કૉલ રિસીવ થઈ ગયો. 
પછી રમૂજ થઈ. તૈયાર થઈને કૅમેરા આગળ ગોળ ઘૂમતા જુવાન સામે હસી : મિસ્ટર, સામે તમારો મિત્ર રોહન નહીં, અજાણી છોકરી છે એ તો જુઓ! 
એવો જ તે સ્થિર થયો, થોડો થોથવાયો, ‘સૉરી... રૉન્ગ-નંબર લાગી ગયો...’ કહીને કૉલ કટ કરવા જતાં છેલ્લી ઘડીએ વિચાર બદલ્યો હોય એમ અટક્યો, ‘વેઇટ, તમે ન્યુટ્રલી કહી શકશો - મારો પોશાક કેવો લાગે છે?’
‘સારો છે.’ કહીને વાત પતાવી દેવાત, પણ છોકરાને પણ નવરાત્રિમાં ગરબે ઘૂમવાનો ચસકો લાગે છે એ સામ્યએ ઉર્વશી પ્રેરાઈ, ‘વેલ... બાંય પર પણ થોડાં આભલાં-કોડી હોય તો વાત વધુ જામે. કમરપટ્ટામાં વાંસળી લટકાવો તો!’
‘બ્રિલિયન્ટ! અને રંગ?’ 
‘કેસરિયો રંગ તમને શોભે છે. તમે ગોરા છો એટલે કોઈ પણ રંગ જામશે.’ 
તે સહેજ શરમાયો, ‘થૅન્ક્સ, તમે પણ કમ ખૂબસૂરત નથી!’ 
તેની પ્રશસ્તિએ ઉર્વશીના ગાલે રતાશ પ્રસરી. જે ખુદ ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ છે તે જુવાન આમ કહે છે!
‘કૉમ્પિટિશનનું રિઝલ્ટ આવે એટલે હું તમને ફરી ફોન કરીશ...’
તેણે કૉલ કાપ્યો ત્યારે ઉર્વશીને ભાન થયું કે પોતે તેનું નામ સુધ્ધાં પૂછ્યું નહીં! 
તેનાથી એ પૂછવા ફરી કૉલ તો ન થયો, પણ પહેલા નોરતે તેની નજર ખેલૈયાઓની ભીડમાં તે જુવાનની શોધમાં ભટકતી રહી. 
બીજી બપોરે તે રૂમમાં આડી પડી હતી કે વિડિયો-કૉલ આવ્યો - આ તો તે જ!
ઊછળીને ઉર્વશીએ કૉલ રિસીવ 
કર્યો, ‘હાય!’
‘હાય! સી ધીસ...’ જુવાને હાથમાંની ટ્રોફી દેખાડી, ‘આઇ વન! તારા સજેશને કમાલ કરી...’ 
‘ગ્રેટ! તમે સુરતમાં ક્યાં રમવા 
જાઓ છો?’ 
‘સુરત? નો... નો... હું સુરત નથી રહેતો. મુંબઈ. ઘાટકોપરના ગરબાનું આ ઇનામ છે.’ 
તેનું નામ રવિરાજ છે અને તે મુંબઈમાં રહે છે એ બધું ત્યારે જાણ્યું. પછી તો એવું બનતું ગયું કે નોરતાની દર બપોરે રવિરાજનો વિડિયો-કૉલ આવી જાય. પોતાની રૂમમાં ઉર્વશીને ધાર્યું એકાંત હોય એટલે કૉલના સમયે ઉર્વશી પણ ડ્રેસ-અપ થઈને બેઠી હોય. બે મિનિટમાં થઈ શકનારી વાતો ૧૨ મિનિટ સુધી લંબાય. 
આમાં છઠ્ઠા નોરતે કશુંક અણધાર્યું બન્યું. 
રવિરાજ પોતે પહેરેલા કૉસ્ચ્યુમ દેખાડતો હતો ત્યાં ધ્યાન ગયું કે કફનીના ઝભ્ભામાં કાણું છે! 
‘અરે યાર... આ તો નહીં ચાલે!’ 
તેણે કફની ઉતારી, પાયજામો સરકાવ્યો ને તેની પીઠ બાજુના કબાટ પડખેના ટેબલ તરફ વળી ત્યાં મૂકેલા બીજા લેંઘો-ઝભ્ભો પહેર્યા : હવે બોલ!
ઉર્વશી શું બોલે! વસ્ત્રો બદલવાની ધૂનમાં કામણગારા જુવાનની સાવ ઉઘાડી થઈ ગયેલી જુવાનીના દીદારે તેને પૂતળા જેવી કરી મૂકી હતી. 
‘ઉર્વશી... ઉરુ... ઓહ માય ગૉડ!’ સામે હાથ હલાવતા રવિરાજને હવે શું બની ગયાનો ખ્યાલ આવતો હોય એમ હોઠ કરડી કૉલ કટ કર્યો. 
ત્યારે માંડ સ્વસ્થ થતી ઉર્વશી ઓઢણીના છેડાથી ચહેરા પર બાઝેલો પ્રસ્વેદ લૂછે છે કે ફરી રિંગ આવી:
‘સૉરી ઉરુ, મારા ધ્યાન બહાર જ રહ્યું કે વિડિયો ચાલુ છે. ઓહ, મને દ્રૌપદીના વસ્ત્રહરણની ફીલિંગ આવે છે.’
તેના સ્વરમાં પોતાની જાત પ્રત્યેનો રોષ વધુ હતો. નૅચરલી, પોતાનું અંગત કોઈ જોઈ લે એ કોને ગમે? પણ જે થયું એ થયું. પોતે રવિને આશ્વસ્ત તો કરવો રહ્યો. 
‘જે થયું એ અજાણતાંમાં થયું રવિ. હું ભૂલી ચૂકી, તમે પણ ભૂલી જાઓ.’ 
‘ભૂલી જાઉં? ઉરુ, સ્ત્રી થઈને તું આબરૂનું જવું ભૂલવાનું કહી જ કેમ શકે! પુરુષને ઇજ્જત, પ્રાઇવસી જેવું નથી હોતું એમ માને છે?’ રવિરાજ હાંફી ગયો, ‘પુરુષને પણ આનું એટલું જ વસમું લાગે જેટલું તને લાગ્યું હોત. આપ વીત્યા વિના પરવીતી નહીં સમજાય ઉરુ. બોલવું આસાન છે, હિંમત હોય તો એક વાર તારાં અંગ ઉઘાડીને મને દેખાડ ને પછી જો એ કેમ ભુલાય છે!’ 
તેના પડકારમાં નર્યો આવેશ હતો, પણ એમાં રહેલું સંમોહન પ્રેરતું હોય એમ ઉર્વશી જગ્યા પર ઊભી થઈ અને ઓઢણી ફગાવી...
ત્યારે તો હતું કે મારાં અંગ દેખાડીને હું કોઈના દુભાયેલા હૈયાને ઠારી રહી છું, મારા પ્રીતમને રીઝવી રહી છું! હાસ્તો, રવિરાજ પ્રત્યે ઊંડે-ઊંડે પ્રીતના અંકુર ફૂટ્યા ન હોત તો પોતે આવું ગાંડપણ દાખવત પણ ખરી! 
અને પછી જે થયું એ વિચારે અત્યારે પણ નિસાસો જ નાખી શકી ઉર્વશી! 

(ક્રમશઃ) 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 06:36 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK