બિઝનેસ માટે અલગ કરન્ટ અકાઉન્ટ ખોલવું, જેથી આવક અને ખર્ચ સ્પષ્ટ રીતે જોવા મળે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે આપણે મહિલા ઉદ્યમીઓની વાત કરીએ ત્યારે બુટિક, વિશ્વસનીય ઘરગથ્થુ ખાદ્ય સામગ્રીની બ્રૅન્ડ અથવા ટ્યુશન-ક્લાસિસ જ યાદ આવે છે. જોકે હવે સમય બદલાઈ રહ્યો છે અને મહિલાઓ અનેક નવા તથા અનોખા વ્યાવસાયિક વિચારો સાથે આગળ વધી રહી છે. એમ છતાં એક સફળ બિઝનેસ પાછળનું નાણાકીય વ્યવસ્થાપન ઘણી વાર ધ્યાનમાં આવતું નથી.
કોરોના રોગચાળા દરમ્યાન સિરિયલ નિર્માતા એકતા કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનાં માતા શોભા કપૂરે મનોરંજન ક્ષેત્રના એ પ્રતિકૂળ સમયગાળામાં ખર્ચ પર નિયંત્રણ રાખવાની
સાથે-સાથે રોકડ પ્રવાહમાં અવરોધ આવવા દીધો નહોતો અને તમામ નાણાકીય નિર્ણયો મનની સ્થિરતા રાખીને શાંતિપૂર્વક લીધા હતા. આ વાત પરથી ધ્યાનમાં આવે છે કે ફક્ત હિસાબ રાખવો એને નાણાકીય સમજ કહી શકાય નહીં; એમાં અનેક બીજી બાબતો સંકળાયેલી હોય છે અને એક વ્યૂહરચના ઘડવાની હોય છે.
ADVERTISEMENT
ભારતમાં આશરે ૭.૪ કરોડ કરતાં વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો (માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ - MSME) છે. એમાં લગભગ ૨૦ ટકા બિઝનેસ મહિલાઓ સંભાળે છે. અભ્યાસો દર્શાવે છે કે જો મહિલાઓનો વ્યવસાયમાં પુરુષો જેટલો જ ભાગ થઈ જાય તો આગામી દાયકામાં ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ - GDP)માં સેંકડો અબજ ડૉલરનો વધારો થઈ શકે છે. આના પરથી કહી શકાય કે દરેક મહિલા ઉદ્યમી ફક્ત સમય પસાર કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓ કરતી નથી. તેઓ દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોગદાન વધુ મજબૂત બને એ માટે નાણાકીય ઓળખમાં પણ ફેરફાર જરૂરી છે. ઘણી વખત મહિલાઓ તેમના વ્યવસાયની આવક વ્યક્તિગત બચત ખાતામાં જમા કરાવે છે, ઘરખર્ચ અને બિઝનેસના ખર્ચને ભેગા ગણે છે અને બિઝનેસમાં ખરેખર કેટલો નફો થઈ રહ્યો છે એની ગણતરી કરતી નથી. સર્જનાત્મકતાથી જ બ્રૅન્ડ બને છે, પરંતુ બિઝનેસને લાંબો સમય ટકાવી રાખવા માટે નાણાકીય સ્પષ્ટતા આવશ્યક હોય છે.
તેઓ આ પ્રમાણેનાં અમુક પગલાં ભરીને અલગ ઓળખ અને નાણાકીય મહત્ત્વ પ્રાપ્ત કરી શકે છેઃ
૧. બિઝનેસ માટે અલગ કરન્ટ અકાઉન્ટ ખોલવું, જેથી આવક અને ખર્ચ સ્પષ્ટ રીતે જોવા મળે.
૨. બિઝનેસ ચલાવતી વ્યક્તિએ પોતે પણ નિયમિત પગાર લેવો. આ પગલું વ્યવસાયમાં શિસ્ત અને સ્પષ્ટતા લાવે છે.
૩. દર મહિને આવક, ખર્ચ અને રોકડ બૅલૅન્સની સમીક્ષા કરવી. આ ૩ આંકડા વ્યાવસાયિક નિર્ણયો લેવા માટે ખૂબ ઉપયોગી બને છે.
૪. વ્યક્તિગત ખર્ચ અને બિઝનેસના ખર્ચને સંપૂર્ણપણે અલગ રાખવા, જેથી ભવિષ્યમાં એ ખબર પડી શકે કે નાણાં કોના ભાગનાં છે અને વિકાસમાં કોણે કેટલું યોગદાન આપ્યું છે.
આર્થિક રીતે સજાગ મહિલા માત્ર પોતાનો બિઝનેસ ચલાવતી નથી પરંતુ પરિવારને મજબૂત બનાવે છે, લાંબા સમય સુધી ટકનારી બ્રૅન્ડ ઊભી કરે છે અને દેશની આર્થિક પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
(લેખિકા ફાઇનૅન્સ અને વીમા ક્ષેત્રે દેશભરમાં જાગ્રતિના કાર્યક્રમો કરે છે.)
