Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લવ, સેક્સ ઔર ધોખા : સ્ટૉકમાર્કેટ અને કૉર્પોરેટ્સમાં આવાં રિસ્ક પણ ઊભાં થઈ શકે

લવ, સેક્સ ઔર ધોખા : સ્ટૉકમાર્કેટ અને કૉર્પોરેટ્સમાં આવાં રિસ્ક પણ ઊભાં થઈ શકે

Published : 19 November, 2026 01:57 PM | Modified : 19 November, 2026 02:27 PM | IST | Mumbai
Jayesh Chitalia

મોટી ગ્લોબલ હસ્તીના અંગત જીવનમાં અનૈતિક માર્ગે કોઈ સ્ત્રી આવે એ ચર્ચાનો વિષય બનવો સહજ છે, પણ જ્યારે એ હસ્તી પરિણીત હોય અને ઉપરથી વિશ્વવિખ્યાત હોય ત્યારે તો તેની સંવેદનશીલતા વધુ નાજુક બની જાય છે.

જેન્સન હૂવાંગ

PoV

જેન્સન હૂવાંગ


શૅરબજારમાં રોકાણ કરતી વખતે ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ અનેક પ્રકારનાં જોખમો ગણાવવામાં અને સમજાવવામાં આવે છે; પરંતુ કોઈ મોટી અને બહુચર્ચિત તથા સફળ કંપનીના ચીફનું પ્રેમપ્રકરણ, એક્સ્ટ્રામૅરિટલ અફૅર્સ, સેક્સ-સ્કૅન્ડલ પણ એના સ્ટૉક્સના ભાવ માટે અને સમગ્ર બજાર માટે પણ જોખમ બની શકે છે એવું વિચારવા પર મજબૂર કરતી ઘટના તાજેતરમાં એન્વિડિયા અને એના સ્થાપક જેન્સન હૂવાંગના નામે હૉટ ટૉપિક બની ગઈ છે.  વિશ્વવિખ્યાત ચિપ ઉત્પાદક કંપની એન્વિડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સન હૂવાંગનું ચગેલું પ્રેમપ્રકરણ હાલ ગ્લોબલ ચર્ચાનો વિષય બન્યું છે અને આ પ્રેમપ્રકરણને પરિણામે એન્વિડિયાના શૅરના ભાવ અમુક દિવસમાં જ કડડડભૂસ થયા હોવાનું પણ જોવાયું. આ પ્રેમકથામાં એક પછી એક વિવિધ પ્રકરણ બહાર આવ્યાં છે. આ ચીન તરફથી એક સ્પાય-ગેમ હતી એમ પણ કહેવાયું છે. આને ઘણા હની-ટ્રૅપ પણ કહે છે. સ્ત્રીમોહ અને વાસનાથી મુક્ત રહેવું ભલભલા માટે કપરું હોય છે. તપસ્વીઓ-સ્વામીઓ-સાધુઓ-ઋષિઓ પણ એમાંથી બાકાત રહ્યા નથી. તો જેન્સન વળી કઈ અલગ માટીના છે? તેમણે ક્યાંક એવું નિવેદન પણ કર્યું જ છે કે હું પણ માણસ છું. હવે આ કથાનું સત્ય પણ ખરેખર શું છે અથવા હશે એ કોણ પાકે પાયે કહી શકે?

કંપનીનો ચહેરો અને પ્રેરણાસ્રોત



જેન્સન હૂવાંગ એન્વિડિયાના કો-ફાઉન્ડર છે, જેમણે ૧૯૯૩માં આ કંપની સ્થાપ્યા બાદ એને ગ્લોબલ કક્ષાએ પહોંચાડી; એટલું જ નહીં, એને ગ્લોબલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવરહાઉસ બનાવીને તેઓ એન્વિડિયાનો મુખ્ય ચહેરો બની ગયા. આ જ કારણસર વર્તમાન કન્ટ્રોવર્સી બાદ રાજીનામું આપી દીધા છતાં તેમના ટેકેદારો હૂવાંગને ફરી એ જ ચીફના પદે પાછા લાવવાના નારા પણ લગાવી રહ્યા છે. હજી થોડા સમય પહેલાં અખબારો અને ટીવી સહિત વિવિધ મંચ પર પ્રેરણાના મહાન સ્રોત, મોટિવેટર, સાહસિક, વિઝનરી તરીકે છવાયેલા રહેલા જેન્સન અત્યારે મજાકનું, વ્યંગનું અને નામોશીનું પાત્ર બની ગયા છે. કોઈ મોટી ગ્લોબલ હસ્તીના અંગત જીવનમાં અનૈતિક માર્ગે કોઈ સ્ત્રી આવે એ ચર્ચાનો વિષય બનવો સહજ છે, પણ જ્યારે એ હસ્તી પરિણીત હોય અને ઉપરથી વિશ્વવિખ્યાત હોય ત્યારે તો તેની સંવેદનશીલતા વધુ નાજુક બની જાય છે.


ચિપ્સ વેચવાનાં કારસ્તાન આવાં પણ?

એન્વિડિયાના પ્રકરણમાં વધુ એક નવું ચૅપ્ટર એવું પણ બહાર આવ્યું છે કે કંપની એની ચિપ્સનું વેચાણ વધારવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓને સામેથી ફાઇનૅન્શિયલ ગૅરન્ટી પણ ઑફર કરતી હતી. જે કંપનીઓ ચિપ્સ ખરીદવા સમર્થ ન હોય અથવા એમની આર્થિક મર્યાદા હોય તો એન્વિડિયા એમને આમ પરોક્ષ ટેકો આપી વેચાણ વધારતી હતી. આ કામને પ્રેમપ્રકરણ સાથે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ નોંધવાનું એ છે કે આ કામ જેન્સનનો સાળો કરતો હતો એવા આક્ષેપો થયા છે. આમ એન્વિડિયાના આર્થિક ટેકાથી એના બાયર્સ લૉન્ગ ટર્મ ટકી રહે એવો પ્લાન રહ્યો. આ રકમ અબજો ડૉલરમાં હોવાનો અંદાજ છે. અમેરિકન મીડિયાએ આ વાતને ખુલ્લી પાડી છે. અહીં સંકેત એ સમજવાનો છે કે મોટી-મોટી કંપનીઓ પોતાને મહાન અને સફળ બનાવવા કેવા-કેવા ખેલ ખેલતી હોય છે. આવા ખેલ વિશે પણ રોકાણકારો-શૅરધારકો અજાણ હોય છે. જોકે પડે છે ત્યારે સઘળું પડે છે એ કહેવત અમસ્તી બની નથી. આવી ઘટનાઓ રોકાણકારો માટે બોધપાઠ સમાન હોય છે.


મોટી હસ્તીઓના આવા કિસ્સા

જાયન્ટ કંપનીઓના આવા ચીફના એક્સ્ટ્રામૅરિટલ અફેર્સ કે અન્ય રિલેશનશિપ જેવા કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે, જેમાં ૨૦૧૮માં ઇન્ટેલ કંપનીના CEO બ્રાયને રાજીનામું આપવું પડ્યું હતું. તેમને કંપનીના કર્મચારી સાથે રિલેશનશિપ હોવાનું બહાર આવ્યું હતું, જે કંપનીની પૉલિસી વિરુદ્ધ હતું. હ્યુલેટ પૅકાર્ડ (HP) કંપનીના CEO માર્ક હર્ડે ૨૦૧૦માં કૉન્ટ્રૅક્ટર સાથેની રિલેશનશિપને કારણે રાજીનામું આપવાની નોબત આવી હતી. બોઇંગ કંપનીના CEO તરીકે હૅરી સ્ટોનસિફરે રિઝાઇન કરવું પડ્યું હતું, કેમ કે તેમની કંપનીની જ મહિલા અધિકારી સાથે સંબંધો બહાર આવ્યા હતા. આમ ક્યાંક ને ક્યાંક મૅનેજમેન્ટમાં ટોચ પર રહેલી એક વ્યક્તિને કારણે કંપની બદનામ થઈ હોવાના અને એના પ્રત્યે લોકોનો અભિગમ બદલાવાના કિસ્સા બનતા રહ્યા છે, જ્યાં મોટા ભાગે સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો કારણ બન્યા હતા. સ્ત્રીની ભૂમિકામાં સેક્સનો સમાવેશ થઈ જતો હોવાનું સહજ રહ્યું છે. એમ તો અમેરિકન પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનના તેમની જ સેક્રેટરી મોનિકા સાથેના સેક્સ-સંબંધોએ પણ ચર્ચા જગાવી હતી.

બોધપાઠ શું લઈ શકાય?

સંપત્તિવાન અને સત્તાની ટોચે બેઠેલી વ્યક્તિ સાથે આવી રમત થવા માટેનાં કારણો પણ રહસ્યમય હોય છે, જેના સત્ય સુધી પહોંચવાનું બહુ જ કઠિન છે.

આવા કિસ્સાઓમાંથી લેવા જેવા બોધ કયા એ સમજવું હોય તો રોકાણકારોએ એ ખાસ જોવું જોઈએ કે કોઈ પણ એક વ્યક્તિના આધારે જ કંપની ચાલી રહી હોય એવું ન હોવું જોઈએ, કારણ કે એ વ્યક્તિને કારણે જ કંપની ડૂબી પણ શકે છે. કંપનીમાં યોગ્ય લેગસી હોવી જ જોઈએ. કંપનીમાં કૉર્પોરેટ ગવર્નન્સનું પાલન વ્યવસ્થિત થતું હોવું જોઈએ, માત્ર પ્રૉફિટ જ એની સફળતાનો આધાર હોવો જોઈએ નહીં. કંપનીના મૅનેજમેન્ટ બોર્ડનું સ્વતંત્ર હોવું પણ અનિવાર્ય ગણાય. માત્ર કંપનીના સ્થાપકને જ મૅનેજમેન્ટ મહત્ત્વ આપે એ આદર્શ ન ગણાય. કંપનીના ચીફનું અંગત ચરિત્ર પણ એની શાખ માટે મહત્ત્વનું પરિબળ છે, અન્યથા કંપનીના વૅલ્યુએશન પર એની પણ નેગેટિવ અસર થવાની સંભાવના રહે છે.

ઇન શૉર્ટ, કંપનીના ટર્નઓવર, નફો અને ગ્રોથ ઉપરાંત પણ ઘણાં પરિબળો એવાં હોય છે જે એના વિકાસ યા વિનાશનાં કારણ બની શકે છે. આખરે કંપનીના લીડર, ફાઉન્ડર, ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરનું પર્સનલ કૅરૅક્ટર, કૉર્પોરેટ ગવર્નન્સ, નૈતિકતા વગેરે જેવા મુદાઓ પરીક્ષા કે પડકાર ઊભા કરી શકે છે.

જેન્સનના નામે બૉલીવુડ-હૉલીવુડ

તાજેતરમાં એન્વિડિયાના ચીફના પ્રેમપ્રકરણના પર્દાફાશ બાદ સોશ્યલ મીડિયાને મજા પડી ગઈ, જેમાં બૉલીવુડની ફિલ્મોના નામ બદલીને જેન્સન હૂવાંગ અને તેની પ્રેમિકા અૅલિસના ફોટો સાથેનાં પોસ્ટર ફરતાં થયાં. હમ ચિપ દે ચુકે સનમ. એક ગીતની પંક્તિ ફરતી થઈ, ચિપ ચિપ બરસા પાની, પાનીને આગ લગાઈ. હૉલીવુડની ફિલ્મનાં પોસ્ટરમાં લખાયું ધ સ્પાય હૂ લવ્ડ મી વગેરે. આપણે કહેવું હોય તો કહી શકીએ, ક્યા સે ક્યા હો ગયા...

લેખક આર્થિક ક્ષેત્રના અનુભવી પત્રકાર છે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 02:27 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK