Donald Trump confirms fresh US-Iran talks: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ રીતે નવી વાટાઘાટો શરૂ થશે; કૂટનીતિ અને વાટાઘાટોને તક આપવા માટે તેમણે પ્રસ્તાવિત સૈન્ય હુમલા હાલ પૂરતા અટકાવી દીધા છે
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકા (America) ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ જાહેરાત કરી છે કે મધ્યસ્થીઓ દ્વારા ઈરાન (Iran) સાથેની મહત્વપૂર્ણ વાટાઘાટો સોમવારથી શરૂ થવા જઈ રહી છે. `એર ફોર્સ વન` વિમાનમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદના માર્ગો સક્રિય થઈ ગયા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું (Donald Trump confirms fresh US-Iran talks) હતું કે, ‘અમે વાટાઘાટોના રૂપમાં ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ, જે સોમવાર બપોરથી શરૂ થશે. જો કોઈ કરાર થઈ જાય તો તે ખૂબ સારું રહેશે, કારણ કે આનાથી ઘણા લોકોના જીવ બચશે અને બિનજરૂરી શક્તિનો ઉપયોગ ટળશે. અમે જ્યારે ઈચ્છિએ ત્યારે કાર્યવાહી માટે તૈયાર જ છીએ, પરંતુ હું લોકોના જીવ લેવા નથી માંગતો. ઈરાન અને અન્ય ત્રણ દેશોએ પોતે સામેથી વાતચીત માટે વિનંતી કરી છે.’
ADVERTISEMENT
અમેરિકી પ્રમુખે ખુલાસો કર્યો હતો કે સાઉદી અરેબિયા (Saudi Arabia), સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર (Qatar) અને ઈરાન સાથેની કૂટનીતિક ચર્ચાઓને કારણે તેમણે શુક્રવારે થનારા ‘મોટા સૈન્ય હુમલા’નો નિર્ણય હાલ પૂરતો અટકાવી દીધો હતો. ટ્રમ્પે વધુમાં સંકેત આપ્યા હતા કે `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ` (Hormuz Strait) ના સંચાલન અંગે એક સમજૂતી થઈ શકે છે, જ્યારે ઈરાનના પરમાણુ નિઃશસ્ત્રીકરણ (Denuclearisation) અંગે પણ એક કરાર કરવામાં આવશે.
હોર્મુઝ જળ સંધી અંગે કૂટનીતિક પ્રયાસો ઝડપી
વોશિંગ્ટન (Washington) અને તેહરાન (Tehran) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્યસ્થી દેશો સમુદ્રી માર્ગ ચાલુ રાખવા માટે સક્રિય થયા છે. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રાદેશિક મધ્યસ્થીઓ ગયા મહિને હસ્તાક્ષર કરાયેલા એગ્રીમેન્ટને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ૬૦ દિવસ માટે કોઈપણ ફી વગર ખુલ્લો રહી શકે.
બીજી તરફ, ઈરાની સ્ટેટ મીડિયાએ સંકેત આપ્યો છે કે આ દરિયાઈ માર્ગ માટે સંયુક્ત ઓપરેશનલ સિસ્ટમ બનાવવા અંગે ઈરાન અને ઓમાન વચ્ચેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. અગાઉ બંને દેશો વચ્ચે અલગ-અલગ અર્થઘટનને કારણે આ ફ્રેમવર્ક અટકી ગયું હતું, જેમાં ટ્રમ્પ આ માર્ગને કાયમી ધોરણે ખુલ્લો રાખવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે તેહરાન વેપાર માર્ગ પર તેના સાર્વભૌમ નિયંત્રણને જાળવી રાખવા મક્કમ હતું.
આ કારણે ટળ્યો મોટો સંઘર્ષ
શનિવાર અને રવિવાર દરમિયાન પાછલા બારણેથી થયેલા કૂટનીતિક દબાણે તાત્કાલિક સંઘર્ષ ટાળવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કતારના અધિકારીઓએ ઈરાન, અમેરિકા અને ઓમાન સાથે તીવ્ર ચર્ચા કરી હતી અને શનિવારે ટ્રમ્પને માહિતી આપી હતી કે તેહરાને જળડમરૂમધ્ય અંગેના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. સાથોસાથ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સૈન્ય કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી.
આ સંવાદો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `ટ્રુથ સોશિયલ` (Truth Social) પર જાહેરાત કરી હતી કે તેઓ શિપિંગ રૂટ અને પરમાણુ ચર્ચાઓમાં પ્રગતિને કારણે પ્રસ્તાવિત સૈન્ય હુમલા અટકાવી રહ્યા છે. જોકે, ઈરાની સૈન્ય નેતાઓએ ટ્રમ્પના દાવાને અસત્ય ગણાવ્યો હતો, જ્યારે તેહરાનના પ્રતિનિધિમંડળ સાથે જોડાયેલા સૂત્રોએ ફાર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હજુ સુધી હોર્મુઝ મુદ્દે કોઈ સત્તાવાર કરાર થયો નથી.
ખાડી દેશોમાં મતમતાંતર
ઈરાન સાથે કેવો વ્યવહાર કરવો તે અંગે ખાડી દેશો (Gulf Allies) માં તીવ્ર મતભેદો જોવા મળી રહ્યા છે. `વોલ સ્ટ્રીટ જર્નલ`ના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ અમેરિકાને સંયમ રાખવાની સલાહ આપી છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાતએ વોશિંગ્ટન પર વધુ આક્રમક સૈન્ય કાર્યવાહી કરવા દબાણ કર્યું છે. UAEનું માનવું છે કે અમેરિકી સૈન્ય બળના સીધા ઉપયોગ વગર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પોતાનું વલણ બદલશે નહીં.
