Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાળકને બદલતાં પહેલાં મમ્મી-પપ્પાએ બદલાવું પડશે

બાળકને બદલતાં પહેલાં મમ્મી-પપ્પાએ બદલાવું પડશે

Published : 10 August, 2026 07:40 PM | Modified : 10 August, 2026 09:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેન-આલ્ફાનાં બાળકોને સંસ્કાર આપવા માટે માત્ર ઉપદેશ પૂરતો નથી. મમ્મી-પપ્પાએ પોતાના વર્તનથી ઉદાહરણ પૂરું પાડવું, ખુલ્લો સંવાદ કરવો અને બાળકોને પ્રેમ, વિશ્વાસ તથા યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.

મનોજ ચરલા

મનોજ ચરલા


આજનો સમય ટેક્નૉલૉજી અને પરિવર્તનનો છે. આપણી આંખો સામે ઊછરી રહેલી નવી પેઢી જેને આપણે જેન-આલ્ફા તરીકે ઓળખીએ છીએ એ ભૂતકાળની પેઢીઓ કરતાં સાવ અલગ છે. આ બાળકો અત્યંત સમજદાર, જિજ્ઞાસુ અને સ્વતંત્ર વિચારો ધરાવતાં છે. તેઓ કોઈ પણ વાતને આંખ બંધ કરીને સ્વીકારી લેતાં નથી, પરંતુ દરેક નિર્ણય કે વિચાર પાછળનું કારણ જાણવા માગે છે. આ બદલાતા સમયમાં જ્યારે મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને સારા સંસ્કાર આપવાની ચિંતા કરે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે સંસ્કાર આપવાની સાચી શરૂઆત ક્યાંથી થાય?
વાસ્તવિકતા એ છે કે બાળકને સંસ્કારી બનાવવા માટે સૌપ્રથમ મમ્મી-પપ્પાએ પોતાના વર્તનમાં પરિવર્તન લાવવું પડે છે. બાળકને આપણે મોઢેથી શું શીખવીએ છીએ એના કરતાં આપણે પોતાની જિંદગી કેવી રીતે જીવીએ છીએ એમાંથી તે સૌથી વધુ શીખે છે. ઘર એ બાળક માટે પ્રથમ સ્કૂલ છે અને મમ્મી-પપ્પા તેના પ્રથમ રોલ-મૉડલ છે. જો ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમ, વડીલો પ્રત્યે આદર, ભાષામાં મધુરતા અને વ્યવહારમાં પ્રામાણિકતા હશે તો બાળકમાં આ ગુણો આપોઆપ આવી જશે.
બાળકને ધર્મ, સંસ્કૃતિ કે નૈતિક મૂલ્યો માત્ર ઉપદેશ આપીને શીખવી શકાતા નથી. જો મમ્મી-પપ્પા પોતે પોતાના દૈનિક જીવનમાં સદ્ગુણો અને શ્રદ્ધાને સ્થાન આપશે તો બાળકમાં પણ એ પ્રત્યે સ્વાભાવિક રસ જાગશે. એ જ રીતે જો ઘરમાં ક્યારેય અપમાનજનક કે કડવી ભાષાનો ઉપયોગ નહીં થાય તો બાળક પણ સહજ રીતે સીધી અને વિનમ્ર ભાષા જ શીખશે. સંસ્કાર આપવાનો સૌથી અસરકારક રસ્તો વ્યાખ્યાનો આપવાનો નથી, શબ્દો વગર પોતાના આચરણ દ્વારા દાખલો બેસાડવાનો છે.
જેન-આલ્ફાનાં બાળકો સાથે સંબંધ મજબૂત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ખુલ્લો સંવાદ છે. બાળક જ્યારે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેને ટાળવાને બદલે કે ઠપકો આપવાને બદલે તેની સાથે મિત્રતાપૂર્ણ વાતચીત કરવી જરૂરી છે. બાળકમાં એવો વિશ્વાસ જગાડવો જોઈએ કે તે ગમે એ પરિસ્થિતિમાં પોતાની વાત મમ્મી-પપ્પા સમક્ષ નિર્ભયતાથી રજૂ કરી શકે છે. સતત દબાણ, સરખામણી કે વારંવારનો નકારાત્મક દૃષ્ટિકોણ બાળકને મમ્મી-પપ્પાથી દૂર કરી દે છે અને તેનામાં વિરોધની ભાવના જન્માવે છે.
આપણે બાળકો પર આપણો દૃષ્ટિકોણ ઠોકી બેસાડવાને બદલે તેમના માટે એક સક્ષમ, સકારાત્મક અને પ્રેમપૂર્ણ વાતાવરણ તૈયાર કરીએ તથા તેમને યોગ્ય માર્ગદર્શન, સંપૂર્ણ વિશ્વાસ અને સાચો આધાર આપીએ. આપણી નવી પેઢીને શ્રેષ્ઠ બનાવવા માટે આપણે પોતે શ્રેષ્ઠ વાલી બનવું પડશે, કારણ કે બાળકો આપણી વાતોથી ઓછું અને આપણા વર્તનથી હંમેશાં વધુ શીખે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 09:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK