Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આશા ભોસલેએ ગોપાલ શર્માને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા બાદ શું માગ્યું?

આશા ભોસલેએ ગોપાલ શર્માને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા બાદ શું માગ્યું?

Published : 19 July, 2026 02:52 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

ગોપાલ શર્મા એ ભૂલી ગયા કે વ્યક્તિના હાથમાંથી એક વખત ખુરસી અને સત્તા નીકળી જાય છે પછી સંબંધોનાં સમીકરણ બદલાઈ જાય છે

ગોપાલ શર્માની સાથે લતા મંગેશકર.

વો જબ યાદ આએ

ગોપાલ શર્માની સાથે લતા મંગેશકર.


એક સમય હતો જ્યારે મંગેશકર બહેનો વચ્ચેની પ્રોફેશનલ રાઇવલરીના કિસ્સાઓ કેવળ ફિલ્મી દુનિયા સુધી સીમિત હતા. પ્રિન્ટ મીડિયામાં જે થોડીઘણી વાતો આવતી એને દુનિયા અફવા કહીને નકારી દેતી. આજે આ કિસ્સાઓ જગજાહેર છે, પરંતુ ૧૯૫૦ના દાયકામાં આ હકીકતની જાણ રેડિયો સિલોનના અનાઉન્સર ગોપાલ શર્માને કઈ રીતે થઈ એ વાત કરતાં તે કહે છે...

એક દિવસ આશા ભોસલેના સેક્રેટરી મારી પાસે આવ્યા અને કહે કે આશાજી આપને મળવા માગે છે. મેં કહ્યું, ‘તેમને તો હું ‘નયા કાનૂન’ના એક ગીત ‘મેરી રાખી કી રખિયો તૂ આન રે’ના (ગીતકાર : સરસ્વતીકુમાર દૂપક, સંગીતકાર : મદન મોહન) રેકૉર્ડિંગ સમયે મળ્યો છું.’



તો કહે, ‘એ તો ઔપચારિક મુલાકાત હતી. તેમને નિરાંતે મળવું છે.’ એટલે હું અને મારી પત્ની શશી તેમને મળવા ગયાં.


તેમના ઘરે પહોંચતાં જ તેમણે અમારું ભાવભીનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, તેમણે મારા હાથમાં રાખડી બાંધી અને કહ્યું, ‘ભૈયા, આજ સે આપ મેરે સગે ભાઈ હૈ, હૃદયનાથ સે ભી ઝ્યાદા. આપકો મેરી વિશેષ સહાયતા કરની હૈ.’ આ પણ કેવો સંયોગ હતો કે તેમની સાથે પહેલી મુલાકાત રાખીનો મહિમા કરતા ગીતના રેકૉર્ડિંગ સમયે થઈ હતી અને આજે તેઓ મને રાખડી બાંધીને સહાયતાની માગણી કરી રહ્યાં હતાં.

એ સમયે તેઓ પતિથી જુદા થઈને પેડર રોડ પ્રભુકુંજમાં લતાજીના ફ્લૅટની સામેના ફ્લૅટમાં રહેવા આવી ગયાં હતાં. એ દિવસોમાં તેમની અને ઓ. પી. નય્યરની નિકટતા વધતી જતી હતી. આશાજીએ શશીને ગળામાં એક સુંદર હાર પહેરાવ્યો અને મને એક હીરાજડિત વીંટી પહેરાવી જેમાં મારું નામ અંકિત કરેલું હતું. જોકે પાછળથી મને મારા મિત્રએ કહ્યું કે આ હીરો તમારા માટે અપશુકનિયાળ સાબિત થશે એટલે મેં એ વીંટી આશાજીને પાછી આપી દીધી.


મેં તેમને કહ્યું કે લતાજીએ પણ અમને આમંત્રણ આપ્યું છે એટલે તેમને મળવા જઈએ છીએ. એટલે તેઓ અમને દીદીના ફ્લૅટમાં મૂકવા આવ્યાં. લતાજીએ પણ અમારો પ્રેમથી આદરસત્કાર કર્યો. ત્યાર બાદ ઘરના મંદિરમાં લઈ ગયા અને શશીના માથે તિલક કરીને એક વીંટી ભેટ આપી.

હું મનોમન એ જ વિચારતો હતો કે એક મધ્યમ વર્ગના પરિવારનો ગોપાલ શર્મા આજે આવું સન્માન પામી રહ્યો છે એનું એક જ કારણ છે : રેડિયો સિલોન પર નિષ્ઠાપૂર્વક કામ કરવાની મારી ધગશ. મારા જીવનની આવી અનેક સુખદ ઘટનાઓ માટેનું પૂરું શ્રેય હું રેડિયો સિલોનને આપું છું.

અમે જ્યારે ત્યાંથી વિદાય લીધી ત્યારે આશાજી ફ્લૅટની બહાર આવ્યાં અને છૂટાં પડતાં તેમણે મારા કાનમાં એક વાત કરી જે મેં ધ્યાનથી સાંભળી. તેમણે કહ્યું, ‘ભૈયા, આપ મેરે ગીત બહુત કમ બજાતે હૈં. મૈં યહ ચાહતી હૂં કિ મુઝે ભી મેરી દીદી કે બરાબર હિસ્સા દીજિએ જિસ સે મૈં લતાદીદી કે બરાબર આ સકું.’

હું તેમનો આશય સમજી ગયો. મેં કહ્યું, ‘હાલાંકિ આપ મુઝસે ઉમ્ર મેં છોટી હૈં, લેકિન ફિર ભી આપકા રુત્બા ઇતના બડા હૈ, ઇતની મહાન ગાયિકા હૈ, આજ સે મૈં આપકો આશાદીદી કહૂંગા.’ આટલું કહીને મેં ઉમેર્યું, ‘દીદી, મૈં આપકી ભરપૂર સહાયતા કરુંગા કિન્તુ ઇસકે બદલે મેં મુઝે આપસે કોઈ આર્થિક લાભ નહીં ચાહિએ.’

તેમનું કહેવું એમ હતું કે ઓ. પી. નય્યરનાં ગીતોને હું વધારે પ્રસારિત કરું. મેં કહ્યું, ‘દીદી, નય્યરસાહેબનું સંગીત એટલું લાજવાબ હોય છે કે એ ગીતો કહ્યા વિના વગાડવાં જ પડે. એ ગીતોનો જાદુ જ કંઈક ઔર છે એટલે તો તેમનાં ગીતો વારંવાર વગાડીએ છીએ.’ આ સાંભળી તેમણે કહ્યું, ‘પણ ખાસ કરીને તેમના સંગીતમાં જે મારાં ગીતો રેકૉર્ડ થયાં છે એ વધુમાં વધુ પ્રસારિત થાય એમ હું ઇચ્છું છું.’

કેવો યોગાનુયોગ હતો. તેમની સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે રાખી ગીતનું રેકૉર્ડિંગ થતું હતું. આજે તે મારા હાથમાં રાખડી બાંધીને મારી પાસે કંઈક માગી રહ્યાં હતાં. મારા માટે મોટી કસોટી હતી. તેમને જે વચન આપ્યું હતું એ નિભાવવું થોડું મુશ્કેલ હતું, પણ ધીમે-ધીમે તેમને વધારે કામ મળવા લાગ્યું અને તેમનાં ગીતોની સંખ્યા વધતી ગઈ. એક સમય આવ્યો કે તેમની ગણના લતાજીના સમકક્ષ જેવી થવા લાગી. દર રવિવારે સવારે દસથી એક વાગ્યા સુધી ‘આપ હી કે ગીત’ કાર્યક્રમમાં શ્રોતાઓની ફરમાઇશ પર ગીતો પ્રસારિત થતાં. એમાં જો લતાજીનાં ૨૦ ગીતો હોય તો ઘણી વાર આશાજીનાં પચીસ ગીતો વાગતાં. એટલે તેઓ અને નય્યરસા’બ બન્ને મારા પર ખુશ હતાં, કારણ કે બન્ને વચ્ચેની ઘનિષ્ઠતા વધતી જતી હતી અને મોટા ભાગનાં ગીતો તેમનું સહિયારું સર્જન હતાં. હું તો ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ની જેમ મારું કર્તવ્ય નિભાવી રહ્યો હતો. કાશ આશાજીએ પણ એનો એ જ ભાવથી પ્રતિભાવ આપ્યો હોત તો સારું થાત.

lll

ગોપાલ શર્મા એ ભૂલી ગયા કે વ્યક્તિના હાથમાંથી એક વખત ખુરસી અને સત્તા નીકળી જાય છે પછી સંબંધોનાં સમીકરણ બદલાઈ જાય છે. ભાર સંબંધોનો નહીં, સાથે જોડાયેલી અપેક્ષાઓનો લાગે છે. સંબંધિત વ્યક્તિઓની અપેક્ષાઓના બોજ હેઠળ સંબંધ વણસતો જાય છે. આવું બનતું આવ્યું છે અને બનતું જ રહેશે. એ માટે કોઈને જવાબદાર ગણવા યોગ્ય નથી. એમ છતાં માનવસ્વભાવ એવો છે કે અમુક ઘટનાને એ ભૂલી નથી શકતો.

ગોપાલ શર્માએ ૧૯૫૬થી ૧૯૬૭ સુધી રેડિયો સિલોન પર સેવા આપી. ત્યાર બાદ તેઓ મુંબઈ આવી ગયા. કારણ એટલું કે સ્વમાનના ભોગે તે કામ કરવા નહોતા માગતા. અહીં આવ્યા બાદ કામ માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. એ કિસ્સાઓ ફરી કોઈક વાર શૅર કરીશ. સિલોન છોડીને મુંબઈ આવ્યા ત્યારના દિવસો યાદ કરતાં તે કહે છે...

જે દિવસથી મેં લતાજીને સુમન કલ્યાણપુરના કિસ્સામાં સલાહ આપી ત્યારથી તેઓ નારાજ હતાં. તેમને મારી ઉપયોગિતા લાગી નહીં. બીજી તરફ આશાજી સાથેની નિકટતાને કારણે હું રેડિયો સિલોન પર હતો એ સમય દરમ્યાન જ લતાજી અને હું દૂર થતાં ગયાં. આશાજીએ મને રાખીના બંધનમાં બાંધી દીધો હતો, પરંતુ ધીમે-ધીમે એ ગાંઠ પણ ઢીલી થવા લાગી.

મને મુંબઈ આવ્યાને ૩ વર્ષ થઈ ગયાં હતાં. મારા અને આશાજીના સંબંધમાં કોઈ ફરક નહોતો આવ્યો. અમે વારતહેવારે મળતાં. ખાસ કરીને રક્ષાબંધનના દિવસે તો અચૂક તે મારા ઘરે આવતાં. જોકે ધીરે-ધીરે તેમણે મળવાનું ઓછું કરી નાખ્યું. હું કોઈ વાર તેમને મળવા પ્રભુકુંજ જતો. એક દિવસ એવું થયું કે લાંબા સમય સુધી અમારી મુલાકાત નહોતી થઈ એટલે હું તેમના ઘરે ગયો. તેઓ ઘરમાં હોવા છતાં નોકરે એમ કહ્યું કે દીદી દિલ્હી ગયાં છે. મને ખબર હતી કે તેઓ ઘરમાં જ છે, પણ મારા માટે આ સંદેશો એક સિગ્નલ હતું કે અમારું રાખીનું બંધન હવે પૂરું થઈ ગયું છે.

મારો સ્વભાવ કોઈની ચાપલૂસી કે ચમચાગીરી કરવાનો નથી. જો હું આ લોકોના દરબારમાં નિયમિત હાજરી આપતો હોત, હામાં હા મેળવતો હોત તો કદાચ એ લોકો મને કામ આપત. આજ પર્યંત હું એટલા જ માટે કોઈ ગ્રુપમાં પર્મનન્ટ સામેલ નથી થયો. ૧૯૬૭થી આજ સુધી આશાદીદીએ કેવળ એક કાર્યક્રમ માટે મને યાદ કર્યો છે. મહારાષ્ટ્ર સરકાર પ્રાયોજિત એ કાર્યક્રમ થાણેમાં થયો હતો. આશાદીદીએ મને એના સંચાલન માટે યાદ કર્યો. અમે લાંબા સમય બાદ મળ્યાં. એ દરમ્યાન મારામાં રહેલી કડવાશ ઓગળી ગઈ હતી.

lll

આ હતી ગોપાલ શર્મા અને આશા ભોસલેના ઋણાનુબંધની કહાની. સંબંધોના ઉતાર-ચડાવમાં જાણે-અજાણે વ્યક્તિઓ એકમેકને પગલુછણિયાની જેમ વાપરીને ફેંકી દેતી હોય છે. એને ભૂલીને જીવવામાં જ મજા છે.

આવતા રવિવારે ગોપાલ શર્માનાં રાજ કપૂર સાથેનાં સ્મરણો શૅર કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 02:52 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK