Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વહે છે નદી, તેથી નિર્મલ રહે છે

વહે છે નદી, તેથી નિર્મલ રહે છે

Published : 22 June, 2026 02:34 PM | IST | Mumbai
Hiten Anandpara

સ્વજન દૂર હોય છતાં તેની યાદ આપણી ભીતર ધબકતી રહે. સ્વજન કે અંગત મિત્રની કાયમી વિદાય પછી પણ એની સાથે વિતાવેલી ક્ષણો અવારનવાર આંખ સામે તરવરતી રહે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


જીવન ચલને કા નામ. ગતિ જીવનનું સ્વરૂપ છે. સ્થિર હોઈએ ત્યારે પણ ગતિ હોઈ શકે છે. ગતિ માત્ર શારીરિક અર્થમાં જ નથી હોતી. આરામખુરસી પર બેઠાં-બેઠાં પણ આપણે દૂર-દેશાવર માનસિક સફર કરી શકીએ છીએ. શરીરને સક્રિય રાખવા એને પ્રવૃત્ત રાખવું પડે. તબીબી વિજ્ઞાન કહે છે કે મગજને જેટલા પડકારો આપો એટલું એ સાબદું રહે. મનોચિકિત્સક મુકુલ ચોકસીની પંક્તિઓ સાથે ડૂબકી મારીએ...

એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે



જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે


જળ લખું તોનેવચ્ચે ભલે અંતર રહે

જળ થકી મળતા અનુભવનું તો એક સ્તર રહે


સ્વજન દૂર હોય છતાં તેની યાદ આપણી ભીતર ધબકતી રહે. સ્વજન કે અંગત મિત્રની કાયમી વિદાય પછી પણ એની સાથે વિતાવેલી ક્ષણો અવારનવાર આંખ સામે તરવરતી રહે. તાજેતરમાં વાર્તાકાર રાજુ પટેલને આપણે ગુમાવ્યા. વાર્તા-સર્જન અને વાર્તા-પ્રસારની ધૂણી ધખાવી બેઠેલા રાજુ પટેલે `વારેવા’ સામયિક દ્વારા અનેક લોકોને વાર્તાના કસબ સાથે જોડ્યા. અકાળે અવસાન અનેક ભાવિ યોજનાઓ પર પૂર્ણવિરામ મૂકી દે ત્યારે એક સનાતન સત્ય સામે આવીને ઊભું રહે છે. કમલ પાલનપુરી એને આલેખે છે...

થોડો સમય પડાવ છે, કાયમ નહીં રહે

ક્ષણભરનો લગાવ છે, કાયમ નહીં રહે

પ્રગટાવ દીવડો પછી અજવાસ આવશે

અંધારનો પ્રભાવ છે, કાયમ નહીં રહે

આપણું અસ્તિત્વ શ્વાસ લેવાથી ટકે છે પણ આપણી ઓળખ આપણાં કામો થકી સર્જાય છે. પોતાની ક્ષમતા મુજબ નાનકડું યોગદાન પણ મહત્ત્વનું છે. બધા કંઈ ઈલૉન મસ્કની જેમ છલાંગ નથી મારી શકતા. સ્પેસઅૅક્સ કંપનીના લિસ્ટિંગ સાથે મસ્કની નેટ વર્થ લગભગ ૧૬૦ દેશોની GDPથી પણ વધી ગઈ. મુંબઈની AC બસમાં બાર રૂપિયાની ટિકિટ લઈને વિહરતા આપણે પૃથ્વીની બહાર મંગળ પર વસાહત ઊભી કરવાની મંછા રાખતા મસ્ક વિશે વિસ્મિત થઈએ એ સ્વાભાવિક છે. વાસ્તવિકતા એ છે કે સફળતા પાછળ નિષ્ફળતા છુપાયેલી હોય છે. એક સમયે મસ્કની કંપનીઓ દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતી. કરસનદાસ લુહાર આ ઉતારચડાવ આલેખે છે...

જે વિજયને બાનમાં રાખી ઊભો છે

પરાજય આપણી વચ્ચે રહે છે

આપણી વચ્ચે કશું હોતું નથી-નો

ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે

જય અને પરાજયના દાવા વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની પ્રબળ સંભાવનાઓ વચ્ચે બંને પક્ષે પ્રબળ શંકા-કુશંકા પણ પ્રવર્તે છે. ઈરાનને અમેરિકા પર વિશ્વાસ નથી. ઇઝરાયલને ઈરાન પર વિશ્વાસ નથી. દાવા-દલીલ ચાલતાં રહેવાને કારણે નક્કર પરિણામ આવવામાં ખાસ્સો વિલંબ થયો છે. ઘનશ્યામ ત્રિવેદી આ દ્વિધા વ્યક્ત કરે છે...

શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે

હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે

વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને

ભાવના-સંભાવનામાં જાત અટવાતી રહે

રાજકારણમાં વાયદાઓ કાં તો ફોક કરવા માટે ફેંકાતા હોય છે અથવા દેશની તિજોરી ખાલી કરવા માટે અપાતા હોય છે. કેટલાંય રાજ્યો પાસે વિકાસકાર્યો માટે પૂરતું ભંડોળ બચતું નથી. શું કારણ? રેવડી કલ્ચર. વધુ પડતી રાહત અને ખેરાત આફતની એંધાણી છે. રાજ્ય ચલાવવા માટે આદર્શ અને આયોજન બંનેનો સમન્વય કરવો પડે. અન્યથા જયંત પરમાર કહે છે એવો અફસોસ બહુ દૂર નથી...

આંખમાં ભીંજાયલી કોઈક ક્ષણ બાકી રહે

ક્યાંક કોઈ શેરમાં તારું સ્મરણ બાકી રહે

લાગણીની સૂકી ડાળે ફૂલ ક્યાંથી આવશે

હસ્તરેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે

ચડતી-પડતીના ચક્ર વચ્ચે મરીઝની આ શીખ સાંભળવા જેવી છે...

જ્યારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે

મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે

નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર

સુખની શી વાત? દુઃખ અહીં કાયમ નહીં રહે

લાસ્ટ લાઇન

વહે છે નદી, તેથી નિર્મલ રહે છે

અમસ્તી અમસ્તી છલોછલ રહે છે

કરે જેઓ યાત્રાઓ મંગળ પહોંચવા

પૂછો એને, હૈયામાં મંગલ રહે છે?

શિશુવયની વ્યાખ્યા સમેટાતી ચાલી

હવે ક્યાં સુધી બાળ નિશ્છલ રહે છે!

બેચેન આંખોનું કારણ પૂછો.

નજર જેણે આપી, ઓઝલ રહે છે

સમસ્યાને ઝંઝોડો, ને હચમચાવો

સમસ્યાની આગોશમાં હલ રહે છે

મળ્યું શાણપણ આખરે એટલું કે

સ્વીકારું છું, મારામાં પાગલ રહે છે

સભાઓ ગજાવે છે શાયર સાચું

લખે કૈંક ત્યારે એકલ રહે છે

રઈશ મનીઆર

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 02:34 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK