Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છૂટાછેડાના કેસમાં સામાને દેખાડી દેવાના ચક્કરમાં તમે તમારાં કીમતી વર્ષો ન બગાડો

છૂટાછેડાના કેસમાં સામાને દેખાડી દેવાના ચક્કરમાં તમે તમારાં કીમતી વર્ષો ન બગાડો

Published : 18 May, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં લોકો ઈગોને કારણે પોતાનું નુકસાન કરતા જોવા મળે એવા સૌથી વધુ કિસ્સાઓ કોર્ટમાં દેખાઈ રહ્યા છે. ઈગો અને માત્ર ઈગોથી પ્રેરાઈને પોતાની અડધી જિંદગી ખર્ચી નાખતાં કપલોને મેં જોયાં છે અને લાખ મનાવ્યા પછી પણ તેઓ નથી માનતાં...

માનસી કારિયા

What’s On My Mind?

માનસી કારિયા


આજના સમયમાં લોકો ઈગોને કારણે પોતાનું નુકસાન કરતા જોવા મળે એવા સૌથી વધુ કિસ્સાઓ કોર્ટમાં દેખાઈ રહ્યા છે. ઈગો અને માત્ર ઈગોથી પ્રેરાઈને પોતાની અડધી જિંદગી ખર્ચી નાખતાં કપલોને મેં જોયાં છે અને લાખ મનાવ્યા પછી પણ તેઓ નથી માનતાં કારણ કે તેમને સામા પાત્રને દેખાડી દેવું છે. 
સિવિલ કોર્ટમાં પ્રૉપર્ટી અને રીડેવલપમેન્ટ માટે બિલ્ડર પાસે વધુ જમીનના પર્સન્ટેજ માગતા લોકો હોય છે તો બીજી બાજુ ફૅમિલી કોર્ટમાં લોકોને સામા પાત્રને એ દેખાડી દેવું છે કે પોતે ખૂબ ભોગવ્યું છે અને હવે વારો સામેની વ્યક્તિનો છે. તેં મને આટલી હેરાન કરીને, હવે જો હું તને કેવા ખોટા-ખોટા કેસ નાખીને ધંધે લગાડું છું આવો ઍટિટ્યુડ મહિલાઓમાં મેં જોયો છે જે કોર્ટ-કેસમાં સામા પાત્રને પજવવા માટે કાયદાએ મહિલાઓને આપેલા સપોર્ટનો પારાવાર દુરુપયોગ કરી જાણે છે. બીજી બાજુ એવા પણ કિસ્સાઓ છે જેમનું એકમાત્ર ધ્યેય એ હોય છે કે ભલે કેસ લંબાય. તેમને બીજાં લગ્ન નથી કરવાં અને સામેવાળો જો એ ઇચ્છતો હોય તો આ વ્યક્તિ તે છૂટી ન થાય એ જ આશયથી તારીખો લંબાવ્યા કરવાના પેંતરા કર્યા કરે. આવાં કપલ વધતાં જાય છે અને એ ચિંતાનો વિષય છે. અફકોર્સ, ખૂબ જ શાલીનતા સાથે આપસી સમજણથી ડિવૉર્સ લેનારા લોકો પણ છે. જોકે ટકાવારી જોશો તો એનો રેશિયો બહુ જ ઓછો છે. એની સામે ૧૫,૦૦૦ રૂપિયા કમાતા હસબન્ડ પાસે એક કરોડની એલિમની માગતી સ્ત્રીઓ પોતાની ચાલુ જૉબ પણ છોડી દે એવા કિસ્સાઓનું પ્રમાણ વધારે છે. 
જુઓ, ટેક્નિકલી તો વકીલ તરીકે જેટલો કેસ લાંબો ચાલે અને જેટલા લોકોની વચ્ચે સંઘર્ષ વધે એટલો ફીનો ફાયદો થાય; પરંતુ અહીં જ્યારે પાછળથી પસ્તાતાં, સમય અને પૈસા એમ બન્નેથી પાયમાલી ભોગવીને ઊંધા માથે રડતાં કપલોને જોઉં છું ત્યારે ખરા અર્થમાં માણસ તરીકે મારું હૃદય પણ પીડાતું હોય છે. એ જ કારણ છે કે પ્રોફેશનલ લાભને બદલે માણસાઈને પ્રાયોરિટીમાં રાખવાનું મારું પ્રાધાન્ય હોય છે. કોઈ પણ કપલ મારી પાસે આવે ત્યારે મારી પહેલી સલાહ સંભવ હોય તો સંબંધ બચાવી લેવાની હોય છે. ધારો કે એ શક્ય જ ન લાગતું હોય તો આપસી સમજાવટથી મામલો પૂરો કરવાની ઍડ્વાઇઝ આપતી હોઉં છું. ઇન ફૅક્ટ, તેમની સામે એવા કિસ્સાઓ પણ મૂકતી હોઉં છું જેથી તેમની આંખો ઊઘડે. આજના સમયમાં સમય સૌથી વધુ કીમતી છે. જિંદગી બહુ ટૂંકી છે અને એમાં પાંચ-દસ વર્ષ તમે લિટિગેશનમાં અને કોર્ટના ધક્કા ખાવામાં વિતાવી નાખો એ આદર્શ સ્થિતિ નથી. તમારા ઈગોને કારણે તમે બગાડેલો સમય ક્યારેય પાછો નથી આવવાનો. તમે ગમે એટલા રિવેન્જ મોડમાં હો પણ એનું અંતિમ પરિણામ તો બન્નેએ ખરાબ જ ભોગવવાનું છે. એટલે શ્રેષ્ઠ એ છે કે કોર્ટ સુધી સંબંધ પહોંચી ગયો છે અને હવે એના બચવાના કોઈ અણસાર નથી તો તમે તાત્કાલિક એનો સૌહાર્દ સાથે નિકાલ કરો. બીજાં લગ્ન કરવાં હોય કે ન કરવાં હોય, જૂની બીમારીને લાંબી ખેંચવી એ શાણા માણસોની નિશાની નથી. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK