યસ, મુંબઈમાં કેટલાક એવા ગુજરાતીઓ પણ છે જેઓ પાર્ટીના મામલે ભલભલાને હંફાવી દે એવા છે પરંતુ પાર્ટીમાં દારૂ કે આલ્કોહોલ હોય એવી કોઈ પણ વસ્તુને તેઓ નથી અડતા. તેમના બધા જ ફ્રેન્ડ્સ દારૂ પીને ભાન ભૂલી ગયા હોય ત્યારે તેમને સંભાળવાનું કામ તેઓ કરી લે
પ્રતીકાત્મક તસવીર
આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને આજના દિવસની ખૂબી છે કે જેઓ ભાગ્યે જ પાર્ટીમાં જતા હશે તેઓ પણ આજે તો પાર્ટી કરશે જ. થર્ટી ફર્સ્ટની પાર્ટી એટલે મ્યુઝિક, મસ્તી અને દારૂની રેલમછેલ. એ જ કારણ છે કે થર્ટી ફર્સ્ટની રાતે ડ્રન્કન ડ્રાઇવિંગના કિસ્સાઓ વધુ જોવા મળે છે. ન્યુ યર પાર્ટી માટે આલ્કોહોલનું વેચાણ લગભગ ડબલ નહીં પણ ટ્રિપલથીયે વધુ થઈ જતું હોય છે. માત્ર દારૂ ઢીંચીને ટુન થઈ જતા જ નથી પીતા, ઘણા ઓકેઝનલ ડ્રિન્કર્સ પણ હોય છે જેઓ વર્ષમાં બે-ચાર દિવસ આવા કોઈ ખાસ અવસર પર મિત્રોની સાથે મજા માણવા માટે દારૂનું સેવન કરતા હોય. જ્યારે બધા ડ્રિન્ક લેતા હોય અને તમે પાર્ટીમાં પાવરધા હો ત્યારે તમારે લોકોથી પ્રેરાઈને પણ ડ્રિન્ક લેવું પડે અથવા મિત્રોના આગ્રહને વશ થઈને નછૂટકે પણ એક પેગ મારવો પડે એવું કહેનારા તમે જોયા હશે, પરંતુ આનાથી તદ્દન વિપરીત લોકો અમે શોધી કાઢ્યા છે જેઓ પાર્ટીની વાત આવે ત્યારે ભલભલાના છક્કા છોડાવે એવા છે પરંતુ આલ્કોહોલને ટચ પણ નથી કરતા. સતત ડ્રિન્ક લેતા લોકો વચ્ચે રહીને ડ્રિન્ક લીધા વિના એન્જૉય કરવાનો તેમનો ફંડા શું છે?
મિત્રોએ બળજબરીથી પીવડાવવાની કોશિશ પણ કરી છે, પરંતુ અમે નથી પીતાં એટલે નથી પીતાં, મૅટર એન્ડ્સ
ADVERTISEMENT

જુહુમાં રહેતાં કમલ શાહ અને તેમનાં પત્ની રીમા શાહ નખશિખ પાર્ટી ઍનિમલ છે. તેઓ દુનિયાભરમાં મિત્રો સાથે જઈને જ્યાં-ત્યાંની બેસ્ટ પાર્ટીઓમાં હિસ્સો લઈ રહ્યાં છે. જોકે આજ સુધી તેમણે દારૂ તો શું, વાઇન પણ ચાખ્યો નથી. હંમેશાં મોજમાં રહેતા કમલભાઈ કહે છે, ‘કોને ખબર ક્યારેય મન જ નથી થયું. શરૂઆતમાં મિત્રોએ બળજબરી કરીને મોઢામાં દારૂ નાખવાની કોશિશ કરી છે પણ મેં ન જ સ્વીકાર્યું એટલે હવે તેઓ પણ માની ગયા છે. અત્યારે તો એવું છે કે હું સાથે હોઉં તો ઘણા ફ્રેન્ડ્સ પોતાને પોતે સેફ ઝોનમાં માને કારણ કે ઘણા મિત્રોને ઘરે પહોંચાડવાની અને શૉફરની ભૂમિકા મારે ભજવવાની હોય છે. અમે દુનિયાભરમાં શ્રેષ્ઠ કહેવાય એવી પાર્ટીઓમાં ગયાં છીએ. બધા જ ડ્રિન્ક લેતા હોય. ઇન ફૅક્ટ અમુક ઠેકાણે તો ડ્રગ્સ પણ લેવાતું હોય અને અમે અમારાં મૉકટેલ્સમાં મસ્ત હોઈએ. મ્યુઝિક, મસ્તી, ડાન્સ અને ફ્રેન્ડ્સનો સાથ છે એન્જૉયમેન્ટ માટે. તમારે સબસ્ટન્સ પર નિર્ભર રહેવાની જરૂર નથી એવું મને લાગે છે. અત્યારે ૪૮ વર્ષનો છું અને ૩૫ વર્ષથી પાર્ટી કરું છું પણ ડ્રિન્ક નથી કર્યું અને નહીં કરું. ઇન ફૅક્ટ, ઘણી વાર હું પાર્ટી આપતો હોઉં ત્યારે મારે ડ્રિન્ક રાખવું પડે જેથી મિત્રો આવે. એટલે હા, હું પીવડાવું છું પણ પીતો નથી.’
નહીં પીવાના ફાયદાઓ પણ ઘણા છે એમ જણાવીને કમલભાઈ કહે છે, ‘તમારા ખૂબ પૈસા બચે છે અને તમે દરેક બાબતને તમારા પૂરા ભાનમાં માણી શકતા હો છો. ઘણી વાર પીધા પછી ચડી ગઈ હોય અને મિત્રોની લવારી જુઓ તો એની વધુ મજા આવતી હોય છે. બીજી એક વસ્તુ અમે ઑબ્ઝર્વ કરી છે કે લોકોને તમે ડ્રિન્ક નથી કરતા એની સામે વાંધો નથી હોતો પણ તમારા હાથમાં ગ્લાસ ન હોય એની સામે વાંધો હોય છે. એટલે તમે માત્ર પાણી ભરેલા ગ્લાસ સાથે પણ જો બધા સાથે એન્જૉય કરતા હો તો કોઈને વાંધો પણ નથી કે તમે ડ્રિન્ક કરો છો કે પાણી પીઓ છો. એ બેસ્ટ રસ્તો છે જેથી તમે ઑડ મૅન આઉટ પણ નહીં લાગો અને લોકો તમને ફોર્સ પણ નહીં કરે.’
કોણે કહ્યું એન્જૉય કરવા માટે દારૂ પીવો જ પડે?

૩૧ વર્ષનો આઉટસોર્સિંગ કંપનીમાં કામ કરતો ભગીરથ ગાંધી નાનપણથી પાર્ટીઓ કરે છે. મુંબઈની પબ્સમાં જ નહીં પણ બીચ પર પણ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતો રહે છે અને મોટા ભાગના બધા જ ફ્રેન્ડ્સ ઓકેઝનલ ડ્રિન્કર છે પરંતુ ભગીરથે આજ સુધી આલ્કોહોલને ટચ પણ નથી કર્યો. પહેલાં ફ્રેન્ડ્સ ચીડવતા પણ હવે તેઓ સમજી ગયા છે એમ જણાવીને ભગીરથ કહે છે, ‘ઍવરેજ મહિનામાં એક વાર તો ક્લબિંગ માટે જાઉં જ અને પાર્ટી કરતો જ હોઉં છું. મ્યુઝિક અને પાર્ટી કલ્ચર મને ગમે છે પરંતુ એમાં ડ્રિન્ક મને જરૂરી નથી લાગતું. બધા જ ફ્રેન્ડ્સ હવે આ સમજી ગયા છે અને પોતે ડ્રિન્ક કરતા હોય તો પણ મને ડ્રિન્ક કરવા માટે હવે આગ્રહ નથી કરતા. ઇન ફૅક્ટ, તેઓ હવે મારા પર વધુ અવલંબિત રહેતા હોય છે કારણ કે તેમને ખબર છે કે હું સાથે છું તો બધું જ સંભાળી લઈશ.’
એક્સાઇટમેન્ટ પાર્ટીનું હોય, મ્યુઝિકનું હોય; ડ્રિન્કનું નહીં. ભગીરથ કહે છે, ‘આલ્કોહોલની સાઇડ-ઇફેક્ટ્સ મેં લોકોમાં જોઈ છે અને કદાચ એ મારા મનમાં એવી ઘર કરી ગઈ કે મને ક્યારેય ડ્રિન્ક કરવાની ઇચ્છા જ નથી થઈ. હું બહુ જ ફિટનેસ ફ્રીક છું. જો ડ્રિન્ક કરીશ તો બૉડી-બિલ્ડિંગમાં અને ફિઝિકલ મેઇન્ટેનન્સમાં અડચણ આવશે એવું પણ મને લાગે છે. એના કારણે પણ હું ડ્રિન્ક અવૉઇડ કરું છું. બધાના હાથમાં જ્યારે વૉડકા હોય ત્યારે હું મૉકટેલ સાથે મસ્ત હોઉં અને મને એમ જ ગમે છે.’
મુંબઈની લગભગ દરેકેદરેક ક્લબમાં એક વાર જઈ ચૂકી છું છતાં આજ સુધી ડ્રિન્ક નથી કર્યું

અઠવાડિયામાં મિનિમમ એક વાર અને ક્યારેક-ક્યારેક બેથી ત્રણ વાર વિવિધ પાર્ટી લાઉન્જમાં જતી જુહુની સપના કામદાર સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. નિયમતિ પાર્ટી કરવી ગમે છે પરંતુ સ્મોકિંગ, હુક્કા કે ડ્રિન્કિંગથી તે સેંકડો માઇલ દૂર છે. બહુ જ વાજબી દલીલ સાથે સપના કહે છે, ‘કોણે કહ્યું કે એન્જૉયમેન્ટ તો જ થાય જો તમે ડ્રિન્ક કરતા હો? જરાય નહીં. એ વાત જ ખોટી છે. એક ભ્રમણા છે. મને લાગે છે કે હું મ્યુઝિકથી જ હાઇ થઈ જાઉં છું. મને હાઇ થવા માટે ડ્રિન્કની જરૂર નથી. ઇન ફૅક્ટ હવે તો એવું થઈ ગયું છે કે ઘણા બાર કે ક્લબમાં મને ફ્રી એન્ટ્રી મળી જાય છે. લોકોને મારો ચહેરો યાદ રહી ગયો છે. ધારો કે ક્યાંક હજાર-પંદરસો રૂપિયા એન્ટ્રી ફરી હોય અને ત્યાં જઈને હું ડ્રિન્ક ન પણ કરવાની હોઉં તો પણ ત્યાંના મ્યુઝિક અને ઍમ્બિયન્સ માટે મને એ વર્થ લાગતા હોય છે.’
એન્જૉયમેન્ટની વ્યાખ્યા પર્સન-ટુ-પર્સન જુદી હોય છે એમ જણાવીને સપના કહે છે, ‘મારા ઘરની નજીક જ ગ્લાસ હાઉસ નામની એક લાઉન્જ છે. હું જોતી હોઉં છું કે ત્યાં નાના-નાના ટીનેજર્સની ભરમાર હોય છે અને મોટા ભાગે લોકો ડ્રિન્ક કરનારા હોય છે. ઘણી વાર તો એકવીસ વર્ષ કરતાં નાનાં છોકરાઓ અને છોકરીઓ હોય અને તેમણે ખોટા ID સાથે એન્ટ્રી મેળવી લીધી હોય. બધી જ સીટ બુક કરીને પોતાના મિત્રોને વહેંચતા હોય. એમાં મેં કેટલીય છોકરીઓને જોઈ છે જેઓ ક્લબની બહાર વૉમિટિંગ કરતી હોય, આઉટ ઑફ કન્ટ્રોલ હોય. મને આવી બાબત એન્જૉયમેન્ટ નથી આપતી. ઇન ફૅક્ટ દારૂ નહીં પીને હું સંપૂર્ણ ભાનમાં હોઉં અને એ માહોલને માણતી હોઉં એ વાત મને વધારે ઍટ્રૅક્ટ કરે છે. મારા મિત્રો ડ્રિન્ક કરતા હોય અને હું તેમની સાથે બેઠી હોઉં એ જ મારું એન્જૉયમેન્ટ છે. ઇન ફૅક્ટ શ્રાવણ મહિનો હોય અને ડ્રિન્ક ન કરવાનું હોય તો મિત્રો પાર્ટી નથી કરતા ત્યારે મને નવાઈ લાગતી હોય છે કે ડ્રિન્કને અને પાર્ટીને શું લેવાદેવા છે?’
મારા પ્રોફેશનમાં ગ્રોથ જોઈતો હોય તો પીનારાઓ સાથે પીવું પડે એવું મનાય છે, પણ હું પીધા વિના પણ સફળ છું

એક કંપનીમાં CEO અને બે કંપનીમાં પાર્ટનર તરીકે ઍક્ટિવ ચેતન મહેતા સક્સેસફુલ માર્કેટિંગ પ્રોફેશનલ છે. બહુ નિયમિત તેમણે દુનિયાભરમાં ટ્રાવેલ કરવું પડતું હોય છે અને મોટા ભાગે તેઓ જે લોકોની આસપાસ હોય છે એમાં ડ્રિન્ક કરવું બહુ જ સામાન્ય છે. મોટા ભાગે ડ્રિન્ક કરનારાઓ વચ્ચે તમે નૉન-ડ્રિન્કર હો તો અળખામણા થઈ જાઓ અને તમારાં બનતાં કામ બગડી પણ જાય. જોકે પોતાની સાથે આવું નથી થયું એનું કારણ આપતાં ચેતનભાઈ કહે છે, ‘મુંબઈમાં હોઉં તો પણ દર અઠવાડિયે એકાદ દિવસ પાર્ટી માટે જતો હોઉં અને બહારગામ તો અમારું બધું જ પ્રોફેશનલ અને સોશ્યલ ગેધરિંગ ડ્રિન્ક વિના અધૂરું હોય છે અને એ પછીયે હું નથી પીતો. મને એટલું સમજાયું છે કે કનેક્શન બનાવવા માટે ડ્રિન્કિંગ નહીં, કમ્યુનિકેશન જરૂરી છે અને એમાં હું માસ્ટર છું. આજથી લગભગ ત્રીસેક વર્ષ મેં મારા ગુરુ પાસે રાધિકાનંદ સ્વામીજી પાસે દીક્ષા લીધી છે એટલે ત્યારથી ડ્રિન્કિંગ, સ્મોકિંગનો પ્રશ્ન જ નથી આવ્યો. એમાં ચૉઇસ ક્લિયર છે. મૂંઝવણ વિશે વિચારવાનું પણ નથી. અત્યારે ૫૧ વર્ષનો છું અને ડ્રિન્કર્સની વચ્ચે રહીને પણ દારૂ ચાખ્યો નથી. ભરપૂર એન્જૉય કરવા છતાં ડ્રિ્ન્ક લીધા વિના પણ ભરપૂર એન્જૉય કરી રહ્યો છું. મને લાગે છે કે મારું ડ્રિન્ક ન કરવું મારા પછીની પેઢી માટે બહુ મોટું મોટિવેશન છે.’
ડ્રિન્ક નહીં કરવું એ શરૂઆતના સમયમાં ચૅલેન્જિંગ હતું એમ જણાવીને ચેતનભાઈ કહે છે, ‘હું ઑડમૅન આઉટ બની જતો હતો અને પહેલી વાર લોકો થોડોક અળખામણો ગણતા પણ પછી જેવી વાતો કરવા માંડું કે પછી લોકો સાથે મસ્ત રેપો બની જતો. ઇન ફૅક્ટ હું તો એમ કહીશ કે આટલાબધા ડ્રિન્ક કરનારા લોકો વચ્ચે રહીને પણ મક્કમતા સાથે ડ્રિન્ક નહીં કરવાની મારી દૃઢતાએ મારો વિલપાવર વધાર્યો છે. હું વધુ કૉન્ફિડન્ટ બન્યો છું.’


