Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બિઝનેસ ક્લાસની સીટ ભલે ન આપો, બિઝનેસ ક્લાસ સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા જરૂર આપો

બિઝનેસ ક્લાસની સીટ ભલે ન આપો, બિઝનેસ ક્લાસ સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા જરૂર આપો

Published : 08 September, 2026 12:51 PM | Modified : 08 September, 2026 12:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંતાનોને સુખ-સુવિધાથી દૂર રાખવાથી નહીં, એની કિંમત સમજાવવાથી સાચી સમજ વિકસે છે. નહીં તો નાનપણમાં તેમણે ભોગવેલું અપમાન મોટપણમાં અનાદરમાં ફેરવાય છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


આજનાં બાળકોની દુનિયા જાહેરાતો, સોશ્યલ મીડિયા અને ઇન્ફ્લુઅન્સર્સથી ઘેરાયેલી છે.
- નવો ફોન આવ્યો? જોઈએ છે.
- નવાં શૂઝ આવ્યાં? જોઈએ છે.
- મિત્ર દુબઈ ગયો ફરવા? આપણે પણ જઈએ.
બાળકની ઇચ્છા અને જરૂરિયાત વચ્ચેની રેખા ધીમે-ધીમે ઝાંખી થઈ રહી છે. 
માતા-પિતાને સ્વાભાવિક જ એમ થાય કે અમને જે નથી મળ્યું એ સંતાનોને આપીએ, પણ અહીં માતા-પિતાની ફરજ દરેક ઇચ્છા પૂરી કરવાની જ માત્ર નથી. તેમણે બાળકને પૂછવું પણ જોઈએ કે તને ખરેખર આની જરૂર છે? આ નાનકડો સવાલ સંતાનને જીવનભર કામ લાગે એવી આર્થિક સમજ આપી શકે છે. સંતાનોની વાતને જોઈશું પછી કહીને ટાળી દેવાની કે ધમકાવીને ચૂપ કરી દેવાની આદત બૅકફાયર થશે. સંતાનો સાથેના સંવાદો પરસ્પર પ્રેમ જાળવી રાખે છે. નહીં તો નાનપણમાં તેમણે ભોગવેલું અપમાન મોટપણમાં અનાદર અને ઉપેક્ષામાં ફેરવાય છે. 
પૉકેટમની પણ એક પાઠ છે. ઉંમર પ્રમાણે પૉકેટમની આપવાં જ જોઈએ. કૉલેજમાં 
રોટલી-શાકનો ડબ્બો લઈ જવાની જીદ રાખવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. નોકરી-ધંધે લાગશે ત્યારે ટિફિન લઈને જવાના જ છેને. કૉલેજ-લાઇફ એન્જૉય કરવા દો, એ વર્ષો પાછાં નથી આવવાનાં. સંતાનોને પૈસાની કિંમત સમજાવવાની સૌથી સરળ રીત પોતાનું વર્તન છે. મોંઘાં શૂઝ કે મોબાઇલ ન જ આપવાં એવું નહીં, પણ તરત ખરીદી આપવાને બદલે થોડો સમય બચત કરવાનું કહેવું. સંતાન બચત કરીને કોઈ વસ્તુ ખરીદે ત્યારે તેને એ વસ્તુ કરતાં કંઈક વધુ મળે છે. ‘મેં આ બચત કરીને મેળવ્યું છે’ એનો અહેસાસ તેને મળે છે.
હમણાં હાસ્યકલાકાર ભારતી સિંહ સાથેના એક પૉડકાસ્ટમાં ફિલ્મમેકર ફારાહ ખાને બાળકોના સંદર્ભમાં એક વાક્ય ઉચ્ચાર્યું હતું, ‘તેમણે એવું તે શું કરી નાખ્યું છે કે તેમને આ બધું મળવું જોઈએ?’ ચર્ચામાં તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ 
બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે ત્યારે તેમનાં ૩ સંતાનો વિમાનના પાછલા ભાગમાં ઇકૉનૉમી ક્લાસમાં બેસે છે. તેમનો તર્ક હતો કે સુખ-સુવિધાઓ કમાઈને મેળવવી જોઈએ. આ પ્રકારનું પેરન્ટિંગ માત્ર સેલિબ્રિટીઝ પૂરતું જોવા નથી મળતું, પરંતુ સમૃદ્ધ માતા-પિતાનો એક વર્ગ પણ એવું માને છે કે બાળકોને સુવિધાઓથી દૂર જ રાખવાં જોઈએ. જોકે માતા-પિતા જ્યારે બિઝનેસ ક્લાસમાં ઊડતાં હોય; લેટેસ્ટ આઇફોન વાપરતાં હોય; બ્રૅન્ડેડ કપડાં, શૂઝ અને પર્સ રાખતાં હોય ત્યારે આવી શિખામણ તેમના ગળે ન ઊતરે. હમણાં તેઓ ચૂપ રહેશે નાછૂટકે, પણ અણગમો તેમના વર્તનમાં તો દેખાશે જ. 
ઘરમાં આર્થિક તકલીફ હોય તો બાળક સમજતું જ હોય છે, કહેવાની જરૂર હોતી નથી. મનોવૈજ્ઞાનિકો કહે છે જાણીબૂઝીને સંતાનને સગવડોથી વંચિત રાખવાથી માબાપ પ્રત્યે અભાવ અને ઉદાસીનતા પેદા થાય છે. એનાથી સંતાન ક્યાં તો સંકોચાઈ જાય છે અથવા આક્રમક થઈ જાય છે. જરૂર છે સંવાદની. ‘તારા માટે હમણાં આ જરૂરી નથી, પછી વાત’ એમ કહેવું અને ‘આપણે ખરીદી શકીએ છીએ, પણ બધું જ ખરીદવું જરૂરી નથી’ એમ સમજાવવું એ બન્ને વચ્ચે મોટો તફાવત છે. બીજી રીતે કહીએ તો ‘આ સુવિધા છે, જરૂરિયાત નથી’ એ વાત માતા-પિતાના વર્તનથી સંતાન સમજશે તો તેનામાં પણ સંયમના ગુણો ખીલશે. નિષ્ણાતોના મતે તેમને મની મૅનેજમેન્ટ શીખવવાથી વાત વધુ અસરકારક બની શકે છે. 
ક્યારેક સંતાનને બૅન્કમાં સાથે લઈ જાઓ. ચેક કેવી રીતે ક્લિયરિંગમાં ભરવો એ શીખવો. કૅશ-કાઉન્ટર પર પૈસા કેવી રીતે ભરવા અને કાઢવા એ શીખવો. ફિક્સ્ડ ડિપોઝિટમાં થતો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો જાદુ સમજશે તો બચતનું આકર્ષણ તેને આપોઆપ થશે.
આપણે ત્યાં જમાનાઓથી કહેવાતું આવ્યું છે કે બાળકોને વધારે લાડ ન કરશો, બગડી જશે. તો ભાઈ, લાડ બાળકોને જ કરવાનાં હોયને. મોટાં થશે પછી તમારી બાજુમાં આવીને બેસવાનાં પણ નથી. જો બાળકને કહેવામાં આવે ફારાહ ખાનની માફક કે તું હજી લાયક નથી એટલે તને બિઝનેસ ક્લાસ નહીં મળે તો એ વાત સંતાનના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે; પણ જો કહેવામાં આવે કે આ વખતે આપણે બધા ઇકૉનૉમી ક્લાસમાં જઈશું; આપણે પૈસા ખર્ચી શકીએ છીએ, પણ દર વખતે મોંઘી ટિકિટો લેવી જરૂરી નથી’ તો એ સંવાદ પૈસાની કિંમતની સમજણનો પાઠ બની રહે છે. સુવિધા દુશ્મન નથી. સંતાન સુવિધાને અધિકાર ન માની લે પણ એની કદર કરતાં શીખે એ જ ઉદ્દેશ હોવો જોઈએ. બિઝનેસ ક્લાસની સીટ કદાચ ન આપીએ પણ બિઝનેસ ક્લાસ સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા તો જરૂર આપીએ.   

બાય ધ વે



તમને ખબર છે કે કરોડોની કંપનીના સ્થાપક હોવા છતાં મુંબઈ-બૅન્ગલોર ફ્લાઇટના ઇકૉનૉમી ક્લાસમાં જ હંમેશાં સફર કરનારા કોણ છે? એ છે ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ. બાજુમાં બેસો તો ખ્યાલ પણ ન આવે કે આટલો સાદગીભર્યો મુસાફર એ જ છે જેણે ભારતની IT ઇન્ડસ્ટ્રીની કાયાપલટ કરી નાખી છે. આ ઉપરાંત અઝીમ પ્રેમજી (વિપ્રો), રાહુલ ભાટિયા (ઇન્ડિગોના કો-ફાઉન્ડર હોવા છતાં), બિલ ગેટ્સ (માઇક્રોસૉફ્ટ), ચક ફીની (ડ્યુટી-ફ્રી શૉપર્સ), ઇંગ્વાર કૉમ્પ્રાડ (આઇકિયા) વગેરે ઇકૉનૉમી ક્લાસમાં સહજ જ મુસાફરી કરે છે.
જીવનમાં ઊંચાઈએ પહોંચ્યા પછી ઇકૉનૉમી ક્લાસમાં બેસવું એ મોટી વાત નથી, પણ મોટી વાત એ છે કે ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ‘હું ક્યાંથી આવ્યો છું’ એ યાદ રાખવું.
કિંગ​ફિશર ઍરલાઇનના વિજય માલ્યા અત્યારે બ્રિટનમાં સ્ટાન્ડર્ડ ઇકૉનૉમી કોચ ટ્રેનમાં સફર કરે છે. 
કેમ? એવું ન પૂછતા.


-યોગેશ શાહ


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK