Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હા, જીર્ણોદ્ધાર કરવો છે, તમે મહેફિલ સજાવોને

હા, જીર્ણોદ્ધાર કરવો છે, તમે મહેફિલ સજાવોને

Published : 04 January, 2026 03:38 PM | IST | Mumbai
Hiten Anandpara

હયાતી કસોટી કરવામાં પાવરધી છે. એ તાવે પણ છે અને સમજાવે પણ છે. એ તારે પણ છે અને તાર-તાર પણ કરી મૂકે છે. આપણે એને લાઇટલી લઈએ તો એ આપણને સ્માર્ટલી ફેંકી દે. હયાતી માત્ર પ્રાપ્તિ ને ઉપલબ્ધિથી નહીં, સંબંધો અને સંવેદનોથી પણ સમૃદ્ધ બનવી જોઈએ.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


નવું વર્ષ શરૂ થયું છે ત્યારે અપૂર્ણ સંકલ્પોનાં કારણો શોધી નવા સંકલ્પો વાસ્તવિક ધરાતલ પર રહીને લેવાનાં છે. મિસાઇલની મારકક્ષમતા પચાસ કિલોમીટરની હોય તો એને અઢીસો કિલોમીટર દૂરનો ટાર્ગેટ ન અપાય. આપણી ક્ષમતા અને સપનાને બંધ બેસે એવા સંકલ્પો સાકાર થવાની શક્યતા વધારે હોય છે. ડિસેમ્બર ૨૦૦૯થી શરૂ થયેલી ‘અર્ઝ કિયા હૈ’ કટારનો સંકલ્પ અર્થસભર મહેફિલ સજાવવાનો રહ્યો છે એ આપ સૌના કારણે સાર્થક બન્યો છે. અમારા દિલમાં આપનું શું સ્થાન છે એ અંકિતા મારુ ‘જિનલ’ની પંક્તિમાં વાંચી શકશો...

તું સાથ છે તો જિંદગી મહેફિલ સમાન છે
મારી મુસાફરી બધી મંજિલ સમાન છે
સરખામણી કરી ન શકું તારી કોઈથી
તારા વિના જિવાય ના, તું દિલ સમાન છે



રાજ્યો કે રાષ્ટ્રોના વિકાસની સરખામણી આવકાર્ય છે પણ વ્યક્તિગત સરખામણી વિષાદ અને વિવાદ તરફ દોરી જાય છે. કેટલી સફળતા મળી અને કેટલી સંપત્તિ બનાવી એ બાબતે સરખામણી છેતરામણી છે. હા, કેટલા પ્રયત્નો કર્યા એની ગણતરી જરૂર થવી જોઈએ. સરખામણી કરવાને બદલે સ્વમૂલ્યાંકન કરીએ તો વિકસવામાં વિશેષ મદદરૂપ થાય. માધવી ભટ્ટ આવું સર્જનાત્મક મૂલ્યાંકન કરે છે...


કશું ના અફર છે, કશું ના કરારી
અને બિંબ જેવી હયાતી તમારી
શબદને મળી છે રવાની તમારી
મહેફિલ તમારી, નઝમ પણ તમારી

હયાતી કસોટી કરવામાં પાવરધી છે. એ તાવે પણ છે અને સમજાવે પણ છે. એ તારે પણ છે અને તાર-તાર પણ કરી મૂકે છે. આપણે એને લાઇટલી લઈએ તો એ આપણને સ્માર્ટલી ફેંકી દે. હયાતી માત્ર પ્રાપ્તિ ને ઉપલબ્ધિથી નહીં, સંબંધો અને સંવેદનોથી પણ સમૃદ્ધ બનવી જોઈએ. પાસબુકમાં લાખો રૂપિયાનું બૅલૅન્સ હોય પણ કાળી રાતે પડખે ઊભો રહે એવું એકેય સ્વજન કે મિત્ર ન હોય તો એવી હયાતીને સફળ કહેવી કે નિષ્ફળ? રાજેન્દ્ર આર. શાહ ‘સ્વપ્નિલ’ પ્રિય દોસ્તની રાહ જુએ છે... 


આજ તો બારી તરફ આકાશને તાકી રહ્યો
એક ઝાંખી આપશે ને તોય મહેફિલ થઈ જશે
દોસ્ત આવ્યો છે ઘરે વર્ષો પછી ભૂલો પડી
રાત બેઠક જામશે ને તોય મહેફિલ થઈ જશે

બેઠકોની પરંપરા ઓછી થતી જાય છે. સગાંસંબંધીઓમાં પણ એકબીજાના ઘરે જવા-આવવાનું ચલણ ઓછું થયું છે. એક શહેરમાં હોવા છતાં વર્ષે-બે વર્ષે મેળાપ થાય છે એવું કહીએ તો મુંબઈ શહેરમાં કોઈને અજુગતું ન લાગે. ટેક્નૉલૉજીના કારણે અંતર ઘટ્યું છે એ વાત સાચી પણ અંતર વચ્ચેનો તાલમેલ કેમ ઘટ્યો છે એ ચિંતનનો વિષય છે. મોબાઇલ પર કલાકોના કલાકો નિરર્થક રીલ્સ જોવાનો સમય બધા પાસે છે પણ પાંચ મિનિટેય સ્વજનને સાંભળવાનો સમય નથી. અલ્પા વસા આ અનુસંધાનને જીવિત કરવાની વાત કરે છે...

ઊભા થઈ આમ ચાલ્યા ક્યાં? કહાની લઈને આવી છું
હવે બેસો જરી, વાતો મજાની લઈને આવી છું
ફરી પાછા વિખૂટા ના થવાના ભાવ લઈ આજે
મિલનના માંડવે હું ફૂલદાની લઈને આવી છું

પૂરાં થયેલાં દરેક વર્ષ પાસે એની અનેક વાર્તાઓ હોય છે અને શરૂ થયેલું દરેક વર્ષ આશાઓ લઈને આવે છે. વાત સાહિત્યના સંદર્ભે કરીએ તો આપણી કવિતા, વાર્તા, નિબંધ અને ઇતર સર્જનાત્મક સાહિત્યને ટકાવવા માટે સંસ્થાઓએ જવાબદારી ઉપાડવી જરૂરી છે. મ્યુઝિકલ ઑર્કેસ્ટ્રા અને સ્ટૅન્ડ અપ કૉમેડીથી આગળ પણ એક વિશ્વ છે જેને સાધવાની જરૂર છે. કવિ સંમેલન અને મુશાયરાઓ બાઅદબ અને બેઝિજક થવા જોઈએ. ભાષાની સમૃદ્ધિ માણવા અને સંવેદનની સમૃદ્ધિ વધારવા એ જરૂરી છે. ભલે નાનો તો નાનો પણ આ જ્ઞાનયજ્ઞ ચાલુ રહેવો જોઈએ. આ માટે ડૉ. ઇમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’ ભેગા થવાની વાત કરે છે...

શબ્દના સરનામે જામી એક મહેફિલ આગવી
સૂર પણ સાથે મળ્યા ને કાબિલે તારીફ બની
સ્નેહના સેતુ થકી હૈયા ઘણા ભેગા થયા
આરજૂ વર્ષો જૂની જાણે કપૂરી થઈ ગઈ

લાસ્ટ લાઇન

વીણાનો તાર તૂટ્યો છે તમે મહેફિલ સજાવોને
અમે પણ લય ગુમાવ્યો છે તમે મહેફિલ સજાવોને
દરદનાં વસ્ત્રનો કાયમ પનો લાંબો રહ્યો માન્યું
હવે ટૂંકો થવાનો છે, તમે મહેફિલ સજાવોને
ઘણો ખાલીપણાનો ભાર લાગે શું કહું તમને?
એ હલકો થાય એવો છે તમે મહેફિલ સજાવોને
પીડા દીક્ષા જ લઈ લેશે, જો મહેફિલ એક-બે મળશે
ને મનસૂબો એ પાક્કો છે, તમે મહેફિલ સજાવોને
થયાં જે મંદિરો સપનાના ખંડિત એ બધાનો પણ
હા, જીર્ણોદ્ધાર કરવો છે, તમે મહેફિલ સજાવોને
- પ્રીતિ પુજારા

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 03:38 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK