આજના તનાવભર્યા જીવનમાં હાસ્ય અને સ્મિત સૌથી સરળ અને અસરકારક ઉપચાર બની શકે છે. હસવાથી મન હળવું થાય છે, શરીરને આરામ મળે છે, સંબંધોમાં મીઠાશ આવે છે અને જીવન વધુ આનંદમય બને છે. જાણો હાસ્યના વૈજ્ઞાનિક અને માનસિક ફાયદા.
સત્સંગ : તનાવની સૌથી સસ્તી દવા : હાસ્ય
વિશ્વના મોટા ભાગના લોકો આજે એ હકીકતને સ્વીકારવા લાગ્યા છે કે તનાવ એટલે કે સ્ટ્રેસ એ એકવીસમી સદીમાં જીવનારા માણસનો નિરંતર સાથીદાર બની ગયું છે. આપણને આજે તનાવમાં જીવવાની એટલી હદ સુધી આદત પડી ચૂકી છે કે આપણે દરરોજ સવારે તાણ સાથે જ ઊઠીએ છીએ અને દરરોજ રાત્રે તાણ સાથે જ સૂઈ જઈએ છીએ. આનું કારણ શું? કારણ છે વિશ્વની અનિશ્ચિતતાથી ભરેલી અને અન્યાયપૂર્ણ ભયંકર સ્થિતિ, જ્યાં આજે મોટા-મોટા શક્તિશાળી દેશો પણ ઊંડી અસુરક્ષાની પીડાનો અનુભવ કરી રહ્યા છે.
એમાં કોઈ બેમત નથી કે તનાવથી મુક્ત થવા માટે આપણી સમક્ષ ઘણા રસ્તા અને ઘણી પદ્ધતિઓ છે, પરંતુ એ બધામાંથી સૌથી સરળ અને સસ્તી રીત છે હાસ્ય. આજકાલ ઘણા લોકો પોતાના જીવનના નાના-મોટા પ્રસંગે હસવાનું જ ચૂકી જાય છે, કારણ કે તેઓ એમ માને છે કે હાસ્ય તો માત્ર મોજમસ્તી માટે છે. વાસ્તવમાં એ એક પ્રકારની આધ્યાત્મિક ઉપચારપદ્ધતિ છે જે મોટા ભાગના લોકો જાણતા જ નથી. એમ કહેવાયું છે કે તમે હસો તો આખું વિશ્વ તમારી સાથે હસશે અર્થાત્ હસતો ચહેરો ભલભલાની મન: સ્થિતિને ઠીક કરી દે છે. ચિકિત્સકોના મત મુજબ હસવું એ મનુષ્યજીવનનું સૌથી મોટું કુદરતી પોષણ છે. ત્યારે જ તો મોટા ભાગના દરદીઓને આજકાલ બધા ડૉક્ટરો એ જ સલાહ આપતા હોય છે કે ખુશ રહો અને હસતા રહો.
હસવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ અચાનક આપણી અંદર એક ઝડપી હિલચાલ નિર્માણ કરી દે છે જેને કારણે આપણે ખીખી કરતા-કરતા ઊછળવા માંડીએ છીએ અને એના ફળસ્વરૂપે આપણા શરીરને રિલૅક્સેશન મળે છે. મુક્ત હાસ્ય આપણા શરીરની અંદર સ્થાયી કુદરતી દર્દશામક એન્ડોર્ફિનને રિલીઝ કરીને આપણને આંતરિક હળવાશનો અનુભવ કરાવે છે. આની સાથે-સાથે હસવાથી સંબંધોમાં પણ મીઠાશ આવે છે, કારણ કે હસતો ચહેરો બીજાને આશા, વિશ્વાસ અને પોતાપણાનો અનુભવ કરાવે છે. આ બધું વાંચીને ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ‘અમે શું આખો દિવસ હસ્યા જ કરીએ? એટલે પછી લોકો અમને ગાંડામાં ખપાવે?’ બિલકુલ નહીં. આખો દિવસ જોરથી હસવાની કશી જ જરૂર નથી. ફક્ત આપણું એક નિખાલસ સ્મિત જ આશ્ચર્યકારક કાર્ય કરી શકે છે.
ભગવાને આપણને હસવાની ક્ષમતા તો આપી છે, પરંતુ દુર્ભાગ્યથી આપણે એને રોજિંદા જીવનની વ્યસ્તતામાં ગુમાવી દીધી છે. હવે જરૂર છે એને ફરી જગાડવાની. અતઃ દરરોજ સવારે જ્યારે આપણે ઊઠીએ ત્યારે એક મીઠા સ્મિત સાથે ઊઠીએ, જેથી આપણા ચહેરાની ચમક જોઈને બીજાનો દિવસ પણ સારો અને આનંદપ્રદ પસાર થાય. મીટિંગમાં જતાં પહેલાં, ઘરમાં વાતચીત કરતાં પહેલાં કે અજાણ્યા માણસને મળતાં પહેલાં એક નાનું સ્મિત આપશો તો એ ક્ષણ જ બદલાઈ જશે. તો આજથી શું કરશો? હંમેશાં હસતા રહો અને હંમેશાં તનાવમુક્ત રહો.
