આજે માનવીય સંવેદનાને જીવનરક્ષક કૌશલ્ય સાથે જોડનાર તેમના કાર્યની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે
પેરિયાર નદીના કિનારે વહેલી સવારે આ નઝારો જોવા મળે છે.
નદીમાં થતા અકસ્માતો અને તરતાં ન આવડવાને કારણે જીવ ગુમાવતા લોકોને જોઈને કેરલમના અલુવાના સાજી વલાસ્સેરીલે એક અનોખું મિશન શરૂ કર્યું છે. પેરિયાર નદીના કિનારે તેમણે નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ દ્વારા ૧૫,૦૦૦થી વધુ લોકોને તરતાં શીખવ્યું છે. બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો સુધી પહોંચેલી તેમની સામાજિક ચળવળની પ્રશંસા ‘મન કી બાત’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી હતી. આજે માનવીય સંવેદનાને જીવનરક્ષક કૌશલ્ય સાથે જોડનાર તેમના કાર્યની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે
કેટલાક લોકો ઇતિહાસ રચવાના ઇરાદા સાથે જીવનની સફર શરૂ કરતા નથી. તેઓ માત્ર એક ઘટના જુએ છે, કોઈ દુઃખદ અકસ્માત સાંભળે છે અથવા કોઈ માનવીય પીડાને નજીકથી અનુભવે છે અને એ ક્ષણ તેમની અંદર કંઈક બદલી નાખે છે. મોટા ભાગના લોકો જ્યાં દુઃખ વ્યક્ત કરીને આગળ વધી જાય છે ત્યાં કેટલાક લોકો એ દુઃખને પોતાના જીવનના ધ્યેયમાં ફેરવી દે છે. કેરલમના સાજી વલાસ્સેરીલ એવું જ એક અસાધારણ વ્યક્તિત્વ છે. નદીમાં બનતી દુર્ઘટનાઓ અને તરતાં ન આવડવાને કારણે ગુમાતા જીવોએ તેમને માત્ર વ્યથિત નથી કર્યા, એ વ્યથાએ તેમને હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા આપી છે. આજે હજારો લોકોને નિઃશુલ્ક તરતા શીખવવાની તેમની યાત્રા માત્ર સ્વિમિંગની તાલીમ નથી; એક વ્યક્તિની કરુણા, સંવેદના અને સામાજિક જવાબદારી કેવી રીતે સમગ્ર સમાજ માટે આશાનો પ્રવાહ બની શકે એનો જીવંત દાખલો છે.
ADVERTISEMENT
શરૂઆત કેવી રીતે થઈ?
કેરલમના એર્નાકુલમ જિલ્લાના અલુવા શહેરના રહેવાસી સાજી વલાસ્સેરીલ વ્યવસાયે ફર્નિચરના વેપારી છે, પરંતુ છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી સ્વિમિંગની તાલીમને સામાજિક મિશન તરીકે આગળ વધારી રહ્યા છે. તેમના પિતા વી. થૉમસ મણિ ભારતીય સેનાની મદ્રાસ રેજિમેન્ટમાં ઉત્તમ તરવૈયા હતા અને બાળપણમાં જ તેમણે સાજીને પેરિયાર નદીમાં તરતાં શીખવ્યું હતું. સાજીનો જન્મ આશરે ૧૯૬૩-’૬૪ની આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે અને ૨૦૨૬ મુજબ તેમની ઉંમર લગભગ ૬૨ વર્ષ છે. તેમની પત્ની જીજી ગૃહિણી છે, જ્યારે તેમનાં બે સંતાનો મેરિન અને જેરિન છે. સાજીના જીવનમાં મોટો વળાંક ૨૦૦૭માં આવ્યો જ્યારે થટ્ટેકડ ખાતે સ્કૂલના પ્રવાસ દરમ્યાન બોટ-દુર્ઘટનામાં ૧૫ બાળકો સહિત અનેક લોકોનાં મૃત્યુ થયાં. ત્યાર બાદ ૨૦૦૯ની અન્ય જળ-દુર્ઘટનાઓએ પણ તેમને ઊંડો આઘાત પહોંચાડ્યો. તેમને લાગ્યું કે જો લોકોને તરતાં આવડતું હોત તો અનેક જીવ બચી શક્યા હોત. એટલે પાણીમાં ડૂબવાને કારણે અવારનવાર આવતા નિર્દોષ લોકોના મોતના સમાચારે તેમને વિહવળ કરી નાખ્યા હતા. આ પરિસ્થિતિને બદલાવાના વિચાર સાથે તેમણે ૨૦૧૦માં સૌથી પહેલાં પોતાનાં બાળકો અને નજીકનાં સગાંસંબંધીઓને પેરિયાર નદીમાં તરવાની તાલીમ આપવાનું શરૂ કર્યું. આ નાનકડી શરૂઆત જ આગળ જઈને હજારો લોકોને જીવનરક્ષક કૌશલ શીખવનારી ‘વલાસ્સેરીલ રિવર સ્વિમિંગ ક્લબ’માં પરિવર્તિત થઈ.
રિવર યુનિવર્સિટી કઈ રીતે?
‘મન કી બાત’માં નરેન્દ્ર મોદીએ એવી સ્કૂલનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યાં બેન્ચ કે ચાર દીવાલ નથી. જ્યાં દરેક ઉંમરના લોકો, બાળકોથી માંડીને વડીલો, વરિષ્ઠ નાગરિકો એકસાથે એક જ પ્રકારની શિક્ષા લે છે. આવી શરૂઆતે લોકોનું ધ્યાન ખેંચ્યું કે વડા પ્રધાન આ કોઈ પ્રાચીન શિક્ષણવ્યવસ્થા વિશે તો વાત નથી કરી રહ્યાને? પણ તેઓ વાત કરી રહ્યા હતા રિવર યુનિવર્સિટીની એટલે કે જ્યાં દરેક ઉંમરના લોકો નદીમાં એકસાથે તરવાની તાલીમ લે છે. સાજી વલાસ્સેરીલનું નામ આવ્યું ત્યારે કેરલમના લોકોમાં તો ઉત્સાહ હતો જ, હવે ભારતભરનાં રાજ્યોમાં પણ આ નામ જાણીતું બન્યું છે. ‘રિવર યુનિવર્સિટી’ એ કોઈ સત્તાવાર નામ નથી, પરંતુ સાજી વલાસ્સેરીલની અનોખી તાલીમ-પદ્ધતિને લોકો દ્વારા આપવામાં આવેલું લોકપ્રિય ઉપનામ છે. પેરિયાર નદી જ તેમનો વર્ગખંડ છે જ્યાં ઉંમર, જાતિ, ધર્મ કે શૈક્ષણિક પૃષ્ઠભૂમિના ભેદ વગર હજારો લોકો જીવનરક્ષક કૌશલ શીખવા આવે છે. શરૂઆતમાં માત્ર પોતાનાં સંતાનોને તરતાં શીખવ્યું. પછી તેમના મિત્રોનાં બાળકો જોડાયાં. ત્યાર બાદ પાડોશનાં બાળકો આવવા લાગ્યાં. થોડા જ સમયમાં મોઢે-મોઢે વાત ફેલાઈ અને નદીના કિનારે દરરોજ નવા શીખનારાઓ ઉમેરાવા લાગ્યા. આ વધતા પ્રવાહ વચ્ચે સાજીએ તાલીમના દરેક તબક્કાને સ્કૂલનાં ધોરણોની જેમ નામ આપ્યાં - ‘પ્રી કેજી’થી શરૂઆત કરીને ‘LKG’, ‘UKG’, ‘હાઈ સ્કૂલ’, ‘પ્લસ’ અને અંતે ‘PhD’ સુધી. નદી પાર કરવાની ક્ષમતા મેળવવી જાણે અંતિમ ડિગ્રી સમાન ગણાય છે. અહીં માત્ર તરવાની ટેક્નિક જ નહીં; પાણીનો ભય દૂર કરવો, નદીના પ્રવાહને સમજવો, આપત્તિ સમયે શાંતિથી નિર્ણય લેવો અને અન્યનો જીવ બચાવવાની સમજ પણ આપવામાં આવે છે. વર્ષો દરમ્યાન અનેક વિદ્યાર્થીઓ તાલીમ પૂરી કર્યા પછી સ્વયંસેવક શિક્ષક તરીકે પાછા ફર્યા છે જેને કારણે આ પહેલ એક ખુલ્લી, સતત ચાલતી શૈક્ષણિક વ્યવસ્થા જેવી બની ગઈ છે. નદીના કિનારે ચાલતી આ અનોખી ‘જીવનશાળા’ને કારણે જ સ્થાનિક લોકો અને મીડિયા એને પ્રેમથી ‘રિવર યુનિવર્સિટી’ તરીકે ઓળખાવે છે.
જળસુરક્ષા વિશે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે
અમુક ઘટનાઓએ સાજી વલાસ્સેરીલને પેરિયાર નદીના કિનારે મિશન શરૂ કરવા માટે પ્રેરિત કરી દીધા. જોકે કેરલમની ગંભીર વાસ્તવિકતા એ છે કે માત્ર ૨૦૨૪ દરમ્યાન કેરલમમાં વિવિધ જળાશયોમાં ડૂબી જવાથી ૫૨૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ૭૭ બાળકોનો સમાવેશ થતો હતો. આ આંકડાઓ સાજી અને તેમની ટીમ માટે માત્ર સંખ્યાઓ નથી, દરેક આંકડો એક પરિવારની કરુણ યાદ અને એક અટકાવી શકાય એવી દુર્ઘટનાનું પ્રતીક છે. તેથી જ તેઓ હવે સ્વિમિંગની તાલીમ સાથે જળસુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનું પણ એટલું જ મહત્ત્વનું માને છે. આ હેતુસર તેમની ટીમે નદીના કિનારાની બહાર નીકળીને જાહેર સ્થળોએ અભિયાન શરૂ કર્યું છે. પેરિયાર નદીના કિનારે લોકો નિઃશુલ્ક તરણકળા શીખે છે. આ કળા શોખ કરતાં પણ વધારે જીવનજરૂરિયાતની કળા બની ગઈ છે. જીવ બચાવવા માટે તરતાં શીખવામાં ૧૬ દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ બીજાનો જીવ બચાવવા માટે તરતાં શીખવામાં થોડો સમય લાગે છે. હા, એક વાર તમે તરવામાં નિપુણ થઈ જાઓ એટલે તમારે અચૂકપણે એક અઠવાડિયું અહીં વૉલન્ટિયર તરીકે કામ કરવું અનિવાર્ય છે. જે સમાજ તમને આપી રહ્યો છે એને તમારે યોગદાન આપવું જરૂરી છે એવો સિદ્ધાંત પણ અપનાવાયો છે.
જેમ જેમ લોકો વધતા ગયા એમ સાજીએ તરણની તાલીમના દરેક તબક્કાને સ્કૂલનાં ધોરણોની જેમ નામ આપ્યાં - ‘પ્રી-કેજી’થી શરૂઆત કરીને ‘LKG’, ‘UKG’, ‘હાઈ સ્કૂલ’, ‘પ્લસ ટૂ’ અને અંતે ‘PhDડી’ સુધી. એક વાર વ્યક્તિ તરણકળા શીખી જાય એટલે સમાજને યોગદાનરૂપે એક અઠવાડિયું અચૂક વૉલન્ટિયર તરીકે અહીં સ્વિમિંગ શીખવવા આવવાનું.

આસિમ વેલિમન્નાની કહાની ખાસ સ્થાન ધરાવે છે. દિવ્યાંગ કાર્યકર અને પ્રેરણાદાયી વક્તા તરીકે ઓળખાતા આસિમ માટે તરવું માત્ર એક કૌશલ નહોતું, પોતાની મર્યાદાઓને પડકારવાનો એક માર્ગ હતો. આસિમે નદીનો એક કિનારો છોડીને બીજા કિનારે પગ મૂક્યો. લોકો આ કહાનીથી દંગ રહી જાય છે.
કેરલમના અલુવાના સાજી વલાસ્સેરીલે પેરિયાર નદીના કિનારે નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ દ્વારા ૧૫,૦૦૦થી વધુ લોકોને તરતાં શીખવ્યું છે.
અશક્ય લાગતું સ્વિમિંગ શક્ય બન્યું
આ તરણશાળામાં હજારો સફળતાની કહાનીઓ છે. પાણીમાં જવાનો ભય દૂર કરવો સામાન્ય લોકો માટે બહુ મોટી વાત હોય છે. દિવ્યાંગો તો કદાચ પાણીમાં પગ મૂકતાં પણ ડરે. અહીં એવી ઘણી પ્રેરણાદાયક કહાનીઓએ આકાર લીધો છે જેમાં આસિમ વેલિમન્નાની કહાની ખાસ સ્થાન ધરાવે છે. દિવ્યાંગ કાર્યકર અને પ્રેરણાદાયી વક્તા તરીકે ઓળખાતા આસિમ માટે તરવું માત્ર એક કૌશલ જ નહોતું, પોતાની મર્યાદાઓને પડકારવાનો એક માર્ગ હતો. જોકે તેનાં માતા-પિતા સ્વાભાવિક રીતે જ ચિંતિત હતાં. સાજીએ ઉતાવળ કરી નહીં. લગભગ બે વર્ષ સુધી તેમણે ધીરજપૂર્વક પરિવારનો વિશ્વાસ જીત્યો અને સમજાવ્યું કે આસિમ પણ સુરક્ષિત રીતે તરતાં શીખી શકે છે. આખરે જ્યારે તાલીમ શરૂ થઈ ત્યારે સાજીનો હેતુ માત્ર આસિમને પાણીમાં ટકી રહેતાં શીખવવાનો નહોતો. તેમણે તેને આખી નદી પાર કરવાની ક્ષમતા સુધી પહોંચાડ્યો. આસિમે જ્યારે પહેલી વાર નદીનો એક કિનારો છોડીને બીજા કિનારે પગ મૂક્યો ત્યારે એ ક્ષણ માત્ર તેની વ્યક્તિગત જીત નહોતી, અસંભવ મનાતી શક્યતાઓ પરનો વિશ્વાસ પણ હતો. સાજી વલાસ્સેરીલ કેવી રીતે આસિમને તરતાં શીખવે છે એનો વિડિયો જોઈને તમે દંગ રહી જશો. પેરિયાર નદીના કિનારે આવી અનેક સિદ્ધિઓ જન્મી છે. સાજીના માર્ગદર્શન હેઠળ તાલીમ લેનારા એક બાળતરવૈયાએ તો સૌથી લાંબી સોલો ઓપન-સી સ્વિમ પૂરી કરીને એશિયન બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. જોકે અહીં સિદ્ધિઓનો અર્થ માત્ર રેકૉર્ડ કે મેડલ નથી. દરરોજ વહેલી સવારે સાડાપાંચ વાગ્યે નદીના કિનારે એક અનોખું દૃશ્ય સર્જાય છે. બાળકો, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો સાથે મળીને દિવસની શરૂઆત કરે છે. સાજી કસરત અને સ્ટ્રેચિંગથી શરૂઆત કરે છે, પરંતુ તેમની તાલીમ માત્ર ટેક્નિક સુધી સીમિત નથી. રમૂજી પ્રવૃત્તિઓ, નાનકડી વાર્તાઓ અને હાસ્યથી ભરપૂર વાતાવરણ વચ્ચે બાળકો અજાણતાં જ પાણી સાથે મિત્રતા બાંધતાં જાય છે. સુરક્ષાના પાઠ પણ અહીં ભારરૂપ લાગતા નથી, આનંદનો જ એક ભાગ બની જાય છે. કદાચ એ જ કારણ છે કે લોકો અહીં માત્ર તરતા શીખવા માટે નથી આવતા, ફરી-ફરીને પાછા આવે છે.
