સાહેબ અને સરલાબહેનને વિજયા જોઈ રહી. છેલ્લા દોઢ વર્ષથી તે આ ઘરમાં કામ કરતી હતી, પણ હજી સુધી તેને સમજાતું નહોતું કે પૅરૅલિસિસના અટૅકને કારણે બેનની વાચા જતી રહી હતી તેમ છતાંય તેમના પતિ એટલે કે સાયેબ એ કઈ રીતે સમજી જતા હતા કે બેન શું કહેવા માગે છે?
પ્રતિકાત્મક તસવીર
‘વિજયા, તારી બેનને ભાત દાળ સાથે નહીં, દહીં સાથે ખાવા છે.’ નિરંજને કામવાળી બાઈને કહ્યું કે તરત જ બેડ પર આધાર લઈને બેઠેલાં સરલાબહેને જોરથી માથું ધુણાવ્યું.
‘હેં સાયેબ, બેન તો કંઈ બોયલાં જ નથી તોય તમને કેમ સમજાઈ ગયું?’
‘તારા પેલા સ્વામીજી જેવો અંતર્યામી છુંને એટલે.’ નિરંજને ટીખળ કરી પણ પછી તરત જ બોલ્યા, ‘સૉરી, નહીં કરું આવી મજાક. જો વિજયા, તારી મજાક કરી એ સરલાને જરાય નથી ગમ્યું. કોઈકની શ્રદ્ધાની ઠેકડી ન ઉડાડાય.’ નિરંજને માફી માગતાં કહ્યું.
વિજયા દહીં લેવા રસોડામાં ગઈ ત્યારે નિરંજને રિમોટ વડે બેડનો માથા તરફનો ભાગ સહેજ વધુ ઊંચો કર્યો.
‘ધવલે આ સૌથી સારું કામ કર્યું નહીં! હા, હા. મને ખબર છે કે મોંઘો છે. મેં તો ના જ પાડી હતી. નહોતું કહ્યું કે આ પલંગ પર સૂતાં-સૂતાં એની કિંમત વિશે વિચારી-વિચારીને મમ્મીનું વજન ઓર ઘટી જશે, પણ છોકરાઓ માન્યા જ નહીં. પણ તું મૂકને એ બધી ચિંતા. પાઉન્ડમાં કમાય છે એ લોકો. તેમને તો સસ્તું જ લાગે બધું. એમ? તો તને પેટમાં એ વાતનું દુખે છે એમ કહેને કે હવે હું વારંવાર તને બેસાડવા માટે નથી આવતો.’
એટલી વારમાં વિજયા દહીં લઈને આવી એટલે નિરંજને તેને સંબોધીને કહેવા માંડ્યું, ‘સાચું કહેજે વિજયા, મેં ના નહોતી પાડી? પણ ધવલ અને ખાસ તો રિયાએ જ રઢ લીધી હતીને કે પપ્પા, આમ વારે-વારે તમારે મમ્મીને ટેકો દઈને ઊભાં કરવાં પડે છે. મમ્મીને પણ તકલીફ પડે અને તમે પણ થાકી જાઓ. સરલાને તો એવું જ લાગે છે કે મેં જ છોકરાઓ પાસે ખોટો ખર્ચો કરાવ્યો. તું જ કહે તેને. હતીને તું સાક્ષી?’
સાહેબ અને સરલાબહેનને વિજયા જોઈ રહી. છેલ્લા દોઢ વર્ષથી તે આ ઘરમાં કામ કરતી હતી, પણ હજી સુધી તેને સમજાતું નહોતું કે પૅરૅલિસિસના અટૅકને કારણે બેનની વાચા જતી રહી હતી તેમ છતાંય તેમના પતિ એટલે કે સાયેબ એ કઈ રીતે સમજી જતા હતા કે બેન શું કહેવા માગે છે? દોઢ વર્ષ પછી પણ તેને આ વાતનું અચરજ થયા કરતું હતું. પોતે જોર-જોરથી બરાડા પાડીને કહે તોય તેનો ધણી સાંભળતો જ નહોતો અને અહીં તો વગર બોલ્યે પણ સાયેબ તેમનાં પત્નીની વાત સમજી જતા હતા.
સરલાબહેન હૉસ્પિટલમાંથી આવ્યાં એ દિવસથી જ વિજયા અહીં કામ પર લાગી હતી. પહેલા દિવસે જ સાયેબે કહી દીધું હતું, ‘સરલા પહેલાંથી જ બહુ ચોકસાઈવાળી છે. જરાય આમતેમ ચલાવી નહીં લે. ખાસ તો સાફસફાઈની બાબતમાં તો બહુ ચીકણી છે. જો એમાં ઢીલ કરી છે તો તારી ખેર લઈ નાખશે.’
પહેલો જ દિવસ હતો એટલે તે કંઈ બોલી નહોતી, પણ તેને સમજાયું નહોતું કે જેમની સારસંભાળ લેવાની હતી તે બેન બોલી જ નહોતાં શકતાં તો પોતાની ખેર કઈ રીતે લેશે! પણ એ વખતે તો તે ચૂપ જ રહી હતી.
‘બેન, બે ચમચી જ દહીંભાત ખાધા છે તમે. થોડુંક તો ખાઓ નહીં તો પછી દવાઓ ગરમ પડે છે તમને.’ વિજયાએ ખવડાવવાનો પ્રયાસ કરતાં કહ્યું પણ સરલાબહેને મોં ફેરવી લીધું. નિરંજન તેમની બાજુમાં આવીને બેઠા અને સરલાબહેનના માથામાં હાથ ફેરવતાં બોલ્યા, ‘છોકરાઓનો અહંગરો લાગે છેને! ખબર છે મને, પણ તું જ કહે કેટલા દિવસ રહે એ લોકો? નોકરીમાંથી રજા મળે ત્યારે આવે જ છેને! રિયા તો કહીને ગઈ છેને કે હવે તેઓ મોટા ઘરમાં રહેવા જવાનાં છે. એક વાર શિફ્ટ થઈ જાય પછી બે-ત્રણ મહિનામાં આવીને આપણને લઈ જશે!’
ADVERTISEMENT
જિતિયો મતલબ જિતુના પપ્પા એટલે કે તેનો ધણી તો મજૂરીએ જાય તો જાય નહીં તો દારૂની પોટલી પીને પડ્યો રહેતો હતો. ઘરખર્ચ ઉપરાંત જિતિયો, રેખલી અને નાનકાના ભણતરનો ખર્ચો પણ હતો. તેણે બાર હજારના પગારની માગણી કરી હતી. પગાર માટે રકઝક થાય તો દસ હજાર સુધી પણ કામ સ્વીકારી લેવાની તેની મનોમન તૈયારી હતી. જોકે સાયેબે ભાવતાલ કર્યો જ નહીં. હા, એટલું કહ્યું હતું કે ‘સરલાને ના કહેતી કે તેના માટે બાર હજાર ચૂકવું છું નહીં તો તેનું વજન બાર કિલો ઘટી જશે.’ અને હસી પડ્યા હતા.
વિજયાએ ભાતમાં દહીં નાખીને ચમચી ભરીને સરલાબહેનના મોં સામે ધરી ત્યાં તો સાયેબે ઊભા થઈને તેમના ગળા પાસે નૅપ્કિન ગોઠવી દીધો. ‘નહીં ગમે સરલાને તેનાં કપડાં પર ઢોળાશે તો.’
‘સૉરી, સૉરી. ઉતાવળમાં ભુલાઈ ગયું.’ વિજયાએ માફી માગી. કેટલી નાની-નાની બાબતોનું સાયેબ ધ્યાન રાખતા હતા.
એકાદ વખત તેણે સાયેબને કહ્યું પણ હતું કે તમે બેનનું જેટલું ધ્યાન રાખો છો એટલું કોઈ પુરુષ માણસ ન રાખે, તો સાયેબ કદાચ પહેલી વખત ઊંચા સાદે બોલ્યા હતા, ‘તને કંઈ ભાન છે વિજયા, આ સરલાએ કેટલો ભોગ આપ્યો છે? તને ખબર નથી કેટલા મોટા ઘરની દીકરી તોય અમારા નાનકડા ઘરમાં ગોઠવાઈ ગઈ. મારાં બાની તો તેણે જેટલી સેવા કરી છે એવી તો સગી દીકરી પણ ન કરી શકે. હું તો ખાલી ગ્રૅજ્યુએટ હતો. તેણે જ તો મને ભણાવ્યો. તેના સપોર્ટને લીધે તો એન્જિનિયર થયો. પ્રાઇમરી સ્કૂલમાં નોકરી કરતી, ટ્યુશન લેતી, ઘરનાં કામ, ધવલ નાનો. બધું એકલા હાથે કર્યું. આઠ વર્ષ પહેલાં મારો ઍક્સિડન્ટ થયો તો ચાર મહિના મારી સેવા કરી હતી. લે, તારી બેનને નથી ગમતું હું તેનાં વખાણ કરું છું એ.’ કહેતાં-કહેતાં સાયેબ હસી પડ્યા હતા.
પહેલાં-પહેલાં તો વિજયાને લાગતું કે સાયેબ કેટલા હસમુખા છે, પણ પછી ક્યારેક તેને સમજાતું નહીં કે સાયેબ ખરેખર હસી રહ્યા છે કે રડવા નથી માગતા એટલે હસી રહ્યા છે?
પગાર ઉપરાંત પણ સાયેબ છોકરાંઓની ફી ભરવામાં મદદ કરતા અને આમ પણ વિજયાને આ બન્ને સિનિયર સિટિઝનો સાથે માયા થઈ ગઈ હતી એટલે તે નછૂટકે લેવી પડે તો જ રજા લેતી. જોકે સાયેબ ક્યારેય રજા માટે ના ન પાડતા. પોતે ગેરહાજર હોય ત્યારે બેનને પેશાબ-સંડાસ કરાવવાથી માંડીને નવડાવવા-ખવડાવવાનું પણ પોતે જ કરતા.
તે કામ પર હોય ત્યારે પણ સાયેબનું ધ્યાન રહેતું. બેન બોલી ન શકતાં તોય સાયેબ તેમની સાથે વાતો કરતા રહેતા. બેનના હાવભાવ કે અસ્પષ્ટ અવાજો પરથી તે શું કહે છે એ સાયેબ કઈ રીતે સમજી જતા એ વિજયા માટે દોઢ વર્ષથી હજી વણઉકેલ્યું રહસ્ય રહ્યું હતું. બધી જ સારવાર, દવાઓ અને કાળજી છતાં બહેનની તબિયત કથળતી જઈ રહી હતી. તેમની પીડા અને દુઃખ સાયેબથી જોવાતું નહોતું એટલે કદાચ સાયેબ વધુ હસતા રહેતા એવું વિજયાને લાગતું.
‘બેન, બે ચમચી જ દહીંભાત ખાધા છે તમે. થોડુંક તો ખાઓ નહીં તો પછી દવાઓ ગરમ પડે છે તમને.’ વિજયાએ ખવડાવવાનો પ્રયાસ કરતાં કહ્યું પણ સરલાબહેને મોં ફેરવી લીધું. નિરંજન તેમની બાજુમાં આવીને બેઠા અને સરલાબહેનના માથામાં હાથ ફેરવતાં બોલ્યા, ‘છોકરાઓનો અહંગરો લાગે છેને! ખબર છે મને, પણ તું જ કહે કેટલા દિવસ રહે એ લોકો? નોકરીમાંથી રજા મળે ત્યારે આવે જ છેને! રિયા તો કહીને ગઈ છેને કે હવે તેઓ મોટા ઘરમાં રહેવા જવાનાં છે. એક વાર શિફ્ટ થઈ જાય પછી બે-ત્રણ મહિનામાં આવીને આપણને લઈ જશે!’
સરલાબહેનની આંખમાંથી વહી રહેલાં આંસુને નૅપ્કિનથી લૂછ્યાં અને પાણીનો ઘૂંટડો પીવડાવ્યો.
પછી ચમચીથી ભાત ખવડાવતાં કહ્યું, ‘હવે જલદી-જલદી સાજાં થઈ જાઓ સરલાબહેન. તમે દાદીમા બનવાનાં છો! જો વિજયા, દાદીમા કહેતાંની સાથે જ કેવી ચમક આવી ગઈ છે ચહેરા પર.’
એ જ વખતે મોબાઇલની રિંગ વાગી અને નિરંજને તરત ફોન ઉપાડ્યો. ‘હા, ધવલ પહોંચી ગયાને બરાબર! બૅગનું વજન બરાબર છેને? કે પૈસા ભરવા પડ્યા? અરે, ના, ના રિયાને કંઈ ન કહેતો. મેં જ નાસ્તા જરા વધારે આપી દીધા. મમ્મી તો એકદમ ફૉર્મમાં છે. દાદીમાને તો પહેલો પૌત્ર જ જોઈતો હશે. જો તો ખરો મારી સામે આંખ કાઢે છે. ના, ના તેને તો દીકરી જ જોઈએ છે. તેનું ચાલત તો તારીયે સેક્સ જ ચેન્જ કરાવી નાખત અને તને દીકરી બનાવી નાખત.’ નિરંજન જોરથી હસ્યા, ‘હા, હા ભલે. પહોંચીને ફોન કરજે. ગુડબાય.’
સરલાબહેનને જમાડી લીધા પછી નિરંજને બહાર હૉલમાં જઈ ડાઇનિંગ ટેબલ પર જમી લીધું અને સોફા પર બેસી ટીવી ઑન કર્યું.
‘વિજયા, તું તારે ઘરે જા.’
‘પણ સાયેબ હજી તો...’
‘આટલા દિવસનો તને થાક હશે. જા તું...’ વિજયાને નવાઈ લાગી પણ સાથે-સાથે થયું કે ધવલભાઈ અને રિયાભાભી હતાં ત્યારે કામ પણ બહુ પહોંચતું, સાયેબ પોતે જ કહે છે તો ઘરે જઈ થોડો આરામ કરીશ.
‘હા, વિજયાની દીકરી બીમાર છે એટલે મેં જ તેને કહ્યું કે તું વહેલી જા. આ લે, આ ગોળી લઈ લે. હા, રાતે લેવાની હોય છે પણ ડૉક્ટરે કહ્યું છે કે બપોરે પણ આપજો. ઊંઘ આવી જશે તો જલદી સારું થશે. અરે, હું શું કામ ખોટું બોલું? શું? મને કંઈ નથી થયું. કેમ ધવલ-રિયા મારાં કંઈ નથી? મને ન થાય તેમના જવાનું દુઃખ? સૂઈ જા હવે. કહું છુંને સૂઈ જા.’
નિરંજને ચાદર ઓઢાડી અને ધીમા અવાજે કહ્યું, ‘હું જાઉં છું. ગુડબાય.’
lll
‘સાહેબ, મારું નામ નિરંજન સોમાભાઈ પટેલ. ના, ફરિયાદ નથી લખાવવી, કબૂલાત કરવી છે. મેં મારી પત્ની સરલાના મોં પર તકિયો દબાવીને હત્યા કરી છે. હમણાં જ. મારી ધરપકડ કરો એ પહેલાં એક વિનંતી છે સાહેબ. મારા દીકરા-વહુના અંતિમ સંસ્કાર કરી લઉં એટલો સમય આપશો સાહેબ? ઍર-ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રૅશ થઈ એમાં મારો ધવલ, રિયા અને મારો ન જન્મેલો પૌત્ર પણ હતો. મારી સરલા આ આઘાત સહન ન કરી શકી હોત સાહેબ.’
અને આણંદના પોલીસ-સ્ટેશનમાં નિરંજન દોઢ વર્ષનું એકસાથે રડી પડ્યા.


