Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક એવા દુહાની વાત જે જીવનનો આખો ગૂગલમૅપ દેખાડી દે

એક એવા દુહાની વાત જે જીવનનો આખો ગૂગલમૅપ દેખાડી દે

Published : 22 June, 2026 02:30 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

કેટલાક દુહા દીવા જેવા તો કેટલાક દીવાદાંડી જેવા હોય. કેટલાક દુહા માનવજાતને પડકારે છે તો કેટલાક શબ્દોની ચાબુકથી ફટકારે છે. દુહો સમાજજીવનના સત્યનો પડઘો છે, પણ આ દુહાની વાત જરાક જુદી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઘણી વાર ખંડકાવ્યથી પણ સ્પષ્ટ ન થાય એ વાત બે લીટીના દુહામાં હૃદયસોંસરવી ઊતરી જાય છે. જીવનનાં કેટલાંક સનાતન સત્યો લોકબોલીમાં કલા સ્વરૂપે સંગ્રહિત અને લોકહૈયે અંકિત છે. કેટલાક દુહાઓના છેલ્લા હરણમાં શામળા, ભૂધરા, વિઠ્ઠલા, માનડા, વેરડા કે કાગડા જેવા શબ્દો દુહાના માકર્મની સાખ પૂરે છે; પરંતુ ઝાઝા ભાગના દુહાઓ અકર્તાભાવે આલેખાયા કે એ કોણે લખ્યા એ આજે પણ સુભાષચંદ્ર કે શાસ્ત્રીજીના મૃત્યુની જેમ એક રહસ્ય છે. આ દુહાઓમાં જીવનનાં અપ્રતિમ સત્યો કંડારાયેલાં છે. કોઈને ભલે જૂની લાગે, પરંતુ માણસને ખરા અર્થમાં માણસ બનાવવાની એક આખી રાવિક પ્રોસેસ દુહાઓમાં લખાયેલી છે. કેટલાક દુહા દીવા જેવા તો કેટલાક દીવાદાંડી જેવા હોય, કેટલાક દુહા માનવજાતને પડકારે છે તો કેટલાક શબ્દોની ચાબુકથી ફટકારે છે. દુહો સમાજજીવનના સત્યનો પડઘો છે. એવો જ એક ઓછો પ્રચલિત દુહો ‘દુહો રમો વેદ’ નામના પુસ્તકમાં સ્વ. તખતદાનભાઈ અલગારીએ નોંધ્યો છે...

કૂટ ક્રોધ શિશુ મુકુર પ્રિયા, સ્વજન નિશા દુ:ખ ફાગ હોત સયાને બાવરે, નવે ઠોર ચિત્ત લાગ દુહાના પ્રથમ ચરણમાં દર્શાવેલી ૯ વસ્તુઓ જગતમાં એવી છે જે સજ્જન અને શાલીન વ્યક્તિને પણ ગાંડીઘેલી કરી મૂકવા સક્ષમ છે.



કૂટ : નાર્કોટિકસ, નશો કે વ્યસન; કોઈ પણ વ્યક્તિને ઘૂંટણિયે પાડવા જેને વસ્તુની મહોબ્બતની નહીં પરંતુ મહોતાજીની ભાષા છે. તમારી જાતને એકાદ નાનકડા વ્યસન પાસે ગિરવી મૂકીને પછી તમે કરોડોના સોદા પાડો એ બધા નિરર્થક છે. વ્યસન કરવું જ હોય તો ઘરનાં તમામ સ્ત્રીપાત્રોની પૂરી પરમિશન મળે એ વ્યસન કરો.


ક્રોધ : ગુસ્સો હંમેશાં અન્ય વ્યક્તિ પર આવે છે અને અહમ્ હંમેશાં પોતાના પર આવે છે. ક્રોધ કરતી વખતે અગર કોઈ તમારો ફોટો પાડે તો જ તમને સમજાય કે ગુસ્સામાં તમે કેવા કુરૂપ લાગો છો. ક્રોધનું કેન્દ્રબિંદ કે કારણ વ્યક્તિ પ્રમાણે અલગ-અલગ હોય છે. આપણાં શાસ્ત્રો પ્રમાણે મહાદેવનો ક્રોધ સૃષ્ટિ માટે પ્રલયકારી છે. ઍક્ચ્યુઅલી મહાદેવના એક્ઝામ્પલથી ઋષિમુનિઓ માનવજાતને મેસેજ આપવા માગે છે કે ક્રોધ સમગ્ર સૃષ્ટિને નથી. ક્રોધ પરના કન્ટ્રોલનું ક્યાંય રિમોટ કન્ટ્રોલ મળતું નથી. નહીંતર દુનિયાભરની જેલ ખાલીખમ હોત અને જગત આખાનો ક્રાઇમરેટ ઝીરો હોત.

શિશુ : બાળકને રમાડતી વખતે પ્રત્યેક વ્યક્તિ ઘેલી થઈ જાય છે. જિલ્લા-કલેક્ટર કે કૅબિનેટ મિનિસ્ટરને તેમના પાંચ વરસના દીકરા કે દીકરી કે પૌત્ર પાસે ઘોડો-ઘોડો થવું જ પડે છે. શિશુને રમાડવા માટે ઘણી વાર બુદ્ધિશાળી પણ બાવરા બની જતા હોય છે.


મુકુર : દર્પણ કે અરીસા સામે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઊભી હોય છે ત્યારે તે ગાંડાં કાઢ્યા વિના રહેતી નથી. આપણા અધ્યાત્મમાં જાતને દ્રષ્ટાભાવે જોવાની વાત કહી છે, પરંતુ આપણે તો અરીસાથી આગળ જ નથી વધ્યા. આ સુંદર અને માંસલ દેહ પણ એક દિવસ રાખ થઈ જવાનો છે. આવો વિચાર અરીસા સામે ઊભા હોઈએ ત્યારે દૂર-દૂર સુધી નથી આવતો. અરીસામાં આંખોનાં કૂંડાળાં નજીકથી જોનારા આપણા સૌ માટે જીવનનાં કૂંડાળાં પ્રદર્શિત કરે એવા સ્પેશ્યલ અરીસા બનાવવા ન જોઈએ?

પ્રિયા : પોતાના પ્રિય પાત્રને જ્યારે તકલીફ પડે છે ત્યારે ભલભલા સંયમ ખોઈ બેસે છે. બૉલીવુડની ૯૫ ટકા ફિલ્મોનો આ મધ્યવર્તી વિચાર હોય છે.
‘મુગલ-એ-આઝમ’માં અનારકલી પોતાના પ્રિય પાત્ર માટે ભીંતમાં ચણાઈ જાય છે. પોરહાવાળાની પત્ની પિયુના એક વચને પૂરમાં તણાઈ જાય છે તો શેક્સપિયરના હીરો હેમ્લેટની ઓલ્ફિયા પ્રેમ ખાતર ગૂંગળાઈ મરે છે. ભલે આવાં હજારો ઉદાહરણ સૅડ એન્ડના વિશ્વસાહિત્યમાંથી મળે છે; પરંતુ પ્રિય પાત્રને મેળવવા, રાજી કરવા, રીઝવવા કે મુક્ત કરવા ઇતિહાસ સર્જાયા છે અને ક્યારેક વેડફાયા પણ!

સ્વજન : સ્વજન મુશ્કેલીમાં મુકાય ત્યારે ડાહ્યો અને સજ્જન પણ ઘાંઘો થઈ જાય છે. એક્સપર્ટમાં એક્સપર્ટ ડૉક્ટર પણ પોતાના સ્વજનનું ઑપરેશન કરતાં અચકાય છે, હાઈ કોર્ટનો વકીલ પણ પોતાની દીકરીના ડિવૉર્સનો કેસ બીજા પાસે લડાવે છે તેમ જ શિક્ષકનાં સંતાનોને ટ્યુશનમાં બીજે મોકલવાં પડે છે. આટલા દાખલા કાફી નથી? સ્વજનની પીડા વખતે સજ્જનતા સાતમા પાતાળ રસાતળ થઈ જાય છે.

નિશા : રાત પડે ત્યારે અચ્છા-અચ્છા લોકોની મતિ ભમી જાય છે. ચંદ્રને આપણે મામા કહીને બોલાવીએ છીએ, જ્યારે સૂર્યને દાદા કહીએ છીએ. દાદાની હાજરીમાં દીકરાથી સહેજ પણ આઘુંપાછું થવાય નહીં, મામા પાસે બધાં લાડ કરી શકાય. જગતભરનાં ઝાઝા ભાગનાં અનિષ્ટ કૃત્યોનો અંજામ રાત આપે છે. નિશા કેટલાયની બુદ્ધિ ભ્રષ્ટ કરવા સક્ષમ છે.

દુખ : જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં દુ:ખનો ડુંગર તૂટી પડે છે ત્યારે તે સાનભાન ગુમાવી દે છે. નહીંતર ગાંધારી જેવી જ્ઞાની સ્ત્રી સ્વયં નારાયણને શાપ દે ખરી? શ્રવણ જેવા શ્રેષ્ઠ સંતાનનાં માતા-પિતા રાજા દશરથને શાપ આપે ખરાં? દુઃખ જ્યારે જીવનમાં આવે ત્યારે દરેકને અસહ્ય લાગે છે; પરંતુ યાદ રાખજો કે ઈશ્વર ગજાબારું સુખ પ્રદાન કરે છે, ગજાબારું દુખ નથી આપતો.

ફાગ : ફાગણ પ્રેમમાં પાગલ કરી દે એવી રસભરી ઋતુ છે. જેની પાસે પણ ફરકવાની રજામંદી ન હોય તેના ગાલ સુધી પહોંચવાની ફાગણ પરવાનગી આપે છે. રંગે રમવામાં કે રંગ ઉડાડવામાં કેટલાય લોકો સૂધબૂધ ખોઈને બાવરા બની જાય છે.

લોકસાહિત્યનો આ ડૅશિંગ દુહો જૂનો છે એમ છતાં અત્યારે નવેનવ ક્ષેત્રની વાતને એવરગ્રીન રીતે સાર્થક કરે છે. લોકસાહિત્ય લેટેસ્ટ જીવનનો ગૂગલમૅપ બતાડી શકે એમ છે.

જો કોઈને જોવો હોય તો!

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 02:30 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK